આપણે જોઈએ છીએ કે, તરુણાવસ્થાના અંતે અને યૌવનાવસ્થાનો પ્રારંભ થતાં જ કેટલાંક યુવક-યુવતીઓમાં ખીલની શરૂઆત થાય છે. સૌંદર્યમાં અવરોધક બનતા આ ખીલની ફરિયાદ લઈને ઉપચારાર્થે આવતાં યુવક-યુવતીઓની સંખ્યા કંઈ ઓછી હોતી નથી.

આયુર્વેદના ગ્રંથોમાં ખીલ ઉત્પન્ન થવાના મુખ્ય દોષ વાયુ અને કફને દર્શાવાયા છે. પ્રકુપિત થયેલા વાયુ અને કફ મુખ પરની ત્વચાના છિદ્રમાં અવરોધ ઉત્પન્ન કરે છે. ત્યારે જ ગાંઠ અથવા ફૂંસી-ફોડકી ઉત્પન્ન થાય છે. જેને આપણે લોકવ્યવહારમાં ખીલ કહીએ છીએ. આ ખીલને આયુર્વેદમાં મુખદુષિકા, તારુણ્યપીડિકા, યૌવનપીડિકા વગેરે નામ અપાયાં છે.

ખીલ થવાના પ્રારંભે ચહેરા પર નાની નાની લાલ રંગની ફોડકીઓ થાય છે અને તે ધીમે ધીમે મોટી થાય છે. જો આ ફોડકીઓ કાચી હોય ત્યારે ફોડી નાખવામાં આવે તો દુખાવો એકદમ વધી જાય છે અને સોજા સાથે ખીલ વકરીને મોટા થાય છે. ઘણા દર્દીઓને ખીલ ફૂટી ગયા પછી અને મટી ગયા પછી પણ તેના ડાઘ, નિશાન રહી જાય છે.

ખીલ મોટાભાગે મોઢા પર થાય છે. આમ છતાં પણ કેટલાક દર્દીઓને તે ખભા, છાતી અને પીઠ પર પણ થાય છે.

 મહામંજીષ્ઠાદિ કવાથ એ લોહીને શુદ્ધ કરનાર ખૂબ જાણીતો ઉકાળો છે. લોહીમાં ભળેલા દોષોને કાઢી નાખીને તે લોહીને સાફ કરે છે. માંસ એ લોહી પછીની ધાતુ છે. એટલે જો લોહી ચોખ્ખું થાય તો માંસ પણ સાફ થાય અને માંસ પછીની મેદ ધાતુ પણ સાફ-ચોખ્ખી થાય. એટલે ખીલના દર્દીએ સવારે, બપોરે અને રાત્રે એમ દિવસમાં ત્રણ વખત આ મહામંજીષ્ઠાદિ કવાથ ચારથી છ ચમચી જેટલો પીવો જોઈએ.

ખીલનું બીજું ઔષધ છે, સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ. આ ચૂર્ણ મળની શુદ્ધિ કરનાર, પિત્તનું વિરેચન કરનાર અને લોહીને શુદ્ધ કરી, ચામડીના અને લોહીના રોગો મટાડનાર જાણીતું ઔષધ છે. સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણથી આંતરડામાં ભરાઈ ગયેલા મળનું નિષ્કાસન થવાથી વાયુની શાંતિ થાય છે. કચરો(આમ) પણ બહાર ફેંકાઈ જવાથી કફ પ્રકોપ પણ ઘટે છે. એટલે રોજ રાત્રે પોતાની પ્રકૃતિને અનુકૂળ આવે એ પ્રમાણે એકથી બે ચમચી જેટલું સ્વાદિષ્ટ વિરેચન પૂર્ણ સહેજ નવશેકા પાણી સાથે લેવું જોઈએ.

ખીલના ઉપચારમાં ખૂબ જ સફળતા અપાવે એવું એક ઉત્તમ ઔષધ છે, `શિમળાના કાંટા'. જેને વૈદ્યો `શાલ્મલી કંટક' પણ કહે છે. ગાંધીને ત્યાંથી આ શિમળાના કાંટાવાળી ગાંઠો લાવીને તેને કાંટા સાથે દૂધમાં લસોટીને લેપ તૈયાર કરવો. શિમળાના કાંટાનો લેપ સવારે અને રાત્રે ખીલ અને તેના ડાઘા ઉપર લગાવવાથી નવા ખીલ થશે નહીં તથા જૂના ખીલ અને તેના ડાઘાઓ દૂર થાય છે.

હળદર, શિમળાના કાંટા, ત્રિફળા ચૂર્ણ, જાંબુના ઠળિયા અને મસૂરની દાળ આટલાં ઔષધો ખૂબ લસોટી તેનો લેપ બનાવી સવારે અને રાત્રે લગાડવામાં આવે તો પણ ખીલ અને તેના ડાઘાઓ મટે છે.