નોબેલ પુરસ્કાર સ્વીડિશ અને નોર્વેજિયન સંસ્થાનો દ્વારા શૈક્ષણિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રમાં આપવામાં આવતો વાર્ષિક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. આ પુરસ્કાર અલ્ફ્રેડ નોબેલની યાદમાં આપવામાં આવે છે. તેઓ સ્વીડિશ રસાયણશાસ્ત્રી, એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. તેમણે ડાયનામાઈટની શોધ કરી હતી. ઈ.સ. 1896માં તેમનું મૃત્યુ થયું હતું. તેમણે પોતાની વસિયતમાં પોતાની સંપત્તિને પાંચ પુરસ્કારો માટે ઉપયોગમાં લેવા જણાવ્યું હતું. જેને `નોબેલ પ્રાઈઝ' તરીકે ઓળખવામાં આવે છે. નોબેલ પુરસ્કાર પહેલીવાર ઈ.સ. 1901માં આપવામાં આવ્યો હતો.
નોબેલ પ્રાઈઝનો સમારોહ દર વર્ષે યોજાય છે. દર વર્ષે પુરસ્કાર વિજેતાઓને એક સુવર્ણપદક, એક ડિપ્લોમા અને અમુક રકમ આપવામાં આવે છે, જે ઘણી મોટી હોય છે. એક પુરસ્કાર ત્રણથી વધારે વ્યક્તિઓ વચ્ચે વહેંચી શકાતો નથી. જોકે, નોબેલ શાંતિ પુરસ્કાર ત્રણથી વધારે લોકો કે સંગઠનોને આપી શકાય છે. નોબેલ પુરસ્કાર મરણોપરાંત આપવામાં આવતો નથી. જોકે, કોઈ વ્યક્તિને પુરસ્કાર આપવાનો હોય અને તે પહેલાં જ તેનું મૃત્યુ થઈ જાય તો પુરસ્કાર આપવામાં આવે છે.
ઈ.સ. 1901થી શરૂ થયેલા નોબેલ પુરસ્કાર અને ઈ.સ. 1969થી શરૂ થયેલા આર્થિક વિજ્ઞાનમાં નોબેલ સ્મૃતિ પુરસ્કાર 962 લોકો અને 25 સંગઠનોને 603 વાર આપવામાં આવ્યો છે. પાંચ વ્યક્તિઓ અને બે સંગઠનોને એકથી વધારે નોબેલ પુરસ્કાર મળી ચૂક્યા છે.
નામાંકન કોણ કરી શકે છે?
નોબેલ પુરસ્કાર માટે નોમિનેશન (નામાંકિત) કરવાનો અધિકાર કેટલાક વિશેષ લોકો કે સંસ્થાઓને જ હોય છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય સંસદ અને સરકારોના સદસ્ય (સાંસદ, મંત્રી, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ)
આંતરરાષ્ટ્રીય કોર્ટના જજ
યુનિવર્સિટીના પ્રોફેસર (પોલિટિકલ સાયન્સ, હિસ્ટ્રી, લો, ધર્મ, સમાજશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર વગેરેના વિશેષજ્ઞ)
પૂર્વ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા
નોબેલ કમિટીના વર્તમાન અને પૂર્વ સદસ્ય
અમુક આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખો (જેમ કે, સંયુક્ત રાષ્ટ્ર, ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, રેડ ક્રોસ વગેરે.)
નોમિનેશનનો અર્થ જીવતું થાય છે?
નોબેલ પુરસ્કાર માટે નામાંકિત થવાનો અર્થ એ જરાય નથી કે તે વ્યક્તિ કે સંગઠન વિજેતા બનશે. દર વર્ષે અસંખ્ય લોકોનાં નામની અરજી આવે છે, પરંતુ એક (ક્યારેક જ એકથી વધારે)ને જ પુરસ્કાર મળે છે. નોબેલ નોમિનેશનની ગુપ્તતા જાળવી રાખે છે અને 50 વર્ષ સુધી નામાંકિત વ્યક્તિઓનું લિસ્ટ સાર્વજનિક કરતી નથી. ગયા વર્ષે એટલે કે વર્ષ 2024માં 286 નોમિનેશન આવ્યાં હતાં જ્યારે અત્યાર સુધીના સૌથી વધારે 376 નામાંકન વર્ષ 2016માં હતા. આ વર્ષના નોબેલ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત લગભગ ઓક્ટોબર મહિનામાં થશે.
નોબેલ કમિટી જાતે નોમિનેટ
કરે છે?
ના, નોબેલ કમિટી કોઈને પણ જાતે નોમિનેટ કરતી નથી. જે પણ નામ મોકલવામાં આવે છે તેમાંથી સૌથી યોગ્ય ઉમેદવારને શોર્ટલિસ્ટ કરવા અને વિજેતાની પસંદગી કરવાનું કામ કમિટી કરે છે.
કયા ક્ષેત્રના લોકોને નોબેલ પુરસ્કાર મળે છે?
નોબેલ પુરસ્કાર માત્ર શાંતિ માટે જ નથી આપવામાં આવતા, પરંતુ તે કુલ 6 ક્ષેત્રોમાં આપવામાં આવે છે.
સામાન્ય માણસ નોબેલ માટે નામાંકન કરી શકે છે? : ના, કોઈ પણ સામાન્ય નાગરિક કોઈ પણ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરી શકતો નથી. માત્ર સરકાર, સાંસદ, પ્રોફેસર, ન્યાયાધીશ, નોબેલ વિજેતા અને અમુક આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખો જ નામાંકન કરી શકે છે.