કિનરેમ ફોલ્સ કિનરેમ ધોધ એ મેઘાલયનો બીજા નંબરનો સૌથી મોટો ધોધ છે. આ ધોધ 1000 ફૂટ ઉપરથી ત્રણ તબક્કામાં નીચે પડે છે. આ ધોધ થાંગાખારાંગ ઇકો પાર્કમાં સ્થિત છે. ધોધની આસપાસ લીલાંછમ વૃક્ષો છે જે એની સુંદરતામાં વધારો કરે છે. આ ધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઊઠે છે. જો તમે ચોમાસા દરમિયાન મેઘાલય ફરવા ગયા હોવ તો અહીં ચોક્કસ જવું. તે ચેરાપુંજીમાં સ્થિત છે. કિનરેમ ધોધ જોવા જવાનો સમય સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધીનો છે.
ચીરફુલી ધોધ
આ ધોધ ઓફબીટ પ્લેસ છે. આમ તો એ હિડન બ્યૂટી તરીકે પણ ઓળખાય છે. મેઘાલયનાં લીલાંછમ જંગલોની અંદર છુપાયેલો આ ધોધ અત્યંત શાંત અને રમણીય છે. મેઘાલયમાં અઢળક ધોધ છે. અહીં આવતા પ્રવાસીઓને અમુક ધોધ વિશે જાણ નથી હોતી પરિણામે એ લોકો સુંદર ધોધ જોવાથી વંચિત રહી જાય છે. ચીરફુલ ધોધ પણ એમાંનો જ એક છે. એનું નામ પણ એની સુંદરતાને કારણે જ ચીરફુલી રખાયું છે. આ ધોધ પણ ચેરાપુંજીમાં સ્થિત છે.
જનાઇલાર ધોધ
જો તમે શાંત સ્થળે જવા માંગતા હોવ, જો તમે એવા ધોધને જોવા માંગતા હોવ જ્યાં માણસોનો કોલાહલ ન હોય તો તમે જનાઇલાર ધોધ જોવા ચોક્કસ જઇ શકો છો. આ પણ મેઘાલયનો છુપાયેલો ધોધ જ છે, જે બહુ એક્સપ્લોર નથી થયો. આ જગ્યા કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અહીં આસપાસ લીલાંછમ વૃક્ષો તમારું મન ચોક્કસ મોહી લેશે. જનાઇલાર ધોધ ચેરાપુંજીમાં આવેલો છે, જ્યાં જવાનો સમય સવારે 6 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો છે. અહીં 20થી 30 રૂપિયા એન્ટ્રી ફીઝ છે.
પૃટ વોટરફોલ
પિકનિક માટે શ્રેષ્ઠ અને ટ્રેકિંગ પણ કરી શકાય એવો ધોધ એટલે પૃટ વોટરફોલ. મેઘાલયમાં ટ્રેકિંગ કરવાની ઇચ્છા ધરાવતાં હોવ તો અહીં ચોક્કસ આવવું. આ જગ્યા શાંત છે તેમજ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અહીં પિકનિક માટે અઢળક પ્રવાસીઓ આવે છે. પૃટ વોટરફોલ જવાનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો છે. અહીં 50 રૂપિયા એન્ટ્રી ફીઝ છે.
લિંગાઇ ધોધ
જંગલોની વચ્ચે આવેલો શાંત ધોધ એટલે લિંગાઇ ધોધ. આ વોટરફૉલ પણ મેઘાલયનો ઓફબીટ ફૉલ છે, કેમ કે એ જંગલની વચ્ચે આવેલો છે એટલે અહીં બહુ ઓછા પર્યટકો જતા હોય છે. જો તમે પણ શાંત વાતાવરણને પસંદ કરતા હોવ તો તમારે આ ધોધ જોવા ચોક્કસ જવું જોઇએ. આ જગ્યાએ જવા માટે ચેરાપુંજી જવું પડશે. ત્યાં જવાનો સમય સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી છે, જ્યારે એન્ટ્રી ફીઝ 20થી 30 રૂપિયા છે.
ક્રાંગસુઇ ધોધ
એક એવો ધોધ જેમાં સ્વચ્છ પાણીમાં નહાવાનો લહાવો લઇ શકાય છે. ક્રાંગસુઇની બ્યૂટી એનું સ્વચ્છ પાણી છે. અહીં આવનાર લોકો ધોધની અંદર પડીને નહાઈ શકે છે તેમજ મનગમતા ફોટા પડાવી શકે છે. તે ઉમલારેમ શહેરમાં આવેલો છે. શહેરથી નજીક હોવાને કારણે અહીં પર્યટકોની ભીડ ચોક્કસ જોવા મળી જશે. આ જગ્યા સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પર્યટકો માટે ખુલ્લી રહે છે. અહીં એન્ટ્રી ફીઝ 50 રૂપિયા છે.
ફી ફી ફૉલ
ટ્રેકિંગનો શોખ ધરાવતા હોવ અને એકથી બે કલાક ચાલવાની કેપેસિટી ધરાવતા હોવ તો તમે મેઘાલયના સૌથી સુંદર ધોધને ચોક્કસ જોઇ શકશો. હા, ફી ફી ધોધની સુંદરતા અદ્ભુત છે, પણ ત્યાં જવા માટે ખાસ્સું ચાલવું પડશે. આ ધોધની આસપાસ જંગલ છે એટલે અહીં કુદરતી સૌંદર્યનો લહાવો પણ લેવા મળશે.
આ સિવાય મેઘાલયમાં બીજાં પણ ઘણા સુંદર ધોધ છે, જેમાં તીરશી ફૉલ, થ્લુ અમ્વી ફૉલ, લાંગશિઆંગ ફૉલ, પેલ્ગા ફૉલ, મૂપુન ફૉલ, બોરહિલ ફૉલ્સ પણ જોવાલાયક છે. આ બધા જ ધોધની સુંદરતા આગવી છે. પાણી અને કુદરતી સૌંદર્ય બંને મળીને આંખો માટે ઠંડક આપનાર આ જગ્યા પર્યટકો માટે મનગમતી જગ્યા બની રહેશે.