આજથી અમુક વર્ષો પહેલાં આપણે ત્યાં ગલી-શેરી ક્રેકિટ, કમ્પાઉન્ડ ક્રિકેટ, કોમન પ્લોટ કિક્રેટ, ફૂટપાથ ક્રિકેટનો જોરદાર જમાનો હતો. એનો `સૂરજ મધ્યાહ્ને તપતો હતો.' ટેસ્ટ ક્રિકેટ, વન ડે ક્રિકેટ કે ટી ટવેન્ટી ક્રિકેટના અમુક ચોક્કસ નિયમો છે અને એ ક્રિકેટ એના લખેલા નિયમો મુજબ જ રમાય છે,

પરંતુ આપણા આ ગલી ક્રિકેટ-શેરી ક્રિકેટના કોઈ લખેલા નિયમો તો નહોતા તે છતાંયે આપણી આ કોમેન મેનની ક્રિકેટ વણલખ્યા-મૌખિક નિયમોના આધારે ખૂબ જોરદાર રીતે રમાતી હતી. જે લોકો આવી ક્રિકેટ રમ્યા છે એમને આ નિયમો સોએ સો ટકા યાદ જ હશે. તો ચાલો આજે આપણે ફરીથી એ ગલી ક્રિકેટના નિયમોને યાદ કરીએ. સૌથી પહેલાં તો આ ગલી ક્રિકેટનાં સાધનોને યાદ કરીએ. ગલી ક્રિકેટ મોટાભાગે તો રબ્બર કે ટેનિસ બોલથી જ રમાતી. ક્યાંક સાઇકલની ટ્યૂબની રિંગો કાપી બોલ બનાવીને પણ રમાતી, તો ક્યાંક પ્લાસ્ટિકની દડી પણ ક્રિકેટ રમવા વપરાતી. બેટિંગ કરવા માટે દરેક માટે એક જ કોમન બેટ હતું. એ તમને ફાવે કે ના ફાવે, મોટું પડે-નાનું પડે કે વજન દાર લાગે તો પણ એ એક બેટથી જ ચલાવવું પડતું. સ્ટમ્પનું કંઈ જ નક્કી નહોતું. મોટાભાગે સાઇકલનું આગલું ટાયર સ્ટમ્પ બની જતું'તું. ક્યાંક ડંડાના ટેકે લાકડું-પાટિયું પણ સ્ટમ્પ બનતું. જો પાછળ ભીંત હોય તો ભીંત પર ત્રણ ઊભા લીટા દોરી સ્ટમ્પ બનાવી દેવામાં આવતાં.

બેટિંગના નિયમમાં જોરદાર વેરિયેશન હતું. મોટાભાગે જેનું બેટ હોય એ જ પહેલી બેટિંગ લેતો. પહેલો બોલ હંમેશાં `ટ્રાયલ બોલ' ગણવામાં આવતો. એમાં આઉટ થાય તો પણ ફરી બેટિંગ મળતી. બેટિંગ કરનાર જો જોરથી શોટ મારી કમ્પાઉન્ડની બહાર દૂર-દૂર સુધી બોલ ફેંકી દે તો શોટ મારનારાએ જ બોલ લેવા જવાનું. જો ઓછા પ્લેયર હોય તો કોઈ એક પ્લેયરની પાછળ હાથની આંગળી ઊંચી કરી નંબર પાડી બેટિંગનો ક્રમ નક્કી કરવામાં આવે. જો વધારે પ્લેયર ભેગા થાય તો કોઈ બે જણા કેપ્ટન બની જુદા જુદા પ્લેયરોને માંગીને બે ટીમ બનાવી રમવાનું શરૂ થતું. આમાં માગીને ટીમ નક્કી કરતી વખતે `પાક્કા ખેલાડી'ને પહેલાં માગી લેવામાં આવતા. નાના છોકરા કે નબળા ખેલાડીઓને સાવ છેલ્લે ટીમમાં માંગવામાં આવતા. બે ટીમ પડે ને રમવાનું શરૂ થાય એમાં બેટિંગ કરતી વખતે પણ જોરદાર વણલખ્યા નિયમો અમલમાં આવી જતા. સામેની ભીંતે ડાયરેક્ટ વાગે તો સિક્સ, રગડીને વાગે તો ફોર અને જો નક્કી કરેલા `દાયરા' યાનિ કી લિમિટની બહાર શોટ મારો, કમ્પાઉન્ડની બહાર શોટ મારો, રોડ કે શેરીની બહાર ફટકો મારો તો આઉટ.

સોસાયટીમાં રમતા હોય તો બારીના કાચને કે ગાડીના કાચને શોટ વાગે તો આઉટ. અમુક જગ્યાએ તો `ભીંત કેચ' આઉટ પણ રખાતું. જેમાં ભીંતે અથડાય અને કેચ કરો તો આઉટ ગણવામાં આવતું. કોઈ શૉટ મારેલા બોલને એક ટપ્પી એક હાથે કેચ કરી લો તો બેટ્સમેન આઉટ જાહેર થઈ જતો. એલ.બી.ડબલ્યુ. જેવી તો કોઈ પ્રથા જ ન હોય. કોઈ એલ.બી. આઉટ જ નહોતું થતું. ઘણી જગ્યાએ સ્ટમ્પ જ ન હોય તો ત્રણ પથરા મૂકીને `વર્ચ્યુઅલ' સ્ટમ્પ હવામાં નક્કી કરી આઉટ જાહેર કરવામાં આવતા. આમાં બેટ્સમેનની હાઈટને સ્ટમ્પની હાઈટ સાથે સરખાવી બોલ હવામાં કેટલે ઉપરથી પસાર થયો એ મુજબ બોલ્ડ જાહેર કરવામાં આવતું. બોલરના છેડેતો 99.99 ટકા સ્ટમ્પની જગ્યાએ ઈંટ જ હોય. એટલે રનઆઉટ કરવા માટે એ ઈંટને પગ અડાડી બોલને કેચ કરી `કરંટ આઉટ' એવું બોલી રનઆઉટ જાહેર થઈ જતાં.

છેલ્લો બેટ્સમેન એકલો પણ દાવ લઈ શકતો. જો કોઈ શોટ મારે ને બોલ ખોવાઈ જાય તો એણે નવો બોલ લાવી આપવો પડતો'તો. આવી રોજેરોજ ગલી ક્રિકેટ રમનારા ક્યારેક બાજુની ગલી કે સોસાયટી સાથે મેચ ગોઠવતા. જેને મેચ `ઠરાવી' એવું કહેવાતું. આ મેચો `બોલ-બોલ'ની ગોઠવાતી. જેમાં બંને ટીમ પોતપોતાના બોલ લઈને જતી. દરેક ટીમ પોતાના પ્લેયર પાસે પૈસા ઉઘરાવી બોલ લાવતી. એમાં ઘણા પ્લેયર દર વખતે પૈસા ચૂકવવામાં ધાંધિયા કરતાં. બે ગલીવાળાની મેચમાં બેટિંગ ટીમ પોતાનો અમ્પાયર ઊભો રાખતી, જે આઉટ આપવામાં અંચઈ કરતો. આમાં રન ગણતી વખતે ખૂબ બબાલો થતી. બેટિંગ કરનારી ટીમ કાયમ રન ગૂપચાવી ટીમનો સ્કોર વધારી દેતી. પહેલી બેટિંગ કરનારી ટીમ જો પોતાના રન વધારે ન થયા હોય, પર્ફોર્મન્સ સારું ન રહ્યું હોય તો બીજી ટીમને દાવ આપ્યા વગર `દાવનો બૂચ' મારી ભાગી જતી.

આવી ખૂબ જ મનોરંજક શૈલીમાં ગલી-શેરી ક્રિકેટ ચારે બાજુ રમાયા કરતી. ક્યાંક બબાલો-મારામારી પણ થતી, પણ તોયે આ વીડિયો ગેમ્સ કે મોબાઈલ ગેમ્સ કરતાં એમાં વધારે થ્રિલ તો હતું જ. કેમ ખરું કે નહીં?