રોગ કે વ્યાધિના પ્રકાર પાડવામાં આવે તો દાક્તરી વિદ્યામાં જે લખ્યું હોય તે પણ કોમનમેન માટે એમ કહી શકાય કે રોગ બે પ્રકારના હોય છે. સ્થૂળ- જે દેખાય એવા હોય અને સૂક્ષ્મ- જે વર્ણવવા પડે. દા.ત. કોઈને ઉધરસ થઈ હોય તો એ સ્થૂળ રોગ કહેવાય. એ ઉધરસ ખાય એટલે ખબર પડે જ કે એને ઉધરસ થઈ છે. અથવા તો તાવ આવ્યો હોય તો દર્દીને કપાળે હાથ લગાડવાથી કે થર્મોમીટર પર માપી શકાય પણ કોઈ એમ કહે કે એને પેટ કે માથું દુખે છે તો દુખાવાનું ઉધરસમાં હોય એવું સોલીડ લક્ષણ નથી હોતું કે જેથી એને ખરેખર દુખે છે એવું એના સિવાય બીજું કોઈ પણ કહી શકે. આવા દુખાવાની જાણ માત્ર અને માત્ર દર્દીને જ હોય છે. એટલે પેટ કે માથાનો દુખાવો સૂક્ષ્મ રોગની કક્ષામાં મૂકી શકાય.


એક નિર્દોષ વ્યાધિ છે `આંજણી'. આંજણી સ્થૂળ પ્રકારના રોગમાં આવે, કારણ કે એ નરી આંખે જોઈ શકાય. જગતમાં ઘણાંય એવાં હશે કે જેમને આંજણી કદી થઇ જ ન હોય. એટલે એમને આ ઉપાધિની ખબર જ ન પડે. આંજણી માટે ઉંમર, જાતિભેદ, ગરીબ-તવંગર જેવું કશું હોતું નથી. ગમે તેને થઈ શકે. ઘણાંબધાં રોગોની ભરમારમાં બિચારી આંજણી જરા neglected sector જેવી રહી ગઈ છે. જેને થઈ હોય તેય આંજણી મટી જાય એટલે એનું આસ્તિત્વ જ ભૂલી જાય. આંજણી નામ જ કેટલું શક્તિશાળી છે! આ નામમાં જો સંધિ છૂટી પાડો તો આંજ્ + અણી. આંખમાં કોઈ અણીદાર વસ્તુ આંજી હોય એવી વેદના કરાવનાર વ્યાધિ એટલે આંજણી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આ રોગ વિશે જેને થાય એને એ આર્થિક લાભ કરાવે એવી લોકવાયકા પરાપૂર્વ કાળથી ચાલી આવે છે. અમને પાક્કી ખાતરી છે કે જેમ રોતું છોકરું છાનું રાખવા માટે `હમણાં તને ચોકલેટ આપીશ હોંને' કે `સાંજે આપણે મેળામાં જઈશું'ની લાલચ કોઈ વાલી એના પાલ્યને આપે, બિલકુલ એવા જ પ્રકારની આ લાલચ કોઈ વાલીએ એના પાલ્યને આપી હશે અને પછી એ લોકોક્તિમાં વણાઈ ગઈ હશે. લાભની આશાએ બાપડો આંજણીધારક આંજણીનો પ્રકોપ સહન કરી લે. આંખ પર થતી નાનીઅમથી ફોડકી ભલભલા ચમરબંધીઓને રડાવી નાંખે એવી હોય. થાય એને જ ખબર પડે કે કેવી લાહ્ય બળે. વારે વારે ખંજવાળવાની અસહ્ય ઇચ્છા થાય પણ કેટકેટલો સંયમ રાખવો પડે. આંજણીને તો એટલી જ ખબર હોય છે કે એણે આંખ પર જ થવાનું છે. એ અબુધને આંખના ઉપરનાં પોપચાં પર થવાનું છે કે આંખની નીચેની પાંપણે સ્થાન ગ્રહણ કરવાનું છે એ વિશે સાનભાન હોતું નથી એટલે એ આંખનાં પોપચાં પર ગમે ત્યાં ફૂટી નીકળે. શરૂઆતમાં જરા જરા લાહ્ય બળે છે કે કંઈક ખૂંચે છે એવી લાગણી થાય એટલે આંજણીમાલિક વારેવારે આંખ પર હાથ લગાડે અથવા આંખ ધોઈને રાહત મેળવવાનો પ્રયત્ન કરે. પણ આંજણીએ માલિકને પરેશાન કરવાની હઠ સાથે જ અવતાર ધર્યો હોય એટલે થઈને જ રહે. આંજણીનું આયુષ્ય માંડ બે કે વધુમાં વધુ ત્રણ દિવસનું હોય છે પણ આટલા અલ્પાયુષ્યમાંય ધારકને તોબા પોકારાવી દે. જેવી આંજણી થાય કે જિતને મુંહ ઉતની બાત. જે જુએ એ આંજણી નાથવાનો અમોઘ ઉપાય બતાવે. પહેલાં તો `આંજણી બહુ લાભદાયી કહેવાય. નજીકના ભવિષ્યમાં તમને બહુ મોટો ફાયદો થવાનો લખી રાખો.' જેવાં વાક્યો સાંભળીને આપણને એમ થાય કે લાભ આંજણી નામના વાહન પર આવશે. જરા સારુંય લાગે પણ વળી પેલી આંજણી થકી ટાંકણી ભોંકાયા જેવી ફીલિંગ આવે. એટલે પાછા આંખ પર સરસ સફેદ, ગડી કરેલા રૂમાલમાં ફૂંક મારીને આંખ પર મૂકીએ.વળી કોઈ હિતેચ્છુ આંજણીમાં રાહત થાય એ માટે ઉપાય કહે."સાચ્ચા ચંદનનો સહેજ લેપ કરો. એક જ દિવસમાં આંજણી થઈ હતી એય યાદ નહીં રહે એવું ચકાચક થઈ જશે. ચંદન આપણે ત્યાં જ હતુંય ખરું પણ સુ છે કે દિવાળીમાં ઘણીબધી ડબલીની સર્જિકલ સ્ટ્રાઈક થઈ ગઈ તો આ ચંદનવાળી ડબલી મળવી જરા મુશ્કેલ છે." પછી સાચ્ચું ચંદન ક્યાં, કેવી રીતે મળશે એનીય માહિતી માથે મારે. આપણને એમ થાય કે સલાહને બદલે ચંદન આપો તો સારું ભઈસાબ. બધાં અલગ અલગ ઉપાયો જણાવે. નો ડાઉટ, બધાની ભાવના સારી હોય પણ આંખ બીજાની હોય!

ગોચર અગોચરમાં માનનારા જેમ સ્વપ્નાઓનો અર્થ કાઢી આપે એમ આંજણી કોને, કઈ આંખે, ઉપલા પોપચે કે નીચલા પોપચે થઈ એનું વિસ્તારપૂર્વક ફળકથન કરી આપતા હોય. આંજણી થવી એ શુકન કે લાભ ભલે કહેવાય પણ એ લાભનો લુત્ફ ઉઠાવતા પહેલાં તકલીફમાંથી પસાર થવું પડે છે. કવિને જો આંજણી સહન કરવાની આવી હોત તો જગતને `હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે... ' જેવી પંક્તિને બદલે `આંજણીના દર્દની તમને જરા જો કલ્પના આવે...' ટાઈપની પંક્તિ મળી શકી હોત. ત્યાં વાત પૂરી.

  • Follow us on: