આએક અત્યંત કષ્ટદાયક અને હાથ-પગની આંગળીઓમાં વિકૃતિ ઉત્પન્ન કરનાર રોગ છે. મેડિકલ સાયન્સમાં તેને `રૂમેટોઇડ આર્થ્રાઈટિસ' નામથી ઓળખવામાં આવે છે અને આયુર્વેદમાં તેને `આમવાત' કહે છે. કોઈ પણ ઉંમરમાં થઇ શકતો આ રોગ બાળકોમાં, સ્ત્રીઓમાં અને ઢળતી ઉંમરમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. વળી, પુરુષો કરતાં સ્ત્રીઓમાં તે વધારે થાય છે.

લક્ષણો

આ રોગનાં લક્ષણોમાં શરૂઆતમાં હાથના કે પગના પંજા, આંગળીઓ અને ઘૂંટી જેવા શરીરનાં નાનાં અંગોમાં સોજા સાથે દુખાવો થાય છે. સાથે સાથે ઘણી વખત કમરમાં પણ દુખાવો થતો જોવા મળે છે. સામાન્ય ઉપચારથી કે ફેમિલી ડોક્ટરની દવાથી થોડો સમય રાહત થયા પછી થોડા સમયમાં ફરી વખત દુખાવા અને સોજાની શરૂઆત થાય છે. ઘણી વખત તેની સાથે તાવ ચડતો પણ જોવા મળે છે. આ વિકૃતિની તીવ્ર અવસ્થામાં તો રોગીની હાલત દયાજનક બની જાય છે.

કારણો

આધુનિક મતે બેક્ટેરિયલ ઇન્ફેક્શન સંબંધી સહિષ્ણુતાના પરિણામ સ્વરૂપે આ રોગ થઈ શકે છે. કેટલાક લોકોમાં વારસાગત કારણો પણ જોવા મળે છે. આ રોગને ઉત્પન્ન કરનાર અન્ય કારણોમાં માનસિક આઘાત, અકસ્માત, અયોગ્ય આહાર જીવવાની અયોગ્ય પદ્ધતિ, જીવનની વિષમ પરિસ્થિતિ વગેરેને પણ ગણાવી શકાય.

ઉપચાર

આપણે જોયું કે આયુર્વેદમાં આ રોગને `આમવાત' કહેવામાં આવે છે. `આમ' એટલે કાચો રસ અને `વાત' એટલે વાયુ. આયુર્વેદનો એવો સ્પષ્ટ મત છે કે, વાયુ વગર દુખાવો થાય નહીં. એટલે આ રોગને જીતવા માટે આમ અને વાયુને દૃષ્ટિ સમક્ષ રાખવા પડે છે. આમને જીતવા માટે ત્રણ-ચાર યુક્તિપૂર્વકના ઉપવાસ પછી વાતશામક ઉપચાર કરવામાં આવે તો આમવાત અવશ્ય મટાડી શકાય છે.

આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં આ રોગને `અસાધ્ય' કહેવાયો નથી, પરંતુ `કષ્ટ સાધ્ય' એટલે કે રોગી અને વૈદ્યના ઘણા પ્રયત્નો પછી મટે એવો રોગ ગણાવાયો છે.

અહીં નીચે જણાવ્યા પ્રમાણે છથી આઠ અઠવાડિયાં યોગ્ય પરેજી સાથે ઉપચાર કરવામાં આવે તો આમવાતમાં અવશ્ય લાભ થાય છે.

માત્ર મગના પાણી ઉપર રહીને બેથી ત્રણ દિવસ ઉપવાસ કરવા. વૃદ્ધાવસ્થામાં અને કમજોર દર્દીએ ચિકિત્સકની દેખરેખ નીચે જ ઉપવાસ કરવા. આ પ્રમાણેના ઉપવાસથી આમનું પાચન થઈને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.

દર ચોથા દિવસે મળત્યાગ કર્યા પછી એક કપ એરંડિયા તેલથી `માત્રા બસ્તી' (એનિમા) લેવી.

15 દિવસ ખાવામાં મીઠું-નમક સાવ બંધ. પછી થોડી માત્રામાં સિંધવ લઈ શકાય.

પચવામાં ભારે, મધુર, ખાટા, ખારા, લુખા અને વિરુદ્ધ આહારદ્રવ્યો લેવાં નહીં.

દહીં, છાશ, કઢી વગેરે દહીંની બનાવટો અને ખાટાં ફળોનો આહારમાં ઉપયોગ કરવો નહીં.

જો સાંધાઓમાં સોજો વધારે હોય તો દશાંગ લેપ કરવો.

અડધી ચમચી મેથીનો ભુક્કો સવારે અને રાત્રે લેવો.

સિંહનાદ ગૂગળની એક- એક ગોળી ભુક્કો કરીને દિવસમાં ત્રણ વખત લેવી.

મહારાસ્નાદિ ક્વાથ અડધા કપની માત્રામાં સવારે, બપોરે ને રાત્રે પીવો.