આશરે છેલ્લાં પાંચ- છ વર્ષથી મને પેટની તકલીફ છે. પહેલાં મારું વજન 70 કિલો હતું. આજે તે ઘટીને 55 કિલો થઈ ગયું છે. પેટની આ તકલીફને લીધે મારે દિવસમાં સાત- આઠ વખત મળ પ્રવૃત્તિએ જવું પડે છે. ખાધેલું હજમ થતું નથી. એવું ને એવું નીકળી જાય છે.

આહાર પચતો ન હોવાથી મારે છાશ, દહીં, ફળોનો રસ એવી પ્રવાહી ચીજો જ વધારે લેવી પડે છે અને આને લીધે જ મારી શક્તિ જળવાય છે. મને પેટમાં કોઈ કોઈ વાર ગેસ ખૂબ જ થાય છે.

હું જ્યારે મળ પ્રવૃત્તિએ જાઉં ત્યારે પ્રથમ વાયુને લીધે ગડગડાટ અને થોડો દુખાવો થાય છે. મળ કોઈ વખત સાવ પાણી જેવો પાતળો અને દુર્ગંધી તો કોઈ વખત સેમી લિક્વિડ જેવો કાચો પાકો હોય છે. આ તકલીફમાં મને કોઈ દિવસ મળમાં લોહી કે પરુ આવતાં નથી. સ્ટુલ એક્ઝામિનેશન, સોનોગ્રાફી, એન્ડોસ્કોપી વગેરે રિપોર્ટ નોર્મલ જ આવે છે. પેટની તકલીફને લીધે કોઈ કોઈ વખત આળસ, થાક, અરુચિ, ચક્કર વગેરે લક્ષણો જણાય છે. આવી કે આ પ્રકારની ફરિયાદ લઈને ઘણા દર્દીઓ આયુર્વેદીય ઉપચારાર્થે આવતા હોય છે.

આવી વિગત જાણ્યા પછી કહી શકાય કે દર્દીને `સંગ્રહણી'ની તકલીફ છે. આ રોગમાં વાયુ, પિત્ત વગેરે દોષથી આંતરડાંની શક્તિનો હ્રાસ થઈ જાય છે, તેથી આહાર પચતો નથી અને તેનું યોગ્ય શોષણ થઈ શકતું નથી. જેથી શરીરનું વજન દિન-પ્રતિદિન ઘટતું જાય છે.

આ રોગમાંથી મુક્ત થવું હોય તો આ પ્રમાણે ઉપચાર કરી શકાય

સૌથી પ્રથમ આઠેક દિવસનો સંપૂર્ણ આરામ(બેડ- રેસ્ટ) કરવો.

આરામના પ્રથમ બે-ત્રણ દિવસ ઉપવાસ કરવો. ઉપવાસ વખતે એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નિચોવી, તેમાં બે ચમચી સાકર નાંખી પી શકાય તથા ઈચ્છા મુજબ મગનું પાણી, દ્રાક્ષનો કે મોસંબીનો રસ પી શકાય.

આવા બે કે ત્રણ ઉપવાસ પછી એક ગ્લાસ તાજી મોળી છાશમાં અડધી ચમચી જેટલું હિંગ્વાષ્ટક ચૂર્ણ નાંખી ધીમે ધીમે પીવું. જો તરસ વધારે લાગે તો ઉકાળીને ઠંડું કરેલું પાણી પીવું. ત્રણ ઉપવાસ પછી ત્રણ-ચાર દિવસ માત્ર મોળી છાશ પર રહેવાથી વાયુ, પિત્ત વગેરે દોષોનું શમન થશે અને સમગ્ર પાચનતંત્રને આરામ મળશે તથા કકડીને ભૂખ લાગશે.

ત્યાર પછી દ્રવ્ય અને સુપાચ્ય આહાર વધારવો. દહીંનું ઘોળવું, છાશ, ભાત, ખીર, ખીચડી, મગનું પાણી અને ફળોનો રસ પીવો. ત્યાર પછી દૂધી, પરવળનું શાક, કોરી રોટલી, ખાખરા, મમરા, દૂધ, પૌંઆ, ધાણી વગેરે લઈ શકાય.

ઔષધમાં તક્રારિષ્ટ ચારથી છ ચમચી + ચાર ચમચી કુટજારિષ્ટ મિશ્ર કરીને સવારે અને રાત્રે પીવો.

પંચામૃત પર્પટી ચોખાના દાણા જેટલી એક ચમચી જેટલા બીલ્વાવલેહમાં મિશ્ર કરી સવારે અને રાત્રે લો.

માત્ર આવા સાદા અને સરળ ઉપચારથી ત્રણ-ચાર મહિનામાં રોગમુક્ત થઈ શકાય છે અને ગુમાવેલું વજન ધીમે ધીમે વધે છે.