સાવ ઉરાઉર ઊભેલા સગરામને લીંબડીના ઠાકોર સાહેબે પગથી માથા લગી પારખી લીધો હતો. તેનાં રંગ, રૂપ ને દિદાર બદલાઇ ગયાં હતાં. ધીમેકથી પણ ભાર દઈને પૂછ્યું હતું: `હેં સગરામ, તેં આ ધરમ લીધો એ સાચું, પણ તેનો કોઈ ચમત્કાર થયો હોય તો કે'. `આવા સવાલથી સભાસદો એકબીજાનાં મોં તાકવા લાગ્યા હતા. ઠાકોર સાહેબે મૂળમાં ઘા કર્યો છે, સગરામ જેવો સાવ છેવાડાનો, વનવગડાનો અબૂધ આદમી શું જવાબ આપશે? તેમાં ખરી મજા તો અડખેપડખે ઊભેલા કઢીચટા ને ખાટસ્વાદિયાઓને થઇ હતી.

સગરામને લાગ લઇ બાપુ પાસે તેને લોંદાવી ને ઘઘલાવી નખાવવો હતો. ગામ વચાળે ગરેડો કરી ઊંધા માથે લટકાવે એટલી દાઝ હતી. થતું હતું, `માળું ત્રણ ફદિયાનું સગરામિયું એના મનમાં શું સમજે છે તે ધડ દઈ અમને ના પાડી દે!' પછી મનમાં કહે: `ધરમની પૂંછડી થઇ છો તે લ્યે બતાવ બાપુને ચમત્કાર!' વળી, બીજો મૂછમાં હસીને કહે: `બાપુ ઘાણીએ ઘાલી તારું તેલ કાઢશે. ઇને ચમત્કાર સમજ હાળા સગરામ!' પણ સગરામ તો અદબ વાળીને ઊભો હતો.

સવારના ઊઘડતા પહોરે ઠાકોર સાહેબે સગરામને સંભારીને કહ્યું હતું: `ઓલ્યો સગરામ દેખાતો નથી, એનાં શિકારી કૂતરાં પણ...' અડધામાં આખી વાત સમજી એક હજૂરિયાએ: `બાપુ, અબઘડીએ હાજર કરીએ!' કહી બે ચોપદારોને સગરામને બોલાવવા રવાના કર્યા હતા.

વેરની વસૂલાતનો મલીન ઈરાદો કાંખે ઘાલી બે ચોપદારો ગામ અને સીમના સાંધીવાળે સગરામના કૂબા આગળ આવીને ઊભા રહ્યા હતા. તેનો સાદ-સ્વર શિકારી કૂતરાથી પણ વશેક વિફરેલા હતો. `એલા સગરામ, બાર્ય નીકળ્ય, બાપુ બરકે છે.' ફુલફટાકિયા જેવો સગરામ બહાર આવી સામે ઊભો રહ્યો ને આ ચોપદારો ઘા ખાઈ ગયા હતા. ધોળા બાસ્તા જેવાં ઊજળાં લૂગડાં, કપાળે ચાંલ્લો ને મરકતું મોં. જોતાં લાગે નહીં કે થોડા દી' પહેલાંનો મેલોઘેલો, ગંદોગોબરો ચોરી ને શિકાર કરનારો સગરામ છે.

આ ચોપદારો થોડા દી' પહેલાં સાંજવેળાએ કૂબા આગળ ઊભા રહ્યા હતા. પછી સગરામને બોલાવીને કહ્યું હતું: `સગરામ! ઓલ્યું સસલાં-તેતરવાળું શાક-બકાલું હોય તો લાવ્ય.' ત્યાં બીજાએ અધીરાઇ ને અકોણાઈથી કહ્યું હતું: `એલા અમારી દાઢ ડળકી છે, જીવ મોળાટ્ય મારે છે. ઝટ કર્ય, નો હોય તો શિકાર કરી દે.'

સગરામ હાથ જોડીને ઊભો રહ્યો હતો. જ્યારથી અંધારિયા કૂબામાં અજવાળું લઈ દીકરી જન્મી છે ત્યારથી શિકાર કરવાનું છોડી દીધું છે. શિકાર કરવા હાથ ઉપાડે ત્યાં નાજુક-નમણાં સસલાં-તેતરમાં દીકરી જેવું વહાલ જાગે ને હાથ હેઠો પડે. હરેરીને શિકાર કરવાનું છોડી દીધું હતું, પણ આતમને ક્યાંય નિરાંત થાતી નહોતી. જીવ માળે બેસતો નહોતો. રહી રહીને થયા કરતું હતું કે, મારી દીકરીને તો કંઈ થઇ નહીં જાયને? તેમાં વખતને વાતું રાખવી હોય એમ સગરામ સત્સંગ સાંભળી ગયો હતો, તેથી સાધુને કથની કહી હતી. સાધુએ ચોરી, વ્યસન, શિકાર કે પાપ લાગે એવું કંઇ ન કરવાનું નેમ લેવડાવીને કંઠી બાંધી હતી. પછીથી સગરામ સદ્માર્ગે ચાલવા લાગ્યો હતો.

`હેં સગરામ, તને આ ધરમ લીધાની કમત્ય સૂઝી એટલે અમારે તો હવે ઇ બકાલું ખાધા વગર્ય રે'વાનું ને?' પછી કહે: `એલા, તેં કંઠી બાંધી, અમે નથી બાંધી સમજ્યો.' પણ સગરામ એક ટળીને બે થયો નહોતો.

ચોપદારો પગ પછાડતાં પાછા આવ્યા હતા. પરમાટી તો સગરામ સિવાય ક્યાંથી મળે? તેથી ગમે તેમ કરી સગરામને તેનો નિયમ તોડાવવો ને પાછો મૂળ ઠેકાણે લાવવો હતો. આ માટે ઠાકોર સાહેબ આગળ જ આડાઅવળું ભરાવવું પડે, કારસો કરાવવો પડે, તેથી કહી જ દીધું હતું: `બાપુ, સગરામ શિકાર માટે કૂતરાં છોડવાની ના પાડે છે. કહે કે મને પાપ લાગે.' ત્યાં બીજાએ મીઠું-મરચું ભભરાવતાં કહ્યું હતું: `ગહીને ના પાડી દીધી, બવ કીધું તો કહે, બાપુથી થાય તે કરી લે, બાકી મારો ધરમ નંઈ છોડું!'

હાંઉ, સો વેણમાં એક તો લાગે ને? તાબડતોબ સગરામને બોલાવ્યો. ચોપદારોએ ઊભા રસ્તે સગરામને સમજાવ્યો: `બાપુને ના પાડીહ એટલે તારું ધનોતપનોત નીકળી જાહે, સમજ્યો!'

`એલા તેં ધરમ લીધો છે તો બાપુને ઇનો ચમત્કાર તો સમજાવ!' આવું સાંભળી ફરી એકવાર સગરામ સજાગ થઇ ગયો હતો. કંઈકેટલાય કાવસિયા ટાઢા પાણીએ ખસ કઢાવવા બેઠા હતા, તે સગરામથી અજાણ નહોતું, પણ મક્કમ હતો, તેથી કહ્યું હતું: `હા બાપુ, ચમત્કાર તો થયો જ છે મારા ધરમનો.'

`એલા ઘેલહાગરા, બાપુ આગળ હંભાળીને બોલજ્યે નકર ફાંસીએ ચડાવી દેશે!'

સગરામ સથરાઇ દાખવીને બોલ્યો હતો: `બાપુ, આડા દી'એ તો ઠીક, વાર-તે'વારે આંયા ગઢમાં આવતો તંઇય બાર્ય જોડાં-પગરખાં પાંહે ઊભો રે'તો.' સગરામ અટકીને કહે: `પણ મારા ધરમના લીધે તમારી હામેં ઊભા રે'વાનો, વાત કરવાનો ને ઉત્તર દેવાનો અવસર મળ્યો. બાપુ આ ચમત્કાર જ કે'વાયને!' સગરામ અદબ સાથે ઊભો રહ્યો.

ઠાકોર સાહેબે આખી વાતને પામી જઈને કહી દીધું હતું: `સગરામ, તું તારો ધરમ સંભાળ, રાજ તારી પડખે છે!' સગરામ સ્વમાનભેર ચાલતો થયો હતો.