સલમાન ખાન અને આમિર ખાનની 31 વર્ષ જૂની ફિલ્મ `અંદાજ અપના અપના' એપ્રિલના છેલ્લા સપ્તાહમાં થિયેટરમાં ફરીથી રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં રવિના ટંડન અને કરિશ્મા કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે.
નવેમ્બર 1994માં તે પહેલી વાર રિલીઝ થઇ ત્યારે એટલી મોટી હિટ સાબિત થઇ ન હતી. ઇન ફેક્ટ, તેનો ધબડકો થયો હતો. દર્શકો અને વિતરકો જ નહીં, તેના મુખ્ય કલાકારોએ પણ તેનાથી મોં ફેરવી લીધું હતું. ન તો તેનાં પોસ્ટરો લાગ્યાં હતાં કે ન તો તેનું પ્રમોશન થયું હતું.
તેનાં સંવાદો, દૃશ્યો અને સ્ટાર કાસ્ટ ધીમે ધીમે દર્શકોના દિલમાં ઊતરતાં ગયાં હતાં અને તે વર્ષો પછી એક કલ્ટ ફિલ્મ બની ગઈ હતી. તેના અમુક સંવાદો જેવા કે, `મૈં તો કહતા હૂં આપ પુરુષ હી નહીં હૈ, મહાપુરુષ હૈ મહાપુરુષ' અથવા `બ્રેડ કા બદમાશ બજાજ, હમારા બજાજ' અથવા `ક્રાઈમ માસ્ટર ગોગો નામ હૈ મેરા, આંખે નિકાલ કે ગોટિયાં ખેલતા હૂં' આજે પણ લોકપ્રિય છે. કદાચ `શોલે' પછી કોઈ ફિલ્મના સંવાદોને લોકો
સૌથી વધુ બોલતા હોય તો તે `અંદાજ અપના અપના' છે.
ફ્લોપ જાહેર થયેલી ફિલ્મ એવી તે કેવી સદાબહાર બની ગઈ કે તેને 31 વર્ષ પછી ફરીથી રિલીઝ કરવાનું મન થયું?
તેના નિર્માણમાં ત્રણ વર્ષ લાગ્યાં. તે 1992માં બનવાની શરૂ થઇ હતી અને 1994માં પૂરી થઇ હતી. ફિલ્મમાં વિલંબને કારણે સલમાન ખાનના દેખાવમાં પણ ઘણો ફેરફાર થઇ ગયો હતો. ફિલ્મનું સંગીત પણ ખાસ આકર્ષક નહોતું. ઉપરાંત તે જ વર્ષે `હમ આપકે હૈ કૌન', `મોહરા' અને `ક્રાંતિવીર' જેવી મોટી ફિલ્મો પણ મેદાનમાં હતી. બાકી હોય તેમ ગોવિંદાની `રાજા બાબુ'એ દર્શકોની કોમેડીની ભૂખ સંતોષી હતી.
આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું હતું. તેમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન એવો ઘટસ્ફોટ કર્યો હતો કે, `કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં તેનું પ્રમોશન ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે, પરંતુ આ ફિલ્મના એક્ટર આમિર અને સલમાન ખાન મુંબઈની બહાર ગયા હતા, જેના કારણે ફિલ્મનું પ્રમોશન થઇ શક્યું નહોતું.'
તેમની હરકતોના કારણે ન તો તેની પબ્લિસિટી થઇ કે ન તો લોકોને તે પસંદ આવી. એવામાં વિતરકો પણ નારાજ થઇ ગયા હતા. જોકે, ફિલ્મ તેના મેરિટ પર ચાલી ગઈ અને આજે 31 વર્ષ પછી પણ સંતોષી તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે.
જેને `મગજ વગરની' કોમેડી કહે છે તે વર્ગમાં `અંદાજ અપના અપના' આવે છે. મૂળમાં આ ફિલ્મ ધોખાબાજીની, ચકમો આપવાની અને મજાક કરવાની છે. ફિલ્મમાં એક પણ `ડલ' દૃશ્ય નથી. શરૂથી અંત સુધી તેનાં મુખ્ય કિરદારો કોઈક ને કોઈક બેવકૂફી કરતા રહે છે.
તેમાં નાનેથી લઈને મોટા સુધીના પ્રત્યેક પાત્ર હાસ્ય પેદા કરવા માટે જ પડદા પર આવે છે. તેના સંવાદો વાતચીતના સ્વરૂપમાં છે, જેમાં એક પાત્ર કશુંક બોલે તે બીજું પાત્ર એ જ વાતને જુદી રીતે આગળ ધપાવે. બાકી હોય તેમ પરેશ રાવલનો ડબલ રોલ અને રવિના-કરિશ્મા વચ્ચેના ગોટાળાએ આખી ફિલ્મને એક મોટા ગોટાળા તરીકે પેશ કરી હતી.
તેની વાર્તા આમ સાધારણ હતી. ભોપાલના બે બેકાર છોકરા અમર (આમિર ખાન) અને પ્રેમ (સલમાન ખાન)ને ખબર પડે છે કે લંડનમાં રહેતા એનઆરઆઈ રામ ગોપાલ બજાજ (પરેશ રાવલ)ની એકની એક છોકરી રવિના (કરિશ્મા કપૂર) તેની સેક્રેટરી કરિશ્મા (રવિના ટંડન) સાથે વર શોધવા ભારત આવી છે અને ઊટીમાં રોકાઈ છે.
બંને જણા તેને પરણવા માટે ઊટી જાય છે. તે દરમિયાન તેમની વચ્ચે દોસ્તી-દુશ્મનીના હાસ્યાસ્પદ પ્રસંગો બને છે. બે જણા તેમની મનગમતી છોકરીઓને તો પામે છે, પરંતુ બજાજની સંપત્તિ પાછળ પડેલા અપરાધીઓના ચક્કરમાં ફસાઈ જાય છે. આ અપરાધીઓમાં મોખરે છે તેજા ઉર્ફે શ્યામ ગોપાલ બજાજ (પરેશ રાવલ) અને ક્રાઈમ માસ્ટર ગોગો (શક્તિ કપૂર), જે કુખ્યાત માફિયા મોગામ્બોનો ભત્રીજો છે.
આ ફિલ્મ તેના સમય કરતાં પહેલાં બની હતી. તે વખતે હિન્દી સિનેમામાં કોમેડીના નામે ભદ્દી મજાક કરવામાં આવતી હતી. `અંદાજ અપના અપના' એકદમ સ્વચ્છ કોમેડી હતી. એક રીતે તેમાં ટોમ & જેરી પ્રકારનો વ્યંગ હતો, જે તત્કાળ તો દર્શકોને બહુ `મોળો' લાગ્યો હતો.
રાજકુમાર સંતોષીએ સની દેઓલ અભિનીત `દામિની' અને `ઘાયલ' જેવી બે ઉપરાછાપરી આક્રમક ફિલ્મો પછી `અંદાજ અપના અપના' જેવી હળવી ફિલ્મ બનાવી હતી. તેમને આ ફિલ્મની આજ દિન સુધી અકબંધ લોકપ્રિયતાનું હજુ પણ આશ્ચર્ય છે. સુભાષ કે. ઝા નામના પત્રકારને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેઓ કહે છે,
`મને આ અપેક્ષા નહોતી. પ્રોડ્યુસર વિનય સિંહા મારી પાસે એક વિચાર લઈને આવ્યા હતા કે આમિર ખાન સાથે એક ફિલ્મ કરવી છે. મને યાદ છે કે તેમણે મને સરસ ડિનર કરાવ્યું હતું અને મને મનાવી લીધો કે આપણે આમિર સાથે કંઇક જુદું કરીએ. મેં ઉપરાઉપરી `ઘાયલ' અને `દામિની' કરી હતી. કોમેડી કેવી રહેશે? મેં એમ જ સૂચન કર્યું હતું. મને કલ્પના નહોતી કે `અંદાજ અપના અપના' શૂટિંગ વેળા અને રિલીઝ પછી હાસ્યનું હુલ્લડ સાબિત થશે.'
તેમના મનમાં ટોમ & જેરીનાં કાર્ટૂન હતાં. બંનેને એકબીજા વિના ચાલતું નથી અને સાથે હોય ત્યારે એકબીજાને સળી કર્યા કરે. આમિર ખાને ફિલ્મ કરવા માટે હામી ભરી તે પછી સંતોષીએ સલમાનનો વિચાર કર્યો. બંને બહુ મોટા સ્ટાર હતા અને શૂટિંગ વેળા તેઓ સારા દોસ્ત બની ગયા હતા. સેટ્સ ઉપર એટલી હસાહસ થતી હતી કે સૌને રોકવા પડતા હતા, જેથી શૂટિંગ આગળ ધપે.
સંતોષી કહે છે, `આ ફિલ્મમાં ઘણું બધું પહેલીવાર હતું. મારી આ પહેલી કોમેડી ફિલ્મ હતી. સલમાન અને આમિર પહેલીવાર (અને છેલ્લી વાર) સાથે આવ્યા હતા. પરેશ રાવલ ખલનાયકની ભૂમિકામાં સફળ હતા. અમે તેમને કોમિક કિરદાર આપ્યો હતો. અમે અજીતના દીકરા પાસે તેમના પિતાની કાર્બન કોપી જેવો રોલ કરાવીને `અજીત-રોબર્ટ'ના જોક્સ જીવંત કર્યા હતા. રવિના અને કરિશ્મા પણ પહેલીવાર ભેગાં થયાં હતાં. અમે બંનેનાં નામની અદલાબદલી કરી હતી. આ બધું કારગત નીવડ્યું હતું.'
સંતોષી `અંદાજ અપના અપના'ની સિક્વલ બનાવવા વિચારે છે, પણ એમાં આમિર અને સલમાન ભેગા થાય તેવું લાગતું નથી. બંને હવે ખર્ચાળ સ્ટાર છે અને કામ કરવાની શૈલી પણ જુદી છે. સંતોષી કહે છે કે તેમના મનમાં એવી વાર્તા છે જેમાં અમર અને પ્રેમનાં લગ્ન થઇ ગયેલાં છે અને પછી અમુક ઘટનાઓ આકાર લે છે.










