કેક દિવસ પહેલા એફ-વન રેસિંગનો બાદશાહ માઇકલ શૂમાકર કોમામાંથી બહાર આવ્યો છે અને તેણે ગણતરીના અંગત પરિવારજનોની વચ્ચે પોતાની પુત્રીના મેરેજમાં હાજરી આપી હતી.
માલોર્કા, સ્વિર્ટ્ઝલૅન્ડ સહિત વિદેશના કેટલાક અખબારોમાં આ સમાચાર હેડલાઇન બની ગયા હતા પરંતુ વાસ્તવિકતા એ છે કે શૂમાકર ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે અને તે પોતાના પુત્ર સાથે આંખના ઇશારાથી વાતચીત કરી શકે છે. માઇકલ શૂમાકર એક એવું નામ છે જેને ક્રિકેટમાં સચિન તેંડુલકરની જેમ રેસિંગમાં ભગવાન તરીકે માનવામાં આવે છે. રેસિંગ ટ્રેક ઉપર તેનો એટલો બધો ખોફ હતો કે તે જે રેસમાં ભાગ લેતો હતો ત્યારે અન્ય રેસર્સ પોતે હારેલા છે તેવો અહેસાસ અનુભવતા હતા. કારકિર્દીમાં સાત વખત એફ-1 ચેમ્પિયનશિપ જીતી ચૂકેલો શૂમાકરે 2004ની સિઝનમાં ફાસ્ટેસ્ટ 10 લેપ્સનો જે રેકોર્ડ નોંધાવ્યો હતો તે આજે પણ અકબંધ રહ્યો છે. એફ-1 ગ્રાન્ડ પ્રિક્સમાં 91 વખત પોલ પોઝિશન હોલ્ડ કરનાર શૂમાકર સાથે એક એવો અકસ્માત થયો કે તેની પૂરી જિંદગી બદલાઈ ગઈ છે. એક સમયે લોકોની ભીડમાં રહેનાર શૂમાકર આજે ગુમનામીમાં સમય પસાર કરી રહ્યો છે. રેસિંગ દુનિયાના બેતાજ બાદશાહ ગણાતા શૂમાકરને પ્રમોશન તથા જાહેરખબરોના કરોડો રૂપિયા મળતા હતા પરંતુ તે પોતાનો મોટા ભાગનો સમય પરિવાર સાથે પસાર કરતો હતો. 2013માં પણ તે પરિવાર સાથે રજાઓનો આનંદ માણી રહ્યો હતો.
ફ્રાન્સના ફ્રેન્ચ આલ્પ્સ સિટીમાં શૂમાકર પોતાના પુત્ર સાથે સ્કીઇંગ કરી રહ્યો હતો અને આ દરમિયાન તેનું બેલેન્સ બગડયું હતું અને એક મોટી શિલા જોડે તે ટકરાયો હતો. હેલ્મેટ પહેરી હોવા છતાં તેના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઈજાઓ એટલી બધી ગંભીર હતી તે તેના મગજમાં અનેક વખત સર્જરી કરાવવી પડી હતી. તેનો પરિવાર પાણીની જેમ કરોડો રૂપિયા ખર્ચ કરી ચૂક્યું છે. શૂમાકર કોમામાં સરકી ગયો હતો અને વિશ્વ સ્તબ્ધ થયું હતું. રેસિંગની દુનિયાનો એક સ્ટાર ધીમે ધીમે ફેન્સથી દૂર જઈ રહ્યો હતો. તબીબોએ પણ આશા છોડી દીધી હતી પરંતુ ઈશ્વરની યોજના મુજબ તે ધીમે ધીમે રિકવરી મેળવી રહ્યો હતો. સમય બદલાતા પરિવાર સિંગાપુર પરત ફર્યો હતો અને વિશાળ બંગલામાં જ હોસ્પિટલ ઊભી કરી દીધી હતી. માત્ર મેડિકલ સ્ટાફ શૂમાકર પાસે રહેતો હતો અને તેમને પણ કોઈ પણ પ્રકારની માહિતી મીડિયામાં કે કોઈ અન્યને નહીં આપવાની તાકીદ કરી હતી. પરિવારે સમયાંતરે શૂમાકરના હેલ્થ અંગે અપડેટ આપ્યા હતા.
છેલ્લા અહેવાલો મુજબ શૂમાકર સ્વસ્થ છે પરંતુ તેણે રેસિંગના ઝાકમઝાળ દુનિયાથી પોતાને અલગ કરી દીધો છે. હવે તે કોઈ મીડિયા હાઉસમાં ચર્ચાનો વિષય પણ બનતો નથી. જોકે રેસિંગ ટ્રેક ઉપર કોઈ પણ ચેમ્પિયનશિપ હોય પરંતુ આજે પણ શૂમાકરનું નામ ઘણા આદર સાથે લેવામાં આવે છે. અત્યાર સુધી શૂમાકરની શાનદાર કારકિર્દી અંગે ચર્ચા થઈ પરંતુ તે બાળપણથી ઓવર સ્પીડિંગ કારનો મોટો ફેન હતો. 1969માં જન્મેલો શૂમાકર છ વર્ષની વયે 1975માં જ રેસ ટ્રેક ઉપર ઊતર્યો હતો. નાની વયના કારણે તેણે રેસમાં ભાગ લેવાની મંજૂરી આપી નહોતી. ઘણી કાનૂની લડત અને મહેનત બાદ શૂમાકરે આખરે પોતાનું સ્વપ્ન પૂરું કર્યું હતું અને વિશ્વના સર્વશ્રોષ્ઠ રેસર તરીકેનું સન્માન મેળવ્યું હતું.
શૂમાકરે 2006માં રેસિંગની દુનિયાને અલવિદા કરી દીધી હતી. અને તેણે જાહેરાત કરી ત્યારે આ સમાચાર એટલા મોટા હતા કે મોટી મોટી ઓઇલ કંપનીઓ લાંબા સમય સુધી શૂમાકરને રેસ ટ્રેક ઉપર પાછા ફરવા માટે આજીજી કરતી રહી હતી પરંતુ તે માન્યો નહોતો. આખરે શૂમાકરે પોતાના સમર્થકોના આગ્રહને માન આપીને ચાર વર્ષ બાદ 2010માં રેસિંગમાં પુનરાગમન કર્યું હતું પરંતુ તે સફળ રહ્યો નહોતો. આ બાબતથી કોઈને ફરક પડયો નહોતો કારણ કે તે હારીને પણ જીતી ગયો હતો. તેના સમર્થકો શૂમાકરના પુનરાગમનને જ મોટી સફળતા તરીકે માનતા હતા. શૂમાકર જ્યારે પ્રેક્ટિસ કરતો હતો ત્યારે કલાકો સુધી તેને રોકવાની કોઈ હિંમત કરી શકતું નહોતું. શૂમાકર પણ કહેતો હતો કે તેને ટ્રેકનો નશો છે અને જ્યાં સુધી ટાયર્સના બળવાની ગંધ ના સૂંઘે ત્યાં સુધી તેને ઊંઘ આવતી નહોતી પરંતુ હવે એ જ રેસર એન્જિનની રેવ, ટાયર બર્નની ગંધ અને સ્ટેન્ડ્સના શોરબકોરથી દૂર ક્યાંક ગુમનામીમાં ખોવાઈ ગયો છે. એક સમયે વિશ્વના પ્રત્યેક ખૂણામાં લોકપ્રિય બનેલો આ ચહેરો અત્યારે કોઈ ખૂણામાં ખોવાઈ ગયો છે.