જેઝડપથી નવી પેઢીનાં બાળકોને એક્સ્પોઝર મળી રહ્યું છે અને જે રીતે પરિવારનું વાતાવરણ બદલાઈ રહ્યું છે, એ જોતાં પેરેન્ટિંગની પરંપરાગત શૈલીઓ કારગર નથી નીવડતી, તેથી મનોવૈજ્ઞાનિકો અને ચિંતકો નવી-નવી શૈલીઓ ઉજાગર કરતા રહે છે. હાલમાં યુએસ આધારિત માનવ વિકાસ નિષ્ણાત ડૉ. કેનેથ ગિન્સબર્ગે તેમની બેસ્ટ સેલિંગ બુક `રેઇઝિંગ કિડ્સ ટુ પ્રાઇવ'માં સૌ પ્રથમ લાઇટ હાઉસ પેરેન્ટિંગનો ખ્યાલ રજૂ કર્યો હતો. જે રીતે લાઇટ હાઉસ સમુદ્રમાં ભટકતાં જહાજોને પોતાની મંજિલ સુધી પહોંચવામાં માર્ગદર્શન આપે છે એ જ રીતે મા-બાપ પણ લાઇટ હાઉસ બનીને અધકચરા જ્ઞાન સામે ઝઝૂમતાં બાળકોને સાચું માર્ગદર્શન આપી લાઇટ હાઉસનું કામ કરે છે. લાઇટ હાઉસ પેરેન્ટિંગ બાળકોની સ્વતંત્રતા વધારવાની સાથે-સાથે ભાવનાત્મક સલામતી અને આવશ્યક સુવિધાઓ આપવા પર ભાર મૂકે છે. આ શૈલી સામાન્ય રીતે સ્વતંત્રતા સાથે માર્ગદર્શન અને ઇમોશનલ સપોર્ટ આ બે સિદ્ધાંતો પર કાર્ય કરે છે. આજના સમયમાં આ બે બાબત એટલા માટે જરૂરી છે કે -
બાળક મોબાઇલ, ટીવીમાં ઘણું બધું જુએ છે. જેને સમજવાની-સ્વીકારવાની દરેક બાળકની ક્ષમતા નથી હોતી. ઉંમર કરતાં ઝડપથી જે જ્ઞાન મળે છે તેનાથી બાળક ભટકી ન જાય એ માટે આ શૈલી ઉપયોગી છે.
બાળકો પર પીઅર પ્રેશર ખૂબ જ છે. બાળક આમ કરાય અને આમ ન કરાય એ સમજતું હોવા છતાં એનો અમલ નથી કરી શકતું. એના એક મન પર પીઅર પ્રેશરનો તો બીજા મન પર વાસ્તવિકતાનો પ્રભાવ હોય છે. એ મનમા ને મનમાં ગૂંચવાય ત્યારે લાઇટ હાઉસિંગ પેરેન્ટિંગ મદદરૂપ બની શકે.
બાળકો આજે બોડી શેમિંગ, બુલિંગ, કમ્પેરિઝન અને કોમ્પિટિશનનો શિકાર છે. વળી, પેરેન્ટ્સ બંને વર્કિંગ હોવાથી એકલતા પણ એમને સતાવે છે. પેરેન્ટ્સના ઝઘડા, ડિવોર્સ-શોષણથી વ્યથિત બાળક કોઇ ખોટું પગલું ન ભરે એ માટે પણ ઇમોશનન્સ અને સગવડ બંનેની જરૂર પડે છે. આમ તો દરેક બાળકની અને એને મળતા વાતાવરણની તાસીર અલગ રહેવાની છતાં લાઇટ હાઉસિંગ એવી શૈલી છે કે જે મોટાભાગનાં બાળકો માટે ઉપયોગી બની શકે. જેમ કે,
સ્વતંત્રતાને પ્રોત્સાહન : આ અભિગમ બાળકોને જવાબદારી સાથે સ્વતંત્રતા વિકસાવવા માટે પ્રોત્સાહિત કરે છે. અહીં બાળકો માટે સુરક્ષાને ધ્યાનમાં લઇને કેટલાક નિયમો નક્કી થાય, પરંતુ એ સિવાયની બાબતોમાં પૂરતી સ્વતંત્રતા અપાય છે. એક મેપ પણ ડ્રો કરાય છે. જેમાં બાળક પોતાની રીતે આગળ વધી શકે. દાખલા તરીકે પેરેન્ટ્સે બાળકને ફ્રેન્ડ્ઝ સાથે વીકએન્ડમાં 12 વાગ્યા સુધી બહાર રહેવાની રજા આપી. એક સ્વતંત્રતા આપે છે, પરંતુ ક્યાં, કોની સાથે જવાનાં છે એની જાણકારી રાખવી, ફોનની જી.પી.એસ. સિસ્ટમથી કનેક્ટ રહેવું કે ગાડી ડ્રાઇવર લેવા-મૂકવા જાય એવી સલામતીની લાડ પણ બનાવે છે, તેથી બાળકને સ્વતંત્રતા અને પેરેન્ટ્સને નચિંતતા મળે.
ભાવનાત્મક સલામતી : પેરેન્ટ્સ અહીં રસ્તો બતાવીને છટકી નથી જતાં. બાળક ભૂલ કરે તો એને સુધારવા અને રસ્તો બતાવવા હંમેશાં તત્પર રહે છે. જરૂરિયાતના સમયે પેરેન્ટ્સ સાથે છે. એવો આત્મવિશ્વાસ બાળકને જીવનના ચઢાવ-ઉતાર સામે ઝઝૂમવામાં મદદરૂપ થાય છે.
સરળ અને ખુલ્લો સંવાદ : આ પેરેન્ટિંગ સ્ટાઇલ બાળક અને મા-બાપ વચ્ચે ખુલ્લા-નિખાલસ અને ડર વિનાના સંવાદને પ્રોત્સાહન આપે છે. પોતાનાં સપનાંઓ, ડર, ચિંતા-પ્રશ્નો અને દ્વિધાને તેઓ પેરેન્ટ્સ સમક્ષ આરામથી વ્યક્ત કરી શકે છે, કારણ કે અહીં પેરેન્ટ્સ શિક્ષાત્મક નહીં પ્રોત્સાહક અને માર્ગદર્શક રૂપમાં છે. બાળક ભૂલને સમજશે, વાતને ધ્યાનથી સાંભળશે તથા જરૂર પડ્યે સ્ટેપ લેશે એવો ભરોસો હોય છે.
સેફ્ટી અને સંતુલન : આ પ્રકારના પેરેન્ટિંગમાં માતા-પિતા પોતાનાં બાળકોને પડકારોનો સામનો કરવા અને ગણતરીપૂર્વકનું જોખમ લેવા પ્રેરે છે, પણ પડદા પાછળથી બાળકને નુકસાન ન થાય એવું સુરક્ષાત્મક વાતાવરણ પણ સર્જે છે, તેથી તેઓ પોતાના નિર્ણયો ખુદ લઇ શકે છે. એમનામાં શીખવાની અને નિર્ણય લેવાની ક્ષમતા વિકસે છે.
ઉંમર પ્રમાણે વ્યવસ્થા : પેરેન્ટ્સ બાળકની ઉંમર અને વિકાસના તબક્કાના આધારે ગોઠવણની મંજૂરી આપે છે. જેમ જેમ બાળકો મોટાં થાય છે તેમ તેમ એમની જરૂરિયાતો બદલાય છે. લાઇટ હાઉસ શૈલી અપનાવનાર માતા-પિતા તેમના બાળકની વિકાસલક્ષી જરૂરિયાતો અને વધતી જતી સ્વાયત્તતાને અનુરૂપ તેમના ઉછેરનો અભિગમ બદલી શકે. નાનાં બાળકોને અંકુશથી અને મોટાં બાળકોને સ્વતંત્રતાથી લાભ મળી શકે.
સમસ્યાઓ હલ કરવામાં મદદરૂપ : બાળક પેરેન્ટ્સના ડરથી સમસ્યાઓ હલ કરવાનું ટાળે ત્યારે સમસ્યા વિકરાળ બને છે, પરંતુ લાઇટ હાઉસ શૈલી સમસ્યાઓનું નિદાન શોધવા પર ભાર મૂકે છે. પેરેન્ટ્સ બાળકની નાની-નાની ફરિયાદને પણ સાંભળે છે અને બાળકને જાતે એનાં સારાંનરસાં પાસાં વિચારવા પ્રેરે છે. સમસ્યા ઇગ્નોર નથી થતી અને ઉપાયો વહેલા શોધાય છે, તેથી બાળકનો આત્મવિશ્વાસ તૂટતો નથી.
પ્રશંસા અને સેલિબ્રેશન : આ સ્ટાઇલમાં બાળકોની સિદ્ધિની પ્રશંસા કરવી અને એની ઉજવણી કરવી એ સામાન્ય બાબત છે. બાળકને પ્રોત્સાહન, પ્રેરણા આપી માતા-પિતા બાળક સાથે ઇમોશનલ બોન્ડિંગ પણ મજબૂત બનાવે છે.
ટૂંકમાં, લાઇટ હાઉસની જેમ અડીખમ રહીને બાળકના જીવનમાં જ્યારે સમસ્યારૂપી અંધકાર આવે ત્યારે પ્રકાશ આપવાનું કામ આ શૈલી કરે છે.