મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં આનંદ મેરેજ એક્ટ લાગુ કર્યો છે. આ અંગે એક સૂચના પણ જારી કરવામાં આવી છે. જણાવી દઈએ કે હાલમાં ભારતમાં લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને દત્તક લેવા અંગે વિવિધ સમુદાયોમાં અલગ અલગ કાયદા છે. આનંદ વિવાહ હિન્દુ લગ્ન રીતિરિવાજથી તદ્દન અલગ છે.
આપણે હિન્દુ ધર્મમાં લગ્ન પહેલાં શુભ મુહૂર્ત અને જન્માક્ષર મેળવવામાં આવે છે, જ્યારે આનંદ વિવાહમાં આવું કંઈ જોવા મળતું નથી. જો આપણે શીખ ધર્મની વાત કરીએ તો તેમાં લગ્નને એક શુભ કાર્ય માનવામાં આવે છે. જેનો અર્થ એ થયો કે લગ્ન ગુરુદ્વારામાં અનુકૂળતા મુજબ કોઈ પણ દિવસે કરી શકાય છે. આનંદ લગ્નમાં ફક્ત ચાર ફેરા હોય છે. જેને લવાણ, લાવા અથવા ફેરા કહેવામાં આવે છે. આનંદ વિવાહની સમગ્ર વિધિ દરમિયાન અરદાસ ચાલુ રહે છે. ફેરા પૂરા થતાં નવદંપતી ગુરુ ગ્રંથ સાહિબ અને ગ્રંથીઓ સામે માથું ઝુકાવે છે. પછી પ્રસાદ તૈયાર કરીને વહેંચવામાં આવે છે અને લગ્ન પૂર્ણ થાય છે.
અમેરિકન હથિયારો વિનાની યુક્રેન સેના હવે મધપુડાથી રશિયન સૈનિકો સામે લડે છે
યુક્રેન-રશિયા વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં બંને દેશની સેના અલગ-અલગ પ્રકારનાં શસ્ત્રોનો ઉપયોગ કરી રહી છે. હાલમાં જ યુક્રેનના સૈનિકનો એક નવો વીડિયો વાઈરલ થયો છે. જેમાં યુક્રેનના સૈનિકો એક નવી વ્યૂહરચના મધપૂડાને હથિયાર બનાવી રશિયા પર હુમલો કરતા જોવા મળ્યા છે. આ વીડિયો પોક્રિવસ્ક શહેરના એક ગામનો છે. ડ્રોનની મદદથી બનાવવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, રશિયન સૈનિકો એક બંકરમાં છુપાયેલા છે. ત્યાં યુક્રેનના સૈનિકો પહોંચે છે અને મધપૂડો બંકરમાં ફેંકી ત્યાંથી ભાગી જાય છે. જોકે, વીડિયોમાં રશિયાના સૈનિકો બહાર નીકળતા દેખાતા નથી. વીડિયો કેપ્શનમાં લખ્યું છે કે, જ્યારે યુક્રેનની સેના પાસે દારૂગોળો ખતમ થઈ ગયો, ત્યારે તેમણે મધમાખીઓનો સહારો લીધો. આ યુદ્ધમાં પહેલીવાર જંતુઓનો ઉપયોગ હુમલા માટે કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના સંબંધ વણસ્યા છે, જેથી અમેરિકાએ હથિયારોનો સપ્લાય અને ફંડિંગ કરવાનું બંધ કર્યું છે. આવી સ્થિતિમાં યુક્રેન યુરોપના સમર્થનથી આ યુદ્ધમાં કેટલો સમય ટકી શકશે તે કહેવું મુશ્કેલ હશે. યુક્રેન હળવા ડ્રોનની મદદથી રશિયન સૈન્ય અને લશ્કરી સંસ્થાઓ પર હુમલો કરી રહ્યું છે. લાંબા અંતરની મિસાઈલ ન હોવા છતાં યુક્રેન તેના ઝડપી ડ્રોનની મદદથી રશિયાને ખાસ્સું નુકસાન પહોંચાડી રહ્યું છે. હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે, યુક્રેન અમેરિકા સાથે પોતાના બગડેલા સંબંધ સુધારવા માટે તૈયાર છે. તે શાંતિમંત્રણા માટે તૈયાર થયું છે.
હવે ગરીબો પણ મેળવશે પેન્શન 30 કરોડથી વધુ ભારતીયોએ લોકોએ નોંધણી કરાવી
ભારત સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો માટે એક ખાસ યોજના બનાવી છે. આ યોજના હેઠળ નોંધાયેલા દરેક શ્રમિક વ્યક્તિને પેન્શન મળી શકે છે. આ યોજનાનું નામ `પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના' (PM-SYM) છે. દેશમાં મજૂરો અને કામદારોની મોટી વસ્તી છે. તેમને ધ્યાનમાં રાખીને આ યોજના બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 30 કરોડથી વધુ ભારતીયોએ નોંધણી કરાવી છે. આ યોજના હેઠળ કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3 હજાર રૂપિયા પેન્શન આપવામાં આવે છે. આ યોજનામાં જોડાવા માટે કામદારોની ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી આવશ્યક છે, જેથી ઓછામાં ઓછાં 20 વર્ષ સુધી યોજનામાં યોગદાન આપી શકાય. સરકાર આ યોજનામાં મજૂર દ્વારા આપવામાં આવેલા યોગદાન જેટલી જ રકમ આપે છે. એટલે કે જો કોઈ મજૂર 100 રૂપિયા જમા કરાવે છે, તો સરકાર પણ તેના ખાતામાં 100 રૂપિયા જમા કરાવે છે. આ યોજનામાં અસંગઠિત ક્ષેત્રના કામદારો, જે મોટાભાગે ઘરેથી કામ કરે છે, શેરી વિક્રેતાઓ, અન્ય કામદારો, ઘરકામ કરનારા, ધોબી, રિક્ષાચાલકો, ભૂમિહીન મજૂરો, સ્વરોજગાર શ્રાવ્ય-દૃશ્ય કામદારો અથવા અન્ય સમાન વ્યવસાયોમાં કામ કરતા કામદારોનો સમાવેશ થાય છે. ઈ-શ્રમ પોર્ટલ મુજબ 31 ડિસેમ્બર, 2024 સુધીમાં 30.51 કરોડથી વધુ અસંગઠિત કામદારો નોંધાયેલા છે.
ઇન્ટરનેટ પર ધૂમ મચાવતા યોયો હની સિંહનાગીત મેનીએક ઉપર પ્રતિબંધની માંગ
સિંગર-રેપર હની સિંહનું નવું ગીત `મેનિએક' ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. હવે આ ગીત પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અભિનેત્રી નીતુ ચંદ્રાએ હવે હની સિંહના આ ગીત સામે કોર્ટનો સંપર્ક કર્યો છે અને આ ગીત પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરી છે. નીતુ ચંદ્રાએ અશ્લીલ ગીતો પર પ્રતિબંધ મૂકવા માટે પટના હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. નીતુ ચંદ્રાએ પોતાની અરજીમાં હની સિંહ ઉર્ફે હિર્દેશ સિંહ દ્વારા રચિત ગીત `મેનિએક'ને અશ્લીલ ગણાવ્યું છે. તેનું કહેવું છે કે આ ગીતમાં મહિલાઓની છબીને અશ્લીલ રીતે રજૂ કરવામાં આવી છે. નીતુ ચંદ્રા માને છે કે ગીતમાં દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ ગીતમાં અશ્લીલતા વધારે છે. આવાં ગીતો બાળકો, સ્ત્રીઓ અને સમાજ પર નકારાત્મક અસર કરે છે. ભોજપુરી ભાષાના શબ્દોનો ઉપયોગ કરીને મહિલાઓને ખૂબ જ ખરાબ રીતે દર્શાવવામાં આવી છે.