સામાન્ય રીતે દરેક સાપ બે તીક્ષ્ણ દાંત ધરાવતા હોય છે. જોકે, સાપને અંદાજિત સો કરતાં પણ વધુ નાના તીક્ષ્ણ દાંત હોય છે, પરંતુ તે પૈકી બે મુખ્ય દાંત હોય છે જે સક્રિય ભૂમિકા ભજવતા હોય છે. થોડા દિવસ પહેલાં જ ઓસ્ટ્રેલિયામાં ત્રણ તીક્ષ્ણ દાંત ધરાવતો એક ખતરનાક મ્યૂન્ટેટ સાપ જોવા મળ્યો હતો.
શરૂઆતમાં તો આ સાપ સામાન્ય લાગતો હતો, પરંતુ જ્યારે તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી ત્યારે માલૂમ પડ્યું કે આ સાપ ત્રણ તીક્ષ્ણ દાંત ધરાવે છે. આ સાપના દંશથી જીવ બચાવવો મુશ્કેલ થઇ શકે છે. મૂળ આ સાપનો સમાવેશ દુનિયાના સૌથી ખતરનાકમાં ખતરનાક સાપોમાં થાય છે. આ સાપ ખતરનાક ડેથ એડર છે. આ સાપ મુખ્યત્વે એક પ્રકારનું ન્યૂરોટોક્સિક રિલીઝ કરે છે. આ સાપના ઝેરમાં આવેલ `ન્યૂરોટોક્સિન'થી જે તે વ્યક્તિ કે શિકારને લકવો થઇ જાય છે અને ક્ષણવારમાં જ તે મૃત્યુ પામે છે. આ સાપ એટલી ઝડપથી હુમલો કરે છે કે તે માત્ર એક જ સેકન્ડમાં 10 લોકોને મારી શકે છે! નોંધનીય છે કે, ઝેરી સાપના ડંખવાથી કિડની ફેલ થઇ શકે છે અને શરીરમાં લકવો થઇ જાય છે.
લો બોલો, ચીનમાં ભીખ માંગવી ટ્રેન્ડિંગમાં છે!
છેલ્લે માણસ જોડે કંઇ નથી વધતું તો તે ભીખ માંગવા નીકળી પડે છે. કેટલાક લોકો મજબૂરીના કારણે ભીખ માગતા હોય છે, તો કેટલાક લોકો કંઇ ન કરવું પડે અને કામની આળસના કારણે ભીખ માંગતા હોય છે, પરંતુ ચીનમાં તો ભીખ માંગવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેને તેઓ `પ્લેફુલ બેગિંગ ટ્રેન્ડ'તરીકે બિરદાવે છે. આ ટ્રેન્ડમાં લોકો રસ્તાના છેડે ભેગા થઇને સિગાર-શરાબ પીવે છે અને સેલ્ફી લે છે. અલબત્ત, આ બધામાં સૌથી યુવા લોકો બેગિંગ લખેલું બોર્ડ લઇને બેસે છે. તેમની પાસે ક્યૂઆર કોડ પણ હોય છે. તેઓ ભીખમાં 5, 10 કે 100 યુઆન સુધીની રકમ જ માંગે છે. તેમના જણાવ્યા પ્રમાણે આ એક રીતે ભીખ નથી, પરંતુ સારો સમય વિતાવવા માટે તેઓ આમ કરી રહ્યા છે. રસ્તે જનારા લોકો તેમને અમસ્તું જ સિગાર, શરાબ, બિયર કે સ્નેક્સ ફ્રીમાં જ આપી દે છે. કેટલાક લોકો તો પૈસા પણ આપતા હોય છે. ગજબની વાત તો એ છે કે, લોકો આ ભિખારીઓને રાજીખુશીથી પૈસા અને વસ્તુઓ આપે છે. આ ભિખારીઓને દક્ષિણ-પશ્ચિમ ચીનના યુન્નાન પ્રાંતના ટૂરિસ્ટ પ્લેસ દાલીના રસ્તે જોવામાં આવ્યા હતા.
પક્ષી નથી છતાં કલરવ કરે છે પન્નાલાલ
કેટલાક મિમિક્રી આર્ટિસ્ટ જે તે બોલિવૂડના કલાકારોના અવાજ કાઢી જાણતા હોય છે. તો આ પૈકીના કેટલાક મિમિક્રી આર્ટિસ્ટ ગણતરીનાં પશુ-પંખીઓના અવાજ પણ કાઢી લેતા હોય છે, પરંતુ ઝારખંડમાં એક એવી વ્યક્તિ છે જે 40 કરતાં પણ વધુ પંખીઓના અવાજ હૂબહૂ કાઢી શકે છે. આ વ્યક્તિ કોઇ મિમિક્રી આર્ટિસ્ટ નથી, પરંતુ ખેડૂત છે. આ ખેડૂતનું નામ પન્નાલાલ છે અને તેઓ તેમની બાલ્યાવસ્થાથી જ પંખીઓના અવાજ કાઢતા આવ્યા છે. તેમને પંખીઓ પ્રત્યે એટલો પ્રેમ છે કે, તેઓ તેમની કમાણીમાંથી અડધી રકમ આ પંખીઓ માટે ખર્ચી રહ્યા છે. ઝારખંડના રામગઢ જિલ્લાના સરૈયા કુંદરુ ગામમાં રહેતા પન્નાલાલને લોકો `બર્ડ મેન ઓફ ઝારખંડ'ના હુલામણા નામે સંબોધે છે. તેઓ 100 કરતાં પણ વધુ પંખીઓના અવાજને ઓળખી શકે છે. તેઓ જે તે પંખીનો અવાજ કાઢીને પંખીને પોતાના માળામાંથી કે અન્ય જગ્યાએથી બોલાવી પણ શકે છે. અલબત્ત, તેઓ કાગડાનો અવાજ કાઢીને કાગડાના ટોળાને ભેગા પણ કરી શકે છે. પન્નાલાલે મોટાભાગનાં પંખીઓ પર શોધ પણ કરી છે અને તેઓ કેવી રીતે જીવન જીવે છે તે વિશે માહિતી પણ એકત્ર કરી છે.