અમેરિકા શ્રીમંત દેશ છે. ટેક્નોલોજીની દૃષ્ટિએ પણ તે અગ્રેસર છે. વિકાસના પ્રતીકરૂપે અમેરિકાને જોવાય છે, ત્યારે તેનું એક ગામ આધુનિક પ્રચાર-પ્રસાર માધ્યમથી વંચિત હોય એ માની શકાય ખરું? અમેરિકામાં તો માથાદીઠ આવક પણ સૌથી વધુ હોવાના કારણે કોઈ ગામ રેડિયો, ટીવી કે મોબાઈલ વિનાનું હોય એ માની શકાય નહીં, પણ વર્જિનિયામાં આવેલા ગ્રીન બેન્ક નામના શહેરમાં રેડિયો, ટીવી અને મોબાઈલ જ નહીં માઈક્રોવેવ્ઝનો ઉપયોગ કરતા કોઈ પણ ઉપકરણોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે!

અમેરિકા વિકસિત દેશ છે. એ સંજોગોમાં અમેરિકામાં રેડિયો, ટીવી કે મોબાઈલની સુવિધા ન હોય એવું કોઈ નગર હોય એ માની શકાય જ નહીં. રેડિયોનો યુગ તો સૂર્યાસ્ત ભણી છે, તો ટીવી ભણી પણ આકર્ષણ ધીરે ધીરે ઘટવા માંડ્યું છે, તો મોબાઈલ ફોનનો આ યુગ છે. મોબાઈલ ફોન ફક્ત વાતચીત માટે જ નહીં, ઈન્ટરનેટ, રેડિયો કે ટીવી જેવી તમામ સુવિધા પણ સ્માર્ટફોનમાં મળી રહેતી હોય, ત્યારે મોબાઈલ ફોન દરેક પાસે જોવા મળે છે. નવી પેઢીમાં તો મોબાઈલ ફોનનું વળગણ એક વ્યસન જેવું થઈ પડ્યું છે. એ સંજોગોમાં ફિનલેન્ડ જેવા યુરોપિયન દેશોમાં તો હવે નવી પેઢીને મોબાઈલના વળગણથી દૂર રાખવા માટે શાળા- કોલેજોમાં મોબાઈલ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. વાસ્તવમાં ડિજિટલ શિક્ષણથી અંતર રાખવાનું શરૂ કર્યું છે, પરંતુ ગ્રીન બેન્કમાં એવા કોઈ જ કારણ નથી કે રેડિયો, ટીવી અને મોબાઈલનો ઉપયોગ થતો નથી! એટલું જ નહીં બાળકો રિમોટ કંટ્રોલ્ડ રમકડાંથી રમી પણ શકતાં નથી. ઘરમાં માઈક્રોવેવ ઓવનનો પણ ઉપયોગ થતો નથી. એવા તો બીજાં અનેક ઉપકરણોના ઉપયોગ ઉપર પ્રતિબંધ છે.

આજે દુનિયામાં અતિ ગરીબ પરિવારોને બાદ કરીએ તો લગભગ બધા જ પરિવાર પાસે મોબાઈલ ફોનની સુવિધા તો હોય જ છે. ઘરે ટીવી પણ મનોરંજન માટેનું અનિવાર્ય સાધન બની ગયું છે. એ ઉપરાંત ડિજિટલ ક્રાંતિને કારણે આઈપેડ કે માઇક્રોવેવ ઓવન જેવાં અનેક ઉપકરણો ઘરમાં અનિવાર્ય થઈ ગયાં છે, ત્યારે અમેરિકાનું ગ્રીન બેન્ક એવું શહેર છે, જ્યાં લોકો રેડિયો, ટીવી કે મોબાઈલ જેવાં ઉપકરણોનો ઉપયોગ કરી શકતા નથી. જો કોઈ તેનો ઉપયોગ કરતાં પકડાય તો જેલની સજા પણ થાય છે!

એ ખરું કે પશ્ચિમ વર્જિનિયામાં આવેલા ગ્રીન બેન્કમાં માત્ર 141 લોકો રહે છે. એ લોકો ડિજિટલ ક્રાંતિથી વંચિત છે, એ પાછળ લોકોની મોબાઈલ જેવાં ઉપકરણોની લત છોડાવવાની વાત નથી, પરંતુ ગ્રીન બેન્કમાં એવા સંશોધન ચાલે છે કે તે માટે ટીવી, રેડિયો અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. એ સંશોધન સુવિધા એટલે રેડિયો ટેલિસ્કોપ. દુનિયાનું સૌથી મોટું સ્ટીયરેબલ રેડિયો ટેલિસ્કોપ ગ્રીન બેન્ક શહેરમાં આવેલું છે. ગ્રીન બેન્ક ટેલિસ્કોપ તરીકે જાણીતું આ રેડિયો ટેલિસ્કોપ 485 ફીટ લાંબું અને 7600 મેટ્રિક ટન વજનનું છે. આ રેડિયો ટેલિસ્કોપની ડિશ એટલી મોટી છે કે તેમાં એક ફૂટબોલ મેદાન સમાઈ જાય! અહીં અમેરિકાની રાષ્ટ્રીય રેડિયો એસ્ટ્રોનોમી ઓબ્ઝર્વેટરી આવેલી છે. 1958માં સ્થપાયેલી આ ઓબ્ઝર્વેટરીના રેડિયો ટેલિસ્કોપ દ્વારા અંતરીક્ષમાંથી આવતા રેડિયો તરંગોનો અભ્યાસ થાય છે. અહીંના રેડિયો ટેલિસ્કોપનો ઉપયોગ ગુરુત્વાકર્ષણ તરંગોથી માંડીને બ્લેક હોલ જેવાં આકાશી રહસ્યો જાણવા માટે થાય છે. ગ્રીન બેન્ક રેડિયો ટેલિસ્કોપ એટલા શક્તિશાળી છે કે તેઓ અંતરીક્ષમાં 13 અબજ પ્રકાશવર્ષ દૂરનાં સિગ્નલો પણ ઝીલી શકે છે. અંતરીક્ષમાંથી આવતા રેડિયો વેવ્ઝ દૂર સુદૂરથી આવતા હોય છે. આ તરંગો નબળા અને સંવેદનશીલ હોય છે. એ જ કારણ છે કે આ વિસ્તારમાં મોબાઈલ ફોનથી માંડીને ટીવી, રેડિયો, આઈપેડ, વાયરલેસ હેડફોન, રિમોટ કંટ્રોલ્ડ રમકડાં, કોર્ડલેસ ફોન અને માઈક્રોવેવ ઓવન જેવાં ઉપકરણોના ઉપયોગ કરવા માટે પ્રતિબંધ છે. સ્વાભાવિક છે કે આ ઉપકરણોનો ઉપયોગ કરવાથી રેડિયો ટેલિસ્કોપને અંતરીક્ષમાંથી આવતા રેડિયો તરંગો પકડવામાં અવરોધ પેદા થાય છે. એ કારણે જ ગ્રીન બેન્ક શહેરમાં આ ઉપકરણોનો ઉપયોગ કરી શકાતો નથી.

ગ્રીન બેન્ક ઓબ્ઝર્વેટરીમાં એલિયન્સને શોધવા માટે પણ સંશોધન ચાલી રહ્યાં છે. 1960થી ચાલતા આ સંશોધન હેઠળ અંતરીક્ષમાંથી આવતા રેડિયો વેવ્ઝના માધ્યમથી અંતરીક્ષમાં અન્ય ગ્રહો પર જીવન છે કે કેમ એ જાણવા માટે વિજ્ઞાનીઓ પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ એ સંશોધનોને કારણે જ ગ્રીન બેન્કના લોકો ડિજિટલ ક્રાંતિનાં ફળ ચાખી શકતા નથી!