લાંબા સમયથી ડિપ્રેશન સહિતની કેટલીક માનસિક સમસ્યાઓથી પીડાતી એક મહિલાને સાયકિયાટ્રિસ્ટે સલાહ આપી કે બગીચામાં જઈને એકલા એકલા ઘાંટા પાડી જુઓ. પેલી મહિલાએ આ વિચિત્ર સલાહ અમલમાં મૂકી એન્ડ થિંક વ્હોટ, લાંબા સમય પછી એ મહિલાને જરા સારું લાગ્યું. થોડી ખુશી મળી. બૂમો પાડી લીધા બાદ પોતાની જ ઉપર મુક્તમને હસવાનું કારણ મળ્યું. અહીં સૌથી મહત્ત્વનો મુદ્દો છે અભિવ્યક્ત થવાની સ્વતંત્રતા. આ કોઈ રાજકીય કે સામાજિક સમસ્યાને લાગતો લેખ નથી બલકે સંપૂર્ણપણે મનોવૈજ્ઞાનિક બાબત છે.

 પૃથ્વીનો કોઈ પણ સજીવ અભિવ્યક્ત થયા વિના જીવી શકતો નથી. જેલમાં કે એકાંતવાસમાં રહેનાર માણસ માનસિક રીતે પડી ભાંગે છે, કેમ કે અભિવ્યક્ત થવા માટેનું વાતાવરણ નથી મળતું. એનાથી સાવ ઊલટું આર્ટ્સ એટલે કે કળા બાબતે છે. વિજ્ઞાન કહે છે કે કળાના કોઈ પણ ફોર્મેટ સાથે જોડાયેલી વ્યક્તિની માનસિક તંદુરસ્તી અન્ય સામાન્ય વ્યક્તિઓની સાપેક્ષે ઘણી સારી હોય છે. (સિવાય કે પોતે જ પોતાનો સ્વભાવ વિચિત્ર બનાવી મૂક્યો હોય!)

 નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન નામક અમેરિકન ઓર્ગેનાઈઝેશનની વેબસાઈટ પર આ અંગે વિસ્તૃત લેખ છે. માનવી સામાજિક પ્રાણી છે. આપણી બૌદ્ધિક-જ્ઞાનાત્મક ક્ષમતાઓ સમાજમાં રહેવાને કારણે વિકસે છે. જો નાના બાળકને પહેલેથી જ સમાજથી દૂર રાખો, તો એની બૌદ્ધિક ક્ષમતા કુંઠિત થઇ જાય. બીજી રીતે વિચારીએ તો બાળક જેવા સમાજમાં રહે છે, એવું જ બની જાય છે. આ બધું આપણે જાણીએ છીએ, પણ વાત એથીય આગળની છે. સંશોધકોના કહેવા મુજબ જે વ્યક્તિઓ મોટી ઉંમરે પણ પોતાની બૌદ્ધિક ક્ષમતાઓ જાળવી રાખવા માંગતા હોય, એમણે કોઈ ને કોઈ કળા સાથે જોડાઈ જવું જોઈએ. વધતી ઉંમર સાથે મસ્તિષ્કના વિવિધ હિસ્સાઓ વચ્ચેનું મોડ્યુલેશન-વિનિમય ખોરવાય છે. વળી, દરેક હિસ્સાની કાર્યક્ષમતા પણ ઘટતી જાય છે. એટલા માટે જ વૃદ્ધ માણસની વિવિધ ઇન્દ્રિયો પર એની અસર જોવા મળે છે. હવે સંશોધકોને પ્રયોગો દરમિયાન સમજાયું કે જે વ્યક્તિ પર્ફોર્મિંગ આર્ટના કોઈક માધ્યમ સાથે જોડાયેલ રહે, એની જ્ઞાનાત્મક ક્ષમતાઓ મોટી ઉંમરે પણ જળવાઈ રહે છે. હેમા માલિની જીવનના આઠમા દાયકામાં પણ પ્રેઝન્ટેબલ લાગે છે અને સ્ટેજ શો પણ કરતાં રહે છે, એનું કારણ એમનું નૃત્ય છે. કળા સાથે જોડાયેલ વ્યક્તિના મસ્તિષ્કના વિવિધ હિસ્સાઓનું એકબીજા સાથેનું બોન્ડિંગ અને કાર્યક્ષમતા લાંબા સમય સુધી જોડાઈ રહે છે.

 સ્વિટ્ઝર્લેન્ડમાં Frontiers નામનું એક ઓનલાઈન જર્નલ પબ્લિશ કરવા માટેનું પ્લેટફોર્મ છે, જ્યાં વિવિધ સંશોધકો પોતાના સંશોધનનાં પરિણામો પબ્લિશ કરે છે. (વધુ માહિતી માટે વિઝિટ કરો https://www.frontiersin.org/journals) અહીં રજૂ થયેલ એક રિપોર્ટમાં સંશોધકો જણાવે છે કે એમણે બે વર્ષ સુધી લોકોના એક સમૂહનાં અવલોકનો લીધાં. વધતી ઉંમર સાથે માનસિક ક્ષમતાઓ ઉપર થતી અસર તપાસવા માટે એકસરખી પરિસ્થિતિમાં જીવન નિર્વાહ કરતી 169 વ્યક્તિઓને પસંદ કરવામાં આવી. આ પૈકી 107 વ્યક્તિઓ એવી હતી જેમને સમયાંતરે કોરસમાં (સમૂહગાન) ગાતા રહેવાનું કહેવાયું. જ્યારે બાકીના નોનસિંગર્સ હતા. કેટલી સામાન્ય બાબત છે આ! આપણે બધાએ ક્યારેક ને ક્યારેક સ્કૂલ, કોલેજ કે પછી અંતાક્ષરીની રમતમાં આવડે એવા રાગડા તાણ્યા જ હશે, પણ જે અસામાન્ય બાબત છે તે એ કે આપણે વધતી ઉંમર સાથે ગંભીર થઇ ગયા અને નોર્મલ રૂટિનમાં રાગડા તાણવાનું બંધ કર્યું. હવે થયું એવું કે પહેલાં એક વર્ષ દરમિયાન ખાસ પરિણામ ન આવ્યું, પણ જે લોકો ગાતા હતા એમની મૌખિક કાર્યક્ષમતામાં (verbal flexibility) થોડો સુધારો જોવા મળ્યો. બીજા વર્ષે આ સુધારો વધારે સ્પષ્ટ બનીને બહાર આવ્યો. બીજી તરફ નોનસિંગર ગ્રૂપના લોકોમાં ઉંમર સાથે વર્બલ ફ્લેક્સિબિલિટી ઘટી હોવાનું જણાયું. તમે માર્ક કરજો, અમુક ઉંમરે પહોંચ્યા બાદ સામાન્ય માણસો બહુ ઝડપથી બોલવા, જોવા, સાંભળવાની શક્તિઓ ગુમાવતા હોય છે.

 આવાં બીજાં અનેક સંશોધનોને આધારે સ્પષ્ટ થયું છે કે કળા, એટલે કે આર્ટ અને પર્ફોર્મિંગ આર્ટ માનવની માનસિક ઉત્ક્રાંતિમાં પાયાનો ભાગ ભજવે છે. થોડા સમય પહેલાં અહીં નોઆહ નામના બાળકની વાત કરેલી, જે માત્ર 2 % મગજ સાથે જન્મ્યો હતો, પરંતુ વિવિધ રમતો અને સંગીતને કારણે એની બ્રેઈન પ્લાસ્ટિસિટીમાં ચમત્કારિક સુધારો નોંધાયેલો. Journal Of Nursing Practiceમાં એપ્રિલ, 2023માં પબ્લિશ થયેલ રિસર્ચ રિઝલ્ટ્સ મુજબ જેના પર સ્ટ્રોકનો એટેક આવી ગયો હોય, એવા દર્દીઓ માટે પણ કળાનું માધ્યમ ઉપકારક સાબિત થાય છે.

સ્ટ્રોકનો એટેક માણસની મોટર સ્કિલ્સ એટલે કે વિવિધ મસલ્સનો ઉપયોગ કરીને જુદાં જુદાં કાર્યો કરવાની માણસની ક્ષમતાનો કચ્ચરઘાણ કાઢી નાખે છે. માણસ મોટાભાગે વ્હીલચેરમાં આવી પડે છે. સંશોધકો કહે છે કે જો આવા દર્દીને પણ ડ્રોઈંગ, પેઈન્ટિંગ જેવી વિઝ્યુઅલ આર્ટ થેરાપી સાથે જોડવામાં આવે તો દર્દીના મનોબળ પર પોઝિટિવ અસર જોવા મળે છે. એટલું જ નહિ પણ એની મોટર સ્કિલ્સમાં પણ સુધારો જોવા મળે છે.

 મોરલ ઇઝ, માણસને અભિવ્યક્ત થવા માટે કળાનું ઉમદા માધ્યમ મળી જાય, તો એની માનસિક અને શારીરિક પરિસ્થિતિમાં ચમત્કારિક રિઝલ્ટ્સ જોવા મળે છે. સાથે જ બીજાં કાર્યો માટેની એની ક્ષમતામાં પણ વધારો થાય છે. એજિંગ પ્રોસેસ, એટલે કે વધતી ઉંમર સાથે શરીરને ખાસ કરીને મગજને લાગતો ઘસારો પણ ખાળી શકાય છે. મુખ્ય વાત એ છે કે આ બધી વાતમાં નવું કશું જ નથી. કદાચ મોટાભાગનું આપણે જાણીએ છીએ, પણ અમલમાં નથી મૂકતા. એટલે જ અહીં વૈજ્ઞાનિક રેફરન્સ સાથે આખી વાત મૂકી છે.