એક જોક છેલ્લા થોડા વર્ષોમાં બહુ પ્રચલિત થયો છે. પાકિસ્તાનના ધ્વજ પર ચંદ્ર રાખે છે, જ્યારે ભારત ચંદ્ર પર ધ્વજ રાખે છે, પણ ઇ.સ. 2028 પૂરું થતા પહેલાં આ જોક બદલવો પડે એવા સમાચાર છે. આવતા વર્ષે પાકિસ્તાન પણ ચંદ્ર પર પોતાનું રોવર મોકલવા અને એ રીતે ચંદ્ર પર પાકિસ્તાનનો ધ્વજ ખોળવા કટિબદ્ધ થયું છે અને હા, આ કોઈ જોક નથી. વાત જાણે એમ છે કે છેલ્લા થોડા વર્ષોથી આપણા પડોશી દેશ પાકિસ્તાનની માઠી બેઠી છે. પ્રજા પોતાના શાસકોથી ત્રાહિમામ્ પોકારી ઊઠી છે. બીજી તરફ ભારત ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. ખાસ કરીને ભારતના અત્યંત સફળ મિશન મૂનને દુનિયા આખીએ વખાણ્યું છે. એટલે પાકિસ્તાની પ્રજામાં એ વાતનો આક્રોશ હતો કે ભારતનું ઇસરો આટલી પ્રગતિ કરી શકતું હોય, તો આપણી (એટલે કે પાકિસ્તાનની) અવકાશી સંસ્થા શું કરી રહી છે?

અહીં તમને કદાચ પ્રશ્ન થશે કે હેં, પાકિસ્તાનનેય પોતાની અવકાશી સંશોધન સંસ્થા છે? જવાબ છે હા, પાકિસ્તાનની અવકાશીય સંસ્થા `Pakistan Space and Upper Atmosphere Research Commission' નામથી કાર્યરત છે, જે SUPARCOના ટૂંકાક્ષરી નામે ઓળખાય છે. તમને હજી મોટો ઝાટકો તો ત્યારે લાગશે જ્યારે `સુપારકો' આપણા `ઇસરો' કરતાં આઠેક વર્ષ પહેલાં સ્થપાયું હોવાની ખબર પડશે! આ પણ કોઈ જોક નથી. આપણું ઇસરો 1969માં સ્થપાયું, જ્યારે સુપાર્કો ઠેઠ 1961માં સ્થપાઈ ગયેલું. આ વર્ષનું ઇસરોનું વાર્ષિક બજેટ દોઢ અબજ યુએસ ડોલર્સ જેટલું છે. જ્યારે સુપાર્કોનું બજેટ આશરે 700 કરોડ પાકિસ્તાની રૂપિયા (ભારતીય ચલણમાં અઢીસો કરોડ રૂપિયા - US$ 25.61 million) જેટલું છે. આના કરતાં વધુ વાર્ષિક ટર્ન ઓવર કરનારી અનેક કોર્પોરેટ કંપનીઝ આપણા સુરત, અમદાવાદ જેવાં શહેરોમાં મોજૂદ છે. એક અંદાજ મુજબ ઇસરોના મિશન મૂનનું બજેટ સુપાર્કોના વાર્ષિક બજેટ કરતાં આશરે ત્રણેક ગણું વધારે હતું. આ ગણતરી અહીં એટલા માટે આપી કે પાકિસ્તાનનું બજેટ ઇસરોની સરખામણીએ રીતસર `ચણા-મમરા' જેટલું થાય છે. તો પછી પાકિસ્તાને મિશન ચાંદ કયા લોજિક પર શરૂ કર્યું? જવાબ છે ચીન.

વાત એમ છે કે સુપાર્કો અને ચીનની સ્પેસ એજન્સી CNSA વચ્ચે એક સમજૂતી કરાર થયા છે. આ કરાર પર 5 ફેબ્રુઆરી, 2025ના રોજ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એ પછી પાકિસ્તાને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રિસર્ચ રોવર મોકલવાની સત્તાવાર જાહેરાત કરી. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર આ કરાર હેઠળ પાકિસ્તાન તેના પ્રથમ સ્વદેશી મૂન રોવરને ચીનના Chang'e-8 મિશનનો એક ભાગ બનાવશે, જે વર્ષ 2028માં લોન્ચ થવાનું છે. એટલે કે પાકિસ્તાન પોતાનું સ્વદેશી રોવર ચંદ્ર પર નહીં મોકલે, પરંતુ ચીન તેને ચંદ્ર પર મોકલશે.

ચીનની સ્પેસ એજન્સી CNSAએ ચાંગ'ઈ-8 મિશનની ડિઝાઈન તૈયાર કરી છે. આ મિશનનો હેતુ સાઈટમાં વૈજ્ઞાનિક સંશોધન કરવા, ટેક્નોલોજીની ચકાસણી કરવાનો અને ચંદ્રની સપાટીનો નકશો બનાવવાનો છે. આ મિશનમાં પાકિસ્તાન ચીનના ખભે સવાર થઈને પોતાનું 35 કિલોગ્રામ વજનનું રોવર પણ મોકલશે, એ વાતને પાકિસ્તાનીઓ પોતાના અવકાશ કાર્યકમમાં `સીમાચિહ્નરૂપ ઘટના' ગણે છે. આમ જુઓ તો એ લોકો ખોટાય નથી, કેમ કે આટલા દાયકાઓ બાદ પણ આનાથી મોટી બીજી કોઈ સિદ્ધિ સુપાર્કો મેળવી શક્યું નથી.

સુપાર્કોના ચંદ્ર રોવરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તૈનાત કરવામાં આવશે, જે વિસ્તાર તેના વિશિષ્ટ પર્યાવરણ માટે જાણીતો છે. આ વિસ્તારમાં ભવિષ્યમાં બીજાં ઘણાં રિસર્ચ મિશન્સ તૈયાર થશે એવી આશા છે. સુપાર્કોના વૈજ્ઞાનિકોએ એક એડવાન્સ પેલોડ બનાવ્યું છે, જેને રોવર દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવશે. તે ચીન અને યુરોપિયન વૈજ્ઞાનિકો વચ્ચેના સહયોગમાં બનેલ પેલોડ પણ વહન કરશે. રોવર ચંદ્રની સપાટીનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ પણ કરશે. જોકે, મૂળ વાત એ છે કે પાકિસ્તાનનું આ `સ્વદેશી રોવર' પણ સંપૂર્ણપણે સ્વદેશી નથી. એ બનાવવા માટે પણ સુપાર્કોએ ચીની વૈજ્ઞાનિકોની મદદ લીધી છે!

ટૂંકમાં, આખું મિશન ચીનના ભરોસે છે. પાકિસ્તાન આખી રમતમાં `દૂધ-પૌંવા ખેલાડી' તરીકે રમવાનું છે. (જે યુવાવાચકોને `દૂધ-પૌંવા ખેલાડી'નો અર્થ ખબર ન હોય, એમણે વડીલોની મદદ લેવી.) આમાં પાકિસ્તાનને ફાયદો શું? જો મિશન સફળ થશે તો પાકિસ્તાની વૈજ્ઞાનિકોને પણ ચંદ્રની સપાટીનું પરીક્ષણ કરવાનો લહાવો મળશે.

ઉપરાંત સુપાર્કોના ભવિષ્યના અવકાશીય મિશનની રૂપરેખા તૈયાર કરવામાં મોટી મદદ મળશે. આ મિશન દ્વારા ચંદ્રનો નકશો બનાવી શકાશે. ઉપરાંત ચંદ્રની સપાટી પર ઉત્સર્જન સ્તર અને પ્લાઝ્મા ગુણધર્મોનો અભ્યાસ ભવિષ્યના સંશોધન અને માનવ હાજરી પર સંભવિત અસરોનું મૂલ્યાંકન કરવા માટે કરી શકાય છે.

આપણે ભારતીયોએ આ બધામાં સ્વાભાવિક રીતે જ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ગુજરાતીમાં કહેવત છે કે આપેલું અને તાપેલું લાંબે સુધી નથી ચાલતું. એમાંય જો તમારો શાહુકાર ચીન જેવો ખંધો હોય, તો એ પાકિસ્તાન માટે ચિંતાની બાબત છે, ભારત માટે નહિ. આપણું ઇસરો સ્વબળે મેળવેલી સિદ્ધિઓ દ્વારા તેજોમય હતું, છે અને રહેશે. જો પાકિસ્તાનમાં પણ કટ્ટરવાદને સ્થાને વૈજ્ઞાનિક અભિગમ કેળવાતો હોય, તો એનો આનંદ જ હોય.