ગઈકાલે 22 એપ્રિલના દિવસે `અર્થ ડે' ઊજવાઈ ગયો હશે. સોશિયલ મીડિયા `સેવ નેચર' ટાઈપની પોસ્ટ્સથી ઊભરાયું હશે અને લોકોએ ડાહી ડાહી સુફિયાણી વાતો કરી હશે. આ બધું ઇન્ટરનેટના માધ્યમ થકી, મોબાઈલ ફોન્સ અને કમ્પ્યૂટર્સ દ્વારા શેર કરાયું હશે, જેમાં એટલી એનર્જી આપણે ફૂંકી મારી હશે, જેને પેદા કરવા માટે ટનબંધ કોલસો બાળવો પડે! યસ, ગમે એટલી મોટી મોટી વાતો પછી પણ હાર્ડકોર રિયાલિટી એ છે કે વિશ્વની કુલ ઊર્જા જરૂરિયાતોની 36 % ઊર્જા કોલસો બાળીને પેદા કરવામાં આવે છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં આ પ્રમાણ ખાસ્સું ઊંચું છે. ભારતનું 70 % એનર્જી પ્રોડક્શન કોલસાને આભારી છે. જે દેશો ઓછો કોલસો વાપરે છે, એ બધા ઓછી વસ્તી અને ઓછી ઇન્ડસ્ટ્રીઝના પ્રતાપે કોલસાની ઓછી ખપત કરે છે. જ્યારે ભારત જેવા દેશો માટે કોલસો `અનિવાર્ય અનિષ્ટ' ગણાય છે.
આ બધી પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને જ આ વર્ષે અર્થ ડે ઉપર `Our Power, Our Planet' થીમ રાખવામાં આવી હતી, જેથી ઊર્જાના બિનપરંપરાગત સ્રોતો વિશે જાગૃતિ આવતી જાય. સદ્નસીબે ભારત પણ બિનપરંપરાગત ઊર્જા સ્રોતોના ઉપયોગ બાબતે ગંભીર પગલાં લઇ રહ્યું છે અને એની અસરો પણ દેખાઈ રહી છે. તેમ છતાં દિલ્હી અભી દૂર હૈ. એ દરમિયાન આપણે અહીં કોલસા વિશે થોડી માહિતી મેળવવી જોઈએ.
કોલસાથી જમીન, હવા અને પાણીનું ઓવરઓલ પ્રદૂષણ તો થાય જ છે, પણ એ સીધો માનવ શરીર ઉપર પણ હુમલો કરે છે. કોલસાની ખાણમાં કામ કરનારા મજૂરો કે પાવર પ્લાન્ટની આસપાસ વસતા લોકો શ્વસનતંત્રથી માંડીને પ્રજનનતંત્ર સુધીની અનેક સમસ્યાઓનો ભોગ બને છે.
2019ના ફેબ્રુઆરીમાં રશિયાના સાઇબીરિયામાં કાળા રંગનો બરફ પડ્યો! સાઈબીરિયાના આ બ્લેક સ્નો ફોલ માટે વૈજ્ઞાનિકોએ કુઝબાસની કોલ માઈન્સને સીધી રીતે જવાબદાર ઠેરવી છે. અહીંના વાતાવરણમાં કોલ ડસ્ટ બહુ મોટા પ્રમાણમાં હતી. જેમ આપણાં શહેરોમાં સતત ઘેરો ઘાલીને રહેતા વાયુ પ્રદૂષણને આપણે ઇગ્નોર કરતા રહીએ છીએ, એ જ પ્રમાણે સાઈબીરિયન ઓથોરિટીઝ પણ હવામાં તરતી કોલ ડસ્ટ સામે આંખ આડા કાન કરતી રહી, પરંતુ ફેબ્રુઆરીમાં અહીં આકાશમાંથી જે બરફ પડ્યો, એ હવામાં તરતી કોલ ડસ્ટમાં રંગાઈને કોલસા જેવા રંગનો થઇ ગયો! પરિણામે દુનિયાને બ્લેક સ્નો ફોલનો અનુભવ થયો. પહેલી નજરે વિચિત્ર જણાતી આ વાત કોલસાના પ્રદૂષણની ગંભીરતા દર્શાવે છે. જરા વિચારો, જો બરફ કાળો થઇ જતો હોય તો માનવનાં ફેફસાંની શું હાલત થતી હશે? અભ્યાસના આંકડાઓ મુજબ કોલસો મનુષ્યનાં ફેફસાંને પણ કાળા ધબ્બ કરી મૂકે છે.
બ્લેક લંગ ડિસીઝ (BLD)
દાયકાઓ સુધી ખાણોમાં કામ કરતા લોકોને કે એમની હેલ્થ કેર એજન્સીઝને બ્લેક લંગ ડિસીઝ વિશે ખ્યાલ જ નહોતો આવ્યો. કોલસાની ધૂળને લાંબા સમય સુધી શ્વાસમાં લેવાથી BLD થવાની શક્યતા રહે છે. આ એક પ્રકારનો વ્યાવસાયિક એટલે કે ચોક્કસ પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને થતો રોગ છે. મુખ્યત્વે કોલસાની ખાણમાં કામ કરનારા મજૂરો એનો ભોગ છે. આથી એને `કોલ વર્કર્સ પ્યુનોકોનિઓસિસ (CWP)' તરીકે ઓળખવામાં આવે છે. કોલસાના રજકણો ફેફસાંમાં જમા થઈને બળતરા, ફાઇબ્રોસિસ (પેશીઓનું સખત થવું) અને ગંભીર કિસ્સાઓમાં નેક્રોસિસનું કારણ બને છે. શ્વાસની તકલીફ, સતત ખાંસી (કેટલીકવાર કાળા કફ સાથે), છાતીમાં જકડન અને થાક. ગંભીર કિસ્સાઓમાં પ્રોગ્રેસિવ મેસિવ ફાઇબ્રોસિસ (PMF) વગેરે આ રોગનાં લક્ષણો છે. આ રોગ ફેફસાંમાં બળતરા અને ફાઇબ્રોસિસનું કારણ બને છે, જે ક્રોનિક ઓબ્સ્ટ્રેક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD), ફેફસાંનું કેન્સર અને હૃદયની સમસ્યાઓનું જોખમ પણ વધારે છે.
ભારતમાં ઝારખંડ, ઓડિસા, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળની કોલ માઇન્સમાં કામ કરનારા મજૂરોની હાલત દયનીય હોવાનું મનાય છે. આ મજૂરોમાં બીજી વ્યાધિઓની સાથે BLD નું મોટું પ્રમાણ ચિંતાજનક છે. વળી, આ રોગના નિદાન માટે જરૂરી એવી નિયમિત સ્ક્રીનિંગ અને રિપોર્ટિંગની વ્યવસ્થા પણ આપણે ત્યાં અપૂરતી છે. ભારતમાં આશરે 36.67 % ખાણિયાઓ BLD થી પીડાય છે.
1990માં BLDને કારણે દુનિયાભરમાં 29,000 કોલ માઈનર્સ મૃત્યુ પામેલા. એ પછી ખાસ્સી જાગૃતિ આવી અને આ દિશામાં કામ શરૂ થયું. તમામ પ્રયત્નો પછી પણ 2018માં BLDને કારણે થયેલો મૃત્યુઆંક 25,000નો હતો!
અને કોલસાની આડઅસર માત્ર આટલી અમથી થોડી છે? કોલસામાં સલ્ફરનાં સંયોજનો પણ ભળેલાં હોઈ શકે છે. મર્ક્યુરી (પારો) જો નિયત કરતાં વધુ માત્રામાં શરીરમાં પ્રવેશે તો ન્યૂરોલોજિકલ સમસ્યાઓ ઊભી થાય છે. એવી વ્યક્તિ માથાના કાયમી દુખાવાથી માંડીને નિદ્રાનાશ (insomnia), મેમરીલોસ અને કંપવા જેવી અનેક બીમારીઓનો ભોગ બને છે. આર્સેનિક તો વળી એથીય વધુ ખતરનાક છે. નિયત પ્રમાણ કરતાં વધુ આર્સેનિકના સંસર્ગમાં આવનાર વ્યક્તિ સ્કિન કેન્સર, બ્લેડર કેન્સર અને ફેફસાંના કેન્સરનો ભોગ બની બેસે છે. જો લાંબા સમય સુધી કોલસાની રાખ શ્વાસમાં જતી હોય, તો એમાં રહેલું જીવલેણ આર્સેનિક રિબાવી રિબાવીને મારે છે.
આ બધું જાણ્યા પછીય આપણે વ્યક્તિગત સ્તરે બીજું કંઈ નહિ કરી શકીએ તો ચાલશે, કમ સે કમ ઊર્જાનો બગાડ તો અટકાવવો જ જોઈએ, કેમ કે તમે કારણ વગર વેડફી નાખેલી ઊર્જા પેદા કરવા માટે કોઈ માણસ પોતાના ફેફસાંમાં ઝેર ભરી રહ્યો છે!