`સર, મારે અમેરિકામાં કામ કરવું છે. બે-ચાર વર્ષ ત્યાં કામ કરીને પુષ્કળ પૈસા ભેગા કરીને હું પાછો ઈન્ડિયા આવી જઈશ. જો ચાન્સ મળે તો ત્યાંનું લીલું લીલું કાર્ડ જેને તમે લોકો ગ્રીનકાર્ડ કહો છો એ મેળવીને ત્યાં કાયમ પણ રહી જઈશ. એ માટે અમેરિકામાં પ્રવેશવા માટે બી-1/બી-2 વિઝાની જરૂર છે. મેં સાંભળ્યું છે કે તમે બી-1/બી-2 વિઝા કેમ મેળવાય એના વિશે કાયદાકીય જાણકારી આપો છો. તો સુધીર સર, હું તમારી પાસેથી એ જાણકારી મેળવવા ક્યારે આવી શકું?'

મહેસાણાના 25-26 વર્ષની વયના નોન ગ્રેજ્યુએટ મયંકકુમાર મધુસૂદન પટેલે મને લાંબી પ્રસ્તાવના પછી પ્રશ્ન કર્યો. `પણ બી-1/બી-2 વિઝા ઉપર તમને વધુમાં વધુ છ મહિનાનો જ રહેવાનો સમય આપવામાં આવશે. જરૂર પડે તો યોગ્ય કારણો આપીને અરજી કરતાં એ બીજા છ મહિના લંબાવી શકાશે, પણ તમે બી-1/બી-2 વિઝા ઉપર અમેરિકામાં કામ નહીં કરી શકો અને બે-ત્રણ વર્ષ રહી પણ નહીં શકો.' આ કટારના લેખકે મયંકકુમારને અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં બી-1/બી-2 વિઝા વિશે જે સમય રહી શકાય એમ હતો એ જણાવ્યો.

`અરે સાહેબ! એ લોકો મને જેટલો સમય આપે એટલો બસ છે. આ બંદા તો અમેરિકામાં દાખલ થશે કે એના સાળાની ન્યૂજર્સીમાં આવેલી મોટેલમાં કામ કરવા લાગી જશે અને એક વર્ષ પૂરું થાય એ પહેલાં અસાયલમની અરજી કરી દેશે. જો ઈમિગ્રેશન ઓફિસર એ નકારશે તો ઈમિગ્રેશન જજ આગળ જઈશ અને જો તેઓ પણ નકારશે તો પછી વિધો લ્ડિંગ ઓફ રિમૂવલની અરજી કરીશ. આમ, ચપટી વગાડતામાં બે-પાંચ વર્ષ તો કાઢી જ નાખીશ. સાહેબ, હું તૈયારી એવી કરીને જઈશ કે મને એ લોકો જરૂરથી અસાયલમ આપશે. અરે! અમારા મહેસાણાના કેટલાયે લોકો અહીં ટ્રેનિંગ લઈને આવી જ રીતે અમેરિકા ગયા છે. એમણે આવી જ રીતે એ ઈમિગ્રન્ટોના દેશમાં અસાયલમની માગણી કરીને આશરો મેળવ્યો છે.

`શું વાત કરો છો મયંકકુમાર? આવી ટ્રેનિંગ કોણ આપે છે?'

`લો સાહેબ, તમે ઈમિગ્રેશનના કાયદાના નિષ્ણાત છો. વર્ષોથી આ વિષય ઉપર જુદાં જુદાં છાપાંઓમાં લખો છો. લોકોને લેક્ચરો આપો છો. કન્સલ્ટેશન કરો છો અને તમને ખબર નથી? અહીં અમારા શહેરોમાં તો અસાયલમની ટ્રેનિંગ આપતા એજન્ટો છે. તેઓ થોડા હજારો રૂપિયા લઈને `અમેરિકામાં અસાયલમ કેમ માગવું?' એની ટ્રેનિંગ આપે છે અને પછી તેઓ ત્યાં જઈને અસાયલમ મેળવે પણ છે. તમને આ વાતની ખબર નથી?'

દર વર્ષે અમેરિકાની બોર્ડર ઉપર અથવા તો અમેરિકાની અંદર જ પ્રવેશી ચૂકેલા હજારો પરદેશીઓ અસાયલમની માગણી કરે છે. જે લોકોને અમેરિકાની સરકાર અસાયલમ આપે છે તે લોકો ત્યાં કાયમ રહી શકે છે અને પછી અમેરિકાના સિટીઝન પણ બની શકે છે. જેમને અસાયલમ આપવામાં આવ્યું હોય છે, તેઓ એમની પત્ની યા પતિ અને એકવીસ વર્ષથી નીચેની વયનાં અવિવાહિત સંતાનોને પણ એમની સાથે અમેરિકામાં રહેવા માટે આમંત્રી શકે છે. છેલ્લાં થોડાં વર્ષોથી અસાયલમ માગનારા ભારતીયોની સંખ્યામાં પુષ્કળ વધારો થયો છે.

વર્ષ 2018માં લગભગ 9,000 ભારતીયોઓએ અમેરિકમાં અસાયલમની માગણી કરી હતી. આ સંખ્યામાં ત્યારબાદ પાંચ વર્ષમાં લગભગ 466 ટકાનો વધારો થયો હતો અને વર્ષ 2023માં 51,000 ભારતીયોએ અમેરિકામાં અસાયલમની માગણી કરી હતી. ગુજરાતનાં અમુક શહેરોમાં તો અસાયલમ કેવી રીતે માગી શકાય? એ માટે શું શું દેખાડવું જોઈએ? શું શું કરવું જોઈએ? કોનાં કોનાં સોગંદનામાં રજૂ કરવાં જોઈએ? કેવા દાખલા આપવા જોઈએ? કેવા ફોટાઓ દેખાડવા જોઈએ? અખબારોના કેવા કેવા રિપોર્ટો રજૂ કરવા જોઈએ? આ બધું શીખવાડતા ક્લાસીસો ચાલે છે. અસાયલમ મેળવવા માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. માનવતાના સિદ્ધાંતો ખાતર જેની રચના કરવામાં આવી છે એ આશરો આપવાની રીત એટલે કે અસાયલમનો મોટાભાગે પરદેશીઓ, એમાં પણ આપણા ભારતીયો પુષ્કળ ગેરલાભ લેવા ઈચ્છે છે. એમને એવું કરવા માટે સપોર્ટ આપવા આપણા દેશનાં અમુક શહેરોમાં `અસાયલમ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂશનો' ચાલે છે. એમાં એમના વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે કે એમણે કઈ રીતે અમેરિકામાં પ્રવેશવું? ત્યાં પ્રવેશ્યા બાદ શું કરવું? અમેરિકામાં પણ એવા ખાસ એટર્નીઓ છે જેઓ પરદેશીઓને, તેઓ ખરા હોય કે ખોટા, અસાયલમ અપાવવામાં સહાય કરે છે.

જે કોઈ પણ વ્યક્તિ ઉપર એમના દેશમાં જાતિ, ધર્મ, નેશનાલિટી, કોઈ ખાસ સોશિયલ ગ્રૂપની મેમ્બરશિપ કે એમના રાજકારણને લગતા વિચારોના કારણે જોરજુલમ થતો હોય, ત્રાસ વર્તાવવામાં આવતો હોય, એમના જાનમાલને હાનિ પહોંચે એમ હોય તો એ વ્યક્તિ અમેરિકામાં જઈને ત્યાં આશરો મેળવવાની એટલે કે અસાયલમ મેળવવાની અરજી કરી શકે છે. અસાયલમ આપવું કે નહીં, અસાયલમ માગનાર વ્યક્તિનાં જે કારણો છે એ સાચાં છે કે ખોટાં? એનો નિર્ણય ઈમિગ્રેશન ઓફિસરો કરે છે. જો એમને એમ લાગે કે આશરો માગનાર વ્યક્તિ ઉપર ખરેખર એના દેશમાં જુલ્મ કરવામાં આવે છે યા તો જુલ્મ થાય એવી પરિસ્થિતિનું ત્યાં નિર્માણ થયું છે તો તેઓ એવી વ્યક્તિને અમેરિકામાં આશરો આપે છે. અસાયલમ આપે છે. એ વ્યક્તિ ત્યારબાદ જો એના કુટુંબીજનો એટલે કે પત્ની યા પતિ અને એકવીસ વર્ષથી નીચેની વયનાં સંતાનો એમની સાથે અમેરિકામાં ન હોય તો એમને પોતાના દેશમાંથી અમેરિકામાં બોલાવી શકે છે. એમને પણ અસાયલમ આપવામાં આવે છે ત્યારબાદ તેઓ અમેરિકામાં કાયમ રહી શકે છે, કામ કરી શકે છે, એમનાં સંતાનો ભણી શકે છે, ગ્રીનકાર્ડ પ્રાપ્ત કરી શકે છે અને પછી અમેરિકન સિટીઝન પણ બની શકે છે.