રાતના સમયે લગ્નની પહેલી જ રાતે ચિક્કાર શરાબ પીને આવેલા ધનરાજના પગ લથડિયાં ખાય છે. તે એ જ હાલતમાં બેડરૂમમાં પ્રવેશે છે. તેને નીચે પડી જતાં અનાહિતા બચાવી લે છે. તે અનાહિતાને કહે છે: `યસ...આઈ એમ ડ્રંક'


અનાહિતા જબરદસ્ત આઘાત અનુભવે છે.

ધનરાજના ચહેરા પર જબરદસ્ત નશો છે, તે બેડરૂમના સોફા પર પડતું નાંખે છે.

અનાહિતા તેની સામે ઊભી રહીને પૂછે છે: `આ શું કરીને આવ્યો છે? લગ્ન કરતાં અગાઉ મેં તને શરત મૂકી હતી કે દારૂ પીનાર પુરુષ મને પસંદ નથી...તેં પણ હા પાડી હતી કે તું દારૂ પીતો નથી...આજે પહેલી જ રાતે દારૂ પીને આવ્યો. તને તો ખબર છેને કે દારૂ પીનાર માણસ મને પસંદ નથી.'

ધનરાજ બોલે છે: `હું માણસ નથી, તારો હસબન્ડ છું. હવે તું મારી વાઇફ છે.'

અનાહિતા કડક સ્વરે પૂછે છે: `ક્યાં ગયો હતો તું? તેં દારૂ પીધો જ કેમ? ક્યાં ગયો હતો? બારમાં ગયો હતો?'

ધનરાજ ઊંચા સ્વરે બોલે છે: `ડોન્ટ આસ્ક મી ધેટ ક્વેશ્ચન.'

`કેમ ન પૂછું?'

હવે હું તારી વાઇફ છું. તું તો કહેતો હતો કે જગમોહન શેઠ સાથે તારી બિઝનેસ મિટિંગ છે. આજે સોદો ન થાય તો કરોડોનો નફો જતો રહે તેમ છે. ડીલ કરવા ગયો હતો કે દારૂ પીવા?

ધનરાજ પણ ઊંચા અવાજે બોલે છે: `ડીલ કરતી વખતે કેટલીક વાર સામેવાળી પાર્ટી સાથે દારૂ પણ પીવો પડે છે, સમજી? બિઝનેસ એ મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે. અને પૈસા કમાવા માટે મારે છૂટછાટ પણ લેવી પડે.'

`પણ ધાર કે તારે રોજ આ પ્રકારની ડ્રિંક્સ સાથેની જ બિઝનેસ મિટિંગ હોય તો રોજ આવું કરીશ?'

ધનરાજ બોલ્યો: `હા...હું રોજ આવું કરી શકું છું...ધેટ્સ ધ વે આઈ લીવ માય લાઇફ એન્ડ ડુ માય બિઝનેસ.'

`પણ લગ્નની પહેલી રાતે જ તેં આવું કેમ કર્યું? હું તો કેટલી હોંશથી તારી રાહ જોતી હતી?'

ધનરાજ બે હાથ સોફા પર મૂકી માંડમાંડ ઊભો થયો. તે બોલ્યો: `હું ડિનર કરીને આવ્યો છું. હવે હું બાથરૂમમાં જાઉં છું. ચેન્જ કરીને આવું છું તારે ઊંઘી જવાનું નથી.'

ધનરાજ લથડિયાં ખાતો ખાતો બાથરૂમમાં જાય છે. અનાહિતા આઘાત સાથે તેને જોઈ રહે છે. એક ભારે નિસાસા સાથે તે પલંગમાં પડતું નાંખે છે. પલંગમાં ઓશિકા પર મોં દબાવી રડે છે, પણ એના રુદનને સાંભળનાર દીવાલો પણ આજે સ્તબ્ધ છે.

000

બહાર એક ભયાનક ચિત્કાર સાથે ચીબરી બોલે છે. કેટલીક વાર બાદ ધનરાજ ડ્રેસ ચેન્જ કરીને બહાર આવે છે પણ તે આવે તે પહેલાં અનાહિતાએ બેડરૂમની બધી જ લાઈટો બંધ કરી દીધી હોય છે. ધનરાજ તેને જગાડવાનો પ્રયાસ કરે છે પણ અનાહિતા એક જ વાક્ય બોલે છે: `ડોન્ટ ટચ મી...'

ધનરાજ અનાહિતાને મનાવવા ખૂબ કોશિશ કરે છે પરંતુ અનાહિતા અવળું ફરીને સૂઈ જાય છે.

000

સવાર પડી ગઈ છે.

મુંબઈ શહેર તો વહેલી સવારથી જ સળવળાટ શરૂ કરી દે છે. દારૂના નશામાં ઊંઘી ગયેલો ધનરાજ આંખો ખોલે છે પણ પલંગમાં બાજુમાં અનાહિતા નથી. તે બૂમ પાડે છે: `અ...ના...હિ...તા...' પણ કોઈ પ્રતિભાવ મળતો નથી.

ધનરાજ ઊભો થઈ બાથરૂમમાં જઈ જુએ છે પણ બાથરૂમમાં પણ અનાહિતા નથી.

તે સીધો ડ્રોઇંગરૂમમાં આવીને સર્વન્ટને પૂછે છે: `તારાં મેડમ ક્યાં છે?'

સર્વન્ટ કહે છે: `સર, એ તો રાત્રે જ ઘરની બહાર નીકળી ગયાં હતાં. જાતે જ કાર ચલાવીને ક્યાંક જતાં રહ્યાં હતાં. મેં તેમને પૂછ્યું પણ મેડમે કોઈ જવાબ આપ્યો નહીં. હજુ પાછાં આવ્યાં નથી.'

ધનરાજ સોફા પર બેસીને તેના મોબાઇલથી અનાહિતાને ફોન જોડે છે પરંતુ રીંગ વાગે છે પણ અનાહિતા ફોન ઉપાડતી નથી. ધનરાજ બોલે છે: `ફોન ઉપાડ અનાહિતા...ફોન ઉપાડ પ્લીઝ!'

પરંતુ અનાહિતા ફોન ઉપાડતી નથી. નો રિપ્લાય આવે છે. ધનરાજ સર્વન્ટને કહે છે: `ઠીક છે, તું મારી ચા બનાવી બેડરૂમમાં આપી જા.'

`ઓ.કે.સર...'

ધનરાજ પૂછે છે: `તારાં અનાહિતા મેડમ મારી પ્રાઇવેટ ઓફિસમાં તો ગયાં નથીને.'

`ના...સર'

ધનરાજ બોલ્યો: `તો ઠીક છે. મારી ચા મોકલ અને સાંભળ સવારે નવ વાગ્યે મારો પર્સનલ સેક્રેટરી વિનય અને મારી પી.એ. અનન્યા આવશે. તેમને મારી પ્રાઇવેટ ઓફિસમાં જઈ બાકીનું કામ પતાવવાનું કહેજે...મારે નહાવા જવું છે.'

સર્વન્ટ કહે છે: `ઓ.કે.સર.'

000

સવારના બરાબર નવના ટકોરે પહેલાં અનન્યા આવે છે અને થોડી જ વારમાં વિનય પણ આવે છે. બંને ધનરાજ સરની પ્રાઇવેટ ઓફિસમાં જઈ પોતપોતાનાં ટેબલ પર બેસી ફાઈલો જોવાનું કામ શરૂ કરે છે. ધનરાજની હોમ ઓફિસ ઘણી વિશાળ છે. 20 ફૂટ ઊંચી તો સીલિંગ છે. એક ઊંચા પ્લેટફોર્મ પર ભવ્ય ખુરશી છે. દીવાલો પર અજંતા-ઈલોરાનાં ચિત્રો લગાડેલાં છે. એક ખૂણામાં રોમથી લાવેલી દેવી વિનસની આરસની શિલ્પકૃતિ મૂકેલી છે. ટેબલ પર એક લેન્ડલાઈન ફોન પણ છે.

અનન્યા અને વિનયની ખુરશીઓ ને ટેબલ બાજુબાજુમાં જ છે. તેમના ધનરાજ સર આવે તે પહેલાં તેઓ બંને હળવી વાતો કરતાં હોય છે.

વિનય બોલ્યો: `અનન્યા, આજે તું બહુ બ્યુટીફૂલ લાગે છે.'

અનન્યા બોલે છે: `હું બ્યુટીફૂલ છું એટલે બ્યુટીફૂલ લાગું છું. તેમાં તેં નવું શું કહ્યું?'

વિનય બોલ્યો: `પણ તું મારા માટે કેમ કાંઈ કહેતી નથી. હું કેવો લાગું છું.'

એક્ઝિક્યુટિવ ડ્રેસમાં બેઠેલી અનન્યા કહે છે: `તું કેવો લાગે છે તે પ્રશ્ન તારી ગર્લફ્રેન્ડને પૂછજે...મને નહીં.'

`કેમ તને નહીં?'

`હું તારી કલિગ છું, ગર્લફ્રેન્ડ નહીં.'

`તો તું કોની ગર્લફ્રેન્ડ છે?'

અનન્યા કૃત્રિમ ગુસ્સો કરીને બોલી: `ડોન્ટ આસ્ક મી ધેટ ક્વેશ્ચન. ઈટ્સ ટુ પર્સનલ અ ક્વેશ્ચન.'

વિનય બોલ્યો: `છતાં કહે તો ખરી, તારો કોઈ બોયફ્રેન્ડ છે?'

`તું તો નથી જ.': અનન્યા સહેજ હસીને કહેતાં ઉમેરે છે: `ધનરાજ સરને કહીં દઉં કે તું મારા બોયફ્રેન્ડ વિશે પૂછતો હતો? બોસને ખબર પડશે તો તારી નોકરી જશે.'

વિનય કહે છેઃ `અરે, આપણે કલિગ છીએ. હું તો જસ્ટ જોક કરતો હતો.'

અનન્યા સહેજ ગંભીર થતા કહે છે: `મારી સાથે આવી જોક કરવાની નહીં. જે રીતે તું બોસનો એડમિનિસ્ટ્રેટિવ સેક્રેટરી છે તે રીતે હું પણ બોસની પર્સનલ સેક્રેટરી છું.'

વિનય કહે છે: `સારું...હવે થોડા દિવસ પછી તારો બર્થ ડે આવે છે. બોલ, એક કલિગ તરીકે તને શું ભેટ આપું, તને કયું પરફ્યૂમ ગમે છે?'

`મને ઈન્ટિમેટ પરફ્યૂમ ગમે છે. હું રોજ એ જ લગાડીને આવું છું. મારા ડ્રોઅરમાં પણ ઈન્ટિમેટ જ રાખું છું. તારે મને ગિફ્ટ આપવી હોય તો ઈન્ટિમેટ પરફ્યૂમ જ લાવજે, મને ગમશે...બોલ ગમ્યું?'

વિનય હસીને કહે છે: `હા...બહુ જ.'

અનન્યા વાત કરતી હોય છે તે વખતે જ ધનરાજ તેની પ્રાઈવેટ ઓફિસમાં પ્રવેશે છે. વિનય અને અનન્યા ઊભાં થઈને એક સાથે બોલે છે: `ગૂડ મોર્નિંગ સર.'

ધનરાજ બંનેને કહે છે. `ગૂડ મોર્નિંગ.'

ધનરાજ તેની ભવ્ય ખુરશીમાં બેસે છે. વિનય અને અનન્યા તેની સામે ઊભાં રહે છે. ધનરાજ પૂછે છે: `વિનય, હોમ મિનિસ્ટર સાથે મારી એપોઈન્ટમેન્ટ ફિક્સ થઈ કે નહીં?'

વિનય બોલ્યોઃ `થઈ ગઈ છે સર. આજે રાત્રે આઠ વાગ્યે આપે તેમના બંગલે જવાનું છે.'

ધનરાજ બોલ્યો: `ડૉ.શર્મા ક્યાં છે?' વિનય બોલ્યો: `આવતા જ હશે સર?'

`અને મુસ્તફા?'

`મુસ્તફા ધારાવી ગયો છે. પેલી જગમોહન શેઠની જમીન પર થોડાંક ઝૂંપડાં છે તેનો નિકાલ કરવા ગયો છે.'

ધનરાજ બોલે છે: `મારા ડ્રાઇવર કાલીચરણને કહી દે કે બોરીવલીની જમીનનું મોટું પેમેન્ટ આવવાનું છે. મુસ્તફા પાછો આવે તે પછી તેને લઈને પાર્ટીના ઘેર જાય. મુસ્તફા પાર્ટીનું નામ-સરનામું જાણે છે. પેમેન્ટ આવી જાય પછી તે પેમેન્ટ અનન્યાને આપે દે. બાકીની સૂચના હું અનન્યાને આપીશ.'

`ઓ.કે.સર' ધનરાજ બોલે છે: `વિનય, 11 વાગ્યે તારે સચિવાલય જવાનું છે. ગઈ રાત્રે જ હું જગમોહન શેઠને મળ્યો હતો. તેમની પ્રોપર્ટી જે આપણે ખરીદી રહ્યા છીએ તેમાં કેટલાંક હર્ડલ્સ છે. તે ફાઈલનું શું થયું તેનો રિપોર્ટ તું મને સાંજે આપજે.'

`જી...સર.'

ધનરાજ બોલ્યો: `જગમોહન શેઠ બડો ચાલાક માણસ છે, હું તેના પર ભરોસો કરતો નથી.'

વિનય બોલ્યો: `ભરોસો કરવા જેવો માણસ પણ નથી. ધારાવી ખાતેની જે જમીન પર સ્કીમ મૂકી છે તે તેમના કારણે જ ક્લિયર થતી નથી. એ પ્રોપર્ટી આપણે લીધી ત્યારે રૂ.200 કરોડની હતી. એ પ્રોપર્ટીની બાજુમાં જ સરકાર એક મોટી હોસ્પિટલ બનાવવા માંગે છે. હવે તેની કિંમત રૂ. 400 કરોડની થઈ ગઈ છે. એટલે જ પડોશીઓ પાસે તેણે વાંધાઅરજીઓ કરાવી છે.'

ધનરાજ બોલ્યો: `કોઈ વાંધો નહીં ચાલે. સામ, દામ કે દંડથી હું તેને નીપટી લઈશ.'

અનન્યા બોલી: `સર, જગમોહન શેઠે આવતા શનિવારે એટલે કે બે દિવસ પછી એમના બંગલે પાર્ટી રાખી છે આપને પણ ઈન્વિટેશન છે, સર.'

ધનરાજ બોલ્યો: `સારું કર્યું મને યાદ કરાવ્યું: ચાલો, હવે તમે તમારું બાકીનું કામ પતાવો. અને...અરે, મારા ફ્રેન્ડ ડૉ.શર્મા હજુ સુધી કેમ ન આવ્યા?'

બરાબર એ જ વખતે ડૉ.શર્મા ધનરાજની ઓફિસમાં પ્રવેશતાં બોલે છે: `આપને બુલાયા ઔર હમ ચલેં આયે.'

ધનરાજ બોલ્યો: `આઈયે ડૉ.શર્મા આઈયે. મુઝે આપ કા હી ઈન્તજાર થા.'

ડૉ.શર્મા કહે છે: `અબ તો આપ કી શાદી ભી હો ગઈ હૈ. ઈન્તજાર અપની બીબી કા કિજીયે, મેરા નહીં. કહાં ગઈ ભાભીજી? આજ તો ભાભીજી કે હાથ કી ચાય પીની હૈં.'

ધનરાજ બોલ્યો: `સોરી ડૉક્ટર શર્મા? કલ રાત મૈં શરાબ પી કે ઘર આયા. વહ નારાજ હોકર કહીં ચલી ગઈ હૈ. અબ મુઝે ઉસે ઢુંઢના હૈ.'

ડૉ.શર્મા બોલ્યા: `ઓહ! શાદી હો તે હી ઝગડા શુરૂ હો ગયા? લેકિન મેં એક બાત કહું, સર! ભાભીજી બહોત અચ્છી હૈ.'

ધનરાજ વાત બદલતાં કહે છે: `ડૉ. શર્મા, ચલો મુઝે એક કામ સે બહાર જાના હૈ. આપ કી કંપની અચ્છી રહેગી.'

ડૉ.શર્મા કહે છે: `મૈં તૈયાર હૂં.'

ધનરાજ અનન્યાને કહે છે: `અનન્યા, તારાં ભાભીસાહેબ આવી જાય એટલે મને ફોન કરજે...એમનો ખ્યાલ રાખજે. અને સાંભળ...આજે રાત્રે નવ વાગ્યે હોમ મિનિસ્ટર સાથે એપોઇન્ટમેન્ટ છે. તારે પેલી ફાઇલ લઈને મિનિસ્ટરના બંગલે આવવાનું છે.'

અનન્યા બોલે છે: `ઓ.કે.સર....'

ધનરાજ બોલે છે: `અને એક મહત્ત્વની સૂચના પણ સાંભળી લે. મારા ગયા પછી તારાં ભાભીજીને સતત ફોન લગાવ. એમને કહે જલદી ઘેર આવી જાય. ટેક કેર ઓફ હર?'

 `ઓ.કે.સર.'

ધનરાજ અને ડૉ.શર્મા હોમ ઓફિસમાંથી બહાર નીકળે છે. ધનરાજ આજે જાતે જ કાર ડ્રાઇવ કરે છે. ડૉ.શર્મા તેની બાજુમાં બેઠેલા છે.

000

બપોર થઈ ગઈ છે. વિનય અને અનન્યા હોમ ઓફિસમાં બેઠાંબેઠાં ઓફિસનું કામ કરે છે. એટલામાં સર્વન્ટ આવીને કહે છે: `અનન્યા મેડમ, ભાભીજી આવી ગયાં છે.'

અનન્યા પૂછે છે: `ક્યાં છે, ભાભીજી?'

સર્વન્ટ કહે છે: `એમના બેડરૂમમાં.'

અનન્યા ઊભી થઈ હોમ ઓફિસમાંથી બહાર નીકળી ધનરાજના બેડરૂમ પાસે જાય છે. બેડરૂમનું બારણું બંધ છે. અનન્યા બારણું નોક કરે છે. થોડી જ વારમાં અનાહિતા બારણું બોલે છે. અનાહિતા બોલે છે: `અનન્યા...બોલ કેમ આવી?'

`હું અંદર આવું? અનન્યા બોલી.'

અનાહિતા બોલી: `હા...આવને...મારે પણ કોઈ વાત કરનારું જોઈએ છે. અંદર આવ, સોફા પર બેસ.'

અનન્યા સોફા પર બેસે છે. અનાહિતા તેના પલંગમાં ઓશિકાના સહારે બેસે છે. અનન્યા પૂછે છે: `ભાભીજી, હું તમારા માટે શું કરી શકું?'

અનાહિતા બોલી: `અનન્યા, ગઈ રાતથી હું બહુ જ ડિસ્ટર્બ છું.'

`શું થયું?'

અનાહિતા બોલી: `મને સાચો જવાબ આપજે અનન્યા...તારા સર રોજ રાત્રે દારૂ પીએ છે?'

અનન્યા મૌન રહી.

`કેમ કાંઈ બોલી નહીં...તું તો તારા ધનરાજ સરની પી.એ.છે, તું તો તેમના વિશે બધું જ જાણતી હોઈશ.'

અનન્યા સાવચેતીપૂર્વક મૌન રહી.


  • Follow us on: