આપણે અત્યારના સમયમાં ગોલ્ડી બરાર જેવા પંજાબી ગેંગસ્ટરથી પરિચિત છીએ કે જે કેનેડામાં રહીને આપણા દેશ ભારતમાં ગુનાને અંજામ આપે છે. કેનેડાની ધરતી પરથી ભારતમાં ખૂની ખેલ રમી શકતો હોય, તેવો ગોલ્ડી પહેલો વ્યક્તિ નથી. 1990ના દાયકામાં કેનેડાના ખૂબ જ જાણીતા શહેર વાનકુવરની શેરીઓમાં એક નામ ગુંજતું હતું, બિંદી જોહલ. ભૂપિન્દર સિંહ જોહલ કે જે બિંદી તરીકે જાણીતો હતો, તે એક એવો માણસ હતો કે જેણે ગુનાની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. ડ્રગ્સની હેરાફેરીથી લઈને સોપારી કિલિંગ સુધી તેનું જીવન હિંસા અને ડોમિનેશનની એ ખતરનાક વાર્તા હતું. ફક્ત 27 વર્ષની ઉંમરે નાઈટ ક્લબમાં થયેલી નાટકીય હત્યાએ તેની વાર્તામાં વધુ રહસ્ય ઉમેર્યું.

બિંદી જોહલનો જન્મ 14 જાન્યુઆરી, 1971ના રોજ ભારતના પંજાબમાં એક જાટ શીખ પરિવારમાં થયો હતો. ફક્ત ચાર વર્ષની ઉંમરે બિંદી જોહલ પોતાનાં માતા-પિતા સાથે કેનેડાના બ્રિટિશ કોલંબિયાના વાનકુવર ગયો. કેનેડા ગયા બાદ બિંદીનું જીવન સરળ ન રહ્યું, કારણ કે તેનાં માતા-પિતાના જીવનમાં અણબનાવ શરૂ થઈ ગયા અને થોડાક જ મહિનાઓમાં તેનાં માતા પિતા અલગ થઈ ગયાં. માતા-પિતાના ડિવોર્સ બાદ બિંદીની કસ્ટડી કોર્ટે તેની માતાને આપી. બિંદીનો ઉછેર તેની માતા દ્વારા થયો. બિંદીનો સ્વભાવ બાળપણથી જ ઉગ્ર હતો. તેને શિસ્ત પસંદ નહોતી અને તેનામાં બીજાઓ પ્રત્યે આદરનો અભાવ હતો. બિંદી નાનપણથી જ મારામારી માટે કુખ્યાત હતો. વાનકુવરની શેરીઓમાં રમતી વખતે તે અવારનવાર તેના મિત્રો સાથે મારામારી કરતો, પરંતુ તેની માતા પ્રત્યેના આદરભાવને કારણે સ્થાનિક લોકોએ ક્યારેય બિંદી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નહોતી કરી. આ સિલસિલો પણ આખરે તૂટ્યો અને બિંદીનું નામ એ ગુનેગાર તરીકે સરકારી ચોપડે નોંધાયું. એક દિવસ બિંદીએ પોતાની શાળાના વાઇસ-પ્રિન્સિપાલ પર હુમલો કર્યો અને આખરે તેને સર ચાર્લ્સ ટપર સેકન્ડરી સ્કૂલમાંથી હાંકી કાઢવામાં આવ્યો. આ ઘટના બાદ તેને 60 દિવસની જેલ પણ થઈ હતી.

આ તે સમય હતો જ્યારે બિંદીનો ગુનાની દુનિયામાં પહેલી વાર પરિચય થયો હતો. જેલમાં તે બાલ બુટ્ટર જેવા લોકોને મળ્યો, જે પાછળથી તેના સાથી બન્યા. આ લોકો સાથેની તેની મુલાકાત તેના જીવનમાં એક વળાંક સાબિત થઈ. જેલમાંથી બહાર નીકળ્યા બાદ બિંદી જોહલે કિશોરાવસ્થામાં જ સ્થાનિક ગેંગ સાથે જોડાવાનું શરૂ કર્યું. તેની બુદ્ધિમત્તા અને નિર્દયતાએ તેને ટૂંક સમયમાં જ ગુનાની દુનિયામાં મહત્ત્વપૂર્ણ સ્થાન અપાવ્યું. 1990ના દાયકાની શરૂઆતમાં તે પંજાબી માફિયાનો એક અગ્રણી સભ્ય બન્યો કે જે વાનકુવરમાં ડ્રગની હેરફેર, ખંડણી અને હિંસા માટે કુખ્યાત હતો.

કેનેડામાં કોકેન, હેરોઈન અને ગાંજાની દાણચોરીમાં પંજાબી માફિયાઓની મજબૂત પકડ હતી. બિંદી અને તેની ગેંગ વાનકુવર પોર્ટ પર આવતી ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલથી ભરેલી ટ્રકોને હાઇજેક કરવાનું કામ કરતા અને ત્યારબાદ તેને બ્લેક માર્કેટમાં વેચતા. એક જાહેર દસ્તાવેજ અનુસાર, ચોરીનો માલ વેચીને બિંદીની વાર્ષિક આવક આશરે 4 મિલિયન કેનેડિયન ડોલર હતી.

ગુનાની દુનિયામાં બિંદી જોહલની સૌથી મોટી છલાંગ ત્યારે લાગી જ્યારે તેણે દોસાંઝ ભાઈઓ, જિમી અને રોન સામે દુશ્મનાવટ કરી. દોસાંઝ ભાઈઓ લોસ ડાયબ્લોસ ગેંગના લીડર્સ હતા કે જે પાછળથી પંજાબી માફિયા તરીકે જાણીતા બન્યા. વર્ષ 1991માં જિમી દોસાંઝની કોલંબિયાના ડ્રગ તસ્કરની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ તકનો લાભ લઈને બિંદીએ પોતાની ગેંગ (બીસી ગેંગસ્ટર્સ)નું નેતૃત્વ પોતાના હાથમાં લઈ લીધું.

વર્ષ 1994માં જિમી દોસાંઝની હત્યા કરવામાં આવી હતી. ફરિયાદીઓના મતે જિમીએ 2,30,000 કેનેડિયન ડોલરમાં બિંદીને મારવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો, પરંતુ બિંદીએ પોતાને મારવા માટે આવેલા હત્યારાને પોતાની તરફ ફેરવી લીધો અને તેને જિમીને મારવા માટે વધુ પૈસા આપીને જિમીની હત્યા કરવાનું કહ્યું. 25 ફેબ્રુઆરી, 1994ના રોજ જિમીને ચોરાયેલા ઇલેક્ટ્રોનિક્સની તપાસ માટે એક ગલીમાં બોલાવવામાં આવ્યો કે જ્યાં તેની હત્યા તેના જ માણસો દ્વારા કરવામાં આવી.

જિમીની હત્યા થયા પછી તેના ભાઈ રોને જિમીના મોતનો બદલો લેવાનું નકી કર્યું. એપ્રિલ, 1994માં બિંદી અને રોને એક ટેલિવિઝન શો, સીટીવી ન્યૂઝ અવર પર એકબીજાને ધમકી આપી. બિંદીએ જિમી અંગે અભદ્ર શબ્દો કહ્યા અને કહ્યું કે, "મેં તેને રસ્તા પર જોયો છે, મને નથી લાગતું કે તે કાગળની થેલીમાંથી પણ બહાર નીકળી શકશે.'' રોને જવાબ આપ્યો, "બિંદી, હું અહીં જ છું. જો કોઈ મૂર્ખ છે, તો તે તું જ છે.'' બે અઠવાડિયાં પછી રોન દોસાંઝનું ધોળા દિવસે ડ્રાઇવિંગ કરતી વખતે ગોળીબારમાં મૃત્યુ થયું.

આ હત્યાઓએ વાનકુવરમાં ગેંગ વોરને વધુ વેગ આપ્યો. બિંદીની ક્રૂરતા અને મીડિયામાં તેની હાજરીએ તેને એક સેલિબ્રિટી ગેંગસ્ટર બનાવ્યો. તેની એક ખૂબ જ વાઇરલ થયેલી વીડિયો ક્લિપમાં તે લાલ કારમાં સવારી કરી રહ્યો છે. તેના પ્રતિસ્પર્ધીને ધમકી આપતાં કહે છે કે, "હું ઇચ્છું છું કે બધા જ લોકોને ખબર પડે કે એમના માટે હજી વધુ આવી રહ્યું છે.''

1995માં બિંદી જોહલની દોસાંઝ ભાઈઓની હત્યા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ ટ્રાયલ કેનેડિયન ઇતિહાસમાં સૌથી મોંઘા કેસોમાંનો એક હતો, કારણ કે તેમાં ઉચ્ચ સ્તરની સુરક્ષા ખૂબ જ જરૂરી હતી. સાત મહિના સુધી ચાલેલા આ કેસે કેનેડા અને ભારત સહિત સમગ્ર વિશ્વના સમગ્ર શીખ સમુદાયનું ધ્યાન ખેંચ્યું.

ટ્રાયલ દરમિયાન એવું બહાર આવ્યું કે બિંદીની ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી થતી સાપ્તાહિક આવક 5થી 9 લાખ કેનેડિયન ડોલરની વચ્ચે હતી. જોકે, પુરાવા હોવા છતાં બિંદી અને તેના સહઆરોપી પીટર ગિલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા, પરંતુ જ્યારે ખબર પડી કે કોર્ટ કાર્યવાહી કરનાર જ્યૂરી સભ્ય ગિલિયન ગેસની આરોપી પીટર ગિલ સાથે સાંઠગાંઠ હતી, ત્યારે ટ્રાયલ વધુ સનસનાટીભર્યો બની ગયો. જ્યૂરી મેમ્બર ગિલિયન ગેસને બાદમાં ન્યાયમાં અવરોધ લાવવા બદલ 18 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ નિર્દોષ છૂટવાથી બિંદીની અજેયતાની છબી વધુ મજબૂત બની. તે વાનકુવરની શેરીઓમાં વધુ નિર્ભય બન્યો અને તેનાં કાર્યો વધુ હિંસક બન્યાં.

20 ડિસેમ્બર, 1998ના રોજ બિંદી જોહલના જીવનનો હિંસક અંત આવ્યો. સવારે 4:30 વાગ્યે વાનકુવરના પેલેડિયમ નાઇટ ક્લબમાં તે ડાન્સ ફ્લોર પર ડાન્સ કરી રહ્યો હતો ત્યારે કોઈએ તેની પીઠમાં ગોળી ધરબી દીધી. ત્યાં 300થી વધુ લોકો હાજર હતા, પરંતુ હુમલાખોરને ઓળખવા માટે કોઈ આગળ આવ્યું નહીં. બિંદીને તાત્કાલિક વાનકુવર જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો કે જ્યાં ચાર કલાક પછી તેનું મૃત્યુ થયું.

પોલીસે લગભગ 20 સાક્ષીઓની પૂછપરછ કરી, પરંતુ ગોળીબાર બાદ ક્લબમાં થયેલી અંધાધૂંધીમાં હુમલાખોર ભાગી ગયો. આ હત્યા એટલી પ્રોફેશનલ હતી અને અત્યંત પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી કે કોઈ પુરાવા કે સુરાગ મળ્યા ન હતા. ચાર મહિના પહેલાં બિંદીના ઘણા સાથીદારોની પણ હત્યા કરવામાં આવી હતી કે જેનાથી સ્પષ્ટ થયું કે તે પણ એક નિશાન હતો.

વર્ષો પછી બિંદીના ભૂતપૂર્વ સાથીદાર બાલ બુટ્ટરે વર્ષ 2004માં એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું કે તેણે બિંદીની હત્યાનો આદેશ આપ્યો હતો. બુટ્ટરે દાવો કર્યો હતો કે તેને ડર હતો કે જો તે આમ નહીં કરે તો બિંદી તેને મારી નાખશે. જોકે, આ નિવેદન કરતી વખતે બાલ બુટ્ટરની લકવાગ્રસ્ત સ્થિતિને કારણે ક્યારેય તેના પર કાર્યવાહી કરવામાં આવી ન હતી.

બિંદી જોહલના મૃત્યુથી વાનકુવરના ગુનાહિત ઇતિહાસમાં એક યુગનો અંત આવ્યો, પરંતુ તેનો વારસો જીવંત છે. પંજાબી-શીખ સમુદાયમાં તેને એક જટિલ વ્યક્તિત્વ તરીકે જોવામાં આવે છે. કેટલાક લોકો તેને એક એવા હીરો તરીકે જુએ છે કે જે વંશીય ભેદભાવ અને જુલમ સામે ઊભો રહ્યો. તેની ભવ્ય જીવનશૈલી, જેમાં લક્ઝરી કાર, ખાનગી જેટ અને મોંઘી રિયલ એસ્ટેટનો સમાવેશ થતો હતો. તેણે ઘણા યુવાનોને આકર્ષ્યા.

જોકે, અન્ય લોકો તેને એક ખતરનાક ગુનેગાર માને છે, જેનાં કાર્યોથી સમુદાયમાં હિંસા અને ભય ફેલાયો હતો. સમાજશાસ્ત્રી મનજીત પાબલા દ્વારા લખાયેલ એક પેપર, "ધ લેગેસીઝ ઓફ બિંદી જોહલ: ધ કન્ટેમ્પરરી ફોક ડેવિલ ઔર સિમ્પેથેટિક હીરો''માં તેમણે સમજાવ્યું છે કે, કેવી રીતે બિંદીની વાર્તા જાતિવાદ, વર્ગદમન અને શીખ ઉગ્રવાદી ચળવળોના પ્રાદેશિક ઇતિહાસને પ્રતિબિંબિત કરે છે કે જે કેટલાક વંચિત યુવાનોને ગુના તરફ આકર્ષે છે.