મહારાષ્ટ્રમાં ફરવાલાયક અનેક જગ્યાઓ છે. આમ તો મહારાષ્ટ્રનું નામ આવે એટલે આપણને લોનાવાલા, ખંડાલા કે મુંબઇ જ યાદ આવે છે. આ સ્થળો એવાં છે જે ખૂબ જ પ્રખ્યાત છે. માયાનગરી મુંબઇ તો કદાચ સૌથી વધારે સર્ચ થતું સ્થળ હશે.

અહીં લોકો કરિયર બનાવવાથી માંડીને પોતાના મનગમતા સ્ટાર્સને મળવાની લાલચમાં પહોંચી જાય છે. વેલ, મહારાષ્ટ્રમાં લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્વર કે મુંબઇ સિવાય પણ બીજાં સ્થળો છે જ્યાં ફરવા જવાની મજા છે. આજે એવા જ સ્થળની વાત કરવાની છે જે ઐતિહાસિક સ્થળ છે. આ જગ્યાએ ઐતિહાસિક ઇમારતો પણ જોવા મળશે અને અભયારણ્ય પણ જોવા મળશે. અહીં ઉપગ્રહ પડવાથી બનેલું તળાવ પણ જોવા મળશે અને તાજમહાલની નાની કોપી એવું બીબી કા મકબરા પણ જોવા મળશે. હા, છત્રપતિ સંભાજીનગરની જ વાત કરી રહી છું. છત્રપતિ સંભાજીનગર એટલે કે આપણું ઔરંગાબાદ. મુઘલ સમ્રાટ ઔરંગઝેબના નામ ઉપરથી મહારાષ્ટ્રના આ જિલ્લાનું નામ ઔરંગાબાદ રાખવામાં આવ્યું હતું, પણ એને લોકો છત્રપતિ સંભાજીનગરથી પણ ઓળખે છે. આ જગ્યાએ જોવાલાયક અનેક સ્થળો છે. ચાલો, સંભાજીનગરમાં ફરવાલાયક જગ્યાઓ વિશે જાણી લઇએ.

બીવી કા મકબરા

તાજમહાલની નાની કોપી એવા બીવી કા મકબરાનું બાંધકામ ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન થયું હતું. એણે પણ શાહજહાંની માફક પોતાની પત્ની દિલરસ બાનુ બેગમ માટે આ મકબરા બનાવડાવ્યો હતો, જેનું નામ બીવી કા મકબરા રાખવામાં આવ્યું હતું. આ મકબરામાં મુઘલ સામ્રાજ્યની સ્થાપત્યકળા જોવા મળશે.

અજંતાની ગુફા

આપણે અજંતાની ગુફાનું નામ લઇએ એટલે ઇલોરા તરત યાદ આવે. આમ તો મોટાભાગે અજંતા-ઇલોરાની ગુફા સાથે જ બોલાય છે, પણ અહીં આવીને જુઓ તો ખ્યાલ આવશે કે બંને ખાસ્સી દૂર દૂર આવેલી ગુફા છે. મતલબ કે એક દિવસ તમે અજંતાની ગુફા જોવા જાવ, તો બીજા દિવસે ઇલોરાની ગુફા જોવા જઇ શકશો. અજંતાની ગુફા બીજી સેન્ચુરીમાં બનાવવામાં આવી હતી. અહીં ત્રીસ નાની નાની બુદ્ધીશ ગુફાઓનો સમૂહ મળીને એક મોટી ગુફા બને છે, જેનું નામ અજંતા આપવામાં આવ્યું છે. ગુફાની અંદરની સ્થાપત્યકળા સુંદર છે. એ સમયે પણ લોકોમાં કળા પ્રત્યે કેટલો પ્રેમ હતો એ તમને અહીં આવીને જોવા મળશે!

ઇલોરાની ગુફા

પથ્થરોને અત્યંત બારીકાઇથી કટ કરીને સુંદર નકશીકામથી બનાવેલી શ્રેષ્ઠ ગુફાનું બીજું ઉદાહરણ એટલે ઇલોરાની ગુફા. તે કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે. અહીંની કોતરણી બુદ્ધીઝમ, જૈનીઝમ અને હિન્દુઇઝમ એમ ત્રણ ધર્મને રિફ્લેક્ટ કરે છે. જે લોકોને ઐતિહાસિક સ્થળો અને એની સ્થાપત્યકળા માટે પ્રેમ હશે એમના માટે આ ગુફા અત્યંત રસપ્રદ બની રહેશે.

દૌલતાબાદ કિલ્લો

છત્રપતિ સંભાજીનગરના પહાડોની ટોચ ઉપર આવેલો દૌલતાબાદ કિલ્લો પણ ખાસ જોવાલાયક સ્થળ છે. આ કિલ્લો ઘણાં યુદ્ધોનો સાક્ષી અને રક્ષક બનેલો છે.

ગ્રિશ્નેશ્વર જ્યોતિર્લિંગ

આ જગ્યાએ આવવાનાં મુખ્ય આકર્ષણોમાંથી એક એટલે ગ્રિશ્નેશ્વર જ્યોતિર્લિંગ પણ ખરું જ. કહેવાય છે કે આ બારમું જ્યોતિર્લિંગ છે.

લુનાર કાર્ટર લેક

જો તમે કુદરતી સૌંદર્યના પ્રેમી હશો તો આ તળાવના પ્રેમમાં પડ્યા વગર નહીં રહી શકો. કહેવાય છે કે અહીં ઉપગ્રહના પડવાથી તળાવ બન્યું છે. આ જગ્યા કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અહીં આવનાર પર્યટકો આ જગ્યાની મુલાકાત અવશ્ય લે છે.

આ સિવાય અહીં ફરવાલાયક જગ્યાઓમાં સિદ્ધાર્થ ગાર્ડન એન્ડ ઝૂ, સોનેરી મહેલ, ગૌતાલા વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યૂઅરી, જયકવાડી ડેમ, પિતલખોરા કેવ્સ વગેરે જગ્યાઓ પણ છે, જ્યાં તમે જઇ શકો છો.