તાજેતરમાં `ઇન્ડિયન આઈડલ'ના એક એપિસોડમાં મહેમાન બનેલા નિર્માતા-નિર્દેશક કરણ જોહરે કહ્યું હતું કે તેમણે 2012માં રિતિક રોશન સાથે `અગ્નિપથ' ફિલ્મ માત્ર એટલા જ કારણસર બનાવી હતી, કારણ કે 1990માં તેમના પિતા યશ જોહરે નિર્માણ કરેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ `અગ્નિપથ'ને બોક્સ ઓફિસ પર ધારી સફળતા મળી નહોતી અને તેના પર `હિટ' ફિલ્મનું લેબલ લાગ્યું નહોતું.

એવું જ થયું. 58 કરોડના ખર્ચે બનેલી `અગ્નિપથ' ફિલ્મે 2012માં દેશ-વિદેશમાં 193 કરોડનો વકરો કર્યો હતો. તેને ફિલ્મફેર એવોર્ડમાં પાંચ નોમિનેશન્સ મળ્યાં હતાં, પાંચ આઈફા અને ચાર ઝી સિને એવોર્ડ મળ્યા હતા.

આપણે અગાઉ આ જગ્યાએથી આ ફિલ્મ વિશે વાત કરી ગયા છીએ એટલે આ વખતે આપણે બીજી અગ્નિપથની વાતો પણ કરીશું. કરણ જોહર કહે છે કે, `અગ્નિપથ' તેની બહુ ગમતી ફિલ્મ હતી. સિનેમાની દુનિયાના કલાકાર-કસબીઓએ તેને જોઇને વખાણી હતી, પરંતુ થિયેટરોમાં દર્શકોને તે પસંદ ન આવી.

તેનું મુખ્ય કારણ અમિતાભ બચ્ચનના અવાજ સાથે છેડછાડ હતી. પાછળથી દર્શકોના નકારાત્મક રિવ્યૂ પરથી તેનું ડબિંગ બદલવામાં આવ્યું હતું, પરંતુ નુકસાન તો થઇ ચૂક્યું હતું. કરણ કહે છે આ ફિલ્મના કારણે તેમના પિતાએ ઘર અને ઘરેણાં વેચવાં પડ્યાં હતાં. કરણને નાનપણથી આ વાતનો રંજ રહી ગયો હતો, અને તે `કલંક'ને ધોવા માટે 15 વર્ષ પછી તેમણે તે ફિલ્મને ફરીથી બનાવી.

1990ની ફિલ્મ, જેનું નિર્દેશન મુકુલ આનંદે કર્યું હતું, બહુ મહત્ત્વાકાંક્ષી હતી. અમિતાભ બચ્ચનની કારકિર્દીનો એ સૌથી નબળો દૌર હતો. એ દાયકામાં તેમની મોટાભાગની ફિલ્મો પિટાઈ ગઈ હતી. કારકિર્દીને પાટે ચઢાવવા માટે તેમણે નવા ફિલ્મસર્જકો સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું.

મુકુલ તેમાંથી એક. જાણીતા પટકથા લેખક ઇન્દર રાજ આનંદના ભત્રીજા મુકુલ હોલિવૂડની ફિલ્મોથી પ્રભાવિત હતા અને તેમણે કાનૂન ક્યા કરેગા, ઐતબાર અને સલ્તનત જેવી નાની-મોટી ફિલ્મો કરી હતી. તે નવા જમાનાના નિર્દેશક હતા અને તેમના ફિલ્માંકનમાં એક સ્ટાઈલ હતી.

અમિતાભ બચ્ચને નવીનતા લાવવા માટે મુકુલ સાથે ત્રણ ફિલ્મો કરી હતી, અગ્નિપથ, હમ અને ખુદા ગવાહ. ત્રણે ફિલ્મો `હટકે' હતી અને તેણે સાચે જ અમિતાભની ઝાંખી પડેલી કારકિર્દીને નવી ચમક આપી હતી. મુકુલની કલગીમાં પણ આ ત્રણે છોગાં જેવી છે.

`અગ્નિપથ' પાસેથી બહુ અપેક્ષા હતી. તેની વાર્તા અને કિરદારો (ખાસ કરીને વિજય દીનાનાથ ચૌહાણ) દિલચસ્પ હતા. મુકુલ આનંદ તેને હોલિવૂડની ગેંગસ્ટર ફિલ્મોની તર્જ પર બનાવવા માંગતા હતા. તેમણે મુંબઈના ડોન વરદરાજન મુદ્દલિયાર અને માયા ડોળાસ તેમજ હોલિવૂડની ફિલ્મ `સ્કારફેસ'માં અલ પચીનોના કિરદાર પરથી વિજયનું પાત્ર સર્જ્યું હતું.

આ ફિલ્મનો વિચાર અમિતાભનો હતો. યશ જોહરે તેમના સૌથી નબળા સમયમાં `અગ્નિપથ' બનાવી હતી. તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી. તેમનાં પત્ની હીરુ હોસ્પિટલમાં હતાં. તે વખતે અમિતાભ તેમની ખબર જોવા હોસ્પિટલ ગયા હતા. તે વખતે તેઓ રોમેશ શર્મા નિર્મિત `હમ' ફિલ્મ કરવાના હતા.

હોસ્પિટલમાં અમિતાભે યશ જોહરને કહ્યું હતું કે, `હું રોમેશ સાથે કામ કરી રહ્યો છું. તમે તેને ફોન કરો અને કહો કે અમિતે તમને તારીખો આપી છે. માર મનમાં `સ્કારફેસ'નો એક વિષય છે, આપણે સાથે કરીએ. મને ખબર છે તમારી સ્થિતિ સારી નથી, પણ હું તમને તારીખો આપું છું, ચાલો શરૂ કરીએ.'

નિર્માતા યશ જોહર અને અમિતાભને આ ફિલ્મ પાસેથી ઊંચી અપેક્ષાઓ હતી. ઘણા ખરા અંશે તે તેમાં સફળ પણ રહ્યા હતા. આખી ફિલ્મનો ભાર અમિતાભના ખભા પર હતો અને તેમણે એક સ્ટાઇલિસ્ટ ગેંગસ્ટરનો કિરદાર પૂરા જોશથી નિભાવ્યો હતો.

પરંતુ એક ભૂલ થઇ. એક ઉંમરવાળા ગેંગસ્ટરને પેશ કરવાના ચક્કરમાં તેમણે અમિતાભના પ્રાકૃતિક અવાજમાં ફેરફાર કરીને થોડો વધુ ઘેઘૂર બનાવ્યો. તેની પ્રેરણા પણ તેમણે હોલિવૂડની બીજી એક મશહૂર ફિલ્મ `ગોડફાધર'માં માર્લોન બ્રાન્ડોના કિરદારના બોલવાની શૈલી પરથી લીધી હતી. બ્રાન્ડો તેમાં બંને ગાલમાં રૂ ભરીને બોલતો હતો.

અમિતાભ બચ્ચનના ચાહકોને એવો અવાજ સાંભળીએને ધક્કો લાગ્યો હતો. ત્યાં સુધી કે લોકોએ થિયેટરના સંચાલકોને ફરિયાદો કરી હતી કે તમારી સાઉન્ડ સિસ્ટમમાં ખામી છે, અમિતાભનો અવાજ બરાબર નથી આવતો!

આજે વિજયનો એ કિરદાર સીમાચિહ્ન કહેવાય છે. અમિતાભ પણ તેને તેમનો ફેવરિટ ગણે છે. તેમણે બહુ વિચાર કરીને વિજયનો એ કિરદાર તૈયાર કર્યો હતો. એક જૂના ઇન્ટરવ્યૂમાં અમિતાભ કહે છે, `કોમર્સિયલ મેઈનસ્ટ્રીમ સિનેમા કો ઇક માન્યતા દી ગઈ હૈ. હમને સોચા જિસકે જીવન મેં ઇતની ક્રૂરતા રહી હૈ તો ઉસકી આવાજ મેં ભી કડવાહટ હોગી. એક ઇન્સાન જિસને ઇતના કુછ દેખા, ઉસકી આંખેં ચુલબુલી નહીં હો સકતી. ઉસકી આંખેં મરી હુઈ હી હોગી ઔર વો લુક લાને કે લિયે કાજલ કા સહારા લિયા ગયા.'

કરણ જોહરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમના પિતાને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. તેમણે બહુ વિશ્વાસથી તેનું નિર્માણ કર્યું હતું, પણ એ ફ્લોપ ગઈ ત્યારે તે નિરાશ થઇ ગયા હતા. કરણ કહે છે, `અગ્નિપથ તેના સમય કરતાં વહેલી આવી હતી. 14 વર્ષ પછી મારા પિતાને અંજલિ આપવા માટે મેં તેને ફરીથી બનાવી હતી. મેં નિર્દેશક કરણ મલ્હોત્રાને છૂટ આપી હતી કે તેને ઉચિત લાગે તે ફેરફારો કરે.'

તેમણે મૂળ `અગ્નિપથ'નો પ્લોટ એકસરખો રાખ્યો હતો, પરંતુ કિરદારો અને ગીતોમાં નોંધપાત્ર ફેરફારો કર્યાં હતા. બીજું, જૂની ફિલ્મ અમિતાભ બચ્ચનની ઈમેજને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. એટલે તેમાં મૂળ વાર્તા હાંસિયામાં ધકેલાઈ ગઈ હતી. લોકો માત્ર વિજય દીનાનાથ ચૌહાણને જોવા માટે જ આવતા હતા.

નવી ફિલ્મમાં તેમણે રિતિક જેવા નવા યુવાન અભિનેતાને લઈને હીરોનું પ્રેશર ઓછું કરી નાખ્યું હતું અને વાર્તા પર વધુ ફોકસ રાખ્યું હતું. આજે જૂની `અગ્નિપથ'માંથી લોકોને માત્ર અમિતાભ બચ્ચનનો કિરદાર જ યાદ છે, જ્યારે નવી ફિલ્મમાં લોકોએ તેની વાર્તાની મજા લીધી હતી.