બિહારની રાજધાની પટણાથી આશરે સવાસો અને બોધગયાના મહાબોધિ મંદિર કે મહાવિહા રથી બેએક કિલોમીટર દૂરનું ગામ દોમુહાં. પંચશીલ ધ્વજથી ઢંકાયેલા કામચલાઉ માંડવા નીચે ચીવર ધારણ કરેલા ઘણાં બૌદ્ધ ભિખ્ખુઓ અને લોકો બેઠેલા છે.

ગરમ લૂને આવતી અટકાવે તેવી કોઈ આડશ નથી. આ જગ્યાએ છેલ્લા બે મહિનાથી ધરણા ઉપવાસ આંદોલન ચાલે છે. મંડપ નીચે શાંત અને અહિંસક રીતે બેઠેલા ભિખ્ખુઓના હાથમાં પ્લે કાર્ડ છે. બેનર્સ અને પોસ્ટર્સ ઉપરાંત ગૌતમ બુદ્ધ, ડો. આંબેડકર અને ભારતીય બંધારણના ફોટા પણ નજરે ચઢે છે. બુદ્ધને `સમ્મા સંબોધિ' કહેતા બોધિજ્ઞાન જ્યાં પ્રાપ્ત થયું હતું તે મહાબોધિ મંદિરના વહીવટમાં બૌદ્ધોની પૂર્ણ સ્વતંત્રતા અને સ્વાયત્તતા માટે અડચણરૂપ બિહાર સરકારનો 1949નો બોધગયા ટેમ્પલ એક્ટ રદ કરવાની તેમની માંગ છે. મહાબોધિ મંદિર બૌદ્ધોને સોંપવાના દાયકા જૂના આંદોલનનો આ નિર્ણાયક અધ્યાય છે.

બૌદ્ધો માટે ચાર મહત્ત્વનાં તીર્થસ્થાનો છે. ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ લુમ્બિની (નેપાળ), તેમને જ્યાં પૂર્ણ જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી તે બોધગયા સ્થિત મહાબોધિ મહાવિહા ર (બિહાર), પ્રથમ ઉપદેશ સ્થાન સારનાથ (ઉત્તરપ્રદેશ) અને નિર્વાણ સ્થળ કુશીનગર (યુ.પી.). બુદ્ધના જન્મસ્થળ લુમ્બિની જેટલું જ મહાબોધિ વિહા ર બૌદ્ધો માટે મહત્ત્વનું આસ્થાસ્થાન છે. જો લુમ્બિની રાજકુમાર સિદ્ધાર્થનું જન્મસ્થળ છે, તો રાજકુમાર સિદ્ધાર્થનો બુદ્ધ રૂપે અવતાર મહાબોધિમાં થયો હતો. એટલે તે પણ તેમના જન્મસ્થળ જેટલું જ અગત્યનું છે.

આશરે અઢી હજાર વર્ષો પહેલાં બોધગયાના પીપળાના વૃક્ષ નીચે ધ્યાનસ્થ સિદ્ધાર્થને બોધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું અને તે બુદ્ધ બન્યા હતા. સમ્રાટ અશોકે ઈ.સ. પૂર્વેની ત્રીજી સદીમાં ત્યાં એક મહાવિહા ર બંધાવ્યું હતું. તેરમી સદી સુધી તેનું નિયંત્રણ અને સંચાલન બૌદ્ધો કરતા હતા. ઈ.સ 1590માં એક શૈવ હિન્દુ મહંતે ત્યાં મઠ સ્થાપતાં તે હિન્દુ મઠ બની ગયું. હિન્દુઓ મહાબોધિને હિન્દુ ધાર્મિક સ્થળ કહે છે. બુદ્ધને વિષ્ણુનો નવમો અવતાર, મંદિરમાં આવેલી મૂર્તિઓને પાંચ પાંડવ ગણાવે છે. ત્યાં હિન્દુ વિધિથી હોમ હવન, લગ્ન, મૂર્તિપૂજા અને પિંડદાન થાય છે, જે બૌદ્ધ વિચારથી અલગ છે. એટલે હિન્દુઓ બૌદ્ધ તીર્થસ્થળ તરીકે તેનો એકડો ભૂંસી નાંખવા પ્રયાસો કરતા હોવાનો બૌદ્ધોનો આરોપ છે.

મહાબોધિનું નિયંત્રણ બૌદ્ધો હસ્તક હોવું જોઈએ તેવી માંગણી દાયકાઓ પહેલાં શ્રીલંકન બૌદ્ધ સાધુ અનાગારિક ધમ્મપાલે સૌ પ્રથમ વખત કરી હતી. 1922માં કોંગ્રેસના ગયા અધિવેશનમાં પણ આ માંગ ઊઠી હતી. એટલે સ્વતંત્રતા પછી 1949માં બિહાર સરકારે બોધગયા મંદિર અધિનિયમ ઘડ્યો હતો. આ કાયદા હેઠળ સરકારે સૌ પ્રથમ 1953માં બોધગયા મંદિર વહીવટી સમિતિની રચના કરી હતી. કાયદાકીય જોગવાઈ મુજબ ગયાના કલેક્ટર હોદ્દાની રૂએ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ અને કમિટીમાં ચાર હિન્દુ અને ચાર બૌદ્ધ મેમ્બર્સ છે. સરકારે મહાબોધિ મંદિરના વહીવટ માટે બૌદ્ધો અને હિન્દુઓની સંયુક્ત સમિતિ એટલે બનાવી હતી કે તે આ તીર્થને સાંઝી વિરાસત કે બૌદ્ધો અને હિન્દુઓનો મઝિયારો ધાર્મિક વારસો ગણી કોઈને નારાજ કરવા માંગતી નહોતી. વળી, 1949ના એક્ટમાં ગયાના કલેક્ટર હિન્દુ ન હોય તો સમિતિના અધ્યક્ષ સભ્યોમાંથી કોઈ હિન્દુ જ હોય તેવી જોગવાઈ કરી હતી.

બૌદ્ધો માટે આ મહત્ત્વનું બુદ્ધ તીર્થસ્થળ હિન્દુ બની રહ્યું હતું તે અસહ્ય હતું. તેમણે સમયે સમયે લોકશાહી ઢબે રજૂઆતો અને શાંત અહિંસક આંદોલનો પણ કર્યાં છે. 1995માં પંચ્યાસી દિવસ ચાલેલા આંદોલનના અંતે તત્કાલીન મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે કાયદામાં સુધારો કરીને હિન્દુ બહુમતીની શરત કાઢી નાંખી, પણ બૌદ્ધોને વહીવટ ન સોંપ્યો. આંદોલનકારી પૈકીના એકાદ બૌદ્ધ ભિખ્ખુને મેનેજમેન્ટ કમિટીમાં સમાવી લેવાયા ખરા.

મહાબોધિ મંદિરના પ્રબંધનમાં બૌદ્ધોની કોઈ અસરકારક ભાગીદારી નથી એટલે બૌદ્ધો 1949નો બોધગયા ટેમ્પલ એક્ટ જ રદ કરવા માંગણી કરી રહ્યા છે. ગૌતમ બુદ્ધે આ સ્થળે જ્ઞાનપ્રાપ્તિ કરી હતી તેને અનુલક્ષીને યુનેસ્કોએ 2002માં મહાબોધિ મંદિરને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપ્યું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ બૌદ્ધ અને હિન્દુ બંનેના મિશ્રણથી બૌદ્ધો નારાજ છે. બૌદ્ધો આ સ્થાને ધ્યાન અને તપસ્યા માટે આવે છે, પરંતુ હિન્દુઓનાં ઢોલ-નગારાના ઘોંઘાટ તેમને ત્રાસરૂપ છે.

વિશ્વ ધરોહર બન્યા પછી મહાબોધિ મંદિરમાં કેમેરા પણ લઈ જઈ શકાતા નથી, પરંતુ હિન્દુઓ પિંડદાનની સામગ્રી લઈ જઈ શકે છે. બૌદ્ધ વિચાર અને આચારનું પાલન આ સાંઝી વિરાસતમાં થતું નથી. મંદિરને મળેલ દાનનો ઉપયોગ બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે થઈ શકતો નથી તેવી પણ બૌદ્ધોની ફરિયાદ છે.

ગઈ તારીખ 12મી ફેબ્રુઆરીએ મહાબોધિ મંદિરમાં આરંભાયેલા અનુષ્ઠાન સામે મંદિર પરિસરમાં જ બૌદ્ધ ભિખ્ખુઓએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. મહાબોધિ મંદિર પર નિયંત્રણ માટે નિર્ણાયક આંદોલન તેમણે છેડ્યું છે. ગયાના કલેક્ટરે આ નીતિ વિષયક નિર્ણય છે અને તેના ઉકેલ માટે તેઓ કંઈ કરી શકે તેમ નથી તેમ જણાવી હાથ અધ્ધર કરી દીધા હતા. પંદરેક દિવસ પછી બિહાર સરકારના અધિકારીઓએ આંદોલનકારીઓ સાથે બેઠક યોજી, પણ તેનું કોઈ પરિણામ ન આવતાં શાંત અને અહિંસક આંદોલનને અટકાવવા મહાબોધિ મંદિર પરિસરથી ધરણા સ્થળને રાતોરાત બે કિલોમીટર દૂરના દોમુહાં ગામે ખસેડી નાખ્યું. જોકે, આંદોલનને સમગ્ર દેશના દલિતો અને નવબૌદ્ધોનું સમર્થન મળી રહ્યું છે. તેમના ટેકામાં દેશવિદેશમાં ધરણા આંદોલનો પછી 12મી મેના રોજ બોધગયામાં લાખો દલિતોની વિશા ળ રેલી યોજાવાની છે.

ધાર્મિક વિવિધતા ધરાવતા આપણા દેશમાં ધાર્મિક અસહિષ્ણુતા પણ એટલી જ છે. અનેક ધર્મોના લોકો અહીં વસે છે, પણ તેઓ એકબીજાના ધર્મોના આદર સાથે સહજીવન 4તાવી શકે છે ખરા? દેશની મસ્જિદો નીચે મંદિરો અને શિવલિંગો શોધાય છે. બહુમતીના ધર્મની લાગણી લઘુમતી ધર્માવલંબીઓ સમજે તેવું ધાર્મિક જ્ઞાન પિરસાય છે, પરંતુ હળીમળીને સાથે રહેવાનું બનતું નથી.

યુનિફાઈડ વકફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 2025ના વિરોધમાં થતી એક દલીલ સરકાર દ્વારા વકફ બોર્ડમાં બે બિનમુસ્લિમ સભ્યોની નિમણૂકની જોગવાઈથી વકફ બોર્ડમાં મુસ્લિમોની સ્વતંત્રતા અને સ્વાયત્તતા જોખમાવાની છે. મહાબોધિનો વર્તમાન વિવાદ જોતાં લાગે છે કે વકફ કાનૂન સામેની આ વિરોધ દલીલમાં વજૂદ છે.