આપણે ગત સપ્તાહમાં મેઘાલયના સુંદર ધોધ વિશે વાત શરૂ કરી હતી. મેઘાલયમાં વર્ષારાણી એમની કૃપા ચાર હાથે વરસાવતાં રહે છે એટલે આ જગ્યાની સુંદરતા તો અદ્ભુત છે જ, સાથે સાથે આ જગ્યાએ જાવ ત્યારે ત્યાના ધોધ જોવાનું પણ ન ચૂકવું જોઇએ. મેઘાલય એવી જગ્યા છે જ્યાં ધોધની સંખ્યા સૌથી વધારે છે. આ જગ્યાએ 30 તો જોવાલાયક અને ફેમસ ધોધ છે. બાકી અમુક એવા ધોધ પણ છે જેના વિશે બહુ કોઇ જાણતું નથી. ગત સપ્તાહમાં આપણે એલિફન્ટ વોટરફૉલ, સ્વીટ ફૉલ્સ, રેઇન્બો ફૉલ્સ તેમજ વાહ કાબા ફૉલ્સની વાત કરી હતી. હવે મેઘાલયના બીજા સુંદર ફૉલ્સ વિશે વાત કરીએ.
બીડોન (બીએડોન) અને બિશપ ફૉલ્સ
બીડોન (બીએડોન) અને બિશપ ફૉલ્સ બંને જોડકા ધોધ છે. અહીં કુદરતી સુંદરતાનો ડબલ ડોઝ જોવા મળશે એમ કહેવામાં અતિશયોક્તિ નહીં થાય, કેમ કે ચારેબાજુ લીલાંછમ ઝાડથી ઘેરાયેલી આ ખીણ અને ખીણમાં પડતા ધોધ અત્યંત શાંત અને રમણીય છે. અહીં ધોધમાંથી પડતું સફેદ પાણી અને આજુબાજુનો લીલો કલર તમારી આંખોને અત્યંત શાતા પહોંચાડશે. બંને ધોધમાંથી બિશપ ધોધ મોટો છે. તે વધારે ઊંચાઇએથી નીચે ખીણમાં પડે છે. સારી વસ્તુ એ છે કે આ ધોધ જોવા તમારે શહેરથી વધારે દૂર મુસાફરી નહીં કરવી પડે. આ જગ્યા ફોટોગ્રાફી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહીં એન્ટ્રી ફીઝ નથી.
ક્રિનોલિન ફૉલ્સ
ક્રિનોલિન ફૉલ્સ મેઘાલયનાં પ્રસિદ્ધ સ્થળોમાંથી એક છે. ધોધના પાણીમાં નહાવાની ઇચ્છા રાખતા લોકો અહીં આવી શકે છે. આ ધોધમાં પડીને નહાઈ શકાય એવી છીછરી જગ્યા છે. વળી, અહીંની સુંદરતા પણ લાજવાબ છે. પિકનિક માટે આ ધોધ શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહીં પહોંચવા માટે હાઇકિંગ કરવું પડે છે. આ જગ્યાએ સવારે 6:30થી સાંજે 5 વાગ્યા સુધી જઇ શકાય છે.
વેઇ સેવડોંગ ધોધ
વેઇ સેવડોંગ ધોધ એના દેખાવ અને પીરોજ પુલ માટે ખૂબ જાણીતો છે. આ ધોધ જવા માટે તમારે દોઢ કલાકનો સાંકડો રસ્તો પાર કરવો પડે છે. આ રસ્તાને એડવેન્ચર્સ રોડ કહેવામાં આવે છે, કેમ કે તે સાંકડો અને ઢાળવાળો છે.
આ જગ્યા પણ રમણીય છે. અહીં જવા માટે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી જઇ શકાય છે, અહીં કોઇ એન્ટ્રી ફીઝ નથી. આ જગ્યા ચેરાપુંજીમાં આવેલી છે.
નોહકાલિકાઇ વોટર ફૉલ
નોહકાલિકાઇ વોટર ફૉલ એ ભારતનો સૌથી ઊંચો ધોધ છે. એ 1100 ફૂટ ઉપરથી વહે છે. આ ધોધનું નામ લિકાઇ નામની એક મેઘાલયન સ્ત્રી ઉપરથી પાડવામાં આવ્યું છે. એ સ્ત્રી પોતાના દુ:ખના કારણે ધોધ ઉપરથી કૂદી પડી હતી ત્યારથી એનું નામ નોહકાલિકાઇ ધોધ રાખવામાં આવ્યું છે. અલબત્ત, ધોધની સાથે આ કરુણ કથા જોડાયેલી છે, પણ ધોધની સુંદરતા એટલી બધી છે કે અહીં આવનાર તમામ પર્યટકો ધોધને જોવા અચૂક આવે છે. આ ધોધ ચેરાપુંજીમાં આવેલો છે. ત્યાં જવાનો સમય સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી છે. ધોધમાં અંદર જવાની 20 રૂપિયા એન્ટ્રી ફીઝ છે. અહીં વાહન પાર્કિંગ માટે પણ અલગથી ફીઝ લેવાય છે.
સેવન સિસ્ટર્સ વોટર ફૉલ્સ
સેવન સિસ્ટર્સ ફોલ્સ, જેને નોહસંગિથિયાંગ ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મેઘાલયના સૌથી પ્રતિષ્ઠિત ધોધમાંનો એક છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ્યારે બધા ભાગો દેખાય છે ત્યારે આ ધોધ સાત અલગ અલગ પ્રવાહોમાં એક ખડતલ ચૂનાના પથ્થરના ખડક પર નીચે વહે છે, જે લેન્ડસ્કેપમાં ફેલાયેલા પાણીના પડદા જેવો દેખાય છે. આ જગ્યાની સુંદરતા ખૂબ જ છે.
માવસાવા ધોધ
મેઘાલયની ભીડથી દૂર આ ધોધ એક શાંત અને રમણીય જગ્યા પર છે. ખડકો ઉપરથી દૂધ પડી રહ્યું હોય એવો એનો દેખાવ છે. અહીં પિકનિક માટે પર્યટકો આવતા હોય છે. આ જગ્યાનું કુદરતી સૌંદર્ય અદ્ભુત છે. વળી, અહીં પહોંચવા માટે બહુ હાઇકિંગ નથી કરવું પડતું એટલે મોટા લોકો પણ સરળતાથી જઇ શકે છે. આ ધોધને મેઘાલયનો ઓફબીટ ધોધ માનવામાં આવે છે, જે માનવભીડથી મુક્ત છે. આ ધોધ ચેરાપુંજીમાં આવેલો છે તેમજ ત્યાં જવાનો સમય સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધીનો છે. અહીં યુવાનો માટે 50 રૂપિયા એન્ટ્રી ફીઝ છે જ્યારે બાળકો માટે 20 રૂપિયા છે.