બધા જ ઝઘડાઓ હિંસક નથી હોતા. કેટલાક ઝઘડાઓમાં ઉગ્રતા યાનિ કિ એગ્રેશનની સાથે-સાથે કોમેડી પણ ભળતી હોય છે. હમણાં થોડા દિવસ પહેલાં જ મને `રમૂજી બબાલ'ના `ચશ્મદીદ ગવાહ' બનવાનું `સદ્ભાગ્ય' પ્રાપ્ત થયેલું. વાત એમ બનેલી કે એક ચાર રસ્તે, એક સોલ્લિડ ટ્રાફિક જામમાં એક મોટી ઉંમરના કાકા એમના જૂના ખખડેલા સ્કૂટર સાથે અટવાયા હતા. અકળામણમાં એમણે બાજુમાં ઊભેલા બાઈકસવાર `યંગસ્ટર' સાથે કારણ વગર ઝઘડો શરૂ કરી દીધો અને પછી કાકાએ મોટેમોટેથી રાડારાડી શરૂ કરી. પેલો જુવાનિયો પણ સામે બૂમાબૂમ કરવા માંડ્યો. વાતાવરણ ઉગ્ર બની ગયું. મેં અને આજુબાજુ ઊભેલા વાહનચાલકોએ બંનેને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો, પણ બેમાંથી એક જણ શાંત થવાનું નામ નહોતા લેતા.
ત્યાં અચાનક પેલા કાકાએ જુવાનિયાને ઉદ્દેશીને કહ્યું, `આજકાલના કોલેજિયન છોકરાઓ એક નંબરના નાલાયક થઈ ગયા છે. વડીલોનું માન-સન્માન નથી રાખતા આવા કોલેજિયનો. કોલેજિયનો તો જંગલી છે જંગલી. કાકાનો કોલેજિયનનો કેકારવ સાંભળી પેલો બાઈકવાળો ચમક્યો અને બોલ્યો, `એ કાકા, કોલેજિયન, કોલેજિયન કોને કહો છો તમે?
કાકાએ સામે રાડ પાડીને કહ્યું, `તને. તું જ નાલાયક કોલેજિયન છે.' પેલા ફૂટડા યુવાને મોટા અવાજે સામે જવાબ આપ્યો, `ઓ કાકા, હું કોલેજિયન નથી. મને કોલેજિયન નહીં કહેવાનું. હું ત્રણ વર્ષ પહેલાં જ ગ્રેજ્યુએટ થઈ ગયો છું.' કાકો કહે, `જૂઠું ન બોલ. તું કોલેજિયન જ છે.' પેલા છોકરાએ અચાનક પોતાની પાસે બેગ હતી એમાંથી કાગળિયા કાઢી કાકાને દેખાડ્યા અને બોલ્યો, `આ જુઓ મારી ટી.વાય.બી.કોમની માર્કશીટની ઝેરોક્સ. એમાં લખ્યું જ છે કે હું ત્રણ વર્ષ પહેલાં ગ્રેજ્યુએટ થયેલો છું. એટલે મને કોલેજિયન કોલેજિયન નહીં કહેવાનું.' કાકા પણ માર્કશીટ જોઈ મૂંગા થઈ ગયા. રસ્તા પર ચાલતા ઝઘડાનો અંત માર્કશીટની ઝેરોક્સ દ્વારા થતો જોઈ અમે બધા દંગ થઈ ગયા અને પછી ધીમે ધીમે બધા ખડખડાટ હસી પડ્યા. આવો `કોમિકલ' ઝઘડો જોવાનો જલસો પડી ગયો અને હસતાં હસતાં ટ્રાફિક જામ છૂટો થઈ ગયો.
મારા એક મિત્રના ઘરે એઝ યુઝવલ એની પત્ની અને એની મમ્મી યાનિ કિ `સાસ-બહુ' વચ્ચે બબાલ થઈ ગયેલી. મિત્રની વાઈફે સાસુને ટોણો મારતાં કહ્યું, `તમને તો છોકરાઓને ટ્રેનિંગ આપતાં આવડી જ નથી અને એથી જ તમારો દીકરો એટલે કે મારો વર સાવા ડોબો રહી ગયો છે.' સાસુએ સામે ચોપડાવતાં કહ્યું, `મારો દીકરો તો મારી સાથે હતો ત્યાં સુધી હોશિયાર જ હતો, પણ તારી સાથે પરણ્યો એ પછી તારી સંગતના લીધે ડોબો થઈ ગયો.' આ સાંભળી મારો મિત્ર બોલ્યો, `અરે યાર! તમારા બેના ઝઘડામાં મને ડોબો ડોબો શું કામ કહો છો?' એની આવી રજૂઆત સાંભળી સાસુ-વહુ હસી પડ્યાં અને ઝઘડો તરત શમી ગયો.
આવો જ એક રમૂજી ઝઘડો અમારી સોસાયટીમાં થયેલો. દરેક સોસાયટીમાં ઉનાળામાં કાયમ પાણી માટે `કકળાટ' થતો હોય છે. અમારી સોસાયટીમાં પણ થયેલો. બધા એકબીજા પર પાણી વધારે વાપરવાનો આક્ષેપ કરી બૂમાબૂમ કરી રહ્યા હતા. અચાનક જ ટીકાભાઈ નામના એક રહીશે બિપિનભાઈ નામના સોસાયટીના બીજા રહીશ પર ભેદી આક્ષેપ કર્યો. ટીકાભાઈએ કહ્યું, `આ બિપિનીયો જ સૌથી વધારે પાણી વાપરે છે. એ સાવ બોખો છે અને દિવસમાં દસ વખત એનું ચોકઠું ધોઈ પાણી બગાડે છે.' આ સાંભળી બિપિનભાઈએ સામો આક્ષેપ કર્યો. એ બોલ્યા, `આ પાણીનો બગાડ તો આ ટીકો જ કરે છે. આ ટીકલો સાવ ટાલિયો છે અને માથે વિગ પહેરે છે. ટીકલો જ વિગ ધોવામાં ઢગલાબંધ પાણી વેડફે છે.' અમારી સોસાયટીના બધા રહીશો માટે આ સાવ નવી જ માહિતી હતી. ત્યાં અચાનક ઝઘડો જોવા ઊભેલાં ટેણિયાંઓમાંથી કોઈએ બૂમ પાડીને પૂછ્યું, `હેં પપ્પા, આ બિપિનીયો બોખો અને ટીકો ટાલિયો છે?' બિપિન અને ટીકો પોતાની પોલ ખુલ્લી પડી જતાં શરમાયા અને રણમેદાન છોડી જતા રહ્યા અને `પાણીપુરાણ' તરત જ શાંત પડી ગયું.
મિત્રો, ઝઘડો, બબાલ, બખેડો એ બધાંથી કશું વળતું નથી. આપણે આવેશમાં આવીને અમુક સમયે ઝઘડો કરીને સારા સંબંધો બગાડી દઇએ છીએ, ઝઘડાથી કોઇ સમાધાન નથી મળતું, એના કરતાં હસવાથી જ બધાં સોલ્યુશન મળે છે. સો પ્લીઝ, હસતા રહેજો અને હસાવતાં રહેજો.