આયુર્વેદમાં કેટલાક ઔષધયોગો ખૂબ જ જાણીતા છે. આવા એક ઔષધયોગનું નામ છે, `રસાયન ચૂર્ણ'. આયુર્વેદના ખૂબ જ પ્રખ્યાત એવાં ઔષધો ગળો, ગોખરુ અને આમળાં એ ત્રણેનું સમભાગે બનાવેલું ચૂર્ણ એ જ અમારા સર્વ વૈદ્યોનું પ્રિય પ્રસિદ્ધ રસાયન ચૂર્ણ.

આયુર્વેદના બે મુખ્ય ઉદ્દેશ છે: (1) સ્વાસ્થ્ય રક્ષા અને (2) રોગ નિવારણ. આમાંથી રસાયનનો ઉદ્દેશ સ્વાસ્થ્ય રક્ષા તથા સ્વાસ્થ્ય સંવર્ધન છે. સ્થૂળરૂપે રસાયન ઔષધ સ્વાસ્થ્ય સંવર્ધન સંબંધિત છે, પરંતુ સૂક્ષ્મ વિવેચનથી સ્પષ્ટ છે કે રસાયન ઔષધોનો માનસિક સ્વાસ્થ્ય સાથે પણ સીધો સંબંધ છે.

રસાયનતંત્ર આયુર્વેદના અષ્ટાંગ(આઠ અંગો)માંથી એક મહત્ત્વપૂર્ણ અંગ છે. વસ્તુતઃ રસાયનનો સીધો સંબંધ રસ સંવહન તથા ધાતુ પોષણથી છે. ઉત્તમ પોષણના માધ્યમથી પ્રશસ્ત ધાતુઓ (ઉત્તમ અંગો)ના નિર્માણના ઉપચાર કે ઉપાયને રસાયન કહેવામાં આવે છે. મહર્ષિ ચરકે તો સ્પષ્ટ લખ્યું છે કે, `લાભોપાયોહિ શસ્તાનાં રસાદિનાં રસયાનમ્'. શરીરમાં પ્રશસ્ત ધાતુઓના નિર્માણના પરિણામે મનુષ્યમાં દીર્ઘાયુ, રોગપ્રતિકારક શક્તિ, મેઘાશક્તિ તથા પ્રભાવવર્ણમ ઇત્યાદિની પ્રાપ્તિ થાય છે.

ઉપરોક્ત રસાયન ચૂર્ણમાં આવતાં આમળાંને આયુર્વેદમાં ઉત્તમ રસાયન ઔષધ ગણાવાય જ છે. આપણે ત્યાં વપરાતા આયુર્વેદિક ટોનિક ચ્યવનપ્રાશમાં પણ મુખ્ય ઔષધ તો આમળાં જ છે.

આ ચૂર્ણમાં પ્રયોજાતા ગોખરુ આયુર્વેદીય મતે શીતળ, મધુર, બળવર્ધક, મૂત્રાશયની તથા મૂત્રમાર્ગની સ્વચ્છતા કરનાર ગણાવ્યા છે. ગોખરુ પચી ગયા પછી પણ મધુર, કામશક્તિ વધારનાર, પૌષ્ટિક અને પથરીનો નાશ કરનાર છે. મહર્ષિ ચરકે ગોખરુને કૃમિનાશક, મૂત્ર વિરેચન કરાવનાર, સોજો ઉતારનાર તથા પથરી તોડનાર કહ્યા છે. ધન્વંતરી નિઘંટુના કર્તાએ ગોખરુને પ્રમેહનાશક, હૃદયરોગનાશક અને વાયુને જીતનાર કહ્યા છે.

ગળો પણ આયુર્વેદનું અતિ મહત્ત્વનું ઔષધ છે. તેના ગુણધર્મો લખતાં ભાવમિશ્રે તેને તીખી, કડવી, પચ્યા પછી મધુર, રસાયન, સંગ્રાહી, બલપ્રદ, તૂરી, ઉષ્ણ, લઘુ અને અગ્નિદીપન કહી છે. તે ત્રણે દોષ તથા આમ, તૃષા, દાહ, પ્રમેહ, ખાંસી, રક્તાલ્પતા, કમળો, કોઢ, તાવ, કૃમિ, ઊલટી, દમ, હરસ, મેદ અને હૃદયરોગ મટાડે છે.

જેમને શરીરમાં કોઈ પણ સ્થાને દાહ-બળતરા રહેતી હોય તેમણે સવારે અને રાત્રે એક-એક ચમચી જેટલું રસાયણ ચૂર્ણ ફાકી જવું. ઉપરથી ગાયનું તાજું દૂધ પીવું અને તીખી, તળેલી અને ગરમ ચીજો ખાવી નહીં.

પેશાબમાં બળતરા થતી હોય, પેશાબ ખૂબ જ ગરમ, ગંદો, ઘટ્ટ અને વાસવાળો આવતો હોય તેમણે તથા પિત્ત અને વાયુના પ્રકોપને કારણે સ્વપ્નદોષ થઈ જતો હોય, સંભોગ પૂર્વે જ શુક્રસ્રાવ થતો હોય (અર્લી ડિસ્ચાર્જ થતો હોય) તેમણે તથા માથામાં બળતરા થતી હોય, હાથની હથેળી અને પગનાં તળિયાં બળતાં હોય, વારંવાર મોઢામાં અને આંતરડામાં ચાંદાં પડતાં હોય, ઊંઘ ન આવતી હોય તેમણે આ રસાયણ ચૂર્ણનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં સાકર પણ નાખી શકાય.