આજકાલ દરેક મોટા કાર્યક્રમમાં બાઉન્સર રાખવામાં આવતા હોય છે. કાયક્રમમાં કોઈ બબાલ ન થાય એ માટે અને બબાલ થાય તો પહોંચી વળે એવા બાઉન્સરની જરૂર વધતી જાય છે. હટ્ટાકટ્ટા એવા લોકો ધમાલ કરતા લોકોને સીધાદોર કરીને કાર્યક્રમ સફળતાથી પૂરો થવા દે એવી માંગ વધતી જાય છે. હવે એ પણ રોજગારીની મોટી તક ઊભી કરી રહ્યું છે, ત્યારે આપણા દેશનું એક ગામ બાઉન્સર ફેક્ટરી તરીકે જાણીતું થયું છે!
સેલિબ્રિટીના ચાહકો ક્યારેક તેમને નુકશાન કરી બેસે એવી સંભાવના રહે છે. એવું પણ બને કે ફેન્સના નામે કોઈ દુશ્મન ઘૂસી જઈને તેમને નુકસાન કરી શકે એવું જોખમ પણ રહે છે. એ જોખમથી બચી શકાય એ માટે સેલિબ્રિટીને સુરક્ષિત કરવાનું કામ આ બાઉન્સરો કરે છે. એ ઉપરાંત કોઈ મોટા કાર્યક્રમમાં જ નહીં હવે તો શ્રીમંતોના લગ્ન સમારોહમાં પણ બાઉન્સરો જોવા મળે છે. કોઈ પણ આયોજનને સફળતાથી પાર પાડવા માટે બાઉન્સરની સેવા લેવાતી હોય છે. એ માટે મસલ્સ ફુલાવેલાં બાવડાંવાળા હટ્ટાકટ્ટા યુવાનોની જરૂર પડતી હોય છે. ફક્ત યુવાનો જ નહીં હવે તો યુવતીઓ પણ બાઉન્સર તરીકે સેવા આપતી હોય છે. એ ખરું કે ઘણા સ્વસ્થ રહેવા માટે જિમમાં જઈને સિક્સપેક બનાવતા હોય છે, પરંતુ બાઉન્સર તરીકે પૂરતા મસલ્સમેન-વુમન મળી રહેતાં નથી. ત્યારે દેશનું એક ગામ એવું છે, જ્યાં દરેક ઘરમાં એક બાઉન્સર અથવા બોડીબિલ્ડર હોય છે.
બાઉન્સર ફેક્ટરી તરીકે ઓળખાતું બાઉન્સરની રાજધાની ગણાતું આ ગામ દેશની રાજધાની દિલ્હીના દક્ષિણ કિનારે આવેલું છે. આસોલા-ફતેહપુર બેરી નામના ગામે બાઉન્સરના ગામ તરીકે એક અલગ ઓળખ બનાવી છે. આ ગામમાં મોટી સંખ્યામાં યુવાનો સુરક્ષા સંબંધિત કામમાં રોકાયેલા છે. આસોલા-ફતેહપુર બેરીના લગભગ દરેક ઘરમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં બાઉન્સર તરીકે કામ કરતા એક કે તેથી વધુ યુવાનો છે. નાઈટ ક્લબની સુરક્ષા હોય કે મોટા કાર્યક્રમો, હોટલ હોય કે બાર, આ ગામના યુવાનો દરેક જગ્યાએ તહેનાત જોવા મળે છે.
આ ગામ બાઉન્સરોની ફેક્ટરી કેમ બની ગયું છે, એ જાણવું હોય તો તેના ઈતિહાસને ફંફોસવો પડે એમ છે. આ ગામ હજુ પણ તેની અખાડા સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. વહેલી સવારે યુવાનો માટીનાં મેદાનોમાં કુસ્તી કરે છે, વેઈટ લિફ્ટિંગ કરે છે અને કઠોર શારીરિક કસરતો કરે છે. આ પરંપરાએ ગામના યુવાનોને મજબૂત, શિસ્તબદ્ધ અને ફિટ બનાવ્યા છે. અહીંના છોકરાઓની જીવનશૈલી ખૂબ જ સંયમિત છે. તેઓ માદક દ્રવ્યોથી દૂર રહે છે અને તેમના આહારમાં દૂધ, દહીં, ફળો, સૂકાં મેવા અને પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરે છે. આ ખોરાક તેમને શક્તિ અને ઊર્જા આપે છે.
ગામમાં બાઉન્સર બનવું એ એક આદરણીય કામ માનવામાં આવે છે. ખાસ કરીને ગુર્જર સમુદાયના પરિવારો બાઉન્સરના કામને ખૂબ જ માનવાળું કામ ગણે છે. ગામમાં આ વ્યવસાય માત્ર નોકરી માટે જ નહીં પણ ઓળખ અને ગૌરવનું પ્રતીક બની ગયો છે. આ પરંપરા પેઢી દર પેઢી ચાલી આવે છે. બાઉન્સરની નોકરી અહીંના યુવાનોને સારી આવક તો આપે છે જ, સાથે સાથે નવી શક્યતાઓના દરવાજા પણ ખોલે છે. ઘણા યુવાનોએ પોતાના દમ પર જિમ, ફિટનેસ તાલીમ કેન્દ્રો અને સુરક્ષા એજન્સીઓ શરૂ કરી છે, જેનાથી ગામની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે.
એ કારણે જ આજે આસોલા-ફતેહપુર બેરી ગામમાં દરેક બીજો યુવાન બાઉન્સર તરીકે કામ કરે છે. એ કારણે જ દરેક ઘરમાં બાઉન્સર જોવા મળે છે. આ વ્યવસાયમાં હવે તો સારા પૈસા મળતા હોવાને કારણે પણ યુવાનો આ ક્ષેત્ર ભણી આકર્ષાઈ રહ્યા છે. એ કારણે જ આસોલા ફતેહપુર બેરી ગામ દેશનું બાઉન્સર વિલેજ તરીકે જાણીતું થઈ ગયું છે