મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ વધુ એક મહત્ત્વની સફળતા મેળવી છે. ભારતીય તપાસનીશ એજન્સીઓની રજૂઆતના પગલે બેલ્જિયમ સરકારે કરોડો રૂપિયાનું આર્થિક કૌભાંડ આચરીને નાસતા ફરતા હીરાના વેપારી મેહુલ ચોક્સીની ધરપકડ કરી છે.
એક સમયે ભારતના ઝવેરી બજારમાં જેના નામના સિક્કા પડતા હતા તેવા મેહુલ ચોક્સી સામે દેશની જાહેર ક્ષેત્રની બેન્ક પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે 13,850 કરોડ રૂપિયાનું ફ્રોડ આચરવાનો ગંભીર ગુનો નોંધાયો છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી તે ભારત છોડીને નાસતો ફરે છે. મેહુલ ચોક્સી તેની પત્ની પ્રીતિ સાથે બેલ્જિયમમાં રહેતો હોવાની જાણ ભારત સરકારને ગયા મહિને થઇ હતી. પત્નીની સિટીઝનશિપના આધારે બેલ્જિયમનું નાગરિકત્વ મેળવનાર મેહુલ અહીંથી સ્વિટ્ઝર્લેન્ડ નાસી જવાની ફિરાકમાં હોવાની માહિતી મળતાં જ તપાસ એજન્સીઓ સીબીઆઈ અને ઈડી સક્રિય થઇ હતી.
યુકેમાં 19000 વિદેશી અપરાધીઓને હવે જેલમાંથી ઘરભેગા કરી દેવા માટે તખ્તો તૈયાર
યુકેમાં પહેલીવાર વિદેશી અપરાધીઓની રાષ્ટ્રીયતાની જાહેરાત કરાશે. હોમ સેક્રેટરી કૂપરે અધિકારીઓને આંકડા અને માહિતી જાહેર કરવાના આદેશ આપ્યા હોવાનું મનાય છે. જેમાં વિદેશી અપરાધીઓએ આચરેલા ગુનાઓની માહિતી પણ હશે. 2024ના અંત સુધીમાં 19,000 વિદેશી અપરાધી દેશનિકાલનો સામનો કરી રહ્યા હતા. જુલાઇ, 2024માં કન્ઝર્વેટિવ પાર્ટી સત્તામાંથી બહાર થઇ ત્યારે આ આંકડો 18,000 હતો. 12 મહિના કે તેથી વધુ જેલની સજા પ્રાપ્ત કરનાર વિદેશી નાગરિકો આપોઆપ દેશનિકાલને લાયક બની જાય છે. તે ઉપરાંત કોઇ વિદેશી અપરાધીને ઓછી સજા થઇ હોય, પરંતુ યુકેમાં તેની હાજરી ભયજનક હોય તો પણ હોમ સેક્રેટરી તેને દેશનિકાલ કરવાનો નિર્ણય લઇ શકે છે. હોમ ઓફિસનો આરોપ છે કે જેલો પરનું દબાણ ઓછું કરવા માટે કેટલાક કેદીઓને વહેલા મુક્ત કરાતાં દેશનિકાલની રાહ જોઇ રહેલા વિદેશી અપરાધીઓની સંખ્યામાં વધારો થયો છે.
BSNL દ્વારા દેશભરમાં 1 લાખ સ્વદેશી 4G મોબાઇલ ટાવર: 5Gમાં રૂપાંતરણ
ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL દેશભરમાં આવા 1 લાખ સ્વદેશી 4G મોબાઇલ ટાવર સ્થાપિત કરી રહ્યું છે, જેને 5Gમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ કામ જૂન સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ આત્મનિર્ભર ભારત યોજના હેઠળ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ માહિતી આપી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત હવે વિશ્વના એવા પાંચ દેશોમાં જોડાઈ ગયું છે જેમની પાસે પોતાની ટેલિકોમ ટેક્નોલોજી છે. કેન્દ્રીય મંત્રી ટાઇમ્સ નાઉ સમિટ 2025માં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે 18 વર્ષ પછી BSNL નફાકારક બન્યું છે અને સરકાર 6G ટેક્નોલોજી સાથે આગળ વધવાની પણ યોજના બનાવી રહી છે. મંત્રીએ કહ્યું કે આ યોજનામાં સરકારી સંસ્થા C-DOT મુખ્ય ટેક્નોલોજી પૂરી પાડી રહી છે, જ્યારે ટેલિકોમ ટાવરનું કામ તેજસ નેટવર્ક દ્વારા કરવામાં આવી રહ્યું છે. આમાં TCSનો પણ સમાવેશ થાય છે, જે સિસ્ટમ ઇન્ટિગ્રેશનની જવાબદારી સંભાળી રહ્યું છે. સિંધિયાએ કહ્યું કે દુનિયામાં ફક્ત ચાર દેશો પાસે પોતાની ટેલિકોમ ટેક્નોલોજી છે. આમાં ચીન, ફિનલેન્ડ, સ્વીડન અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે. ભારત દુનિયાનો પાંચમો દેશ બન્યો છે જેની પાસે પોતાની ટેલિકોમ સ્ટેક મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે.
સ્લિમ કરણ જોહર કહે છે, `દવાથી નહીં ડાયટ અને એક્સરસાઈઝથી વજન ઘટાડ્યું'
ફિલ્મ પ્રોડ્યૂસર કરણ જોહરે પોતાના અલગ દેખાવથી ચાહકોને ચિંતામાં મૂકી દીધા હતા. તાજેતરમાં કરણના ઘણા વીડિયો વાઇરલ થયા હતા, જેમાં તે ખૂબ જ પાતળો દેખાતો હતો. આ પછી તેણે દવાઓ લઇને વજન ઘટાડ્યું હોવાની વાતો ફરતી થઇ હતી. જોકે, હવે કરણે વજન ઘટાડવાના ઉપાયો વિશે ખુલાસો કરીને ચર્ચાનો અંત આણ્યો છે. 17 એપ્રિલે ઈન્સ્ટાગ્રામ પર લાઇવ સેશનમાં કરણે તેની ફિટનેસ જર્ની વિશે વાત કરતાં કહ્યું હતું કે વજન ઘટાડવાની પોતાની સફરના મૂળમાં દવાઓ નહીં, સંતુલિત જીવનશૈલી, પોષણયુક્ત આહાર અને કસરતનો સમન્વય છે. કરણે કહ્યું હતું કે જ્યારે મને સમજાયું કે મારે મારા બ્લડ લેવલને સુધારવાની જરૂર છે ત્યારે આ બધા પ્રયાસ શરૂ થયા. કરણ કહે છે કે વધારાનું વજન ઘટાડવા માટે તેણે સ્ટ્રિક્ટ ડાયટનું પાલન કર્યું હતું. દિવસમાં ફક્ત એક જ વાર ભોજન લેતો હતો. આ બધા ઉપરાંત, સક્રિય રહેવા અને વજન ઘટાડવા માટે તે પેડલ બોલ પણ રમ્યો અને સ્વિમિંગ પણ કર્યું હતું. આ પહેલાં IIFA એવોર્ડ્સમાં કરણ જોહરે પોતાના વજન ઘટાડવાની સફર વિશે વાત કરતાં કહ્યું હતું કે સ્વસ્થ રહેવા, સારું ખાવા, કસરત કરવા અને સારા દેખાવા માટેનો આ શ્રેષ્ઠ પ્રયાસ છે. જ્યારે કરણને તેની દિનચર્યા વિશે પુછાયું ત્યારે તેણે જવાબ આપ્યો, `જો હું જવાબ આપીશ તો મારું રહસ્ય જાહેર થઈ જશે.' નોંધનીય છે કે, ગયા વર્ષે એક એક્સ યૂઝરે દાવો કર્યો હતો કે કરણ જોહર ચોક્કસ દવાનો ઉપયોગ કરી રહ્યો છે.