પ્રજાસત્તાક દિવસની પરેડ તમે જોઈ જ હશે, પરંતુ આ પરેડમાં કેટલીક ખાસિયત પણ રહેલી છે, પરંતુ તેના તરફ લોકોનું ધ્યાન બહુ ઓછું જાય છે. જેમ કે, સૈન્ય પરેડમાં પોતાના ધ્વજ લઈને ભાગ લે છે અને સેલ્યૂટ પણ વિશેષ રીતે કરે છે. આપણા સૈન્ય સાથે જોડાયેલી આ બંને બાબતોને તમારે ચોક્કસપણે જાણવી જોઈએ


શૌર્યના પ્રતીક એવા આ ધ્વજોને તમે ઓળખો છો?

કર્તવ્યપથ પર દર વર્ષે 26 જાન્યુઆરીએ પરેડ યોજાય છે. જેમાં દેશની સંસ્કૃતિ, વિરાસત અને શૌર્યની ઝાંખીઓ જોવા મળે છે. પરેડમાં આકાશ મિસાઈલ, અર્જુન ટેન્ક જેવાં ઘાતક હથિયારોએ દેશનું ગૌરવ વધાર્યું છે. આ દિવસે આપણા સૈન્યની ત્રણેય પાંખો એટલે કે એરફોર્સ, આર્મી અને નેવી દ્વારા પોતાના સાહસ અને શૌર્યનું પ્રદર્શન કરે છે. દરેક શસસ્ત્ર બળ પોતાના ઝંડા (ધ્વજ)ને આકાશને સ્પર્શ કરવો હોય તેમ ઊંચે લહેરાવીને પોતાનો દમ દુનિયાને બતાવે છે. આ ધ્વજ જ આપણા શૌર્યનાં પ્રતીક છે. જોકે સશસ્ત્ર બળોના ધ્વજ અલગ અલગ છે. તમે તેને ન ઓળખતા હો તો ઓળખી લો.

આર્મી

ભારતીય આર્મી સશસ્ત્ર બળોની સૌથી મોટી શાખા છે. તેનો ધ્વજ લાલ રંગનો છે જેમાં ડાબી બાજુની તરફ ઉપર તિરંગો છે અને જમણી બાજુ થલ સેનાનું પ્રતીક ચિહ્ન છે. આર્મીનું ખૂબ જ સુંદર ધ્યેયવાક્ય છે - `સેવા પરમો ધર્મઃ' જેનો અર્થ થાય છે સેવા જ પરમ ધર્મ છે.

એસએસબી - સશસ્ત્ર સીમાબળ : આ બળ નેપાળ અને ભૂટાન સાથે જોડાયેલી દેશના સીમાડાઓ પર તહેનાત છે. તેની સ્થાપના ઈ.સ. 1963માં ભારત-ચીન યુદ્ધ પછી કરવામાં આવી હતી. તેનો ધ્વજ લાલ રંગનો છે જેમાં વચ્ચે પ્રતીક ચિહ્ન છે અને ધ્યેયવાક્ય છે - `સેવા-સુરક્ષા-બંધુત્વ'

બીએસએફ - સીમા સુરક્ષા દળ : બીએસએફની સ્થાપના ઈ.સ. 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી પાકિસ્તાન અને બાંગ્લાદેશની સીમા પર તહેનાત કરવામાં આવી હતી. તેનો ધ્વજ ઘાટ્ટા લાલ અને નીલા રંગનો છે જેમાં વચ્ચોવચ તેનું પ્રતીક ચિહ્ન અંકિત છે અને નીચે ધ્યેયવાક્ય લખ્યું છે - `જીવનપર્યંત કર્તવ્ય'

નેવી

વર્ષ 2022માં જ ભારતીય નેવી એટલે કે નૌસેનાએ નવા ધ્વજને અપનાવ્યો છે. આ ધ્વજ સફેદ રંગનો છે જેમાં એક તરફ તિરંગો છે અને બીજી તરફ નૌસેનાના પ્રતીક ચિહ્ન તરીકે નીલા રંગ પર અશોકસ્તંભ અંકિત છે. જેમાં નીચે લખ્યું છે. `શં નો વરુણઃ' જેનો અર્થ થાય છે કે જળના દેવતા વરુણ અમારા માટે મંગળકારી રહે.

એનએસજી- રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ : આ ધ્વજને ઈ.સ. 1984ના ઓપરેશન બ્લૂસ્ટાર પછી અપનાવાયો છે. આ ધ્વજ કાળા રંગનો છે જેમાં વચ્ચોવચ એનએસજીનું પ્રતીક ચિહ્ન છે અને તેમાં નીચે લખ્યું છે- `સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા'

ઇન્ડિયન આર્મ્ડ ફોર્સિસ : સશસ્ત્ર બળમાં આર્મી, નેવી અને એરફોર્સનો સમાવેશ થાય છે. ઇન્ડિયન આર્મ્ડ ફોર્સિસનો ધ્વજ લાલ, ઘાટ્ટો નીલો અને આસમાની નીલા રંગનો છે જે ત્રણેય સેનાને પ્રદર્શિત કરે છે. ધ્વજની વચ્ચે ત્રણેય સેનાઓનાં પ્રતીક ચિહ્ન અંકિત છે.

એરફોર્સ

ભારતીય વાયુસેનાનો ધ્વજ આસમાની નીલા રંગનો છે. તેમાં પણ એક તરફ તિરંગો છે અને બીજી તરફ વાયુસેનાનું પ્રતીક ચિહ્ન છે. આ ડિઝાઈનને ઈ.સ. 1933માં પહેલી વાર અપનાવવામાં આવી હતી અને તે અત્યાર સુધીમાં ચાર વાર બદલાઈ ચૂકી છે.

આર્મી સેલ્યૂટ : ઇન્ડિયન આર્મીની સેલ્યૂટ આખી હથેળી બતાવીને કરવામાં આવે છે. સેલ્યૂટ કરતી વખતે હાથનો પૂરો પંજો સામેની તરફ ખુલ્લો બતાવવામાં આવે છે. આમાં બધી આંગળીઓ ખુલ્લી રહે છે અને અંગૂઠો માથા અને આઈબ્રોની વચ્ચે રહે છે. આર્મી સેલ્યૂટ ભરોસાનું પ્રતીક છે અને તે સાબિત કરે છે કે સૈનિક કોઈ પણ પ્રકારની દુર્ભાવના વગર સલામી આપી રહ્યો છે અને તેની પાસે કોઈ હથિયાર છુપાવેલું નથી.

એરફોર્સ સેલ્યૂટ : ઇન્ડિયન એરફોર્સની સેલ્યૂટ પહેલાં આર્મી જેવી જ હતી, પરંતુ વર્ષ 2006માં એરફોર્સે પોતાના જવાનો માટે સેલ્યૂટની નવી રીત નક્કી કરી. નેવી સેલ્યૂટ દરમિયાન હાથ અને જમીન વચ્ચે 45 ડિગ્રીનો એટલે કે કાટખૂણો બનાવે છે. સેલ્યૂટ કરતી વખતે વાયુસેના આકાશ તરફ પોતાનાં પગલાંને દર્શાવે છે.

નેવી સેલ્યૂટ : ઇન્ડિયન નેવીની સેલ્યૂટ માં હથેળી દેખાતી નથી. હાથ સંપૂર્ણપણે નીચેની તરફ વળેલો હોય છે. આ સેલ્યૂટમાં અંગૂઠો કપાળ અને આઈબ્રોની વચ્ચે રહે છે. જહાજ પર કામ કરનારા સૈનિકોના હાથ હંમેશાં કોઈ કારણસર ગંદા રહે છે. આવી સ્થિતિમાં સિનિયર્સનો અનાદર ન થાય તે માટે હથેળીને જમીન તરફ કરીને સલામી આપવામાં આવવા લાગી.

બંધારણ પર હસ્તાક્ષર

ઈ.સ. 1950માં ભારતના બંધારણ પર ભારતના સર્વપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ હસ્તાક્ષર કર્યા હતા. આ તસવીર અત્યંત દુર્લભ ગણવામાં આવે છે

પરેડમાં આશરે 3000 સૈન્યબળ

દિલ્હીમાં 26 જાન્યુઆરી, 1950માં પહેલી પ્રજાસત્તાક દિવસે પરેડ, ઇર્વિન સ્ટેડિયમમાં યોજાઈ હતી. પહેલી પરેડમાં આશરે 3000 સૈન્યબળ તથા 100 એરક્રાફ્ટે ભાગ લીધો હતો. 1950-1954ની વચ્ચે દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસનો સમારંભ ક્યારેક ઇર્વિન સ્ટેડિયમ આજનું નેશનલ સ્ટેડિયમ, કિંગ્સવે કેમ્પ, લાલ કિલ્લામાં તો ક્યારેક રામલીલા મેદાનમાં યોજવામાં આવ્યો

  • Follow us on: