`તમે મને કોઈનો પણ સેલફોન આપો અને હું તમને એની વર્તમાન જિંદગી વિશે કહી દઈશ. એ સેલફોનનો પાસવર્ડ આપો અને એ વ્યક્તિના ભૂતકાળ અને ભવિષ્યકાળ વિશે પણ કહી દઈશ.' આ શબ્દો કોઈ મહાન ફિલસૂફ કમ સાયન્ટિસ્ટના હોય કે ન હોય, પણ વૈજ્ઞાનિક રીતે બિલકુલ સાચા છે. કોઈ પણ વ્યક્તિનો વપરાતો ફોન વીસ હજાર કરતાં વધુ બેક્ટેરિયા વત્તા કેમિકલ્સ વત્તા દ્રવ્યો ધરાવતો હોય.

કોઈના સેલફોનના સ્ક્રીનનું માત્ર કેમિકલ અને સ્પેક્ટ્રોગ્રાફિક પૃથક્કરણ કરવામાં આવે તો એ વ્યક્તિ ક્યાં રહે છે, છેલ્લા અઠવાડિયામાં શું શું જમ્યો, કેવી જગ્યાએ કામ કરે છે, તેની સવારની કુદરતી પ્રક્રિયાઓના રિપોર્ટ શું છે, તે કેવાં કપડાં પહેરે છે, તે કેટલા માણસોને મળે છે, તેની સેક્સ્યુઅલ લાઈફ કેવી છે, તેના શોખ શેના શેના છે વગેરે વગેરે બધી જ ડિટેલ્સ મળી શકે. મોબાઈલ ઉપર તેના માલિકની લાળથી લઈને પરસેવા સુધી અને તેના વિહિકલમાં વપરાતા ઓઈલથી લઈને તેના પાડોશીએ સુકવેલાં કપડાંના ડિટર્જન્ટ સુધી બધું મળી આવે. એના ઉપરથી જે તે વ્યક્તિની જિંદગી વિશે એંસી પ્રતિશત ખાતરી સાથે કહી શકાય. જો મોબાઈલનો સ્ક્રીન અનલોક કર્યા પહેલાં તે વ્યક્તિની આટલી મોટી કુંડળી નીકળતી હોય તો સ્ક્રીન અનલોક કર્યા પછી તો તેની આગામી પેઢીની છઠ્ઠીના લેખ પણ મળી શકે. શું કામ? માણસ મૂળત: અસ્વચ્છતામાં રહેવા સદીઓથી ટેવાયેલો છે.

જેમ કોઈ એક માણસ માટે જે સંગીત હોય તે બીજા માટે ઘોંઘાટ નીવડી શકે. એ જ રીતે કોઈ એક વ્યક્તિને જે ગંદકી લાગતી હોય એ બીજા માટે તેની જિંદગીનો આધાર હોઈ શકે. છાણ એ શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે ગંદી વસ્તુ છે. જ્યારે એ જ શહેરના લોકો ક્યારેક ગામડામાં જાય તો છાણ બાળીને બનાવેલી રસોઈની લહેજત માણવા અધીરા થતા હોય છે. કોઈ માટે છાણ એ જુગુપ્સા જગાવનારી વસ્તુ છે તો એ જ છાણને ઘરની દીવાલ ઉપર લીંપીને કરોડો ભારતીયો એનો ઉપયોગ કરે છે. માણસને ક્યારેય એક હદ કરતાં વધુ સ્વચ્છ રહેવું ગમ્યું નથી. ઈજિપ્તની પ્રાચીન સંસ્કૃતિમાં અમુક સમયગાળા દરમિયાન જાહેર શૌચાલય હતાં. ત્યારે પેપર નેપ્કિન તો હતા નહિ અને ત્યાં પાણીની એવી છૂટ હતી નહિ. માટે એક લાકડીના છેડે રૂ લગાડવામાં આવતું અને એ લાકડીનો ઉપયોગ લોકો કરતા. હવે વિચિત્ર વાત એ છે કે બધા લોકો વચ્ચે એક જ લાકડી વારાફરતી વપરાતી. આપણને વિચારીને ચીતરી ચડે, પણ જે તે સમયે એ પદ્ધતિ હાઇજેનિક ગણાતી.

જાપાનમાં આજની તારીખે પરંપરાગત રીતે જીવનારા લોકોનાં ઘરોમાં ટોઇલેટ અને બાથરૂમ ઘરમાં બે અલગ અલગ ઠેકાણે હોય. `એટેચ્ડ વોશરૂમ'નો કન્સેપ્ટ પહેલેથી થોડા ગંધારા રહેતા પશ્ચિમવાસીઓ તરફથી દુનિયામાં બધે પ્રસર્યો છે. જાપાનીઝ પ્રથા એવી છે કે મહેમાન આવે એટલે એને ઘરના દરવાજા પાસે જ સ્લિપર આપવામાં આવે, જેથી તે એના શૂઝ ઉતારી નાખે. યજમાનના ઘરનું ફ્લોરિંગ બગાડવું એ મેનર્સ નથી.

પણ ભૂતકાળમાં જુદા જુદા સમયગાળામાં માણસોએ ચોખ્ખાઈનો મતલબ પોતાની રીતે જ કાઢ્યો છે. જેમ કે, વિક્ટોરિયન યુગમાં અને ખાસ તો એની પહેલાં ઘણા પ્રદેશોના લોકો પાણીમાં નહાતા નહિ. શું કામ? કારણ કે એ જમાનો હતો કોલેરા જેવા ચેપી રોગોનો. લોકોને એ બીક લાગતી કે જાહેર બાથટબમાં નહાઇશું કે પાણીથી એકલા નહાઇશું તો ચામડીનાં છિદ્રો દ્વારા રોગ શરીરમાં ઘૂસી જશે. તો? શરીરને સ્વચ્છ કેમ કરવાનું? નહિ કરવાનું. કારણ કે એ લોકો માટે સ્વચ્છ હોવા કરતાં સ્વચ્છ દેખાવું વધુ જરૂરી હતું. માટે એ સમયે લિનનનાં કપડાં પહેરવાનો ટ્રેન્ડ રહેતો અને એ કપડાં સમયાંતરે ધોઈ નાખવામાં આવતાં. લિનનનાં ચોખ્ખાં કપડાં સુખી માણસની નિશાની ગણાતી. કપડાં શરીરનો કચરો શોષી લે. એક-બે દિવસ પછી બીજા કપડાં પહેરવાનાં. જાહેરમાં કોઈની કુથલી કરવા માટે અંગ્રેજી રૂઢિપ્રયોગ અસ્તિત્વમાં આવ્યો: ટુ વોશ યોર ડર્ટી લિનન ઇન પબ્લિક.

પોતે એકદમ ચોખ્ખા છે એ દેખાડવા માટે સફેદ કપડાં પહેરવાનો ટ્રેન્ડ શરૂ થયો. તેના લીધે જ જોસેફ લીસ્ટર નામના બ્રિટિશ સર્જને લેબોરેટરીમાં સફેદ લેબ-કોટ અને સર્જરી વખતે વ્હાઈટ એપ્રન પહેરવાની પ્રથા શરૂ કરી. `જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા'નો વિચાર બધે જ પ્રસરી ગયેલો. માટે જ ભગવાનનું સ્વરૂપ ગણાતા ડોક્ટરોએ સ્વચ્છતાના સિમ્બોલ તરીકે સફેદ રંગ ઉપર વધુ ભાર મૂક્યો. છેલ્લાં ઘણાં વર્ષોથી ભારતના રાજકારણીઓ, નેતાઓ અને ઉદ્યોગપતિઓ સફેદ ખાદી પહેરે છે. પોતે સ્વચ્છ છે એવું દેખાડવા માટે કે ખરેખર અંદરથી સ્વચ્છ છે? પશ્ચિમી દેશોના નેતાઓ કે પ્રેસિડેન્ટ તો મોટા ભાગે કાળાં કપડાં બ્લેઝર/સૂટ પહેરવાનું જ પસંદ કરે છે. કેમ એવું? આખી દાળ કાળી છે કે શું?

જેમ કોઈ દેશ વધુ પ્રગતિ કરે તેમ તે કચરો વધુ બનાવે. ઊલટાનું, કોઈ દેશના વિકાસનો માપદંડ જ એ છે કે તે વર્ષેદહાડે કેટલું પ્રદૂષણ પૃથ્વીને કુભેટ સ્વરૂપે આપે છે. ગંગા નદી આખી બગડી ગઈ. માઉન્ટ એવરેસ્ટ વિશ્વનો સૌથી ઊંચો ઉકરડો બની ગયો. માણસે બેફામ પ્રગતિ કરી. એવો કચરો બનાવ્યો જેને માણસ તો શું કુદરત પણ રિસાઇકલ ન કરી શકે. આપણી પ્રાચીનકાળની વૃત્તિ હજુ ગઈ જ નથી. આપણને ચોખ્ખું દેખાવું ગમે છે, ચોખ્ખું થવું નહિ. જો એવું ન હોત તો મોબાઈલ ફોન કે કોઈ પણ ગેજેટ્સ આટલાં ગંદાં ન હોત. ભવિષ્યમાં એવા કોઈ મ્યૂટન્ટ બેક્ટેરિયા જન્મે તો નવાઈ નહિ, જે કમ્પ્યૂટરના વાઈરસની જેમ મોબાઈલ ટુ મોબાઈલ જ ટ્રાન્સફર થતા હોય અને માણસને હોસ્પિટલના બિછાને સુવડાવી દેતા હોય. `સુંદરતા જોનારની આંખોમાં હોય છે' પણ `ગંદકી દરેક માણસની ફિતરતમાં હોય છે.'