અસાયલમ મેળવવા ઈચ્છનારાઓએ બાર પાનાંનું નિયત કરેલું ફોર્મ આઈ-589, `એપ્લિકેશન ફોર અસાલયમ એન્ડ ફોર વિથહોલ્ડિંગ ઓફ રિમૂવલ' આ કાળી સહીથી અથવા તો ટાઈપ કરીને ભરવાનું રહે છે. 3 જાન્યુઆરી, 2023ના દિવસે નક્કી કરવામાં આવેલું આ ફોર્મ ઈન્ટરનેટ ઉપરથી વિના મૂલ્યે મેળવી શકાય છે. એના પ્રથમ ભાગમાં અસાયલમ માગનારાએ પોતાને લગતી સર્વે વિગતો, જે પચ્ચીસ જુદાં જુદાં ખાનાંઓમાં માગવામાં આવી છે એ જણાવવાની રહે છે. અસાયલમ માગનારાઓ અમેરિકામાં જ રહેતા હોવા જોઈએ.
Part A. Iમાં તમારું સંપૂર્ણ નામ, એલિયન રજિસ્ટ્રેશન નંબર, જો હોય તો તેમજ સોશિયલ સિક્યોરિટી નંબર અને USCISનો ઓનલાઈન એકાઉન્ટ નંબર, આ બે પણ જો હોય તો આપવાના રહે છે. તમે જે નામથી ઓળખાતા હોવ, બધા જ ઓફિશિયલ રેકોર્ડ્સમાં તમારું જે નામ લખાતું હોય એ ઉપરાંત તમારાં બીજાં પણ ઉપનામ હોય, નાનપણમાં તમને કોઈ લાડથી બોલાવતું હોય, મિત્રોએ તમને કોઈ ઉપનામ આપ્યું હોય તો એ પણ તમારે આ ફોર્મના Part A.Iના સાતમા ખાનામાં જણાવવાનું રહે છે. આ ઉપરાંત આ વિભાગ, જેમાં તમારી પર્સનલ ઈન્ફોર્મેશન આપવાની રહે છે એ સર્વે જણાવવી જોઈએ.
Part A. IIમાં તમારી પત્ની યા પતિ અને બાળકો વિશે જાણકારી આપવાની રહે છે. જો તમારાં ચારથી વધુ સંતાનો હોય તો ફોર્મ આઈ-589ની સપ્લિમેન્ટ એ અથવા તો વધારાનું કાગળ જોડીને એમાં જણાવવાની રહે છે. ત્રીજા પાના ઉપર પણ તમારી પત્ની-પતિ અને બાળકો વિશે જે જે સવાલો પૂછવામાં આવ્યા હોય એના જવાબો સાચા અને સંપૂર્ણ આપવાના રહે છે. ચોથા પાના ઉપર Part A. III તમારા બેકગ્રાઉન્ડ વિશે અનેક પ્રકારની માહિતી આપવાની રહે છે. આ મુજબ જ પાંચમા પાના ઉપર પણ માહિતી જણાવવાની રહે છે અને જો જરૂર જણાય તો સપ્લિમેન્ટ બી અથવા તો વધારાના કાગળ જોડીને એમાં માહિતી આપવાની રહે છે. તમે જે અસાયલમની અરજી કરી રહ્યા છો એને લગતી વિગતો પછીના પાના ઉપર આપવાની રહે છે. નવમા પાના ઉપર પૂછેલા સવાલોના જવાબો આપીને સહી કરવાની અને તારીખ લખવાની હોય છે. જો તમારા વતીથી આ ફોર્મ અન્ય કોઈ તૈયાર કરતું હોય, તમારી પત્ની-પતિ, માતા-પિતા કે સંતાનો સિવાયની અન્ય વ્યક્તિ આમાં તમને સહાય કરતી હોય તો તમારે એમની વિગતો જણાવવાની રહે છે. તમે જ્યારે અસાયલમ ઓફિસર આગળ હાજર થશો ત્યારે તમને દસમા પાના ઉપર સહી અને તારીખ તેમજ અન્ય વિગતો આપવાનું કહેવામાં આવશે. 11 અને 12મા પાનાં ઉપર પણ તમારી અસાયલમની માગણી વિશે જાણકારી આપવાની રહે છે.
સામાન્ય સવાલો પૂછતું આ ફોર્મ ભલે સીધું-સાદું અને સરળ જણાતું હોય, પણ એ ભરતાં ખૂબ કાળજી રાખવી જોઈએ. જાણકાર એડ્વોકેટ યા એટર્નીની સલાહ આ ફોર્મ ભરવા માટે મેળવવી ખૂબ જરૂરી છે.
માનવતાના સિદ્ધાંતો ઉપર આધારિત ત્રાસગ્રસ્ત વ્યક્તિઓને એમની મુશ્કેલીઓમાંથી ઉગારવા, એમને થતો રંજાડ દૂર કરવા અને તેઓ શાંતિથી એમનું જીવન જીવી શકે એ માટે અસાયલમની રચના કરવામાં આવી છે. `ટોર્ચર'થી બચવા માટે આ જે અસાયલમ આપવાની ગોઠવણ કરવામાં આવી છે એની જો અમેરિકામાં માગણી કરવામાં આવે તો એ અમેરિકામાં દાખલ થયા બાદ એક વર્ષની અંદર જ કરવાની રહે છે. એ સમય પ્રશ્ચાત જો અસાલયમની માગણી કરવામાં આવે તો માગનારાએ દેખાડી આપવાનું રહે છે તેઓ અમેરિકામાં પ્રવેશ્યા બાદ એક વર્ષ પછી પણ અસાયલમની માગણી એટલા માટે કરી રહ્યા છે કે હાલમાં એમના દેશમાં પરિસ્થિતિ સાનુકૂળ નથી. એમને એમના દેશમાં પાછા ફરતાં ભય લાગે છે. એમના ઉપર જોરજુલમ કરવામાં આવશે, ધર્મના કારણે કે એમના રાજકારણી વિચારોના કારણે કે પછી અન્ય કોઈ કારણસર, કોઈ સંસ્થાના સભ્યો હોવાના લીધે એમના ઉપર અત્યાચાર થશે. આવું એમણે દેખાડવાનું રહેશે.
અસાયલમની અરજી કરનારાઓ એમની સાથે સાથે એમની પત્ની યા પતિ અને એકવીસ વર્ષની નીચેની વયનાં અવિવાહિત સંતાનો માટે પણ અસાયલમની માગણી કરી શકે છે. તેઓ જુદી જુદી પણ આ માગણી કરી શકે છે. અસાયલમ મળતાં આવા પરદેશીઓને અમેરિકામાં રહેવાની તેમજ કામ કરવાની છૂટ આપવામાં આવે છે. ત્યારબાદ એમને ગ્રીનકાર્ડ મળી શકે છે અને ગ્રીનકાર્ડ મળ્યા બાદ અમુક સમય પછી અમેરિકન નાગરિક બનવાની અરજી પણ તેઓ કરી શકે છે.
અસાયલમ મેળવવા માટે અરજદાર યોગ્ય પાત્ર છે એવું પુરવાર કરવું જરૂરી છે. એ એક `રેફ્યૂજી' છે અને એના પોતાના દેશમાં પાછો જવા ઈચ્છતો નથી યા તો જઈ શકે એમ નથી. એમના ઉપર એમના દેશમાં જોરજુલમ તેમજ અત્યાચાર કરવામાં આવી રહ્યો છે યા તો થશે એવી શક્યતા છે. એમની આ ભીતિ, જે એમની જાતિ, ધર્મ, નેશનાલિટી, કોઈ ખાસ સોશિયલ ગ્રૂપની સભ્યતા કે એમના રાજકીય વિચારોના કારણોસર છે. અસાયલમ માગનારાઓએ એવું દેખાડી આપવાની જરૂરિયાત રહે છે.
માનવતા ખાતર ખાસ ઘડવામાં આવેલ અસાયલમના ઉપાયને અનેક લોકો અમેરિકામાં કાયમ રહેવા માટે ખોટો ઉપયોગ કરે છે. વર્ષ 2024માં ભારતમાંથી જ પચાસ હજારથી વધુ ભારતીયોએ અમેરિકાની સરહદ ઉપર પહોંચીને અમેરિકામાં પ્રવેશીને પછી અસાયલમની માગણી કરી હતી. અમુક અપવાદોને બાદ કરતાં એ સર્વેની માગણીઓ ગેરવાજબી અને હળાહળ જુઠ્ઠી હતી. આમ છતાં હજુ આજે પણ સેંકડો ભારતીયો અસાયલમ મેળવવા માટે ખોટાં ખોટાં બહાનાં કાઢી, જુઠ્ઠાં કારણો દર્શાવી, ભારતની સરકાર સામે હડહડતું જૂઠું બોલીને, ખોટા ખોટા આક્ષેપો કરીને, એમને બદનામ કરીને પોતાના નીજી સ્વાર્થ માટે અસાયલમની અરજીઓ કરે છે.
તમારે જો અમેરિકા જવું હોય, ત્યાં કાયમ રહેવું હોય તો ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી, ફેમિલી સ્પોન્સર્ડ તેમજ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ કેટેગરીઓ, વિઝા લોટરી, લશ્કરમાં ભરતી આ સર્વે હેઠળ અમેરિકાનું ગ્રીનકાર્ડ પ્રાપ્ત કરી શકો છો. હવેથી તો ઈબી-5 પ્રોગ્રામ હેઠળ રોકાણ કરીને પણ અમેરિકામાં કાયમ રહેવા માટે ગ્રીનકાર્ડ મેળવી શકો છો. આ સર્વે કાયદા દ્વારા પ્રાપ્ત થતાં અમેરિકામાં કાયમ રહેવાના રસ્તાઓ છોડીને અસાયલમની ખોટી અરજી ન કરો. અમેરિકાની સરકાર તમારી ખોટી અરજીથી છેતરાશે નહીં અને એ મંજૂર તો કરશે જ નહીં, પણ એ મેળવવા માટે તમને જે ત્રાસ પડશે એ અસહ્ય હશે અને અમેરિકન એટર્નીઓને તેમજ ભારતના એજન્ટોને આપવી પડતી ફી પણ ખૂબ જ મોટી હશે.