જમાનો બદલાઈ ગયો' એ તકિયાકલામ દરેક નવી પેઢી જૂની પેઢી પાસેથી સાંભળે છે, પરંતુ આજના ડિજિટલ યુગે માત્ર જમાનો જ નહીં માણસ અને સંબંધો બધું જ ધરમૂળથી બદલી નાંખ્યું છે. લવલેટરથી ડેટિંગ એપ્સ સુધી પ્રેમનાં અનેક સ્વરૂપ જોઇ ચૂકેલા પ્રેમસંબંધમાં એક નવું નામ ઉમેરાયું છે. `નેનોશિપ' જિંદગીભરનો પ્રેમ અને જનમજનમનો કે સાથે જીવવા-મરવાના વાયદાનું અચ્યુતમ્ એટલે નેનોશિપ. પલભરમાં સંબંધોનો-પ્રેમનો રંગ બદલતો આપણે જોયો છે અને હવે પલભર માટેનો સંબંધ યાને નેનોશિપને જોઇએ. નેનોશિપ એટલે ખૂબ જ ઓછા સમય માટે બનાવવામાં આવતો સંબંધ. નેનો કાર, નેનો પાર્ટ્સ, નેનો ટેક્નોલોજી અને હવે સંબંધો પણ નેનો. એક દિલ બીજા દિલ સુધી આંખોના રસ્તે પૂરેપૂરું પ્રવેશે એ પહેલાં બીજા દિલની તલાશમાં પહોંચી જવાનું. ઝેન-જીને આ પ્રકારનો સંબંધ ખૂબ વહાલો લાગે છે. અત્યાર સુધી ઓપન રિલેશન, સિચ્યુએશનશિપ અને ટેક્સ્ટેશનશિપમાં ખુશીઓ શોધતા હતા. ત્યાં આ નવો આવી ગયો. સંબંધમાં નેનોનો અર્થ છે ક્ષણભરનો સાથ. ક્યારે શરૂ અને ક્યારે ખતમ એ જોવાનું જ નહીં. એમાં પ્રેમની ઊંડાઇ કે ગંભીરતા નથી.
`પલભર કે લિયે કોઇ હમેં પ્યાર કર લે જૂઠા હી સહી.' આ ફિલ્મીગીતને નેનોશિપ બરાબર બંધ બેસે છે. પોતાની સુવિધા અને રુચિ પ્રમાણે સંબંધો બનાવતી અને તોડતી જનરેશને નેનોશિપ દ્વારા લોંગ ટર્મ રિલેશનની ગંભીરતા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
આમ જુઓ તો નેનો સિલેશનશિપનો સીધો સાદો અર્થ છે, નાનકડો સંબંધ અને આ સંબંધ થોડા કલાકો, થોડા દિવસો કે થોડા સપ્તાહોનો પણ હોઈ શકે. ખૂબ જ ઓછા સમય માટે નિભાવવાનો આ સંબંધ ઇન્ટરનેટ અને ડેટિંગ એપ્સ પર ચર્ચામાં છે. નામ જાણ્યા વિના પણ એકબીજા સાથે થોડી ક્ષણો તેઓ માણી લેવા ઇચ્છે છે. તેઓ ડેટિંગ એપ કે સોશિયલ મીડિયા પર વધારે મળે છે. થોડા દિવસ ફિઝિકલ મળશે. મોજ-મસ્તી કરશે. રોમાન્સ કરશે અને પછી ટાટા બાય બાય કરી કશા ભાર વિના છૂટા પડશે. કેટલાક સંબંધો તો થોડા કલાકો કે રાત માટે પણ બને છે.
નવી પેઢી આવા સંબંધોને સ્વીકારી રહી છે, કારણ કે લોંગ ટર્મ રિલેશનની ઘણી ગૂંચવણો છે. કમિટમેન્ટ, અપેક્ષા, ફેમિલી પ્રેશર આ બધું સંબંધોની હળવાશને ઘણીવાર છીનવી લે છે. સંબંધો તૂટવાનો, એકબીજાને હર્ટ કરવાનો અને અપેક્ષા પર ખરા ન ઊતરવાનો ડર રોમાન્સની મજાને મારી નાંખે છે. જ્યારે નેનોશિપમાં કમિટમેન્ટની, પાર્ટનરનાં પેરેન્ટ્સને મળવાની કે સંબંધોને પરિભાષિત કરવાની કોઇ જરૂર નથી પડતી. આ સંબંધ માત્ર ને માત્ર આનંદ માટે છે. પ્રથમ દૃષ્ટિએ આ આપણને ન ગમે, પરંતુ અમેરિકાની એક ડેટિંગ એપ કંપનીએ 18થી 34 વર્ષની 8 હજાર મહિલા અને પુરુષો પર એક સર્વે કર્યો. એમાં 80 ટકાથી વધુ લોકોએ કહ્યું કે લોંગ ટર્મના સ્ટ્રેસફુલ રિલેશન કરતાં ઓછા સમયના રોમેન્ટિક અને ફીલગુડ કરાવતી નેનો રિલેશનશિપ અમને વધુ પસંદ છે. એક નાનકડી મૂવમેન્ટ, આંખોની મસ્તી અને ગુસ્તાખિયાં કે કાફેમાં એકાંતમાં કરેલું ફ્લર્ટિંગ એમને આનંદિત રાખે છે. લોંગ ટર્મ રિલેશનશિપને સોસાયટીનો મજબૂત પાયો માનતા ચિંતકો માટે આ લપડાક છે, કારણ કે આ સોશિયલ મીડિયા મારફત સર્વત્ર ફેલાઈ રહ્યો છે. સમર્થકો તો કહે છે કે આવા સંબંધોમાં નવા-નવા લોકોને મળવાનું થાય છે. સામાજિક દાયરો અને સેન્સ બંને વધે છે. સંબંધો બને તો ઠીક નહીંતર દોસ્તી અને દોસ્તી પણ નહીં જામે તો અજનબી બનીને છૂટા પડવાનું.
કોઇ ભાવનાત્મક દબાણ નહીં કે ન ગુમાવવાનો ડર. વળી, કેટલાક યુવાનો તો એને સ્ટ્રેસ રિલીફનું એક માધ્યમ માને છે. આજની ભાગદોડ ભરી જિંદગીમાં થોડી પળ ખુશીની મળી જાય. એમાં ચિંતાની છાયા પણ ન હોય તો સમયને રિવાઇડ કરી દે. થોડો સમય સુકૂનભર્યો મળી શકે. વળી, આવા સંબંધો લાગણી પર કાબૂ રાખતા શીખવે છે અને કોઇ કમિટમેન્ટ વગર મસ્તી અને આત્મવિશ્વાસથી જીવતા શીખવે છે.
વાસ્તવિકતા એ છે કે માણસની હૂંફની, પ્રેમની અને સંબંધની પરત એટલી છીછરી નથી કે તે ક્ષણિકમાં સંતોષાઈ જાય. થોડીવારના સંબંધોમાં તૃપ્ત થયા પછી પણ મન ફરી બીજાનું સાંનિધ્ય ઝંખશે અને આવું સતત બને તો ભાવાનાત્મક નુકસાન થાય. તેઓ પોતાની કરિયરથી ડિસ્ટ્રેક થઇ શકે. કોઇ સાથે ઇમોશનલી એટેચ થઇ જવાય. વળી, લાંબા ગાળાનું કમિટમેન્ટ ન હોય તો મિસયૂઝ પણ થઇ શકે અને એનાથી સ્ટ્રેસ વધવાને બદલે ઘટે. જવાબદારી અને કમિટમેન્ટ વિનાના સંબંધો ઇમોશનલ-મોરલ કમિટમેન્ટનો છેદ ઉડાડી દે અને એક્સપર્ટ પણ એને ખતરનાક ગણે છે, કારણ કે આ સંબંધ થોડા સમય માટેનો છે, પરંતુ એની કોઇ લક્ષ્મણરેખા નથી. અંગત સંબંધોમાં જવાબદારી ન લેનાર અન્યત્ર પણ પલાયનવાદી બની શકે.
અને સૌથી મહત્ત્વની વાત એ કે આવા સંબંધોને સોસાયટી માન્યતા આપવાની નથી. હા, અહીં અપેક્ષા નથી હોતી એટલે સંબંધો જેટલો સમય રહે એટલો સમય પરિપૂર્ણતા લાગે, પરંતુ પછી શું? થોડા-થોડા સમયના અનેક સંબંધો માનસિક, ભાવનાત્મક અને શારીરિક સમસ્યા સર્જી શકે.