`રિઅલ લાઈફ આયર્નમેન'નું ઉપનામ મેળવનાર બ્રાઉનિંગે ફ્યૂચરિસ્ટિક જેટ સૂટ વિકસાવ્યો છે. તેમાં પાંચ ગેસ ટર્બાઈન્સ છે અને તે વ્યક્તિને 20 ફૂટની ઊંચાઈએ પ્રતિ કલાક 85 માઇલની ઝડપે ઉડાડી છે. હવે આ જેટ સૂટનો લશ્કરી ઉપયોગ પણ શરૂ કરવાની તૈયારી ચાલે છે. અમેરિકા, યુકેએ તેના કમાન્ડો માટે રિચાર્ડ બ્રાઉનિંગ સાથે ડીલ કરવાની તૈયારી દાખવી છે. બ્રાઉનિંગે જણાવ્યું હતું કે માર્વેલની ફિલ્મ જેવું અમે કરી બતાવ્યું તેનો અમને આનંદ છે, પણ હવે આ જેટ સૂટ આંતરરાષ્ટ્રીય કારોબારનો વિષય બની ગયા છે. તેનો ઉપયોગ મરીન મોબિલિટી અને રેપિડ ફોર્સીસમાં થઈ શકે છે. બ્રાઉનિંગે જણાવ્યું હતું કે આ જેટ સૂટ 144 કિગ્રાનો થ્રસ્ટ સર્જે છે. તેમાં 5 ડાઉનવર્ડ ફેસિંગ ટર્બાઈન એન્જિન પણ છે. તે હોટ એક્ઝોસ્ટ ગેસ છોડે છે. ગેસ સળગવા સાથે નોઝલના ધક્કાના લીધે પાઇલટ હવામાં તરવા લાગે છે અને આગળ વધે છે. બંને એન્જિન હાથમાં જ ફિટ કરવામાં આવ્યા હોવાથી તેની દિશા બદલવાની સાથે હવામાં ઊડતા-ઊડતાં વળાંક લઈ શકાય છે. એટલું જ નહીં, જેમ્સ બોન્ડની ફિલ્મ `થંડરબોલ્ટ'માં બતાવાયું હતું તેમ વર્ટિકલ લેન્ડિંગ પણ કરી શકે છે.
અમેરિકામાં નોકરિયાતો ધ્રૂજે છે : છટણીનો દોર, વધુ 6 હજાર લોકો નોકરી ગુમાવશે
અમેરિકામાં મોટા પાયે છટણીનો તબક્કો શરૂ થયો છે. હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય બાદ ઈન્ટરનલ રેવન્યુ સિસ્ટમ (IRS)ના 6 હજારથી વધુ કર્મચારી નોકરી ગુમાવી શકે છે. નિષ્ણાતો આ છટણી પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમનું એમ પણ કહેવું છે કે આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી IRS અમીરોના કેસોની તપાસ ન કરી શકે. IRSએ લોકોને જાણ કરી હતી કે લગભગ 6,000 કર્મચારીઓને છૂટા કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અમેરિકામાં ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા ચાલી રહી છે. IRS અધિકારી ક્રિસ્ટી આર્મસ્ટ્રોંગે જણાવ્યું હતું કે, `અમે 6,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકીશું.' નોંધનીય છે કે, ટ્રમ્પે સરકારી ખર્ચ ઘટાડવાનું કામ DOGE વિભાગને સોંપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના ખર્ચમાં કાપ મૂકવા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં બેંક નિયમનકારો, વનસંવર્ધન કામદારો, રોકેટ વૈજ્ઞાનિકો અને હજારો અન્ય સરકારી કર્મચારીઓને લક્ષ્ય બનાવવામાં આવ્યા છે. આ પ્રયાસનું નેતૃત્વ ટેક ટાયકૂન ઈલોન મસ્ક કરી રહ્યા છે. IRSમાં છટણી મુખ્યત્વે એવા કર્મચારીઓની હશે જેમને અમેરિકાના પૂર્વ પ્રમુખ જો બાઈડેન દ્વારા સેવા વિસ્તરણના ભાગ રૂપે રાખવામાં આવ્યા હતા.
ઈરાનમાં છેલ્લા એક વર્ષમાં 31 મહિલા સહિત 975 લોકોને ફાંસીની સજા અપાઈ અનેક દેશોમાં મૃત્યુદંડની કાયદેસરતા અને નૈતિકતા પર સવાલો ઊઠી રહ્યા છે. જોકે, ઈરાની સરકારની ક્રૂરતાનો ભયાનક ડેટા સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ ઈરાનની સરકારે 31 મહિલા સહિત 975 વ્યક્તિઓને મોતની સજા આપી છે. સરકારે ભયાનકતાની એવી હદ વટાવી છે કે, સામાન્ય બાબતમાં પણ લોકોને ફાંસી આપી રહી છે. ઈરાને વર્ષ 2024માં અનેક લોકોને મોતની સજા ફટકારી હોવાનો માનવ અધિકાર જૂથે ખુલાસો કર્યો છે. દાવા મુજબ ઈરાને મૃત્યુદંડનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા 975 લોકોને મોત આપ્યું છે. નોર્વેસ્થિત ઈરાન હ્યુમન રાઈટ્સ (IHR) અને ફ્રાન્સના ટુગેધર અગેઈન્સ્ટ ધ ડેથ પેનલ્ટી(ECPM)એ કહ્યું કે, `અમારા દ્વારા વર્ષ 2008માં ડેટા એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યા બાદ વર્ષ 2024નો આ સૌથી ભયાનક ડેટા છે.' રિપોર્ટ મુજબ ઈરાનમાં 2024માં મૃત્યુદંડની ભયાનક વૃદ્ધિ છે. આઈએચઆરના નિર્દેશક મહમૂદ અમીરી મોગદ્દામે કહ્યું કે, `ઈરાનની સરકારે પોતાની સત્તા જાળવી રાખવા માટે પોતાના લોકો વિરુદ્ધ મૃત્યુદંડનો ઉપયોગ કર્યો. ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સંભાવનાઓ દરમિયાન વર્ષના અંતિમ 3 મહિનામાં સરેરાશ દૈનિક પાંચ લોકોને મૃત્યુદંડની સજા અપાઈ છે. રિપોર્ટ મુજબ વર્ષ 2023માં મૃત્યુદંડના 834 કેસ નોંધવામાં આવ્યા હતા. જોકે, આ વર્ષે તેમાં 17 ટકાનો વધારો થયો છે. વર્ષ 2024માં 31 મહિલાઓ સહિત 975 લોકોને મૃત્યુદંડ અપાયો, જેમાંથી 4 લોકોને જાહેરમાં ફાંસી અપાઈ હતી.'
ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અંગેની વૈશ્વિક નીતિથી બ્રિક્સ દેશો વિખેરાઈ જવાની ધારણા જુલાઈમાં બ્રાઝિલમાં BRICSના તમામ પાંચ સભ્ય દેશોની બેઠક યોજાવાની છે. ટ્રમ્પ લાંબા સમયથી ડૉલર મુદ્દે BRICS દેશો પર 100 % ટેરિફ લાદવાની ધમકી આપી રહ્યા છે. અહેવાલ અનુસાર ટ્રમ્પે કહ્યું કે, 150 % ટેરિફ લગાવવાની ધમકી બાદ BRICS દેશોએ છૂટા પડી જવાનો નિર્ણય કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે BRICS દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. ગત અઠવાડિયે પણ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો બ્રિક્સ દેશ એક કોમન કરન્સી લાવશે તો અમેરિકા તેમના પર 100 %થી વધુ ટેરિફ લાદી શકે છે.