વિદેશમાં આયાના ભરોસે રહેતાં અને 18 વર્ષે પેરેન્ટ્સને છોડીને પોતાની અલગ દુનિયા વસાવતા યુવાનોને ભારતીયો હંમેશાં ક્રિટીસાઈઝ કરે છે અને એવું માને છે કે અમે ખૂબ જ કેરિંગ અને પ્રોટેક્ટિવ પેરેન્ટ્સ છીએ.

બાળકો માટે પોતાની લાઈફમાં જાત-જાતનાં સમાધાનો કરવાં એ ખૂબ ગૌરવપ્રદ ઘટના ગણાય છે. પોતાની સઘળી મૂડી બાળકનાં એજ્યુકેશન અને લગ્ન માટે ન્યોછાવર કરનાર પેરેન્ટ્સ આજેય બાળક પોતાની `હા'માં `હા' મિલાવે એવું ઇચ્છે છે. ઇન્ટરકાસ્ટ મેરેજમાં આજેય પેરેન્ટ્સ સાથે ઝઘડવું પડે છે. છતાં ભારતનાં પેરેન્ટ્સ બાળકો માટે વધારે પઝેસિવ છે અને ઓવર પેમ્પરિંગ પણ છે. તેથી જ આપણે એવું માની લઇએ છીએ કે આપણે બાળકોને વધુ પ્રેમ કરીએ છીએ. નવી જનરેશનમાં પેરેન્ટ્સ તો ખુદને મોડર્ન, ફ્રેન્ડલી અને ટ્રાન્સપરન્ટ સમજે છે. ખરેખર આ વાત સાચી છે? આધુનિકતાના ઓથા હેઠળ પેરેન્ટ્સ ઘણીવાર એવું ખરાબ વર્તન કરે છે કે એમના એજ્યુકેશન અને આધુનિકતા સામે સવાલ ઊઠી શકે. વાસ્તવમાં માનસિકતા તો બદલાઈ છે, પરંતુ ઇગો, પઝેસિવનેસ અને ડબલ સ્ટાન્ડર્ડ નથી બદલાયા.

આપણે બાળકના માળી બનવાને બદલે માલિક બનીએ છીએ. જ્યારે તમે વ્યક્તિના માલિક બનવાનો પ્રયત્ન કરો છો ત્યારે હક, અધિકાર અને અહંથી ઘેરાઈ જાઓ છો. અફકોર્સ માલિક બનીને પણ પેરેન્ટ્સના મનમાં તો બાળકનું હિત જ હોય છે, પરંતુ એ હિતની દૃષ્ટિ, વ્યાખ્યા અને આકાંક્ષા બધું જ પેરેન્ટ્સની મરજી મુજબનું હોય છે. એમાં બાળકની મરજી નહીંવત્ હોય છે. બીજું, આપણે પ્રેમને જેટલું મહત્ત્વ આપીએ છીએ એટલું રિસ્પેક્ટને નથી આપતા. પ્રેમના નામે પેરેન્ટ્સ બાળકને ધમકાવી શકે, એમની અપેક્ષાઓ પર ખરા ન ઊતરે તો અપમાનિત કરી શકે અને કહ્યામાં રહે એ માટે ડરાવી શકે. મે, બી અમુક સંજોગોમાં બાળકને ડરાવવું - ધમકાવવું જરૂરી હોતું હશે, પરંતુ એનો ઓવરડોઝ બાળકને વિદ્રોહી બનાવી શકે. સૌ બાળકોને આપણી કલ્પનાનું નહીં એમની કલ્પનાનું આકાશ આપીએ. એને જાતે ઊડવા દઇએ. એ જ્યાં ભૂલું પડે ત્યાં એને રસ્તો બતાવીએ.

ખોટી અપેક્ષાઓના ભારથી એને દબાવીએ નહીં, પરંતુ એની અપેક્ષાઓની પૂર્ણતા પર આનંદિત થઇએ. એને સગવડો આપીએ, પરંતુ પાંગળાં ન બનાવીએ. અસલામતીથી બચાવીએ, પરંતુ સલામતીની વાડ એવી ન રચીએ કે એ છલાંગ મારતા શીખી જ ન શકે. એ બાળક તમારું છે, પણ એની અને તમારી દુનિયા અલગ છે. સમય અલગ છે. ભાવવિશ્વ અને વાસ્તવિકતાઓ બંને અલગ છે, તેથી એ તમારા સહારે અને તમારી સાથે અમુક સમયથી વધારે ન ચાલી શકે. એ તમારા જેવું જ વિચારે તો હરખાવા જેવું નથી, કારણ કે એમાં એની ઓરિજિનાલિટી નથી, પણ અલગ વિચારે તો હરખાવું જોઇએ, કારણ કે એ એની નિજતા છે. મૌલિકતા છે. નવી દિશાના વિચાર છે, પરંતુ જ્યારે આમ બને ત્યારે આપણો અહમ્ ઘવાય છે. આપણને લાગે છે કે આનામાં તો મારા કોઇ સંસ્કાર નથી, લક્ષણ નથી. બાળકોમાં અમુક વસ્તુ હેરિડિટીમાં આવી શકે, પરંતુ એ તમારા નકશેકદમ પર કે તમારાં સપનાંઓની આંગળી પકડીને ચાલશે એવું માનશો તો દુઃખી થશો.

સમય જતાં યુવાન પેરેન્ટ્સ બદલાયાં છે, પરંતુ તેઓ હેલિકોપ્ટર પેરેન્ટ્સ બને છે. સુપર કિડ્સ- ડિઝાઇનર કિડ્સની એમની ચિત્ર-વિચિત્ર વ્યાખ્યાઓ છે. એમના માટે જીતનો આનંદ અન્યથી આગળ હોવાનો અને અલગ હોવાનો નશો એ ખુશી છે. સેક્સથી લઇને કોન્ડોમ જેવા સબ્જેક્ટ્સ પર તેઓ ફ્રેન્ડલી થવા મથે છે અને એ દ્વારા મોડર્ન દેખાવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પેરેન્ટ્સ તરીકેનો અહમ્ એમનો પણ છૂટતો નથી. બાળક એમના માટે પણ સોશિયલ સ્ટેટસ છે. એટલે પારિવારિક લેવલે પણ બાળકો સમસ્યાઓથી સાવ મુક્ત નથી. શિક્ષણ-કરિયરની પસંદગીમાં, લગ્ન માટે પાત્રની પસંદગીમાં થોડી મુક્તતા મળી છે. પાંખ આવે એટલે બાળકો હવે વિદેશના આકાશમાં ઊડવા માંડ્યા છે, કારણ કે એમને આઝાદી જોઈએ છે. પોતાની રીતે જિંદગી જીવવાની તક જોઇએ છે, પરંતુ જીવન માત્ર કરિયરથી નથી ચાલતું.

એમના ભાવનાત્મક વિકાસ અને પ્રશ્નો પર પણ ધ્યાન આપવું પડે એમ છે અને એ કામ સ્કૂલ કે અન્યનું નથી, પેરેન્ટ્સનું છે. તો આપણાં બાળકોના માળી બનીને અેમને સ્વતંત્ર વ્યક્તિ તરીકે ઉછરવાની તક આપીએ.