આમ જુઓ તો જીવન એટલે ધીમે ધીમે નજીક આવી રહેલા અફર મોતની રાહ જોવાનો ખેલ. આવામાં, મોત આવે ત્યાં સુધી હાથ જોડીને બેસી શા માટે રહેવું એમ વિચારીને માણસો જીવન દરમિયાન મોહ-માયામાં, ઝંખનાઓમાં અને પ્રવૃત્તિમાં ડૂબેલા રહે છે.
પરંતુ રશિયન લેખક ટોલ્સ્ટોયને પ્રૌઢાવસ્થામાં મોતની રાહ જોતા બેસી રહેવાનો ભારે ત્રાસ છૂટવા લાગ્યો. એમને થયું કે ભયાનક ભવિષ્ય (વૃદ્ધાવસ્થા, બીમારી, મોત) આવે એ પહેલાં આપઘાત કરી લેવામાં ખોટું શું છે?
ટોલ્સ્ટોય હતા એકદમ બુદ્ધશાળી. એટલે એમણે એવું વિચાર્યું કે તાત્કાલિક મરી જવાને બદલે પહેલાં તો જીવનની સાર્થકતાનો સવાલ ઉકેલવાની શક્ય તેટલી મહેનત કરી લેવી જોઈએ. એ મહેનતની વાત, એમના જ શબ્દોમાં...
મને એવી શંકા ગઈ કે ક્યાંક એવું તો નથીને કશીક મૂળભૂત બાબત મને દેખાઈ નથી રહી અને હું કશુંક સમજી નથી રહ્યો? આમ પણ, આખી માનવજાત મારી જેમ હતાશામાં ડૂબેલી તો છે નહીં. એટલે પહેલાં મારે એ સમજી લેવું પડે કે જે બાકીના બધાને તો દેખાઈ રહ્યું છે, પરંતુ મને એકલાને નથી દેખાઈ-સમજાઈ રહ્યું એવું તો કશુંક નથીને?
આ શંકાના નિવારણ માટે હું જ્ઞાનની બધી જ શાખાઓ ફેંદી વળ્યો. જ્ઞાન ઉલેચવાના એ મારા પ્રયત્નો સહેજ પણ ઉપરછલ્લા નહોતા. મેં પૂરા ઝનૂનથી જ્ઞાન ઉલેચ્યું. ડૂબતો માણસ જે ઉત્કટતાથી હાથ-પગ હલાવે એ ઉત્કટતાથી મેં જ્ઞાનની અનેક વિદ્યાશાખાઓ ફેંદી.
પણ એમાંથી મને કોઈ જવાબ ન મળ્યો. ઊલટાની મને એવી ખાતરી થઈ ગઈ કે જે લોકો મારી જેમ જીવનની સાર્થકતાની તલાશ જ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોમાં કરે છે એ બધાને મારી જેમ જવાબ નહીં જ મળતો હોય. એટલું જ નહીં, એમને મારી જ માફક એકદમ સ્પષ્ટ રીતે સમજાતું હશે કે છેવટનું જ્ઞાન આટલું જ છેઃ જિંદગીનો કોઈ મતલબ છે જ નહીં.
મારી પાસે પુસ્તકોનો ભંડાર હતો. અભ્યાસવૃત્તિ મારામાં પહેલેથી હતી. જ્ઞાનની દુનિયામાં મારા સંપર્કો પણ ઘણા હતા. મેં બહુ પુસ્તકો ફેંદ્યાં, અનેક જ્ઞાની-વિજ્ઞાનીઓ સાથે વાતો કરી. જીવનની સાર્થકતા બાબતે જ્ઞાનના ક્ષેત્રમાંથી જે કંઈ મને મળી શકે એ બધું મેં મેળવ્યું, કારણ કે મારા સવાલનો જવાબ જ્ઞાનના ક્ષેત્રમાં ન હોઈ શકે એવું હું માની શકતો નહોતો. વિજ્ઞાનના ક્ષેત્રના લોકો એમના એકદમ ભારેખમ ટોનમાં વિજ્ઞાનની થિયરીઓ વિશે મારી સાથે વાતો કરતાં (જેને જીવનની સાર્થકતા સાથે કોઈ સંબંધ નહોતો). એમની વાતો સાંભળીને મને શંકા જતી કે એ જે કહી રહ્યા છે એમાંનું કશુંક સમજવામાં હું ચૂકી રહ્યો છું.
સમાજમાં જે જ્ઞાન પ્રવર્તી રહ્યું હતું એનો ખોંખારીને વિરોધ કરવા જેટલી મારામાં હિંમત ન હોવાથી હું એવું માનતો રહ્યો કે વાંક પ્રવર્તમાન જ્ઞાન-વિજ્ઞાનનો નથી, બલ્કે મારા અજ્ઞાનનો છે.
પણ પછી અત્યંત ગંભીરતાથી ખૂબ ઊંડે સુધી તપાસ કર્યા બાદ મને લાગ્યું કે મારા સવાલો બાબતે મારે નાનપ અનુભવવાની જરૂર નથી. ઊલટાનું, મારા મનમાં જે સવાલો જાગી રહ્યા છે એ જ સૌથી પાયાના, મહત્ત્વના અને વાજબી સવાલો છે. એના જવાબો વિજ્ઞાન પાસે ન હોય તો એ મર્યાદા વિજ્ઞાનની છે, મારી નહીં.
પચાસની ઉંમરે જે સવાલોએ મને આપઘાતની આરે લાવીને મૂકી દીધો હતો એ સવાલ એકદમ સીધાસાદા હતા અને આ સવાલ બધાનાં હૃદયમાં આમ તો સળવળતા જ હોય છે, પછી એ ચાહે નાદાન બાળક હોય કે અત્યંત શાણો વૃદ્ધ.
જે સવાલના જવાબ વિના જીવી જ ન શકાય એવું હું અનુભવે સમજ્યો હતો તે સવાલ આ હતોઃ હું આજે જે કંઈ કરું છું કે આવતી કાલે જે કંઈ કરીશ એમાંથી હું શું મેળવી લેવાનો હતો? મારી આખી જિંદગીની ફળશ્રુતિ શું?
બીજી રીતે કહું તો, હું જીવું છું શા માટે? ઝંખનાઓ શા માટે? પ્રવૃત્તિઓ શા માટે?
હજુ જરા જુદી રીતે કહું તો, જીવનની એવી કોઈ મહત્તા-મહાનતા-સાર્થકતા છે ખરી, જે અફર મૃત્યુની અડગ સચ્ચાઈ સામે માથું ઊંચું કરીને ઊભી રહી શકે?
આ સવાલો લઈને હું જ્ઞાનના ક્ષેત્રમાં ઘૂમ્યો ત્યારે મને સામસામેના છેડાના બે પ્રકારના જવાબો મળ્યા. એક પ્રકાર હતો પોઝિટિવ અને બીજો હતો નેગેટિવ.
એમાંનું એક ક્ષેત્ર એવું હતું જે જીવનની સાર્થકતાની માથાકૂટમાં પડતું જ નહોતું. આ ક્ષેત્ર પાસે પોતાના આગવા સવાલોના એકદમ ચોક્કસ અને અફર જવાબો હતા. આ હતું પોઝિટિવ ક્ષેત્ર. આ હતું વિજ્ઞાનનું ક્ષેત્ર અને એની ટોચે હતું ગણિત (બે વત્તા બે બરાબર ચાર. સિમ્પલ, અફર, પોઝિટિવ જવાબ).
જ્ઞાનનું બીજું ક્ષેત્ર એવું હતું જે સાર્થકતાના સવાલનો સ્વીકાર તો કરતું હતું, પરંતુ એની પાસે મારા સવાલોનો જવાબ નહોતો. આ હતું સૈદ્ધાંતિક ફિલોસોફીનું ક્ષેત્ર અને એની ટોચે હતું અધ્યાત્મશાસ્ત્ર.
***
અહીં એક વાત સમજી લઈએ કે ટોલ્સ્ટોયની આ આત્મકથા સરવાળે શ્રદ્ધાના ક્ષેત્રમાં આંગળી પકડીને ઊંડે લઈ જનારી કથા છે. એમાં મજા એ છે કે વાત ભલે શ્રદ્ધાની છે, પરંતુ એક વિજ્ઞાની જેવી ચોક્સાઈથી અથવા કહો કે ક્રાઈમને ઉકેલવા મથી રહેલા ઇન્સ્પેક્ટરની સતર્કતાથી શ્રદ્ધાનો પેચીદો પ્રશ્ન ઉકેલવાનો અહીં પ્રયાસ થયો છે.
બીજી ખાસ સમજી લેવા જેવી વાત એ છે કે આ એ માણસની કથા છે, જે આજે પણ જગતના ટોચના સાહિત્યકારોમાં તો વટથી સ્થાન ભોગવે જ છે,
પરંતુ તે ઉપરાંત, જીવનના પાછલા તબક્કામાં (આપણે જેની વાત કરી રહ્યા છીએ એ આત્મકથા લખાયા બાદ) એ માણસ જે પ્રકારે જીવ્યો અને એણે જે કંઈ લખ્યું એને કારણે યુરોપના લોકોએ ટોલ્સ્ટોયને `સમગ્ર ખંડના અંતરાત્મા'નું બિરુદ આપ્યું હતું અને ધાર્મિક લખાણોમાં બાઈબલ પછી બીજા નંબરે ટોલ્સ્ટોયના ધાર્મિક લખાણોની ગણના થવા લાગેલી. ઇવન આજે પણ ટોલ્સ્ટોય એક લેખક ઉપરાંત સંત અને કેટલાકના મતે ઇશ્વરના દૂત પણ ગણાય છે.
