ભારતીય સમાજમાં આજેય લગ્ન કરતી છોકરીને આખો પરિવાર જાતજાતની સારી અને ખરાબ બંને પ્રકારની શિખામણ આપે છે. સાસરિયામાં આમ કરાય અને આમ ન કરાય તથા પતિ સાથે કઇ રીતે એડજસ્ટ થવું, બોલવું, ચાલવું વગેરેનું લાંબું લિસ્ટ વડીલો આપે, પરંતુ લગ્ન કરનાર યુવક માટે લગ્ન પછીની દુનિયામાં કઇ રીતે એડજસ્ટ થવું, કઇ રીતે વર્તવું એની ભાગ્યે જ શિખામણ અપાય છે.

મમ્મીનો લાડલો અને પપ્પાનો રાજાબેટા પોતાના વ્યક્તિત્વમાં ખાસ પરિવર્તન લાવતો નથી. હા, પતિ તરીકે કેટલીક જવાબદારી લે, પરંતુ નવા પાત્રને એડજસ્ટ થવામાં તકલીફ ન પડે એ માટે પોતાના વ્યક્તિત્વમાં ખાસ પરિવર્તન લાવતો નથી. ઓર્ડર આપવા, મોડું ઊઠવું, પોતાનું કામ જાતે ન કરવું, ઘરની જવાબદારી પત્નીના માથે નાખી દેવી કે મોબાઈલ અને મિત્રોમાં મસ્ત રહેવું એ દૃશ્ય આજે પણ અડધોઅડધ ભારતીય પરિવારમાં જોવા મળે છે. પોતે જિમ જશે, પણ પત્ની જિમમાં આવી શકે એ માટે ઘરનાં બે કામમાં મદદ કરવાની તૈયારી નથી. કામ કરતી પત્નીએ પોતાની કેર કે શોખ માટે હંમેશાં પોતાની ઊંઘ જતી કરવી પડે કે પોતાનાં જ અન્ય કામ માટે કોમ્પ્રોમાઇઝ કરવું પડે. લગ્ન એ પહેલાં જેટલાં સહજ અને સરળ નથી રહ્યાં. આજે એ બહુ જ ડિમાન્ડિંગ અને સતત કસોટીના એરણ પર ચાલતી પ્રોસેસ બની છે. હવે બંને પક્ષ પોતાની માન્યતા, નિર્ણયો અને લાઈફ સ્ટાઈલ માટે કન્ફર્મ છે, છતાં લગ્ન સંસ્થામાં એવું ઘણું બધું છે, જે હજુ બદલાયું નથી. યુવક-યુવતી બદલાયાં છે અને પરિવર્તનનો જ્યાં અવકાશ નથી ત્યાં કોઇ મનમારીને રહેતું નથી.

એક અલ્લડ છોકરીનું લગ્ન પહેલાં આખો પરિવાર ધ્યાનમાં રાખે છે. લગ્નની વિધિ થતાં જ એક અજાણ્યા પરિવારને સંભાળવાની જવાબદારી એના માથે આવે છે. એના દરેક વર્તનને જજ કરાય છે. બીજી બાજુ જોબ ઇગોથી પીડાતા છોકરાઓ પણ એક છોકરીનાં સુખ-દુઃખને સંભાળવા મથવું પડે છે. લગ્નમાં લાઇફ પાર્ટનર, પરિવાર અને સમાજ બધા જ એમની પાસે અપેક્ષા રાખે છે એ અપેક્ષાને કારણે સહજ વ્યક્તિત્વ દબાઈ જાય છે. સ્ટ્રેસ અને ફ્રસ્ટ્રેશન વધે છે. પાછળ રોજરોજના ઝઘડાઓની સવારી તૈયાર જ હોય. જોકે, આજકાલ લગ્નની નિષ્ફળતા માટે છોકરીઓના એજ્યુકેશન, ઇન્ડિપેન્ડન્સી અને અપબ્રીગિંગ પર સવાલ ઉઠાવાય છે. છોકરીને કામ નથી આવડતું, તરત જ સામો જવાબ આપે છે, હરવા-ફરવા બહુ જોઇએ છે, કમાણીનો રોફ જમાવે છે. મે, બી આ વાત સાચી હોય તો પણ સાવ સાચી નથી, કારણ કે નવી જનરેશનની છોકરીઓ જૂની જનરેશનની છોકરીઓ જેવી નહીં જ હોય. એ મહેનત કરીને ભણી છે, કમાય છે તો એની કમાણી એની રીતે વાપરવાની જ છે. છોકરીને રસોઈ નથી આવડતી તો છોકરાઓ પણ પોતાના કામ જાતે કરે છે અને છોકરીઓનો દરેક સામો જવાબ તોછડાઈ નથી હોતી. તેઓ પોતાની વાત-ઇચ્છા દબાવતી નથી. ગમે છે તો ગમે છે અને નથી ગમતું તો નથી ગમતું. એમાં એ બીજાને ખાતર સમાધાન નથી કરતી. આ નવી જનરેશનની તાસીર છે, એને સમજવી પડશે.

છોકરીને લગ્ન માટે હજારો શિખામણ અપાય છે, પરંતુ કેટલી મમ્મીઓ છોકરાઓને બેસાડીને લગ્નજીવન માટે સમજાવે છે. એની આદતો, સ્વભાવ બદલવા માટે મોટિવેટ કરે છે? ઘરનાં કામકાજ શીખવે છે? ઇમોશનલ ઇન્ટીમસી અને કમિટમેન્ટ વિશે ચર્ચા કરે છે? આપણે કેમ ભૂલી જઇએ છીએ કે લગ્નની સફળતાની જવાબદારી માત્ર છોકરીની નથી અને જ્યાં છોકરી ઇન્ડિપેન્ડન્ટ છે ત્યાં દરેક બાબતે એ ઇક્વાલિટીની અપેક્ષા રાખશે જ. જોબ પરથી આવીને પતિ ટી.વી. જુએ, ફ્રેન્ડ્સ સાથે ગપ્પાં મારે અને પોતે એકલી કામ કરે એ સ્થિતિ આજની કોઇ છોકરી માટે સ્વીકાર્ય નથી. પતિ બાર વાગ્યા સુધી વીક એન્ડમાં ફ્રેન્ડ્સ સાથે ફરે અને પત્ની બાળકને સંભાળવા માટે એકલી ઘરે રહે એવું નથી બનવાનું. બાળકને બંનેએ સંભાળવાં પડશે. પત્નીની ઓફિસની પાર્ટી હશે તો પતિએ બેબીસિટિંગ કરવું જ પડશે. કહેવાનો મતલબ એ કે લગ્નના કારણે યુવતીઓ પોતાની જોબ-સ્પેસ કે એન્જોયમેન્ટ માટે એકલી સમાધાન નહીં કરે. લગ્નમાં એના માટે બંને સમાન છે.

ઇન્ડિયન હસબન્ડ એટલે બોસ એ તસવીરને તેઓ બદલી રહી છે. આપણને ગમે કે ન ગમે આ પરિવર્તન છે. આપણે વેંત નમીશું તો જ તેઓ હાથ નમશે. સાસરિયા અક્કડ હશે તો યુવતી વધારે અક્કડ બનશે. આ જનરેશનની છોકરીઓની લગ્ન માટેની અપેક્ષાઓ અલગ છે. એમને મળશે તો જ આપશે, એ ચૂપચાપ સહન નહીં કરે, આંસુ નહીં સારે, પરંતુ પોતાના માટે લડશે, એ સેલ્ફીસ નહીં હોય તો પણ સેલ્ફ મેન્ટર્ડ તો હશે જ. આજે છોકરીઓ જે ઝડપથી બદલાઈ છે એ ઝડપથી છોકરાઓ નથી બદલાયા, તેથી જ સંઘર્ષ થાય છે. વળી, લીવ-ઇન, લોંગ-ડિસ્ટન્સ મેરેજ, સિચ્યુએશનશિપ તથા ઓપન રિલેશનશિપના સમયમાં કમિટમેન્ટનું પોત પાતળું થતું જાય છે. એમાં લગ્નમાં એડજસ્ટમેન્ટની જવાબદારી કોઇ એક જ પક્ષે નાંખવામાં આવે તો લગ્ન તૂટવાનાં જ છે, તેથી લગ્નોત્સુક યુવક-યુવતીઓએ લગ્ન પહેલાં જ એકબીજાને ઓળખવાં પડશે. સમજવાં પડશે. પોતાની વીકનેસ અને સ્ટ્રેન્થ પરસ્પર જણાવવી પડશે. લગ્નનો એક રોડમેપ તૈયાર કરી આગળ વધશો તો જખમો ઓછા મળશે.