21મીમાર્ચ, મુંબઈમાં દ્વિતીત રેડ લોરી ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન સુભાષ ઘાઈની ક્લાસિક ફિલ્મ `કર્ઝ'થી થયું. તે વખતે ફિલ્મ સાથે જોડાયેલા અનેક કલાકારો-કસબીઓ ઉપસ્થિત હતા અને તેમણે ફિલ્મ સાથે જોડાયેલી તેમની સ્મૃતિઓ વ્યક્ત કરી હતી.

આ વર્ષે ફિલ્મનાં 45 વર્ષ પણ પૂરાં થાય છે. 11 જૂન 1980ના રોજ રિલીઝ થયેલી પુનર્જન્મ આધારિત `કર્ઝ' નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઈ અને તેના હીરો રિશી કપૂરની કારકિર્દીમાં સીમાચિહ્ન છે.

રિશીએ તેમની આત્મકથામાં લખ્યું છે કે, `આ ફિલ્મથી મને ઘણી આશાઓ હતી. મને લાગ્યું કે આ ફિલ્મ મારી કારકિર્દીમાં ચમત્કાર કરશે. આ ફિલ્મમાં શાનદાર સંગીત અને શાનદાર કલાકારો હતા. બધાએ શાનદાર કામ કર્યું હતું. મને વિશ્વાસ હતો કે ફિલ્મ સારું પ્રદર્શન કરશે. જોકે, એવું ન થયું ત્યારે હું અંદરથી તૂટી ગયો હતો.'

આજે યાદગાર મનાતી `કર્ઝ' રિલીઝ થઇ ત્યારે દર્શકોને એટલી પ્રભાવિત કરી શકી નહોતી. તેનું એક કારણ એ હતું કે પુનર્જન્મના વિષય પર બનેલી અગાઉની ફિલ્મો (મધુમતી, મહેબૂબા, કુદરત)થી વિપરીત, `કર્ઝ'માં હીરોનો ડબલ રોલ નહોતો.

ફિલ્મમાં, મોન્ટી ઓબેરોય (રિશી કપૂર) નામનો એક ધૂની ગાયક કલાકાર તેની મસ્તી ત્યજીને આગલા જન્મમાં થયેલી તેની હત્યાનો બદલો લેવા પર ઊતરી આવે છે. આગલા જન્મમાં તેનું નામ રવિ વર્મા હતું. સુભાષ ઘાઈએ તેની ભૂમિકા માટે રાજ કિરણની પસંદગી કરી હતી.

દર્શકોને એ ખબર ન પડી કે રિશી કપૂર રાજ કિરણની હત્યાનો બદલો કેમ લે છે! ઘાઈ એવી મીથને તોડવા માંગતા હતા કે પુનર્જન્મમાં હીરો આગલા જન્મ જેવો જ દેખાતો હોય. દર્શકો માટે આ નવું હતું અને તેમણે ફિલ્મને બહુ પસંદ ન કરી.

બીજું કારણ, ફિરોઝ ખાનની `કુરબાની' હતી. તે એ જ અઠવાડિયે રિલીઝ થઇ હતી. `કુરબાની' હાથી જેવી તોતિંગ હતી. ફિરોઝ ખાને તેમાં ખૂબ પૈસા નાખ્યા હતા અને લોકોમાં એને લઈને જબ્બર ઉત્સુકતા હતી. ફિલ્મની એક્શન, સિનેમેટોગ્રાફી, સંગીત, કોસ્ચ્યૂમ, કલાકારો અને વિષયવસ્તુ સુપરથી ઉપર હતું.

સુભાષ ઘાઈને પણ `કર્ઝ'ને લઈને ઘણો આત્મવિશ્વાસ હતો. બે સુપરહિટ એક્શન ફિલ્મ `કાલીચરણ' અને `વિશ્વનાથ' પછી તેમણે જુદા જ વિષય અને કલાકારો સાથે એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ `કર્ઝ' બનાવી હતી. તેમની મુક્તા આર્ટ ફિલ્મ કંપનીની એ પહેલી ફિલ્મ હતી.

તેમને ફિલ્મમાં એટલો વિશ્વાસ હતો કે તેમણે ફિરોઝ ખાનને `કુરબાની'ની રિલીઝ પાછળ ઠેલવા સલાહ આપી હતી. `કુરબાની'એ `કર્ઝ'ને કચડી નાખી. `કુરબાની'તે વર્ષની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ હતી. તેની સામે અમિતાભ-શત્રુઘ્ન સિંહાની `દોસ્તાના' પણ નબળી પડી ગઈ હતી.

`કુરબાની' ભલે તેની પ્રોડક્શન સ્ટાઈલના કારણે તે સમયે બહુ ચર્ચામાં રહી હોય, આજે 45 વર્ષ પછી લોકો `કર્ઝ'ને તેના અનોખા સંગીત અને અસાધારણ વિષયવસ્તુ માટે યાદ કરે છે. એક ઇન્ટરવ્યૂમાં સુભાષ ઘાઈએ કહ્યું હતું, `ફિલ્મ ભારે વરસાદ વચ્ચે આવી હતી. બહુ ઓછા દર્શકો જોવા આવ્યા હતા. અમે નિરાશ થઇ ગયા હતા. ઓમ શાંતિ ઓમ ગીત અત્યંત લોકપ્રિય થયું હતું એટલે લોકોને લાગતું હતું કે ફિલ્મ બ્લોક બસ્ટર છે, પરંતુ મારા ઘણા વિતરકો અને પ્રદર્શકોએ ધ્યાન દોર્યું હતું કે ફિલ્મ 10 વર્ષ વહેલી આવી હતી.'

ઘાઈએ `કર્ઝ'ને મ્યુઝિકલ ફિલ્મ તરીકે પેશ કરી હતી. તેમને એવું મહેણું મારવામાં હતું કે તેમનામાં સંગીતની સમજ નથી અને તેઓ શત્રુઘ્ન સિંહા સાથે માત્ર એક્શન ફિલ્મો જ બનાવી શકે છે. આગલા વર્ષે આવેલી `ગૌતમ ગોવિંદા' પછી શત્રુએ પણ તેમની સાથે કામ છોડ્યું હતું. તેમણે આ મહેણું ભાંગવા માટે ખુદના પ્રોડક્શનમાં એક નવા પ્રકારની ફિલ્મ પર હાથ અજમાવવાનું નક્કી કર્યું હતું.

તેમને 1975માં આવેલી હોલિવૂડની `ધ રિઇન્કારનેશન ઓફ પીટર પ્રાઉડ'ની ફિલ્મ પરથી વિશેષ કરીને તેના એક દિલચસ્પ દૃશ્ય પરથી `કર્ઝ'નો વિચાર આવ્યો હતો. તે એક હોરર ફિલ્મ હતી. તેમાં એક પ્રોફેસરને અજીબોગરીબ અનુભવો પછી ખબર પડે છે કે તે બીજી કોઈ વ્યક્તિનો પુનર્જન્મ છે.

તે ફિલ્મમાં એક દૃશ્ય સુભાષ ઘાઈને ગમી ગયું હતું. તેમાં હીરોની દાદી, બીજી વ્યક્તિના શરીરમાં પીટરના આત્માને ઓળખી જાય છે. પૌત્રને પણ તે વખતે ખ્યાલ આવે છે કે તેમને આ સ્ત્રી સાથે કોઈ લગાવ છે. અલગ ખોળિયામાં હોવા છતાં એક આત્મા બીજા આત્માને ઓળખી જાય તે વાત સુભાષ ઘાઈને બહુ ગમી ગઈ હતી.

1991માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઘાઈએ કહ્યું હતું, `આ દૃશ્ય જોયા પછી મને વિચાર આવ્યો કે ધારો કે મારો પુનર્જન્મ થાય અને હું મારા પ્રિયજનોને મળું તો, મને કેવું લાગે? અને એ લોકો મને બીજા કોઈના ખોળિયામાં ન ઓળખી શકે તો શું થાય?' આ સવાલો પરથી તેમના મનમાં `કર્ઝ'ની વાર્તાએ આકાર લીધો.

ઘાઈને મૂળ તો મ્યુઝિકલ ફિલ્મ બનાવવી હતી, એટલે તેમણે તેમના દેશી પીટરના હાથમાં ગિટાર પકડાવ્યું. તેમણે કલ્પના કરી કે અમુક ધૂન વાગે ત્યારે તેના મનમાં આગલા જન્મની, તેના ઘરની અને ગામની સ્મૃતિઓ સળવળે.

એમાં તેમણે આગલા જન્મમાં કામિની નામની એક લાલચી યુવતીના હાથે તેની હત્યાનો પ્લોટ ઉમેર્યો. સિમી ગરેવાલનો આ સૌથી યાદગાર કિરદાર હતો. શરૂઆતમાં તે આ કિરદાર માટે તૈયાર નહોતી. એક સ્ત્રી તેના નવપરિણીત પતિને કચડી નાખીને ટેકરી પરથી ધકેલી દે એવો કિરદાર દર્શકોમાં ઘૃણા પેદા કરે તેવો હતો. રસ્તાની ધારે આવેલી કાળી માતાની મૂર્તિ જ આ હત્યાની સાક્ષી હોય છે. સુભાષ ઘાઈએ મહામહેનતે સિમીને સમજાવી હતી કે તેનો કિરદાર વેમ્પ નહીં લાગે.

ફિલ્મના 45 વર્ષની ઉજવણી વખતે સુભાષ ઘાઈએ કહ્યું કે સિમીનો અભિનય સૌથી સુંદર હતો અને તેને ફિલ્મફેર એવોર્ડ મળવો જોઈતો હતો, ત્યારે બાજુમાં ઊભેલી સિમીએ હસતાં-હસતાં કહ્યું હતું કે મને ન મળ્યો તે ફિલ્મફેરનું બદ્નસીબ!

ફિલ્મને એક એવોર્ડ મળ્યો હતો, સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલને. ફિલ્મનું સંગીત સાચે જ સુંદર હતું. મોન્ટીના પાત્ર માટે રિશી કપૂર સ્પષ્ટ પસંદગી હતો. તે વખતે ડાસિંગ, સિંગિંગ સ્ટાર તરીકે તે લોકપ્રિય હતો. તેણે ફિલ્મનાં ગીતોમાં બહુ મહેનત કરી હતી. ઓમ શાંતિ ઓમ ગીતમાં રિવોલ્વિંગ ગ્રામોફોન સ્ટેજ પર રિશીનું પર્ફોર્મન્સ આજ દિન સુધી યાદગાર છે.

એટલા માટે જ પહેલા અઠવાડિયામાં એવા અહેવાલ આવ્યા કે લોકોને ફિલ્મ પસંદ નથી આવી, ત્યારે તે ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. ઋષિ લખે છે, `હું સેટ પર કેમેરાનો સામનો કરી શકતો નહોતો. મને લાગતું હતું કે હું બેભાન થઇ જઈશ. ફિલ્મની નિષ્ફળતાએ મારો આત્મવિશ્વાસ તોડી નાખ્યો હતો.'

જેમ જેમ સમય ગયો, તેમ તેમ `કર્ઝ' જૂના વાઈનની જેમ મેચ્યોર થતી ગઈ અને આજે તે એક સીમાચિહ્નરૂપ ગણાય છે.