આજના સમયમાં વ્યસ્તતા અને બદલાયેલી માનસિકતાના કારણે સંબંધોની અને પ્રેમની પરિભાષા ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. તેમ છતાં માણસની પ્રેમની, સ્વીકૃતિની અને લાગણીભીના સંબંધોની ભૂખ આજેય અકબંધ છે, તેથી જ માણસ પ્રેમની અભિવ્યક્તિના નવા નવા રસ્તાઓ શોધતો જ રહે છે.

વ્યસ્તતા અને સોશિયલ મીડિયાના આક્રમણ વચ્ચે રિલેશન એક્સપર્ટે નવો શબ્દ આપ્યો છે, પેબ્લિંગ. જે સંબંધમાં પ્રેમ અને સમજ વધારે છે. સંબંધ એ જીવનનું ચાલકબળ છે, પણ એ ચાલકબળ કાર્યાન્વિત રહે એ માટે એમાં કાળજી, લાગણી અને સ્નેહનું ઇંધણ પૂરતા રહેવું પડે, પણ 10 કલાક કામના અને બે-ચાર કલાક સોશિયલ મીડિયામાં જાય તો અભિવ્યક્તિનો સમય ક્યાંથી લાવવો? જીવનની દોડધામમાંથી પ્રેમની અભિવ્યક્તિની ક્ષણો ચોરવી એનું નામ પેબ્લિંગ.

પેબ્લિંગ શબ્દ પેંગ્વિન સાથે જોડાયેલો છે. એની ઉત્પત્તિ એન્ટાર્કટિકામાં રહેનારા જેંટુ પેંગ્વિન પોતાના સાથીની જે રીતે કેર કરે છે એના પરથી થઇ છે. જેમાં નર પેંગ્વિન પોતાની ચાંચમાં સૌથી સારા કાંકરા ઉઠાવીને માદા પેંગ્વિનને આપે છે, જેનો ઉપયોગ માદા પેંગ્વિન માળો બનાવવામાં કરે છે. પ્રેમ અને કન્સને વ્યક્ત કરવાની આ રીત માળો સંપૂર્ણ બની જાય ત્યાં સુધી ચાલે છે. એ દર્શાવે છે કે માદા પેંગ્વિન માળો બનાવવામાં એકલી નથી, એને સાથ આપવા માટે નર પેંગ્વિન મોજૂદ છે. વિશેષમાં એ આ પ્રેમ અને પરવાહ વ્યક્ત કરવાના પ્રયાસને નામ આપ્યું છે, પેબ્લિંગ. એ પ્રેમની અભિવ્યક્તિની એવી નાની નાની ક્ષણો છે જે દર્શાવે છે કે જીવનની સફરમાં સાથી એકલો નથી. હમ તુમ્હારે સાથ હૈ. હું તમારા માટે વિચારું છું, ચિંતા કરું છું અને તમારી કેર માટે તત્પર છું. આ માટે એક્સપર્ટે મોડર્ન માધ્યમ અપનાવ્યું છે. જોક્સ, મીમ, નાની મોટી ગિફ્ટ કે ગમતી વ્યક્તિની કોઇ મનગમતી ચીજ. પેબલિંગનો અર્થ એ જ છે કે જેમાં તમે તમારા નાના-નાના સર્જનાત્મક અને સંવેદનશીલ ઇશારોથી એ વિચારો છો કે અમને અમારા લોકોની દરકાર છે.

પેબ્લિંગમાં રીલ્સ, મીમ્સ, જોક્સ અને ઇમોજી નવા સમયનાં અભિવ્યક્તિનાં માધ્યમ છે. આમાં ડિજિટલ દુનિયામાં પ્રેમની અભિવ્યક્તિનું માધ્યમ પણ ડિજિટલ જ રાખવું પડે, કારણ કે પ્રેમપત્ર અને લાંબી વાતચીતનો સમય જ ક્યાં છે? ઊંડાણભરી શાયરીઓ અને કવિતાઓના મર્મને સમજવાની ધીરજ પણ નથી, તેથી જે માધ્યમ ગમે અને સ્પર્શે એ જ અપનાવવું પડે. તમે તમારી ગમતી વ્યક્તિ માટે જે ફીલ કરો તેની અભિવ્યક્તિને મેચ થાય એવાં મીમ્સ કે રીલ્સ ઇન્ટરનેટના વિશાળ સાગરમાં શોધવાના અને શબ્દોનું ઉમેરણ કરી એને પર્સનલ ટચ આપવાનો. કોઇ મૂવિની વીડિયો ક્લિપ કે ઇમોજી મોકલીને અભિવ્યક્તિ અને કમ્યુનિકેશનનું દ્વાર ખોલવાનું છે. જ્યારે લાગણી શબ્દ દ્વારા વ્યક્ત ન થાય ત્યારે મીમ્સ કે ઇમોજી અસરકારક માધ્યમ બની શકે. એક હસતો ચહેરો, એક દિલ કે આંસુભરી આંખો ભાવનાને સરળતાથી વ્યક્ત કરી શકે. જ્યારે શબ્દો ખૂટે ત્યારે ઇમોજી કામ આવે. ઇમોજીનો સહી ઉપયોગ સંદેશાને પૂરો કરે છે અને સામી વ્યક્તિ ભાવોને બરાબર સમજી શકે.

જૂની પેઢી આ બધી બાબતોને દેખાવ કે વેવલાવેડાં સમજે છે, પરંતુ રોમાન્સ અને ક્વોલિટી સમય કરતાં કામ અને કરિયર મહત્ત્વની હોય ત્યારે આવી નાની નાની બાબતો એકબીજાને જોડી રાખે. સાયકોલોજી કહે છે કે પોઝિટિવ કેર વ્યક્ત કરતા અને આઈ એમ ઓલવેઝ વિથ યુ, એવું દર્શાવતા મેસેજ અને મીમ્સ ચહેરા પર હાસ્ય લાવે છે. આપણું કોઇ છે એવો સંતોષભર્યો ભાવ ક્ષણભર માટે ચહેરા પર આવે છે. આ ખુશી ડાયામાઇન હોર્મોન્સના સ્રાવના કારણે થાય છે, જે માનસિક તનાવ ઓછો કરે છે. જરા વિચાર કરો કે જ્યારે તમે ઓફિસમાં કોઇક કારણસર ટેન્શનમાં છો અને એ સમયે તમારી પ્રિય વ્યક્તિ તમારા માટે લાગણી દર્શાવતી કોઈ રીલ્સ મોકલશે તો એ જોઈને તમારો થોડો મૂડ તો સુધરવાનો જ છે. એનાથી માણસ હીલ થાય છે. માનસિક શાંતિ મળે છે. સ્વીકૃતિ એના અંદરના અહંને સંતોષે છે.

એવું નથી કે મીમ્સ, ઇમોજી સંબંધોમાં બધું બરાબર કરી દે છે. વાતચીતનું સ્થાન તો એ ન જ લઇ શકે, પરંતુ સંવાદ શક્ય ન હોય ત્યારે આ પ્રયાસ સામી વ્યક્તિ માટેના કન્સર્નને તો દર્શાવશે જ. જે સામી વ્યક્તિના થોડા ગુસ્સાને તો ઓછો કરશે. આ સંબંધનું, વ્યક્તિનું મહત્ત્વ દર્શાવવાની એક આધુનિક રીત છે. તમારી પ્રિય વ્યક્તિની કોઇ ટેવ, તમારા માટેની લાગણી, કેર, એની કામ કરવાની સ્ટાઈલ કે જુસ્સો જે કંઇ તમારા પર પ્રભાવ છોડે છે એનો હરખ દર્શાવવો એ ખોટું નથી. ઘણી વખત સામસામે ઉગ્ર દલીલો થાય અથવા તો સામી વ્યક્તિ તમે કહો એના કરતાં કંઈ અલગ સમજે ત્યારે આ પ્રયાસ કારગત નીવડી શકે. મેસેજ ઉપરાંત ગિફ્ટ આપવી કે કામમાં હેલ્પ કરવી એ પણ પેબ્લિંગનો જ એક પ્રકાર છે.