આયુર્વેદના મહર્ષિ ચરકે પોતાના ગ્રંથમાં દસ-દસ વનસ્પતિના પચાસ વર્ગ પાડ્યા છે. તેમાં સૌથી પહેલો તે `જીવનીય વર્ગ'. આ વર્ગની દસે વનસ્પતિઓ જીવનને ટકાવી રાખનાર ગણાવાય છે. તે દસમાં મગનો પણ સમાવેશ થઈ જાય છે. જીવનને ટકાવી રાખનાર બધી ખાદ્ય ચીજોમાં આ દસ ચીજોને સૌથી ઉત્તમ કહી છે.

 ગુણધર્મો

મગનો છોડ એક વર્ષાયુ અને 45થી 120 સેમી. ઊંચાઈનો ભારતમાં બધે જ થાય છે. મગની સિંગ રૂછા રહિત, પાતળી અને લીલા રંગની હોય છે, જે પક્વ થતાં પણ લીલા રંગની જ રહે છે. મગ પચવામાં હળવા છે. મગનું ઓસામણ તો પચવામાં અત્યંત લઘુ (હળવું) છે. એટલે આપણે ત્યાં ઉપવાસ પછીનાં પારણાં મગના પાણીથી કરાવવામાં આવે છે.

મગમાં મધુર રસ પ્રધાન હોય છે અને સાથે તૂરા અને ઈષત્ કડવા રસથી પણ યુક્ત છે. મગ સ્વભાવે શીતળ અને અતિ પૌષ્ટિક હોય છે. મગ એ ત્રણે દોષોનું શમન કરનાર છે, પરંતુ વાત અને પિત્તથી થતા રોગોમાં તેનું વિશેષ મહત્ત્વ છે. મગ એ `ચક્ષુષ્ય' (આંખ માટે ખૂબ જ હિતકારી) છે. મગ રક્તસ્રાવ રોકનાર અને રક્તના વિકારો શાંત કરનાર છે. તે રક્તશોધક પણ છે.

બીજાં દ્વિદળી ધાન્યોની જેમ મગમાં પણ પ્રોટીનની માત્રા ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. તેમાં રહેલાં ક્ષાર તત્ત્વો મળ, મૂત્ર અને સ્વેદનું વહન કરતા માર્ગોને સ્વચ્છ રાખે છે. તેમાં વિટામિન એ, બી, ઈ અને ડી પણ રહેલાં છે.

સંગ્રહણી માટે ઉત્તમ

મગ એ જમવામાં રુચિ ઉત્પન્ન કરી જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર છે. મગના પાણી અને છાશ પર રહેવાથી જૂની સંગ્રહણી પણ મટે છે. મગ એ આંતરડાંનું પણ શોધન (શુદ્ધિ) કરે છે. એકલા મગ ઉપર રહેવાથી ભયંકર વાતરક્ત મટી ગયાનાં સેંકડો ઉદાહરણ નોંધાયાં છે. લોહીવા (રક્તપ્રદર)વાળી સ્ત્રીઓને આહારમાં તે ઉત્તમ છે. ઝાડા થયા હોય એમના માટે મગનો સૂપ ઉત્તમ આહાર અને ઔષધ સમાન છે.

મસા(પાઈલ્સ)વાળી વ્યક્તિઓ માટે મગ, છાશ, સૂરણ અને જીરું એ ઉત્તમ ખાદ્યદ્રવ્યો ગણાવાયાં છે. 20 પ્રકારના પ્રમેહ રોગો છે. તેમાં શુક્રમેહમાં મગનો આહાર ઉત્તમ છે. તાવ પછી અને શરીરની બળતરામાં પણ મગ ઉત્તમ છે. શીતપિત્ત એટલે કે શીળસમાં પણ તે હિતકારી છે. ક્ષય રોગમાં હિતાવહ આહારદ્રવ્યોમાનું એક ઉત્તમ આહારદ્રવ્ય મગ ગણાવાય છે. તે વાયુનું અનુલોમન કરે છે અને ગ્રાહી પણ છે.

મગનો સૂપ

પચવામાં મગનું ઓસામણ સૌથી હળવું છે. મગનો સૂપ પચવામાં ઓસામણથી સહેજ ભારે, મગની દાળ સૂપથી ભારે અને કોરી દાળ આ બધાથી ભારે ગણાય છે. આમ, મગને ઔષધ રૂપમાં યોજવા હોય તો રોગ, દોષ, પ્રકૃતિ વગેરે વિશે વિચારીને જઠરાગ્નિના બળને ધ્યાનમાં રાખી યોજવામાં આવે તો તે ઉત્તમ ઔષધની ગરજ સારે છે.