ચિંતકો અને લેખકોની દોરવણી હેઠળ માનવજાત સરસ રીતે પ્રગતિના પંથે આગળ વધી રહી છે એવી માન્યતાને કેટલીક શંકા છતાં યુવા લેખક ટોલ્સ્ટોયે સ્વીકારી લીધી. એમણે લેખન ઉપરાંત મજૂરોનાં બાળકોના શિક્ષણનું કામ પણ શરૂ કર્યું. બાળકો પર જરાય બંધન લાદ્યા વિના એમને મોકળાશથી ભણવાની છૂટ આપવાનું આ કામ એમને ગમ્યું. અલબત્ત, અંદરખાને એક ઝીણી અકળામણ સતાવતી રહી. એ અકળામણ નિદા ફાઝલીના આ શબ્દોમાં સરસ રીતે વ્યક્ત થઈ છેઃ જિન બાતોં કો ખુદ નહીં સમઝે, ઔરોં કો સમઝાયા હૈ.

આગળની વાત ટોલ્સ્ટોયના શબ્દોમાં...

ઉચ્ચ સાહિત્યિક વર્તુળમાં રહીને હું સમજી ચૂક્યો હતો કે લેખકો પોતે કશું જાણ્યા વિના શીખવવાની જે માથાકૂટો કરતા હતા એનાથી કશું વળવાનું નહોતું, કારણ કે આ બૌદ્ધિક વર્તુળમાં સૌ અલગ અલગ વાતો શીખવતા હતા, અંદરોઅંદર ઝઘડ્યા કરતા હતા અને પોતે કશું જાણતા નથી એ હકીકત છુપાવવાની મિથ્યા કોશિશો કર્યા કરતા હતા.

મજૂરોનાં બાળકોને ભણાવવામાં આ (જાણ્યા વિના ભણાવવાની) મુશ્કેલીથી બચી શકાશે એવું મને લાગ્યું, કારણ કે અહીં તો હું બાળકોને એમને જે શીખવાની ઇચ્છા થાય એ શીખવાની છૂટ આપી રહ્યો હતો.

જોકે, શિક્ષણના મારા એ છેતરામણા ધખારા સાવ નિરર્થક હતા. અંદરખાને હું જાણતો હતો કે હું બાળકોને કશુંક ઉપયોગી એવું ભણાવી શકું તેમ નહોતો, કારણ કે હું પોતે જ નહોતો જાણતો કે શું ભણાવવું અને કઈ રીતે ભણાવવું?

એક વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્રે સક્રિય રહ્યા બાદ હું ફરી વિદેશયાત્રા પર ગયો. એ યાત્રાનું લક્ષ્ય સ્પષ્ટ હતું: આ સ્થિતિમાંથી (શું શીખવવું એની જાણ ન હોવા છતાં શીખવવાની દુવિધામાંથી) કઈ રીતે ઊગરી શકાય.

અને મને લાગ્યું કે એ વિદેશયાત્રા દરમિયાન (દિગ્ગજોને મળ્યા બાદ) મને દિશા જડી ગઈ. એટલે નવા ઉત્સાહ સાથે વિદેશથી પાછા ફર્યા બાદ હું ઝનૂનભેર કામે લાગ્યો. એક તરફ મેં કન્ટ્રી મેજિસ્ટ્રેટનો હોદ્દો સ્વીકાર્યો. બીજી તરફ હું મારી સ્થાપેલી શાળાઓમાં જઈને અભણોને ભણાવવામાં ખૂંપ્યો. ત્રીજી તરફ શિક્ષિતોને વધુ દીક્ષિત કરવા માટે મેં મારી પોતાની પત્રિકા શરૂ કરી. એક તરફ બધું બરાબર ચાલી રહ્યું હોવાનું લાગી રહ્યું હતું અને બીજી તરફ મને એવું પણ સમજાઈ રહ્યું હતું કે મારી માનસિક સ્થિતિ બરાબર નહોતી. હું આ બધું ઝાઝું વેઠી શકું તેમ નહોતો.

ખેર, એક વર્ષ સુધી હું મેજિસ્ટ્રેટ, શિક્ષક અને લેખકની જવાબદારીઓમાં ખૂંપેલો રહ્યો. મેજિસ્ટ્રેટ તરીકે લવાદીનું કામ ત્રાસજનક હતું. મારી શાળાકીય પ્રવૃત્તિઓ મને ડહોળાયેલી લાગતી હતી અને પત્રિકાના તંત્રી-લેખક તરીકે તો મને મારી જ જાત પર એ વાતે ત્રાસ ઊપજી રહ્યો હતો કે મને પોતાને શું શીખવવું એનું ભાન ન હોવા છતાં હું સૌને કશુંક શીખવી દેવા માગતો હતો.

આવા ત્રિપાંખિયા ત્રાસથી હું શરીરથી તો નહીં, પરંતુ મનથી ભાંગી પડ્યો. એટલે મેં બધાં જ કામો છોડી દીધાં અને હું રશિયાના એકદમ અંતરિયાળ વિસ્તારમાં રહેવા જતો રહ્યો. ત્યાં મેં એકદમ તાજી હવા લીધી, ઘોડીનું દૂધ પીધું અને એકદમ પ્રાણી જેવું સીધું સરળ જીવન જીવ્યો.

ત્યાંથી પાછા ફર્યા બાદ તરત (34ની ઉંમરે) હું પરણી ગયો. પછી તો સુખી સાંસારિક જીવનમાં ડૂબવાને લીધે જીવતરનો અર્થ શોધવાની વાતને હું જાણે ભૂલી જ ગયો. મારું સમગ્ર ધ્યાન મારા પરિવારમાં, પત્ની-બાળકોમાં અને વધુ કમાણી કરવામાં પરોવાયું.

મેં શરૂઆત કરેલી જાતને પરફેક્ટ બનાવવાના પ્રયત્નોથી પછી હું વિશ્વના વિકાસમાં ડૂબ્યો. છેવટે એ બધું જ ભૂલીને પરિવારના સુખ પર મેં મારું ધ્યાન કેન્દ્રિત કર્યું.

આમ ને આમ 15 વર્ષ વીતી ગયાં. આ વર્ષો દરમિયાન હું લેખનપ્રવૃત્તિને મનોમન વાહિયાત ગણવા છતાં ધડાધડ લખતો રહ્યો. લેખનપ્રવૃત્તિના પ્રલોભનોનો એરુ મને આભડી ગયો હતો. લખવાથી ખૂબ પૈસા અને ખૂબ ખ્યાતિ મળી રહ્યાં હતાં. મારા પોતાના જીવનના તેમજ સમગ્ર માનવજાતના અસ્તિત્વની સાર્થકતાને લગતા જે સવાલો મારા મનમાં ઊંડે ઊંડે સળવળતા હતા તેને પરાણે દબાવી દઈને મારું આર્થિક-સામાજિક સ્તર ઊંચું લાવવાના સાધન તરીકે હું લેખનપ્રવૃત્તિને વળગી રહ્યો.

અને હું લખતો શું હતો? એ જ જે ત્યારે મારા માટે એકમાત્ર સત્ય હતું: પોતાનું અને પરિવારનું સુખ એ જ માણસના જીવનનું લક્ષ્ય હોવું જોઈએ.

આ વાત જબરી છે. ટોલ્સ્ટોય પોતે લગ્ન પછીનાં 15 વર્ષના જે સર્જનને મનોમન વાહિયાત ગણતા હતા એ જ સર્જન આજે લગભગ બે સદી પછી પણ વિશ્વસાહિત્યમાં ટોચનું ગણાય છે. આ વર્ષોમાં એમણે `વોર એન્ડ પીસ' તથા `અન્ના કેરેનિના' નામની બે કાળજયી કૃતિઓ રચી. હા, એમાં વાત તો એ જ છે કે પારિવારિક સુખ-શાંતિ-સમૃદ્ધિ અત્યંત મહત્ત્વનાં છે, પરંતુ એ મહાન સાહિત્ય રચતી વખતે પણ ટોલ્સ્ટોયના મનની અંદરના ભાવો તો એવા જ હતા કે હું આ જે બધું લખી રહ્યો છું એ `કચરો' છે.

મૂળ વાત એ હતી કે ટોલ્સ્ટોય એક અત્યંત વિચારશીલ, ગંભીર અને નિષ્ઠાવાન લેખક હતા. જીવનના ઉત્તરાર્ધમાં એમણે અત્યંત સરળ છતાં ઊંચી કક્ષાની કથાઓનું લેખન કર્યું. એ પાછલા સર્જનની સરખામણીમાં આગલી (જુવાનીમાં લખાયેલી) નવલકથાઓ એમને નકામી લાગેલી એ સમજી શકાય એવું છે, પણ એનો અર્થ એ નથી કે એ નવલકથાઓ ખરેખર કચરા જેવી હતી.

ના, ટોલ્સ્ટોયને મન જેનું ઝાઝું મૂલ્ય નહોતું એવી એમની નવલકથાઓ પણ વાસ્તવમાં અત્યંત શાનદાર હતી. ટોલ્સ્ટોયને જગત આજે જે આદર આપે છે તેની પાછળનાં મહત્ત્વનાં બે કારણોમાંનું એક એ છે કે એ મહાન ચિંતક હતા, પરંતુ બીજું એટલું જ મહત્ત્વનું કારણ એ પણ છે કે એમણે વાસ્તવિકતાને અત્યંત ઝીણવટથી અને કમાલની રીતે રજૂ કરતી વોર એન્ડ પીસ તથા અન્ના કેરેનિના જેવી મહાન વાસ્તવવાદી નવલકથાઓ લખી. એ કથાઓ મહાન હતી, છે અને રહેશે. ટોલ્સ્ટોય પોતે એનું મૂલ્ય ઓછું આંકે તો પણ.

અને બીજી વાત, ટોલ્સ્ટોયે પોતે ભલે શિક્ષણ સંસ્થાના પોતાના પ્રયોગોનું મૂલ્ય સાવ ઓછું આંક્યું, હકીકત એ છે કે એમના શૈક્ષણિક પ્રયોગોને અનુસરીને યુરોપની એજ્યુકેશન સિસ્ટમમાં કેટલાક ફેરફાર થયા. સરવાળે ડેમોક્રેટિક એજ્યુકેશન-લોકતાંત્રિક કેળવણીનો જે એક નવો વૈશ્વિક પ્રવાહ શરૂ થયો અને જેનો પ્રભાવ આજે પણ વિશ્વભરના શિક્ષણમાં જોવા મળે છે એના પાયામાં ટોલ્સ્ટોયના શિક્ષણના પ્રયોગોનું અત્યંત મહત્ત્વનું સ્થાન કોઈ રીતે નકારી શકાય નહીં.