ભારતમાં રેલવે સ્ટેશનને લઇને ઘણીય આશ્ચર્યજનક બાબતો છે. જેમાં પશ્ચિમ બંગાળમાં એક રેલવે સ્ટેશન છે, જે 35 કિમી. દૂર છે. આ રેલવે સ્ટેશનનું કોઇ જ નામ નથી! જોકે, નામ વગરના આ રેલવે સ્ટેશન પરથી યાત્રીઓ ટ્રેનમાં ચઢી-ઉતરી શકે છે! આ સિવાય પણ ભારતમાં એક એવું રેલવે સ્ટેશન છે, જેનું પ્લેટફોર્મ અધધ લાંબું છે. આ રેલવે પ્લેટફોર્મ કર્ણાટકના હુબલીમાં આવ્યું છે અને તે રેલવે સ્ટેશન દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવે છે. આ રેલવે સ્ટેશનની કુલ લંબાઈ 1507 મીટર એટલે કે, 1.5 કિમી. છે. આ રેલવે સ્ટેશન બનાવવામાં અંદાજિત 20.1 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો, પરંતુ હવે અહીં એક એવા રેલવે સ્ટેશનની વાત કરવાની છે જેનું નામ માત્ર ને માત્ર બે અક્ષરનું છે. આ રેલવે સ્ટેશનનું નામ `ઇબ' છે. અલબત્ત, અંગ્રેજીમાં માત્ર `IB' લખવામાં આવે છે! મૂળ આ રેલવે સ્ટેશન ઓરિસ્સામાં આવ્યું છે. ખાસ નોંધનીય છે કે, ઓરિસ્સામાં ઈબ નામની નદી વહે છે અને તેના નામ પરથી જ આ રેલવે સ્ટેશનનું નામ રાખવામાં આવ્યું છે. અહીં મુખ્ય બે પ્લેટફોર્મ છે, જે ઈ.સ. 1891થી કાર્યરત છે. એટલે કે આ રેલવે સ્ટેશને સદી પણ વટાવી દીધી છે.

માટીના શહેરમાં માટીની ગગનચુંબી ઈમારતો!

છેલ્લા કેટલાય દશકાથી શહેરોને હવે સિમેન્ટ કોંક્રીટનાં જંગલો તરીકે ઓળખવામાં આવે છે. જેમાં હવે ગામડાંઓ પણ બાકાત નથી રહ્યાં! ગામડાંઓમાં પણ સિમેન્ટ કોંક્રીટની ગગનચુંબી ઈમારતો જોવા મળે જ છે, પરંતુ વિશ્વમાં એક એવી જગ્યા છે જ્યાં સિમેન્ટ ક્રોંક્રીટનાં જંગલો નહીં, પણ માત્ર ને માત્ર માટીનાં જ જંગલો છે. એટલે કે માટીના જ ફ્લેટ અને ગગનચુંબી ઈમારતો છે. આ ઈમારતો મધ્ય પૂર્વ દેશ કહેવાતા યમનના શિબમ શહેરમાં આવેલી છે. અહીંની ઈમારતો માટી દ્વારા જ બનાવવામાં આવી છે. આ ઈમારતો પાંચથી લઇને અગિયાર માળ સુધીની છે, જે આશ્ચર્ય પમાડે છે. આ શહેરમાં અંદાજિત 7000થી વધુ લોકો રહે છે અને જેમનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. આ શહેરને `રણનું શિકાગો' તેમજ `રણનું મૈનહટ્ટન' તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 1982માં યુનેસ્કો દ્વારા આ શહેરને વિશ્વ વિરાસત સ્થળ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઈમારતોમાં માટીની જ ઈંટો વાપરવામાં આવી છે અને તેમાં પડતી ગરમીને કારણે તે વધુ મજબૂત બની ગઇ છે. જોકે, અહીં કેટલીક જગ્યાએ મજબૂતી ટકાવવા લાકડાંનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંનું તાપમાન 28 ડિગ્રી. સે. હોવા છતાં ઈમારતોની અંદર ઠંડક જોવા મળે છે!

મોબાઇલ ફોન થ્રોઇંગ ચેમ્પિયનશિપ

સવારથી લઇને રાત સુધી મોટાભાગના લોકો પોતાના મોબાઇલને પોતાની સાથે રાખતા હોય છે અને સાચવતા પણ હોય છે. જો કોઇ વ્યક્તિના હાથમાંથી મોબાઇલ ક્યાંક છટકી જાય છે કે ક્યાંક ભટકાય છે તો તરત જ તેને ઉપાડીને મોબાઇલને સ્ક્રેચ કે કંઇ નુકસાન નથી થયુંને તે વ્યક્તિ જોઇ લે છે, પરંતુ ફિનલેન્ડમાં તો મોબાઇલ ફોન જ ફેંકવાની પ્રતિયોગિતા યોજવામાં આવે છે. છેલ્લા બે દશકથી યોજવામાં આવતી આ મોબાઇલ ફોન થ્રોઇંગ ચેમ્પિયનશિપની નોંધ વિશ્વભરમાં લેવામાં આવી છે. આ ચેમ્પિયનશિપ વર્ષમાં એકવાર યોજવામાં આવે છે, જેમાં જે તે સ્પર્ધકે મોબાઇલ ફેંકવાનો હોય છે. આ મોબાઇલ ફોન જમીન પર પડ્યા પહેલાં કેટલા સમય સુધી હવામાં રહ્યો તેના પર રિઝલ્ટ આપવામાં આવે છે અને જીતનાર સ્પર્ધકને મોબાઇલ જ ગિફ્ટ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે મોબાઇલ ફેંકવા માટે ડ્રાઇસ ફેરિમેન્સે ગિનીસ રેકોર્ડમાં પોતાનું નામ પણ નોંધાવ્યું છે, જેણે 110.42 મીટર દૂર મોબાઇલ ફેંક્યો હતો. વર્ષ 2000થી ઓગસ્ટ મહિનામાં યોજવામાં આવતી આ ચેમ્પિયનશિપને જોવા માટે વિશ્વભરમાંથી લોકો આવતા હોય છે. હવે તો અમેરિકા, બેલ્જિયમ અને ઓસ્ટ્રિયામાં પણ આવી ચેમ્પિયનશિપ યોજાય છે.