અનેક સંસ્કૃતિઓ કે ધર્મોના ખૂબ જ પ્રાચીન ગ્રંથો કે શિલાલેખોની ભાષા જાણવામાં વિશેષજ્ઞોને સફળતા મળી છે. જેમ કે, ઈજિપ્તમાં ચિત્રલિપિની ભાષા વાંચીને ઘણી જાણકારી મળી છે. આવાં અનેક લખાણ કે ચિત્રલિપિ વાંચી શકવામાં વહેલી કે મોડી સફળતા મળી છે, પરંતુ એક પુસ્તક એવું પણ મળ્યું છે કે જેનાં લખાણ કે ચિત્રોને આજ સુધી વાંચી કે ઉકેલી શકાયાં નથી. આશરે 600 વર્ષ કરતાં વધારે વર્ષ જૂનું આ પુસ્તક હાથથી લખવામાં આવ્યું છે. રહસ્યમય ભાષા, અજ્ઞાત લેખક અને અદ્વિતીય ચિત્રોએ એને દુનિયાના સૌથી રહસ્યમય પુસ્તકમાંથી એક બનાવી દીધું છે. આ પુસ્તકમાં એવું તો શું છે કે જે તેને રહસ્યમયી બનાવે છે તે જાણીએ.
ઇતિહાસ અને ઉત્પત્તિ
આ પુસ્તકનું નામ વોયનિચ મેન્યુસ્ક્રિપ્ટ છે. 17મી શતાબ્દીના અંગ્રેજી પુસ્તક વિક્રેતા વિલફ્રિડ વોયનિચના નામ પરથી આ પુસ્તકનું નામ રાખવામાં આવ્યું છે. આ પુસ્તકના મૂળ લેખક કોણ છે એ અંગે આજ સુધી જાણી શકાયું નથી. એટલું જ નહીં, આ પુસ્તક કયા દેશમાં, કંઇ જગ્યાએ લખાયું હશે એ અંગે પણ કોઇ માહિતી મળતી નથી. હાલમાં આ પુસ્તક યેલ યુનિવર્સિટીમાં બેઇનેક દુર્લભ પુસ્તક અને પાંડુલિપિ પુસ્તકાલયમાં રાખવામાં આવ્યું છે. વોયનિચ મેન્યુસ્ક્રિપ્ટ પુસ્તકમાં પાંડુલિપિનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. અમુક સિદ્ધાંતને આધારે પાંડુલિપિનું નિર્માણ યુરોપમાં થયું હતું, જ્યારે અન્ય સિદ્ધાંતો અનુસાર તેનું નિર્માણ કોઇ અન્ય જગ્યા પર થયું હોવાનું મનાય છે.
આ પુસ્તકને ઈ.સ. 1660માં મેળવવામાં આવ્યું હતું. 246 પાનાનાં આ પુસ્તકની ભાષા રહસ્યમયી છે. દુનિયાના અનેક ગણિતજ્ઞ, ક્રિપ્ટોગ્રાફર અને ભાષા વિજ્ઞાની પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરવા છતાં જાણી શક્યા નથી કે આ પુસ્તકમાં શું લખ્યું છે. આ પુસ્તકમાં અનેક આકૃતિઓ બનાવવામાં આવી છે. એમાં દોરવામાં આવેલ વનસ્પતિ અને એસ્ટ્રોનોમિકલ પેટર્ન એવી છે જે આજ સુધી ક્યારેય ક્યાંય જોવા મળી નથી. એન્ટિક બુક ડીલર વોયનિચે આ પુસ્તકને ઇટલીના એક જૂનાં પુસ્તકની દુકાનમાંથી ખરીદ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કોડ બ્રેકર્સની એક ટીમે આનો અભ્યાસ કર્યો હતો, પણ પુસ્તક વિશે કંઇ જાણી શક્યા નહોતા.
કેવું છે આ પુસ્તક?
વોયનિચ પુસ્તકનો આકાર મધ્યમ છે. તેની લંબાઇ આશરે 22.5 સેમી અને પહોળાઇ 16 સેમી છે. આ પુસ્તક હસ્તલિખિત કોડેક્સ છે એટલે કે તેને હાથથી લખવામાં આવ્યું છે અને ચર્મપત્રનાં પાનાંમાંથી બનાવવામાં આવ્યું છે. પાંડુલિપિને બનાવવા ઉચ્ચ ગુણવત્તાવાળાં ચર્મપત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચર્મપત્ર લેખન માટે તૈયાર કરવા તેને અનેક પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં જાતજાતની વનસ્પતિઓ, ખગોળશાસ્ત્ર અને અન્ય રહસ્યમયી પ્રતીકો છે.
આ પુસ્તક 240 કરતાં વધારે પાનાંનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોના મત મુજબ બીજાં પાનાં નષ્ટ થઇ ગયાં હોવાનું મનાય છે.
હાલમાં માન્ચેસ્ટર યુનિવર્સિટીના ડો. મોર્સેલો મોન્ટેમુરો જે ઘણાં વર્ષોથી આ લિપિનો અભ્યાસ કરી રહ્યા હતા, તેમણે રિસર્ચ કર્યા બાદ કહ્યું કે, તેની ટેક્સ્ટ યુનિક છે. કમ્પ્યૂટરાઇઝ્ડ સ્ટેટેસ્ટિકલ મેથડથી આ ભાષાને વાંચવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો. તેમ છતાં આ પુસ્તકમાં શું લખ્યું છે એ રહસ્ય અકબંધ છે.