રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન ઓફ ધ યુનાઇટેડ કિંગ્ડમનું સભ્યપદ મેળવવા માટે હાથ ધરાતી શ્રેણીબદ્ધ પરીક્ષાઓ પૈકીની પાર્ટ ટુ ટેસ્ટમાં ડોક્ટરોને ખોટી રીતે પાસ જાહેર કરી દેવાતાં એનએચએસના કર્મચારીઓ અને દર્દીઓ પર ગંભીર અસરો પડી શકે છે તેવી ચેતવણી સિનિયર મેડિક્સ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

18 મહિના પહેલાં લેવાયેલી ટેસ્ટમાં 222 ડોક્ટરોને એમ જણાવી દેવાયું હતું કે તમે ટેસ્ટમાં પાસ થઇ ગયા છો, પરંતુ હકીકતમાં તેઓ નાપાસ થયા હતા. ડોક્ટર્સ એસોસિએશન યુકે અને બ્રિટિશ મેજિકલ એસોસિએશને અખબારી અહેવાલ બાદ તપાસની માગ કરી છે. આ અહેવાલ બહાર આવ્યા બાદ દર્દીઓમાં પણ ભય વ્યાપી ગયો છે, કારણ કે આ ડોક્ટરો ઇન્ટેન્સિવ કેર અને કાર્ડિયોલોજી જેવા મહત્ત્વના વિભાગોમાં ફરજ બજાવી રહ્યા હશે. આ 222 પૈકીના કેટલા ડોક્ટર રજિસ્ટ્રાર બનવા તરફ આગળ વધી ગયા છે તેની હાલ કોઇ જાણકારી નથી, પરંતુ 6 સપ્ટેમ્બર, 2023ના રોજ લેવાયેલી પરીક્ષામાં 1451 ડોક્ટર બેઠા હતા, જેમાંથી 61ને તેઓ નાપાસ થયા હોવાનું જણાવાયું હતું, પરંતુ હકીકત એ છે કે આ 61 ડોક્ટર ટેસ્ટમાં પાસ થયા હતા. આ બ્લન્ડરના કારણે દર્દીઓની સુરક્ષા જોખમાઇ છે કે કેમ તેની તપાસ જનરલ મેડિકલ કાઉન્સિલ દ્વારા હાથ ધરાઇ છે.

જેની પાસે લશ્કર જ નથી એ આઈસલેન્ડ સતત 15 વર્ષથી વિશ્વમાં સૌથી સુરક્ષિત દેશ

દુનિયાભરમાં ફેલાયેલી અશાંતિ વચ્ચે કેટલાક દેશો એવા છે જ્યાં ગુના લગભગ નહિવત્ છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ (GPI)ના સુરક્ષિત દેશોની યાદીમાંસતત 15મા વર્ષે વિશ્વનો સૌથી સુરક્ષિત દેશ છે. નોર્ડિક દેશ આઇસલેન્ડની વસ્તી 3,82,000 છે. અહીં ગુનાખોરીનો દર અત્યંત ઓછો છે. આઇસલેન્ડ પાસે સેના પણ નથી. ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં ડેન્માર્ક બીજા ક્રમે છે. અહીં સામાજિક નફરત લગભગ નહિવત્ છે. ડેનિશ રાજકારણમાં પ્રામાણિકતા અને વિશ્વાસ ટોચની પ્રાથમિકતાઓ છે. આયર્લેન્ડને વિશ્વના સૌથી સુરક્ષિત દેશોમાંનો એક ગણવામાં આવે છે અને શાંતિ સૂચકાંકમાં તે ત્રીજા ક્રમે છે. આ દેશ ફક્ત તેના નાગરિકો માટે ખૂબ જ સુરક્ષિત નથી, પરંતુ પ્રવાસીઓ માટે પણ તેની છબી ખૂબ સારી છે. ન્યૂઝીલેન્ડ વિશ્વનો ચોથો સૌથી સુરક્ષિત દેશ છે. ઓસ્ટ્રિયા પાંચમા ક્રમે છે. તે પ્રવાસીઓ માટે પણ ખૂબ જ સલામત દેશ છે. ઑસ્ટ્રિયામાં ગંભીર ગુનાઓ અત્યંત અસામાન્ય છે. સિંગાપોર વિશ્વમાં સૌથી ઓછા ગુના દર ધરાવે છે અને તેથી તે વિશ્વના સૌથી સુરક્ષિત દેશોમાં સ્થાન મેળવે છે. આનું એક કારણ અહીં નાના ગુનાઓ માટે પણ આપવામાં આવતી કઠોર સજા માનવામાં આવે છે. 163 દેશોની યાદીમાં ભારતે 116મું સ્થાન મેળવ્યું છે. તાજેતરનાં વર્ષોમાં ભારતે આ સૂચકાંકમાં સુધારો કર્યો છે. જોકે, ગુના દર હજુ પણ યુરોપિયન દેશો કરતાં ઘણા વધારે છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ છે. આ યાદીમાં પાકિસ્તાન 140મા ક્રમે છે અને તેને રહેવા માટે બિલકુલ સલામત દેશ માનવામાં આવતો નથી.

ટ્રમ્પના તીખા તેવરને જોતાં ઈરાન હાઈ એલર્ટ :પરમાણુ સ્થળો પર હુમલાની ભીતિ

અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા તેનાં પરમાણુ સ્થળો પર સંભવિત હુમલાની આશંકા વચ્ચે ઇરાને `હાઇ એલર્ટ' જારી કર્યું છે. તાજેતરના એક અહેવાલ મુજબ ઈરાની અધિકારીઓને શંકા છે કે બંને દેશો તેના પરમાણુ કાર્યક્રમને લક્ષ્ય બનાવવા માટે સાથે મળીને કામ કરી શકે છે. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે આ ક્ષેત્રમાં તણાવ ચરમસીમાએ છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય ઈરાનની પરમાણુ મહત્ત્વાકાંક્ષાઓ પર નજર રાખી રહ્યો છે. ઈરાનની સરકારે તેમની લશ્કરી તૈયારીઓને મજબૂત બનાવવાનો સંકેત આપ્યો છે. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. નિષ્ણાતો માને છે કે આ પરિસ્થિતિ મધ્ય-પૂર્વમાં નવી અસ્થિરતા પેદા કરી શકે છે. બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ ઈરાને આ મહત્ત્વપૂર્ણ સ્થળે વધારાની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ તૈનાત કરી છે અને સુરક્ષા મજબૂત બનાવી છે. અગાઉ યુએસ ગુપ્તચર એજન્સીઓએ બાઇડેન અને પછી ટ્રમ્પ વહીવટીતંત્રને આ વર્ષે ઈરાની પરમાણુ સ્થળો પર ઇઝરાયલી હુમલાની ચેતવણી આપી હતી. ઈરાન લાંબા સમયથી તેનાં પરમાણુ સ્થળોને સુરક્ષિત કરી રહ્યું છે, પરંતુ તેણે છેલ્લા એક વર્ષમાં ખાસ કરીને ઇઝરાયેલે પહેલી વાર ઈરાન પર હુમલો કર્યો ત્યારથી તેનાં સુરક્ષા પગલાં વધારી દીધાં છે. યુએસ મીડિયા આઉટલેટ એક્સિઓસ અનુસાર ઇઝરાયેલે પારચીન લશ્કરી સંકુલ પર હવાઈ હુમલો કર્યો, જ્યાં ઈરાન કથિત રીતે પરમાણુ શસ્ત્રો સંબંધિત સંશોધન કરી રહ્યું હતું.

ટ્રમ્પોલોજી : હવે અમેરિકા, રશિયા ભાઈ ભાઈ,

ટ્રમ્પ હવે રશિયા સાથે સોફ્ટ કોર્નર દર્શાવી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, `મને વ્લાદિમીર પુટિન પર વિશ્વાસ છે કે તે યુક્રેનમાં કોઈ પણ પ્રકારના યુદ્ધ વિરામનું પાલન કરશે. જો યુક્રેન પર મોસ્કોના આક્રમણને સમાપ્ત કરવા માટે કોઈ કરાર થઈ જાય છે તો પુતિન પોતાનું વચન નિભાવશે. હું યુક્રેનમાં યુદ્ધ વિશે વાતચીતને લઈને પુટિન પર વિશ્વાસ કરી શકું છું.' ટ્રમ્પે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરની સાથે બેઠકની શરૂઆતમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ ટિપ્પણી કરી. સ્ટાર્મરે મહારાજા ચાર્લ્સ તરફથી ટ્રમ્પને રાજકીય પ્રવાસનું આમંત્રણ આપ્યું, જેનો અમેરિકન પ્રમુખે સ્વીકાર કરી લીધો છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું કે, `હું એ નક્કી કરવા માટે સાથે કામ કરવા ઈચ્છે છું કે શાંતિ કરાર સ્થાયી હોય. આ એક એવો કરાર છે જેનું કોઈ ઉલ્લંઘન કરશે નહીં. બ્રિટન અને ફ્રાન્સ બંનેએ યુક્રેન માટે શાંતિ સેના તૈનાત કરવાની રજૂઆત કરી છે.