રાજકોટમાં રોડ ઉપર કે ગેમ ઝોનમાં, અમદાવાદમાં બ્રિજ ઉપર, વડોદરામાં તળાવમાં, સુરતમાં ટ્યૂશન ક્લાસીસમાં અને ગુજરાતમાં જ્યાં જ્યાં દુર્ઘટનાઓ સર્જાય છે એમાં માણસની બેદરકારી, બેજવાબદારી, કામચોરી અને પોતે કરે એ સાચું જ કરે તે અભિમાનની ભાવના કારણભૂત હોય છે.
ટાઈટેનિક જહાજ ડૂબ્યું તે ઘટનાને આ એપ્રિલમાં એકસો તેર વર્ષ થયાં. ફિલ્મ સિવાય ટાઈટેનિકને લઈને આપણી જાણકારી થોડી ઓછી છે એવું જોવામાં આવ્યું છે. ટાઈટેનિક ફિલ્મમાં ટાઈટેનિક ડૂબવાની સિક્વન્સ આવી ત્યારે આપણે બધાએ ફિલ્મમાં જહાજના ડેક ઉપર મ્યુઝિશિયનના ગ્રૂપને જોયું. ટાઈટેનિક ડૂબવાનું શરૂ થયું તો પણ તેઓ મૃત્યુની ચંદ મિનિટો પહેલાં સંગીત વગાડી રહ્યા હતા. લોકોનો જે પણ સ્ટ્રેસ ઓછો થાય તે! પણ બોઈલર રૂમમાં કામ કરતા ઈજનેરો અને મજૂરોનું શું? તેઓને ખબર હતી કે પોતે વધુ સમય જીવી શકવાના નથી તો પણ પોતાનું કામ ન છોડ્યું, જેથી ટાઈટેનિકની લાઈટો ચાલુ રહી, જહાજ થોડો વધુ સમય તરી શક્યું અને એસઓએસના સંદેશ મોકલી શકાયા.
ટાઇટેનિકમાં ફક્ત 20 લાઇફબોટ હતી, જે લગભગ 1,100 લોકોને જ બચાવી શકે એમ હતી જ્યારે ટાઈટેનિકમાં 2,200 થી વધુ લોકો સવાર હતા. તેનાથી પણ ખરાબ વાત એ હતી કે ઘણી લાઇફબોટ અડધી ખાલી છોડી દેવામાં આવી હતી. `કરોડપતિઓની બોટ' તરીકે ઓળખાતી લાઇફબોટ નંબર 1માં ચાલીસ લોકો માટે જગ્યા હોવા છતાં ફક્ત 12 લોકો સાથે રવાના થઈ. કોસ્મો અને લ્યૂસી ડફ ગોર્ડન તેના પર સવાર હતા, જેમના પર પાછળથી બચી ગયેલા લોકોને બચાવવા માટે ક્રૂ સભ્યોને લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બીજી લાઇફબોટ નંબર 6 હતી, જેમાં માર્ગારેટ `મોલી' બ્રાઉન, વાસ્તવિક જીવનની `અનસિંકેબલ' નાયિકા હતી. તેમણે પોતાની લાઇફબોટમાં બેઠેલી મહિલાઓને પાણીમાં રહેલા લોકોને બચાવવા માટે હોડી ચલાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
એક જાપાની મુસાફર નામે માસાબુમી હોસોનો બચી ગયો હતો. આ જાપાનીઝ માટે બચી જવું તે શરમજનક વાત હતી. હોસોનો એકમાત્ર જાપાની મુસાફર હતો અને તે લાઇફબોટમાં ચઢવામાં સફળ રહ્યો, પરંતુ જાપાનમાં વહાણ સાથે ન મરવું એ અપમાનજનક માનવામાં આવતું હતું. તે જ્યારે પોતાના વતન પરત ફર્યો ત્યારે તેની ઉપર ફિટકાર વરસ્યો.
જ્યારે બચાવ જહાજો બે-ત્રણ દિવસ પછી સમુદ્રમાંથી મૃતદેહો એકત્રિત કરવા માટે પહોંચ્યા, ત્યારે મૃત્યુ પણ જાણે સામાજિક વર્ગને પ્રતિબિંબિત કરતું હતું. પ્રથમ વર્ગના મૃતદેહોને તેમના પરિવારોને પરત કરવામાં પ્રાથમિકતા આપવામાં આવી હતી. તેમને સાચવીને શબપેટીઓમાં મૂકવામાં આવ્યા હતા. બીજા અને ત્રીજા વર્ગના મુસાફરોના મૃતદેહોનું એવું ધ્યાન રાખવામાં આવ્યું ન હતું. તેમાંથી ઘણાને દરિયામાં દફનાવવામાં આવ્યા હતા અથવા સાદી કેનવાસ બેગમાં મૂકવામાં આવ્યા હતા.
1985માં સમુદ્રશાસ્ત્રી રોબર્ટ બેલાર્ડને ટાઇટેનિકનો કાટમાળ મળ્યો, જે સમુદ્ર સપાટીથી 12,500 ફૂટ નીચે હતો. તેમને અને તેમની ટીમને કેટલીક ભયાનક કલાકૃતિઓ મળી: બાળકોના જૂતાની એક જોડી, 2:20 વાગ્યે બંધ થઇ ગયેલી ખિસ્સા ઘડિયાળ, એક વાયોલિન કેસ વગેરે.
કાટમાળના વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે ટાઇટેનિકના હલમાં વપરાતું સ્ટીલ ઠંડા તાપમાનમાં બરડ થઈ ગયું છે. સ્ટીલ પ્લેટોને એકસાથે પકડી રાખતી રિવેટ્સ ખરાબ રીતે બનાવવામાં આવી હતી અને સરળતાથી છૂટી ગઈ હતી, જેના કારણે ઝડપથી પૂર આવ્યું. આજે અદ્યતન ઇમેજિંગ અને સબમર્સિબલ રોબોટ્સ કાટમાળનો અભ્યાસ કરવાનું ચાલુ રાખે છે, જે ખારા પાણી અને ધાતુ ખાનારા બેક્ટેરિયાને કારણે ધીમે ધીમે અદૃશ્ય થઈ રહ્યું છે.
ટાઈટેનિક તો ડૂબ્યું પણ તેની સાથે તેણે અનેક સમુદાયોને દુઃખમાં ડુબાડી દીધા. ઇંગ્લેન્ડના સાઉધમ્પ્ટનમાં, જ્યાં મોટાભાગના ક્રૂ સભ્યો હતા, 500થી વધુ પરિવારોએ એક સભ્ય ગુમાવ્યો હતો જેનો આર્થિક અને ભાવનાત્મક આઘાત પેઢીઓ સુધી રહ્યો.
મેસીના ડિપાર્ટમેન્ટલ સ્ટોરના માલિકો ઇસિડોર અને ઇડા સ્ટ્રોસની સૌથી હૃદયસ્પર્શી વાર્તાઓમાંની એક છે. જ્યારે ઇડાએ તેના પતિ સાથે રહેવા માટે લાઇફબોટમાં પોતાની સીટ છોડી દીધી, ત્યારે તેઓએ અલગ થવાનો ઇનકાર કર્યો. `અમે ઘણાં વર્ષોથી સાથે રહીએ છીએ. તમે જ્યાં જાઓ છો, હું પણ જાઉં છું,' તેણીએ જણાવ્યું હતું. બંને એકસાથે મૃત્યુ પામ્યાં. કાટમાળમાંથી પાછળથી એક લોકેટ મળી આવ્યું હતું, જે ઇડાનું હોવાનું માનવામાં આવતું હતું,
જેના પર તેના પ્રથમ અક્ષરો કોતરેલા હતા. ટાઇટેનિકની દુર્ઘટનાએ દરિયાઇ કાયદાઓને ફરીથી આકાર આપ્યો. બધા મુસાફરો માટે લાઇફબોટ ફરજિયાત બનાવવામાં આવી હતી. જહાજો પર 24 કલાક રેડિયો દેખરેખ રાખવી જરૂરી બની. હિમશિલાના જોખમ પર નજર રાખવા માટે આંતરરાષ્ટ્રીય આઇસ પેટ્રોલની સ્થાપના કરવામાં આવી હતી, તે સર્વિસ જે આજે પણ સક્રિય છે.
એક સદી કરતાં વધુ સમય વીતી ગયો. સમુદ્રમાં જહાજ ડૂબવાની કે કાર્ગો જહાજ ઊંધું થઇ જવાની દુર્ઘટનાઓ આપણે સાંભળી છે, પણ ટાઈટેનિકના સ્કેલ ઉપર હજુ સુધી એક પણ સમુદ્રી માનવસર્જિત દુર્ઘટના ઘટી નથી, કારણ કે નિયમો કડક થઇ ગયા છે ને સંકળાયેલા લોકો વધુ સજાગ થઇ ગયા છે. આજથી દાયકાઓ પહેલાં ટાઈટેનિકને અમેરિકા ઝડપથી પહોંચાડીને પત્રકારોને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં ઓવર સ્પીડિંગને કારણે સેંકડોએ જીવ ગુમાવ્યા હતા. આટલાં વર્ષો પછી પણ એવી જ મૂર્ખામી માણસો હજુ પણ કરી રહ્યા છે. અહંકાર અને પરિપક્વતાનો અભાવ જો તમારા સ્વજનમાં પણ હોય તો એ જોખમી માણસ છે એટલું સમજાય છેને?