ભારતનું ટેક્નોલોજી હબ બેંગલુરુ કે જ્યાં લોકો દૂર-દૂરથી આવે છે અને પોતાનાં સપનાં સાકાર કરવાની આશા રાખે છે, પરંતુ આ શહેરના ગ્લેમર પાછળ ક્યારેક લોહીથી લખાયેલી વાર્તાઓ છુપાયેલી હોય છે. આ વાર્તા વૈષ્ણવ અને દેવાની છે. બે કોલેજ મિત્રો કે જેમનો સંબંધ મિત્રતામાંથી પ્રેમમાં પરિણમ્યો અને પછી એક દિવસ હિંસાની આગમાં બળીને રાખ થઈ ગયો. એવું તો શું થયું કે મિત્રતા અને પ્રેમનો આ સંબંધ લોહીથી રંગાઈ ગયો? આ વાર્તા કેરળના એક કોલેજ કેમ્પસથી શરૂ થાય છે અને બેંગલુરુના એક રસોડામાં સમાપ્ત થાય છે.

વૈષ્ણવ અને દેવા બંને એક જ કોલેજમાં ભણતાં હતાં. વૈષ્ણવનો પરિવાર કોવલમમાં રહેતો હતો, જ્યારે 24 વર્ષીય દેવા તિરુવનંતપુરમની રહેવાસી હતી. કોલેજના દિવસો દરેક માટે ખાસ હોય છે. નવા મિત્રો, નવી આશાઓ અને એક એવો સમય કે જે દરેકને જીવનની નવી દિશા આપે છે. વૈષ્ણવ અને દેવાની મિત્રતા પણ આ રીતે શરૂ થઈ હતી. વર્ગખંડમાં સાથે અભ્યાસ કરવો, નોટ્સ શેર કરવી અને ધીમે ધીમે એકબીજાની નજીક આવવું. આ મિત્રતા ટૂંક સમયમાં આગળ વધી ગઈ. બંનેના હૃદયમાં પ્રેમ ખીલવા લાગ્યો અને આ સંબંધ કોલેજની દીવાલોની પેલે પાર સુધી પહોંચી ગયો.

સમય પસાર થતો ગયો અને અભ્યાસ પૂર્ણ કર્યા પછી, બંનેને નોકરીની તકો મળી પણ કેરળમાં નહીં, બેંગલુરુમાં. નવું શહેર, નવું જીવન અને એક નવું સ્વપ્ન. વૈષ્ણવ અને દેવાએ નક્કી કર્યું કે તેઓ આ યાત્રા સાથે મળીને શરૂ કરશે. તે બંને માર્કેટિંગ ક્ષેત્રમાં કાર્યરત હતાં. જોકે, અલગ અલગ કંપનીઓમાં. બંનેએ સાઉથ બેંગલુરુમાં એક એપાર્ટમેન્ટ ભાડે લીધું અને એક જ છત નીચે રહેવા લાગ્યાં. આ નિર્ણય તેમના માટે સરળ હતો, પરિવારને એ જાણીને પણ દિલાસો મળ્યો કે તેમનાં બાળકો અજાણ્યા શહેરમાં એકલાં નથી, તેમને એકબીજાનો ટેકો હતો.

નવા જીવનની શરૂઆત બેંગ્લોરમાં થઈ. વૈષ્ણવ અને દેવા પોતપોતાની ઓફિસમાં જતાં. દિવસભરની મહેનત પછી ઘરે પાછાં ફરતાં અને સાથે રસોઈ બનાવતાં. રસોડામાં પ્રેશર કૂકર તેનો ખાસ સાથી હતું. એ સાદું જીવન હતું, પણ પ્રેમથી ભરેલું હતું. બંનેનો પણ લગ્ન કરવાનો ઇરાદો હતો. પરિવારના સભ્યો આ સંબંધથી વાકેફ હતા અને તેને સ્વીકારવા તૈયાર હતા. વૈષ્ણવ અને દેવાના જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હતું અથવા કદાચ બધું જ સારું છે એવું બીજા બધાને લાગી રહ્યું હતું.

બંને ત્રણ વર્ષ સુધી લિવ-ઇન રિલેશનશિપમાં સાથે રહ્યાં. આ સમયગાળા દરમિયાન તેમના જીવનમાં ઘણા ફેરફારો થયા. નોકરી પર કામનું ભારણ વધ્યું, શહેરની ધમાલ તેમને થકવવા લાગી. તેમ છતાં તેઓ એકબીજા માટે સમય કાઢતાં હતાં. પડોશીઓ માટે તેઓ એક આદર્શ યુગલ હતાં. બે યુવાનો તેમની કારકિર્દી અને સંબંધોને બેલેન્સ કરતા હતા, પરંતુ ધીમે ધીમે આ સંબંધોમાં તિરાડો દેખાવા લાગી. જે મિત્રો એક સમયે ઓફિસની બાબતો વિશે એકબીજા સાથે વાતો કરતાં હતાં, તેઓ હવે સમય જતાં મૌન અને તણાવમાં રહેવા લાગ્યાં.

ત્રણ વર્ષ સાથે રહ્યાં પછી વૈષ્ણવ અને દેવા વચ્ચે થોડા સમય માટે ઝઘડા શરૂ થયા. પહેલાં આ ઝઘડા નાના હતા. ક્યારેક જમવાને લઈને, ક્યારેક ઓફિસના થાકને લઈને, પરંતુ ધીમે ધીમે આ ઝઘડાઓ ગંભીર બનવા લાગ્યા. પડોશીઓએ જણાવ્યું કે તેમના ફ્લેટમાંથી ઘણીવાર જોરથી ચીસો અને રડવાનો અવાજ સંભળાતો હતો. શરૂઆતમાં કોઈએ બહુ ધ્યાન આપ્યું નહીં, કારણ કે દરેક સંબંધમાં ઉતાર-ચઢાવ હોય છે અને પડોશીઓ પણ તેને સામાન્ય માનતા હતા, પણ આ ઝઘડા હવે રોજિંદા જીવનનો એક ભાગ બની ગયા હતા. જે ઘર એક સમયે હાસ્ય અને પ્રેમથી ભરેલું હતું તે હવે ગુસ્સા અને તણાવની ગુફા બની ગયું હતું. વૈષ્ણવ અને દેવા કે જે એક સમયે એકબીજા માટે બધું જ હતાં, હવે એકબીજાથી દૂર થઈ રહ્યાં હતાં.

આ તણાવનું મૂળ વૈષ્ણવની શંકા હતી. તેને લાગવા લાગ્યું કે દેવાનો કોઈ બીજા પુરુષ સાથે સંબંધ છે. આ શંકા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ તે તો કોણ જાણે! શું દેવાના ફોનમાં કોઈ મેસેજ હતો? શું ઓફિસમાં કોઈ સાથીદાર સાથેની નિકટતા વૈષ્ણવને પરેશાન કરતી હતી? કે પછી વૈષ્ણવના મનમાં એ માત્ર એક ગેરસમજ હતી? કોઈને જવાબ ખબર નથી, પણ આ શંકા ધીમે ધીમે વૈષ્ણવના દિમાગ પર ઘેરી બનતી ગઈ. તેણે દેવા પર નજર રાખવાનું શરૂ કર્યું, તેની પૂછપરછ કરવાનું શરૂ કર્યું. દરેક નાની વાત દલીલમાં ફેરવાઈ જતી, દરેક વાત છેલ્લી વાત કરતાં વધુ ગરમાતી.

તિરુવનંતપુરમની એક સરળ છોકરી દેવા કદાચ આ શંકા સમજી શકી નહીં. તેણે કદાચ વૈષ્ણવને સમજાવવાનો પ્રયાસ કર્યો હશે, તેને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો હશે, પણ વૈષ્ણવની શંકા તેની સમજની બહાર હતી. આ શંકા હવે માત્ર એક લાગણી રહી ન હતી, તે એક જુસ્સો બની ગઈ હતી કે જે દેવાને અંદરથી કોરી ખાતી હતી. પડોશીઓએ જોયું કે વૈષ્ણવનું વર્તન બદલાઈ રહ્યું હતું. તે પહેલાં જેવો ખુશખુશાલ નહોતો. તેની આંખોમાં એક વિચિત્ર ગુસ્સો અને બેચેની દેખાતી હતી, પણ કોઈએ વિચાર્યું ન હતું કે આ બેચેની એક દિવસ ભયંકર સ્વરૂપ ધારણ કરશે.

એ દિવસ ઓગસ્ટ, 2023નો શનિવાર હતો. તે દિવસે વૈષ્ણવ અને દેવા બંને ઘરે હતાં. ઓફિસમાં રજા હોવાથી બંને દિવસ દરમિયાન સાથે મળીને જમવાનું બનાવી રહ્યાં હતાં. રસોડામાં એ જ પ્રેશર કૂકર હતું જેમાં ઘણીવાર ભાત બનાવવામાં આવતા. તે દિવસે પણ રાઈસ બનાવવામાં આવ્યા હશે, પરંતુ આ દિવસ તેમના જીવનનો છેલ્લો સામાન્ય દિવસ સાબિત થયો. સાંજના પાંચ વાગ્યા હતા. ઘરની ચાર દીવાલોની અંદર કંઈક એવું બન્યું જે કોઈએ જોયું નહીં, પરંતુ તેના પરિણામથી બધા હચમચી ગયા.

રસોઈ બનાવતી વખતે વૈષ્ણવની કોઈ વાતને લઈને દેવા સાથે દલીલો શરૂ થઈ અને ઘડીવારમાં દલીલે મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું. અચાનક જ ગુસ્સામાં આવીને વૈષ્ણવે રસોડામાં રાખેલ પ્રેશર કૂકર ઉપાડ્યું અને દેવાના માથા પર જોરથી માર્યું. વૈષ્ણવ અહીંયાં જ અટક્યો નહીં. દેવાનો શ્વાસ બંધ ન થયો ત્યાં સુધી તેણે વારંવાર પ્રેશર કૂકર માર્યું. લોહીથી ખરડાયેલું રસોડું કે જે એક સમયે તેમના પ્રેમનું સાક્ષી હતું, હવે હત્યાનું સ્થળ બની ગયું. પ્રેશર કૂકર કે જે તેમના રોજિંદા જીવનનો એક ભાગ હતો, તે દિવસે હત્યાનું હથિયાર બની ગયું. દેવાનું નિર્જીવ શરીર જમીન પર પડ્યું હતું અને વૈષ્ણવનો ગુસ્સો ઠંડો પડી ગયો. વર્ષોની મિત્રતા, પ્રેમ અને સાથે વિતાવેલી ક્ષણો બધું જ એક ક્ષણમાં સમાપ્ત થઈ ગયું.

હત્યા બાદ વૈષ્ણવ ત્યાંથી ભાગી ગયો હતો. તેણે કદાચ વિચાર્યું હશે કે તે આ સત્યથી છટકી શકશે, પણ સત્ય છુપાવવું સહેલું નથી. પડોશીઓએ કોઈ અવાજ સાંભળ્યો હશે, અથવા કોઈએ કંઈક શંકાસ્પદ જોયું હશે. તરત જ પોલીસને સમાચાર મળ્યા અને બેંગલુરુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. જ્યારે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે પોલીસકર્મીઓ પણ ત્યાંનું દૃશ્ય જોઈને દંગ રહી ગયા. લોહીથી ખરડાયેલું પ્રેશર કૂકર, વેરવિખેર વસ્તુઓ અને દેવાનું મૃત શરીર, બધું જ એક ભયાનક વાર્તા કહી રહ્યું હતું.પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી. પુરાવા તરીકે પ્રેશર કૂકર જપ્ત કરવામાં આવ્યું હતું.

ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી નમૂનાઓ એકત્રિત કર્યા અને પડોશીઓની પૂછપરછ શરૂ કરી. તે સમયે વૈષ્ણવ ઘરે નહોતો, પણ તેના ભાગી જવાથી લાંબા સમય સુધી કોઈ ફાયદો થયો નહીં. પોલીસે ટૂંક સમયમાં જ તેની ધરપકડ કરી લીધી. પૂછપરછ દરમિયાન વૈષ્ણવે જે કહ્યું તે સાંભળીને બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા. તેણે કબૂલાત કરી કે તેણે દેવાને મારી નાખી હતી અને તેનું કારણ તેની શંકા હતી. તેણે પોલીસને જણાવ્યું કે તેને લાગી રહ્યું હતું કે દેવા તેની સાથે છેતરપિંડી કરી રહી છે અને ગુસ્સામાં તેણે આ પગલું ભર્યું.

પોલીસ માટે મામલો સ્પષ્ટ હતો. હત્યાનું હથિયાર હાજર હતું, સાક્ષીઓનાં નિવેદનો હતાં અને વૈષ્ણવે પોતે ગુનો કબૂલી લીધો હતો, પણ આ કિસ્સા પાછળ એક જટિલ વાર્તા હતી. એક એવા સંબંધની વાર્તા જે પ્રેમથી શરૂ થઈ અને ખૂન સાથે સમાપ્ત થઈ. વૈષ્ણવને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને કેસ કોર્ટમાં પહોંચ્યો.

વૈષ્ણવ હવે જેલમાં છે અને તેના પર હત્યાનો કેસ ચાલી રહ્યો છે. તેને સજા ગમે તે મળે, પણ શું તે દેવાને પાછી લાવી શકશે? શું તે આ વાર્તા સાથે દટાયેલા પ્રશ્નોના જવાબ આપી શકશે? હવે કોઈ જાણી શકતું નથી કે વૈષ્ણવની શંકા સાચી હતી કે માત્ર તેની ગેરસમજ. દેવાનો અવાજ કાયમ માટે શાંત થઈ ગયો અને તેની સાથે આ વાર્તાનો એક ભાગ પણ અદૃશ્ય થઈ ગયો.