એસ્ટરોઈડ એટલે સાદી ગુજરાતીમાં લઘુગ્રહ. વૈજ્ઞાનિક અભ્યાસ જણાવે છે કે લઘુગ્રહો દર લાખ-બે લાખ વર્ષે પૃથ્વી સાથે ટકરાતા રહે છે. દક્ષિણ કોરિયાની બુસાન યુનિવર્સીટીના ‘IBS સેન્ટર ફોર ક્લાયમેટ ફિઝીક્સ - ICCP’ સાથે સંકળાયેલ સંશોધકોનું કહેવું છે કે આપણા પૂર્વજોએ આ પ્રકારની અથડામણો અનુભવી હશે. જેની અસર ઉત્ક્રાંતિ ઉપર પણ પડી હોઈ શકે.

સૂર્યમંડળમાં આવા લઘુગ્રહો કરોડોની સંખ્યામાં હોવાની સંભાવના છે. હોલીવુડે ‘ડીપ ઇમ્પેક્ટ’ અને ‘આર્માગેડન’ જેવી સાયન્સફિક્શન મુવીઝ દ્વારા પૃથ્વી પર આવા લઘુગ્રહો ખાબકવાની ઘટનાને જબરદસ્ત ગ્લોરીફાઈ કરી છે. જો કે સૂર્યમંડળમાં હાજર લઘુગ્રહો પૈકી જેમની ભ્રમણકક્ષા પૃથ્વીની ભ્રમણકક્ષાથી નજીક હોય (Near-Earth Asteroids - NEAs), એવા જ લઘુગ્રહો સાથે પૃથ્વીની અથડામણ થઈ શકે છે. ભૂતકાળમાં અનેક વખત આવા NEA પૃથ્વીના ગોળા સાથે ટકરાઈ ચૂક્યા છે. એક અંદાજ મુજબ છેલ્લા 60 કરોડ વર્ષો દરમિયાન 60 જેટલા એસ્ટરોઈડ્સ પૃથ્વી પર ખાબક્યા છે. આમ તો આ સમયગાળો બહુ લાંબો લાગે, પણ 4 બિલીયન વર્ષો પહેલા થોડો સમય એવો ય હતો જ્યારે ટૂંકા ગાળા દરમિયાન અવકાશમાંથી લગાતાર લઘુગ્રહો ખાબકતા રહ્યા. એ વર્ષોમાં એવો સિનારિયો હશે, કે જાણે અવકાશમાંથી બોમ્બવર્ષા થતી હોય! આ સમયગાળો પૃથ્વીના ઇતિહાસમાં Late Heavy Bombardment - LHB તરીકે ઓળખાય છે. આમે ય કોઈ મોટા કદનો લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાય, એની અસર ન્યુક્લિયર બોમ્બ ફૂટવા જેટલી જ હોવાની. માનવજાત માટે વિશાળ એસ્ટરોઈડ સાથેની સૌથી જાણીતી અથડામણ એટલે ડાયનોસોર્સનું નિકંદન કાઢનાર ઘટના.

અહી પ્રશ્ન એ છે કે ભવિષ્યમાં ફરી વખત કોઈ મોટા કદનો લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાઈને માનવજાતનું નિકંદન કાઢી નાખશે? પાકા પાયે કશું કહેવું મુશ્કેલ છે, પણ વૈજ્ઞાનિકોને ખાતરી છે કે એક લઘુગ્રહ પૃથ્વી ઉપર નજીકના વર્ષોમાં ખાબકવાનો છે. આ લઘુગ્રહ એટલે ‘101955 Bennu’ તરીકે નામાભિધાન પામેલો લઘુગ્રહ. શરૂઆતમાં એને 1999 RQ36 તરીકે ઓળખ આપવામાં આવી. વૈજ્ઞાનિકોને આ લઘુગ્રહમાં વધુ રસ પડ્યો. એનું નામકરણ કરવાની હરીફાઈમાં જુદી જુદી યુનિવર્સીટીઝના લગભગ આઠેક હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો. ઈજીપ્તના એક દેવતાના નામ ઉપરથી એનું નામ ‘બેનુ’ રાખવામાં આવ્યું. 11 સપ્ટેમ્બર 1999ના દિવસે પૃથ્વી તરફ ધસી રહેલા બેનુ પર સંશોધકોની પહેલી વાર નજર પડી. 23 સપ્ટેમ્બર 1999ના દિવસે બેનુ પૃથ્વીની નજીકથી પસાર થઇ ગયો. પ્રાપ્ત માહિતી મુજબ બેનુ દર 6 વર્ષે પૃથ્વીની નજીકથી પસાર થાય છે.

2020માં નાસાના OSIRIS-Rex દ્વારા બેનુ ઉપરથી નમુના એકત્રિત કરવામાં આવ્યા. આ નમૂનાઓ લઘુગ્રહના વિવિધ સ્થળો ઉપરથી મેળવવામાં આવ્યા હતા. 2023માં આ નમુના પૃથ્વી ઉપર લવાયા. જેના અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે બેનુ ઉપર પાણી હોવાની શક્યતા છે.

બેનુનો વ્યાસ લગભગ 1,640 ફીટ (500 મીટર) જેટલો છે. ડાયનોસોર્સનો ખાત્મો કરનાર લઘુગ્રહનો વ્યાસ આના કરતા ખાસ્સો વધારે – દસેક હજાર મીટર (10 કિલોમીટર) હતો. સંશોધકોના મતે બેનુ ઇસ 2175 થી માંડીને ઇસ 2196 વચ્ચે પૃથ્વી સાથે ટકરાય એવી સંભાવના છે. આ વર્ષો દરમિયાન બેનુ આઠેક વાર પૃથ્વીની નજીકથી પસાર થવાનો છે. વૈજ્ઞાનિકો તો હજી વધારે ચોક્કસ ગણતરી સાથે એવું કહે છે કે બેનુ સાથે આપણી ટક્કર થવા માટેની સૌથી વધુ શક્યતા 24 સપ્ટેમ્બર, 2182ને દિવસે છે. એટલે કે બરાબર 157 વર્ષ પછી. (હોલીવુડના ડિરેક્ટર્સે આ માહિતીનો ઉપયોગ કરીને ઠાંસુ સ્ટોરી લાઈન અને સ્પેશિયલ ઈફેક્ટસ સાથેની બિગ બજેટ સાયન્સ ફિક્શન મુવી અત્યારે જ બનાવી નાખવી જોઈએ. શું કહો છો?)

જો કે આ માત્ર સંભાવના છે. પૃથ્વી સાથે ખરેખર ટકરાવ થાય એની શક્યતા 2,700 સામે માત્ર 1 ની છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો લઘુગ્રહ પૃથ્વી પર ત્રાટકે એની સંભાવના માત્ર 0.037% જ છે. પરંતુ બેનુ જો પૃથ્વી સાથે ટકરાય તો પણ એવડો મોટો વિનાશ નહિ વેરે, એવા ભ્રમમાં રહેવા જેવું નથી. બેનુ સાથેની અથડામણ કેવા પરિણામો લાવી શકે, એ જાણવા માટે એક સંશોધક દળ કામ કરી રહ્યું છે. આ સંશોધનકાર્ય માટે જળ, વાયુ અને ભૂમિ સહિતની પૃથ્વીની ઇકોસિસ્ટમના ડેટા ઉપર સુપર કોમ્પ્યુટર દ્વારા પ્રોસેસ કરવામાં આવ્યો છે. જેથી લઘુગ્રહ સાથેની સંભવિત અથડામણને પગલે આ ઇકોસિસ્ટમમાં આવતા બદલાવને સમજી શકાય.

સંશોધકોના મતે લઘુગ્રહ સાથેની અથડામણને પગલે પૃથ્વીના જે-તે વિસ્તારમાં મોટો ખાડો પડશે,અને ઘણા મોટા વિસ્તારને આવરી લેતો ભૂકંપ પણ આવી શકે છે.‘એરોસોલ’એટલે સુક્ષ્મ કણો અને પ્રવાહીના ટીપાથી બનેલું મિશ્રણ, જે પાણીની ઝીણી બૂંદ જેવી રચના ધરાવે છે. આપણે જે વિવિધ પ્રકારના ‘સ્પ્રે’ છાંટીએ છીએ, એ પણ ‘એરોસોલ’ કહેવાય. લઘુગ્રહ પૃથ્વી પર ખાબકે તો ધૂળની ડમરીઓ સાથે આવા એરોસોલ્સ અને વિવિધ પ્રકારના ગેસિસ (વાયુઓ) હવામાં ઉંચે સુધી જશે, અને લાંબો સમય માટે ત્યાં જ સ્થાયી રહેશે. પરિણામે હવાનું મોટા પાયે પ્રદુષણ થશે, જે શિયાળો અને ચોમાસું જેવી ઋતુઓને અસર કરશે. આવી અથડામણના ચાર-પાંચ વર્ષ સુધી પૃથ્વીની ઋતુઓમાં મોટી ગરબડ જોવા મળી શકે છે.

માનવ ઉત્ક્રાંતિ એ સતત ચાલતી પ્રક્રિયા છે. હવે જો બુસાન યુનિવર્સીટીના સંશોધકોની વાત માનીએ, તો બેનુ સાથેની સંભવિત અથડામણને પ્રતાપે પૃથ્વીની ઇકો સિસ્ટમમાં તેમજ તે સમયના માનવ સમાજોમાં પણ મોટા પરિવર્તનો જોવા મળશે. પણ એ બધું થશે તો ય દોઢસો વર્ષ પછી થશે. એટલે આપણે આ વિષયમાં એક હદથી વધુ લમણા લેવાની જરૂર નથી.