દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા મિથુન ચક્રવર્તીને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે એવી કઈ એક ફિલ્મ છે જે મિથુન ચક્રવર્તીને મિથુન ચક્રવર્તી બનાવે છે? અને તેણે તરત જવાબ આપ્યો હતો `ડિસ્કો ડાન્સર' કારણ કે તે મારા માટે એક પડકારરૂપ હતી અને મેં હિંમતથી તે કરી હતી. ભારતમાં ત્યારે અન્ય કોઈ અભિનેતાએ ડિસ્કો મૂવીમાં હાથ અજમાવવાની હિંમત કરી ન હતી. તે વખતે મારી મજાક પણ ઉડાવવામાં આવી હતી, પરંતુ હું જાણતો હતો કે મારે આ ફિલ્મ કોઇ પણ હિસાબે કરવી છે અને (નિર્દેશક) બબ્બર સુભાષને પણ મેં એવું જ કહ્યું હતું. મને લાગે છે તે સાહસિક કદમ હતું અને એટલે જ તે ફિલ્મ અમર થઇ ગઈ છે. ભારતમાં દરેક ડિસ્કોમાં અને દરેક ડિસ્કો સ્ટેપમાં મિથુન રહેશે.

આ વાતમાં અતિશયોક્તિ નથી. 1982માં આવેલી બી. સુભાષની `ડિસ્કો ડાન્સર' ફિલ્મ મિથુનની કારકિર્દીમાં જ નહીં, હિન્દી સિનેમામાં પણ એક સીમાચિહ્ન છે. આ ફિલ્મે મિથુનને રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો. તે માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ પ્રખ્યાત છે. આજે તો ઘણી ફિલ્મો સો, બસો, ત્રણસો કે ચારસો કરોડની કમાણી કરે છે, પરંતુ `ડિસ્કો ડાન્સર' બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનારી પ્રથમ ફિલ્મ હતી.

ફિલ્મની સફળતાનું પ્રમુખ કારણ બપ્પી લહેરીનું થિરકતું સંગીત હતું. તેના ટાઈટલ પરથી સ્પષ્ટ હતું તેમ `ડિસ્કો ડાન્સર' એક મ્યુઝિકલ ફિલ્મ હતી. તેણે મિથુનને મ્યુઝિકલ સ્ટાર નહીં, ડાન્સિંગ સુપરસ્ટાર બનાવી દીધો હતો. આજે તો કદાચ કોઈ ફિલ્મનિર્માતા ખાલી ડાન્સ પર ફિલ્મ બનાવવાનું જોખમ ન લે, પણ તે વખતે બબ્બર સુભાષે એ સાહસ કર્યું હતું.

બી. સુભાષે 1970ના દાયકાના અંતમાં બોલિવૂડમાં પોતાની સફરની શરૂઆત કરી હતી. તેમનું પ્રથમ નિર્દેશન 1978માં પ્રદર્શિત થયેલી `અપના ખૂન' ફિલ્મ હતી, જેમાં શશી કપૂર, અશોક કુમાર અને હેમા માલિનીએ અભિનય કર્યો હતો. ત્યારબાદ કેટલીક હળવી સફળતાઓ મળી, પરંતુ 1982ની `ડિસ્કો ડાન્સરે' સુભાષને એક સ્થાપિત ફિલ્મનિર્માતા બનાવ્યા હતા.

બદનસીબે એ પછી તેઓ એવી સફળતા રિપીટ ન કરી શક્યા. તેમણે મિથુન સાથે ફિલ્મો બનાવવાનું ચાલુ રાખ્યું હતું ,પરંતુ મિથુન દિવસે દિવસે મોટો સ્ટાર બનતો ગયો (એક સમયે તેને ગરીબ નિર્માતાઓનો અમિતાભ બચ્ચન કહેવાતો હતો) અને સુભાષ એક પછી એક નિષ્ફળતામાં પટકાતા ગયા. ત્યાં સુધી કે થોડા વર્ષો પહેલાં તેમની પત્નીની સારવાર માટે તેમને ઓળખીતા પારખીતા પર આધાર રાખવો પડ્યો હતો.

એમ તો મિથુનની હાલત ત્યારે સારી નહોતી. બંગાળના નિમ્નવર્ગીય પરિવારમાં ગૌરાંગ ચક્રવર્તી તરીકે જન્મેલા મિથુને સામાજિક, પારિવારિક પરિસ્થિતિવશ નકસલ અંદોલનમાં ઝુકાવ્યું હતું. ત્યાંથી તે ભાગીને મુંબઈ આવ્યો હતો. જોકે, ફિલ્મોના શરૂઆતના દિવસો પણ આસાન ન હતા.

તેને કમ મળતું નહોતું. કોઈ તેને `ખોરાકની શોધમાં શહેરમાં આવેલો આદિવાસી' કહેતું હતું. કોઈ તેને `દુનિયાનો પહેલો જાંબુડિયા રંગનો હીરો' કહેતું હતું અને અમુક લોકો એટલા ક્રૂર હતા કે મિથુનને ફિલ્મ સ્ટુડિઓની ગંદી કેન્ટિનોમાં વેઈટરની નોકરી ઓફર કરતા હતા. એ વખતે મિથુનના મનોબળને એટલો આઘાત લાગેલો કે એને થતું કે પાછો કલકત્તા નાસી જાય, પણ એ શક્ય ન હતું, કારણ કે એના પર કટ્ટર નકસલવાદી હોવાનો સિક્કો વાગેલો હતો અને પોલીસ એને શોધી રહી હતી.

મિથુન મુંબઈના ખાર-બાંદ્રા વિસ્તારમાં જુદા જુદા પરિવારોમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. એ ત્યાંની ખ્રિસ્તી આન્ટીમાં લોકપ્રિય હતો, કારણ કે એ બહુ સારો ડાન્સર હતો અને જોક્સ કહેતાં બહુ આવડતું હતું.

ત્રણેક વર્ષ સુધી નાની-મોટી ફિલ્મો કર્યા પછી 1979માં તેની પહેલી સફળ ફિલ્મ `સુરક્ષા' આવી હતી. તેમાં તેણે તેની ડાન્સ કળાનો જલવો બતાવ્યો હતો. બી. સુભાષનું ધ્યાન એટલે જ મિથુન પર પડ્યું હતું. તેને `ડિસ્કો ડાન્સર' કેવી રીતે મળી તેની વાત કરતાં તે એક ઇન્ટરવ્યૂમાં કહે છે,

હું બબ્બર સા'બ સાથે 1982માં આવેલી `તકદીર કા બાદશાહ'નું શૂટિંગ કરી રહ્યો હતો (આ ફિલ્મ પણ બપ્પી લહેરીના સંગીત અને મિથુનના ડાન્સ માટે જાણીતી છે). હું એકવાર વર્લીમાં સ્ટુડિયોની બહાર શોટ વચ્ચે બેઠો હતો, ત્યાં સુભાષ મારી પાસે આવ્યા અને કહ્યું કે તે એક મ્યુઝિકલ ફિલ્મ બનાવવા માંગે છે. મેં કોઈ રસ લીધા વગર કહ્યું, `સારું કહેવાય.' પછી તેમણે કહ્યું કે તારી સાથે આ ફિલ્મ કરવી છે. મેં કહ્યું, `સુભાષજી, હું સ્ટાર પણ નથી. તમે તે કેવી રીતે કરશો?' તેમણે કહ્યું, `હું તને જોઇને નહીં, હું તારા પગ જોઇને આ ફિલ્મ બનાવવા માંગું છું. તારા પગમાં જાદુ છે. હું એના પર પૈસા લગાવી રહ્યો છું.'

સુભાષના નજીકના લોકોએ તેમને ચેતવ્યા હતા કે મિથુન એક સામાન્ય એક્ટર છે, તેને લઈને આટલી મોટી ફિલ્મ ન બનાવશો, પરંતુ સુભાષને વિશ્વાસ હતો કે તે જે પ્રકારની ફિલ્મ બનાવવા માંગે છે તેને મિથુન જ ન્યાય આપી શકશે. ફિલ્મ એક એવા નાયક વિશેની હતી કે જે મુંબઈની શેરીઓમાં સંગીત-ડાન્સ વડે જીવનનિર્વાહ કરે છે અને તે એક મોટો સંગીતકાર બનવાનું સપનું જુએ છે.

મિથુનને એટલો વિશ્વાસ નહોતો. શૂટિંગ પહેલાં મિથુને તેના મિત્રોને ફિલ્મના પ્રખ્યાત ગીત `યાદ આ રહા હૈ તેરા પ્યાર'ના ડાન્સ સ્ટેપનું રિહર્સલ શૂટ કરવાનું કહ્યું હતું અને પછી તે સુભાષને બતાવ્યું હતું. તે જોઇને સુભાષે કહ્યું હતું, `તું આમાં હવે એક ઇંચનો પણ ફેરફાર ન કરતો. આમાં જેવો ડાન્સ કર્યો છે તેવો જ ડાન્સ શૂટિંગમાં કરજે. મારે આ જ જોઈએ છે.'

ફિલ્મમાં 7 ગીતો હતાં, આઈ એમ અ ડિસ્કો ડાન્સર, જિમ્મી જિમ્મી આજા આજા, કોઈ યહાં નાચે નાચે, યે ઓહ હા જરા મુડકે, યાદ આ રહા હૈ, ક્રિશ્ના ધરતી પે આ જા, ગોરોં કી ના કાલોં કી (આ છેલ્લા ગીતનું એક સેડ વર્ઝન પણ છે એટલે કુલ ગીત આઠ થાય છે).

આ ફિલ્મ એવા સમયે આવી હતી જ્યારે હિન્દી ફિલ્મોમાં અમિતાભના એન્ગ્રી યંગ મેનનો રુતબો હતો. આ એન્ગ્રી મેન સમાજની સિસ્ટમ સામે લડતો હતો. `ડિસ્કો ડાન્સર'નો હીરો પણ સમાજ સામે ગુસ્સાતુર હતો, પરંતુ તે હિંસાનો આશરો લઈને વિલન સામે લડવાને બદલે ડિસ્કો ડાન્સિંગ કરીને બદલો લે છે.

સંગીતકાર બપ્પી લહેરી કહે છે કે, ફિલ્મની સફળતાનું રહસ્ય તેની ક્લાઈમેક્સ સિક્વન્સ છે. તેમાં ડાન્સ સ્પર્ધા છે. રીટા (કિમ) ત્યાં આવે છે અને `જિમ્મી જિમ્મી' ગાય છે. ત્યારે પણ જિમ્મી ગાતો નથી. તે પછી માસ્ટર રાજુ (રાજેશ ખન્ના) આવે છે અને `ગા બેટા ગા' કહીને `ગોરોં કી ના કાલોં કી' ગાય છે. તે જિમ્મી સામે ગિટાર ફેંકે છે. તે પછી મિથુન ગાવાનું ચાલુ કરે છે, `યાદ આ રહા હૈ.' `બપ્પી'દા કહે છે, `લોકો આજકાલ ફિલ્મમાં એક ગીત પણ સાંભળતા નથી અને અહીં તો ગીતોની સ્પર્ધા હતી.'