આજે આધુનિકતાની દોડમાં વિશ્વભરમાં જંગલોનું નિકંદન કાઢી નાખવામાં આવે છે. આ વૃક્ષોનું નિકંદન થતાં વૃક્ષો પર રહેતાં પંખીઓની સ્થિતિ દયનીય થઇ જાય છે, પરંતુ અસામમાં આવેલા મોરી ગામના જિલ્લાના જોરગામે જે ખેલદિલી વ્યક્ત કરી છે તે સાચે જ કાબિલે તારીફ છે. નોંધનીય છે કે મોરી ગામ વાંસના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. તમને જાણીને નવાઇ લાગશે કે આ ગામના લોકોએ છેલ્લા બે દશકાથી વાંસ કાપ્યા જ નથી, કારણ કે આ વાંસનાં જંગલોમાં 70 હજારથી પણ વધુ પંખીઓ વસવાટ કરે છે. ગામના લોકોનું સ્પષ્ટ માનવું છે કે જો આ વાંસ કાપવામાં આવ્યા તો તેનો લાભ ભલે અમને મળશે, પણ હાનિ આ તમામ પંખીઓને થશે, તેથી અમે આ વાંસ કાપવાનું ક્યારેય વિચારતા નથી. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે છેલ્લાં વીસેક વર્ષથી અહીં બગલા ઉપરાંત અન્ય પંખીઓ પોતાના માળા બનાવે છે. અલબત્ત, હવે તો વિદેશી પંખીઓ પણ અહીં પોતાના માળા બનાવે છે. ગામના લોકો પંખીઓનો શિકાર પણ કરવા દેતા નથી અને ત્યાં પસાર થતાં વાહનો હોર્ન પણ મારતાં નથી. ઉલ્લેખનીય છે કે, વાંસનું આ જંગલ 25 હેક્ટરમાં ફેલાયેલું છે.
પૈસાદાર બનવું છે તો બેંકની માટી ખરીદો!
આજે સૌ કોઇને વગર મહેનતે સૌથી વધુ પૈસાદાર બનવું હોય છે. મોટાભાગના લોકો શોર્ટકટથી અમીર બનવાની તૈયારી દર્શાવતા હોય છે. જે માટે તેઓ કેટલાય દાવપેચ ઉપરાંત ટોટકા કરતા હોય છે. જોકે, ચીનમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે જાણીને તમે કહેશો કે, આવું તે કંઇ હોતું હશે! ચીનમાં કેટલાક લોકો વેબસાઇટ પર બેંકમાં વાવેલા છોડ-પાનનાં કૂંડાં-ક્યારીની માટી ચોરીને લાવે છે અને તેને વેચી રહ્યા છે. ગજબની વાત એ છે કે, તે માટી ચીનના લોકો ખરીદી પણ રહ્યા છે. આ માટીની એક પોટલીની કિંમત 10 હજાર રૂપિયા છે. વેબસાઇટ પર માટી વેચતા વિક્રેતાઓનો દાવો છે કે, આ માટી ખરીદતા તમે ખૂબ જ ટૂંકા ગાળામાં અમીર બની જાઓ છો અને અધધ નાણાં પણ કમાઓ છો. આ વિક્રેતાઓમાં કેટલાક લોકોએ બેંક ઓફ ચાઇના, ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કમર્શિયલ બેંક ઓફ ચાઇના, એગ્રિકલ્ચર બેંક ઓફ ચાઇના, ચાઇના કન્સ્ટ્રક્શન બેંક અને બેંક ઓફ કમ્યુનિકેશન્સની માટી વેચી રહ્યાનો દાવો કરી રહ્યા છે. વિક્રેતાઓનું એમ પણ કહેવું છે કે, આ માટી અમે રાત્રે ચોરીએ છીએ અને તેનાથી નકારાત્મકતા પણ દૂર થાય છે. ટૂંકમાં, વેચનારા રસ્તાની ધૂળ વેચીને પણ પૈસા રળી લે છે!
108 વર્ષની હેર સ્ટાઇલિસ્ટ જોઇ છે ખરી?
કહેવત છે કે, `એજ જસ્ટ નંબર.' એવા ઘણા લોકો છે જે ઢળતી ઉંમરે રમતગમતમાં કે અન્ય ક્ષેત્રે નામના મેળવી પોતાની ઉંમરને હંફાવે છે. 10 નવેમ્બર, 1916માં જાપાનમાં આવેલા નાકાગાવામાં જન્મેલાં હાકોઈશીએ 14 વર્ષની વયે ટોક્યોમાં હેર સ્ટાઇલિસ્ટની ટ્રેનિંગ લીધી હતી અને 20 વર્ષની વયે પહોંચ્યાં પહેલાં જ હેર સ્ટાઇલિસ્ટનું લાયસન્સ મેળવી લીધું હતું. લગ્ન બાદ તેમણે પોતાના પતિની સાથે એક સલૂન ખોલ્યું હતું. જોકે, સંજોગોવશાત્ વિશ્વયુદ્ધ ચાલુ થતાં તેમનું સલૂન બરબાદ થઇ ગયું હતું. આ દરમિયાન તેમના પતિ જાપાની સેનામાં જોડાઇ ગયા અને તેઓ યુદ્ધથી પાછા ફર્યા જ નહીં! છેક 1953 સુધી તેમને તેમના પતિ મૃત્યુ પામ્યા છે તેવી ઓફિસિયલી જાહેરાત પણ મળી ન હતી. અંતે બંને દીકરાનો ઉછેર કરવા ગામડામાં સલૂન ખોલ્યું અને હજી સુધી તેઓ 108 વર્ષની વયે અવિરત સલૂનમાં હેર સ્ટાઇલિસ્ટ તરીકે સક્રિય છે. જોકે, આ ઉંમરે તેમના ઘૂંટણ જવાબ આપે છે, તેથી જૂના ગ્રાહકોને જ તેઓ સર્વિસ આપે છે. હોકોઇશીના નામે 108 વર્ષની હેર સ્ટાઇલિસ્ટ તરીકેનો ગિનીસ રેકોર્ડ પણ નોંધાયેલો છે!