મનથી માની લીધું હતું અને ભારોભાર વિશ્વાસ પણ હતો : દીકરી કે જમાઈ મને ના નહીં પાડે, પણ ભરોસાની ભેંસ પાડો જણીને ઊભી રહી હતી.

ધીરજલાલની સ્વસ્થતા હણાઈને સાવ હરેરી ગઈ હતી. તન કરતાં મનને આયખાનો લૂણો લાગી ગયો હોય અને ખોળિયું હવે ખાલી થવાની ઉતાવળમાં તેવું થવા લાગ્યું હતું. એક-બે સાવજ ધરાઇને બાણોબાણ થઇ જાય એવો પડછંદ દેહ ખખડીને સાવ ખોખલો થઇ ગયો હતો. સરખી રીતે ચાલી પણ શકાતું નહોતું. છતાંય ડગુમગુ પણ ચાલ્યા વગરનો છૂટકો નહોતો. ભાડું ચૂકવવા માટે ખિસ્સામાં સમ ખાવા પૂરતા પણ રૂપિયા નહોતા, નહિતર રિક્ષામાં બેસી જાત! કાનમાં સતત ઘૂમરાતું હતું: `રૂપિયાથી ઔષધ ખરીદી શકાય, આયખું નહી.' પણ ધીરજલાલે ગણકાર્યું નહોતું. તેમના માથે એક જ વાત સવાર થઇ હતી, હું છું ત્યાં લાગી ધનલક્ષ્મી સાથે હોવી જોઈએ.

જીવનનાં સુખ-દુઃખમાં સાડા ચાર દાયકા સાથે વેંઢાર્યા હતાં. અરસપરસના પડછાયા જેમ જીવ્યાં, તેથી તો ધનલક્ષ્મી વગરનું જીવન જ ધીરજલાલ કલ્પી શકતા નથી. પથારીવશ પણ તે જીવવી જોઈએ. અન્યથા ડોક્ટરોએ સાવ સ્પષ્ટ કહી દીધું હતું: `ઘરે લઇ જઇ જે થાય તે સેવા કરો.'

જ્યારથી ધનલક્ષ્મીને દવાખાનાની પથારીમાં પડખાં ઘસાવવાનું પોતે પણ લીધું હતું, ત્યારથી મરણમૂડી નામે સઘળું ખર્ચાઇને ખાલી થઇ ગયું હતું. ધન સાથે સગાંસંબંધીઓ પણ મોં ફેરવી ગયા હતા. છતાંય ધીરજલાલ અડગ રહ્યા હતા: `મારામાં પ્રાણ હશે ત્યાં લગી પ્યારી ધનલક્ષ્મીને મરવા નહીં દઉં.'

ડોરબેલ દબાવ્યા પછી થોડીવારે દરવાજો ખૂલ્યો હતો. ધીરજલાલ સામે દીકરીની નજર મળી ન મળી ને તરત ઢળી ગઈ હતી. આંખેની સંતલસે કહી દીધું હતું : `બેટા, તારી મમ્મીની સ્થિતિમાં કોઈ સુધારો નથી.' પછીનું પણ આંખો વડે ઉમેરી દીધું હતું: મેડિકલ સ્પોટના લીધે જીવે છે. બાકી હરિઈચ્છા બળવાન.'

છતાંય ધીરજલાલ હઠ લઈને બેઠા હતા, જે કરવું પડે તે... પણ ધનલક્ષ્મીનો શ્વાસ ચાલવો જોઈએ.

ધીરજલાલ જે કહેતા-સમજતા હોય, પણ એક-બે સંબંધીઓનું કહેવું સાવ સાચું હતું: `અમે આર્થિક મદદ કરીએ,પણ ક્યાં સુધી? સારું થવાની તો કોઈ શક્યતા જ નથી ને.' પણ તેઓ સમજવા તૈયાર નહોતા. કોઈ નહીં પણ દીકરી-જમાઇ તેમના પગારમાંથી દર મહિને રકમ આપશે ને ધનલક્ષ્મી જીવતાં રહેશે.'

પહેલાં જમાઇના કાને વાત નાખી, ગળાગળા થઈને જણાવ્યું હતું: `તમે જાણો છો, હું ક્યારેય કોઈ પાસે હાથ લંબાવું નહી, પણ...' પછી કહેવું સહેતુક છોડી દીધું હતું. સામે જવાબ મળ્યો હતો: `પપ્પા, તમે જાણો જ છો કે મારે રોકાણ, ઇન્વેસ્ટ વધારે હોય છે. દર માસે રકમ કાઢવી શક્ય નથી.' પછી કડવું સત્ય મોં પર અટકાવી દીધું હતું: `અને મમ્મીને આમ હોસ્પિટલમાં રાખી ક્યાં સુધી જિવાડવાનાં?' આ વેળા દીકરી પણ સામે આવી ઊભી રહી હતી. જમાઇએ તેની સામે જોઈને કહ્યું હતું: `પપ્પા, આપના કહેવા મુજબ મેં સોનલને નોકરી કરવા દીધી છે. તેના પગારનો એક રૂપિયો પણ મેં લીધો નથી.' પછી પોતે હાથ ઊંચા કરતાં કહ્યું: `સોનલ તમને મદદ કરે તો મને કોઈ વાંધો નથી.' જમાઈનું આવું કહેવું ધીરજલાલને તદ્દન વાજબી લાગ્યું હતું.

જ્યારે સોનલ ભણતી હતી ત્યારે તેને સંગીતમાં વધારે રસ હતો. તેનાં રસ-રુચિ ધ્યાને રાખી સંગીત વિશારદ સુધીનો અભ્યાસ કરવા દીધો હતો. પછી જ્યારે સોનલનાં લગ્નનું માગું આવ્યું ત્યારે ધીરજલાલે કહ્યું હતું: `મારી દીકરીએ સંગીતનો સારો અભ્યાસ કર્યો છે, તેની ઈચ્છા મુજબ નોકરી કરવા દેશો એવી અમારી શરત નહીં, પણ વિનંતી છે.' સાસરિયા પક્ષે આ વાત સ્વીકારાઇ હતી. સોનલ સંગીતશિક્ષિકા તરીકે એક સંસ્થામાં નોકરી કરતી થઇ હતી, પણ પછીથી મમ્મીના હોસ્પિટલ ખર્ચની મદદ કરવાની જવાબદારી પોતાના શિરે આવી એ સમજાયા બાદ તેના પગ નીચેથી જમીન સરકવા લાગી હતી ને ઊભા રહેવું ભારે થઇ પડ્યું હતું.

એક બાજુ જનેતા મરણપથારીએ પડી હતી, બીજી મેરુ પર્વત જેવો બાપ આર્થિક અપેક્ષા લઇને સામે ઊભો હતો ને ત્રીજી બાજુ નર્યું વાસ્તવ, જીવનનું સત્ય મગરમચ્છ જેવું મોં ફાડીને ઊભું હતું. આ ત્રિવિધ તાપ વચ્ચે પોતે ભૂંજાઈ રહી હતી. આ વિષમ સ્થિતિમાં શું કરવું, શું કહેવું તે સોનલ માટે પ્રાણપ્રશ્ન થઇ પડ્યો હતો. થયું હતું જીવ નીકળી જાય તો જફા છૂટે, જવાબ આપવાની, પણ એવું શક્ય નહોતું.

છતાંય છાતી પર પથ્થર રાખીને પણ કહ્યા વગર છૂટકો નહોતો. આંખોનાં આંસુ દબાવીને કહેવું પડ્યું હતું: `પપ્પા, તમારા કહેવા ખાતર ને મનને રાજી રાખવા હું નોકરીએ જાઉં છું.' છાતીમાં ડૂમો ભરાઇ ગયો હતો તે હડસેલીને બોલી ગઈ હતી: `સંસ્થાવાળા તો હજાર-પંદરસો પગાર આપે છે. તેમાંથી માંડ વાહનખર્ચ નીકળે છે!' ધીરજલાલ મોં વકાસીને દીકરી સામે જોઈ રહ્યા, પછી કંઈ બોલ્યા વગર ધીમે ધીમે ઘરનો દરવાજો ઓળંગી ગયા હતા.