ભવિષ્યમાં વ્યક્તિના જનીન, એટલે કે જીન્સના ડેટાબેઝનો ઉપયોગ કરીને AI બહુ અસરકારક પરિણામો આપશે. જેમ કે, અત્યારે ઘણીવાર એવું બને છે કે ક્રિટિકલ ઇલનેસથી પીડાતા દર્દીને અમુક પ્રકારની દવાઓ આપવામાં આવે, તો એની સામે દર્દીનું શરીર પ્રતિરોધ પેદા કરે છે. જેની અવળી અસર અંતે તો દર્દીએ જ વેઠવાની આવે! પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા પેશન્ટના જનીની ડેટાબેઝનો અભ્યાસ કરીને લાઈન ઓફ ટ્રીટમેન્ટ નક્કી કરવામાં સરળતા રહેશે. આ ઉપરાંત વ્યક્તિના જીન્સનો ડેટાબેઝ બનાવીને ભવિષ્યમાં થનારા રોગોની જાણકારી પણ મેળવી શકાશે. ઇતના હી નહિ, જનીની મ્યુટેશનના આધારે એઆઈ કેન્સર અને આનુવાંશિક રોગ માટે પણ ખાસ દવાઓ ડિઝાઇન કરી શકશે, પણ આપણે આજે જેની વાત કરવી છે, એ છે બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં AIનો પ્રભાવ.
બાયોમેડિકલ એન્જિનિયરિંગ એ એક એવું ક્ષેત્ર છે, જે એન્જિનિયરિંગ અને મેડિકલ સાયન્સનું સંયોજન કરીને આરોગ્ય સેવાઓ ક્ષેત્રે નવી દિશાઓ ઉઘાડી આપે છે. એમાંય જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ભળે તો સોનામાં સુગંધ ભળ્યા જેવો ઘાટ આવે. AIની મદદથી બાયોમેડિકલ એન્જિનિયરિંગ અદ્યતન મેડિકલ ઉપકરણો, ડાયગ્નોસ્ટિક ટૂલ્સ અને સ્માર્ટ હેલ્થકેર સોલ્યુશન્સ વિકસાવી રહ્યું છે. ઉદાહરણ તરીકે, AI મેડિકલ ઇમેજિંગ (X-rays, MRIs, CT scans)નું વિશ્લેષણ કરીને રોગ જેવા કે કેન્સરનું ઝડપી અને સચોટ નિદાન કરે છે.
AI - આધારિત હેન્ડહેલ્ડ ઉપકરણો ગ્રામીણ વિસ્તારોમાં ઝડપી નિદાન પૂરું પાડશે. AI સાથે જોડાયેલાં માઇક્રોફ્લુઇડિક ઉપકરણો એક ટીપા લોહીમાંથી બહુવિધ રોગનું નિદાન કરી શકશે. પરિણામે ગ્રામીણ જનતાએ લેબ ટેસ્ટિંગ માટે શહેરી વિસ્તારો સુધી લાંબા નહિ થવું પડે. AI આધારિત બાયોકોમ્પેટિબલ ઇમ્પ્લાન્ટ્સ (જેમ કે, હાર્ટ સ્ટેન્ટ્સ અથવા બોન ઇમ્પ્લાન્ટ્સ) દર્દીના શરીરની સ્થિતિનું નિરીક્ષણ કરશે અને રિઅલ ટાઇમ ડેટા ડોક્ટર્સને મોકલશે.
આ બધા વચ્ચે `મિનિમલી ઇન્વેસિવ' શબ્દ સમજવા જેવો છે. સર્જરી થાય એમાં શરીરની ચીરફાડ તો થાય જ, પણ જો રોબોટ દ્વારા સર્જરી થાય તો શરીર પર પ્રમાણમાં ખાસ્સા નાના ચીરા (સામાન્ય રીતે 0.5-2 સેમી.) મૂકીને કે પછી અમુકવાર માત્ર છિદ્ર પાડીને જ સર્જરી કરી લેવામાં આવે છે, જેને મિનિમલી ઇન્વેસિવ સર્જરી કહેવાય. પેશન્ટના શરીરની ચીરફાડ બહુ ઓછી માત્રામાં થતી હોવાથી બહુ ઝડપથી રૂઝ આવી જાય છે. લેસર આધારિત અથવા અલ્ટ્રાસાઉન્ડ આધારિત પ્રક્રિયાઓમાં તો ચામડી છેડવાની જરૂર જ નથી પડતી. આ પદ્ધતિમાં અદ્યતન ટેક્નોલોજી જેવી કે એન્ડોસ્કોપ, લેપ્રોસ્કોપ અને રોબોટિક સિસ્ટમ્સનો ઉપયોગ થાય છે. આ ટેક્નોલોજીસ સર્જનોને શરીરની અંદરના ભાગોનું હાઇ-ડેફિનિશન દૃશ્ય પૂરું પાડે છે અને ચોક્કસ રીતે શસ્ત્રક્રિયા કરવાની મોકળાશ આપે છે.
જોકે, સૌથી રસપ્રદ બાબત રોબોટિક સર્જરી ક્ષેત્રે જોવા મળવાની છે. હળવા મૂડમાં કહેવું હોય તો ફિલ્મી સર્જ્યન ડૉ. અસ્થાના જેવા કડક સ્વભાવના તબીબનું કામ હળવું કરવા માટે `મુન્નાભાઈ એમબીબીએસ' જેવો રોબોટિક સહાયક ભવિષ્યમાં ઉપલબ્ધ હશે.
અમેરિકન કંપનીએ બનાવેલ ડા વિન્સી સર્જિકલ સિસ્ટમ એ બાયોમેડિકલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં એક અદ્યતન રોબોટિક સર્જિકલ પ્લેટફોર્મ છે, જે મિનિમલી ઇન્વેસિવ સર્જરી (MIS) માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ડા વિન્સી સર્જિકલ સિસ્ટમની સહાયથી હર્નિયા રિપેર જેવી સામાન્ય સર્જરીની સાથે સાથે ફેફસાંની સર્જરી અને લંગ ટ્રાન્સપ્લાન્ટેશન, કોરોનરી આર્ટરી બાયપાસ જેવી સર્જરી પણ થઇ શકે છે. ગાયનેકોલોજી ક્ષેત્રે હિસ્ટેરેક્ટોમી (ગર્ભાશય દૂર કરવું) અને માયોમેક્ટોમી જેવાં ઓપરેશન્સ પણ થાય છે. આ ઉપરાંત શરીરના અમુક આંતરિક અવયવોના નિકાલ-રિપેર માટે પણ ડા વિન્સી ઉપયોગી છે. જેમ કે, રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમી (પ્રોસ્ટેટ કેન્સરની સર્જરી), નેફ્રેક્ટોમી (કિડની દૂર કરવી), કોલેક્ટોમી (આંતરડાંનો ભાગ દૂર કરવો) વગેરે. આ સિસ્ટમમાં ત્રણ મુખ્ય ઘટકો હોય છે:
સર્જન કન્સોલ: આ એક કમાન્ડ સેન્ટર છે, જ્યાં બેસીને સર્જરી કરનાર ડૉક્ટર રોબોટિક આર્મ્સને નિયંત્રિત કરે છે. કન્સોલમાં હાઇ-ડેફિનિશન 3D ડિસ્પ્લે હોય છે. શસ્ત્રક્રિયા શરીરના જે હિસ્સા પર થવાની હોય, એનું મોટું અને સ્પષ્ટ દૃશ્ય આ 3D ડિસ્પ્લે પર દેખાય છે.
પેશન્ટ કાર્ટ : આમાં ત્રણથી ચાર રોબોટિક આર્મ્સ હોય છે, જે સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (જેમ કે સ્કેલ્પેલ, કાતર, ગ્રાસ્પર્સ) અને 3D કેમેરાને નિયંત્રિત કરે છે. આ આર્મ્સ સર્જનના હાથની હિલચાલને ચોક્કસ રીતે અનુસરે છે.
ઇલેક્ટ્રોનિક કાર્ટ : આમાં સહાયક હાર્ડવેર અને સોફ્ટવેર હોય છે. જેમ કે, ઇલેક્ટ્રિકલ સર્જિકલ યુનિટ, ઇન્સફ્લેટર અને એન્ડોસ્કોપ માટે લાઇટ સોર્સ. એને વિઝન કાર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અત્યારે નાજુક ગણાતી સૂક્ષ્મ સ્તરે થતી સર્જરીઝમાં જોખમનું પ્રમાણ બહુ ઊંચું હોય છે. દાખલા તરીકે મસ્તિષ્ક અને કરોડરજ્જુને લગતાં ઓપરેશન્સ, જેમાં દર્દીને માથે મૃત્યુથી માંડીને કાયમી પંગુતા જેવાં જોખમો તોળાતાં રહે છે, પરંતુ ડા વિન્સી (Da Vinci) સર્જિકલ સિસ્ટમ જેવા રોબોટ્સ AI ને સથવારે વધુ ચોકસાઈ, વધુ ઝડપ પ્રદાન કરશે. પરિણામે સારવારના સમયમાં મોટો ઘટાડો નોંધાશે અને દર્દીઓ ઝડપથી સાજા થશે.
આ બધામાં કૃત્રિમ અંગોને કેમ ભુલાય? આજે તો લીવર, કિડની કે આંખ જેવા અવયવો મેળવવા માટે વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવવું પડે છે. અમુક અવયવો મેળવવામાં તો વર્ષો લાગી જાય છે, પરંતુ જો બધું ધાર્યા મુજબનું થશે તો AI આધારિત 3D પ્રિન્ટિંગ પ્રોસેસને ઑપ્ટિમાઇઝ કરીને કૃત્રિમ અવયવો (જેમ કે, લીવર, કિડની) બનાવી શકાશે.